વિશ્રામ ૨૨
પૂર્વછાયો
જીવન જેતલપુર જવા, વળી ચિત્તમાં કીધો વિચાર;
પરવરતાં ગઢપુર થકી, લીધા પાર્ષદ સંત અપાર. ૧
ચોપાઈ
મહા સમરથ હરિ સાક્ષાત, જાણે ભૂત ભવિષ્યની વાત;
શું છે જેતલપુરમાં થવાનું, નથી તેહ પોતા થકી છાનું. ૨
ઝીંઝાવદર વાલો સિધાવ્યા, સર્વે સત્સંગી કાઠી તેડાવ્યા;
કહે કૃષ્ણ ચાલી શકો જેહ, અમ સાથ તો આવજો તેહ. ૩
દોડવુંયે પડે કોઈ ઠામ, થાકી જાય તેવું નથી કામ;
દરબાર અલૈયા ખાચરનો, હતો ત્યાં ઉતારો હરિવરનો. ૪
સારો સામાન તેણે મગાવી, રસોઈ ભલી ભાત કરાવી;
જમ્યા શ્રીહરિ ને જમ્યા સંત, જમ્યા કાઠિયો પણ મહિમંત. ૫
પછી કાઠીયોયે રુડી પેર, ઘોડાં તો મોકલાવિયાં ઘેર;
ચાલ્યા પાળા થઈ તેહ ટાણે, તેનું કારણ તો કૃષ્ણ જાણે. ૬
ગયા શ્રીહરિ અડવાલ ગામ, તુળજારામ વિપ્રને ધામ;
રંગભીનો જઈ રહ્યા રાત, તેણે સેવા સજી ભલી ભાત. ૭
બળોલે ગયા શ્રીઅવિનાશ, વશરામ ચારણને નિવાસ;
રુડી લીલા કરે હરિરાય, દેખવાને આવે દેવતાય. ૮
કોઠ્ય કેરી બજારમાં થૈને, જન સર્વને દરશન દૈને;
ધોળકે ગયા ધર્મકુમાર, રેવાશંકર કેરે અગાર.1 ૯
ગયા જેતલપુર જગદીશ, અગણિત બ્રહ્માંડના ઈશ;
પાદશાહી મહેલ જોઈ સારો, કર્યો તેમાં શ્રીકૃષ્ણે ઉતારો. ૧૦
મુક્તાનંદ આદિક સહુ સંત, આવ્યા મંડળ સહિત મહંત;
આસોપલ્લવના ઝાડ પાસ, સભા સારી રચે અવિનાશ. ૧૧
પ્રેમે સદ્ગુરુઓ પૂજા કરે, નિરખી છબી અંતરે ધરે;
દેશદેશના હરિજન આવ્યા, તે તો ભેટ ભલી ભલી લાવ્યા. ૧૨
આનંદાદિક સ્વામીને કહ્યું, લાવો યજ્ઞનો સામાન બહુ;
ભૂમિ તો કરી સ્વચ્છ વળાવી, કુંડ મંડપ વેદી કરાવી. ૧૩
ઘૃત ખાંડ ને ઘૌં તો મંગાવ્યાં, ભક્તો ગાડાં ભરી ભરી લાવ્યા;
જે જે જોઇયે વસ્તુ જરૂર, તે તે લાવી ભરી ભરપૂર. ૧૪
ચારે વેદના વિપ્ર તેડાવ્યા, અતિ હર્ષ સહિત એહ આવ્યા;
ઉમરેઠમાં શ્રીજી સિધાવ્યા, નંદુભાઈએ ત્યાં જ તેડાવ્યા. ૧૫
કરી પૂજા પુરો ધરી પ્યાર, રુપૈયા તો આપ્યા શત બાર;2
રહ્યા ત્યાં પ્રભુજી એક રાત, આવ્યા જેતલપુર જગતાત. ૧૬
જયાબાઈ આદિક ગઢપુરથી, આવ્યાં આનંદ ધારીને ઉરથી;
થયો યજ્ઞસામાન તૈયાર, ચોખા વચમાં દિવસ રહ્યા ચાર. ૧૭
ત્યારે શ્રીપુરના જને આવી, ઘણી શ્રીજીને વિનતિ સુણાવી;
ચાલો શ્રીહરિ શ્રીપુર માંહી, રહી બે દિન આવજો આંહીં. ૧૮
પ્રમાણિકા છંદ
નમામિ સંતનાયકં, સદૈવ સૌખ્યદાયકં;
અનેક વિશ્વકારણં, સુધર્મધૌર્ય ધારણં. ૧૯
કુપંથગ્રંથ ખંડનં, સ્વકીય માર્ગખંડનં;
નમામિ મુક્તઅર્ચિતં, સુચંદનાદિ ચર્ચિતં. ૨૦
નમો ભવાબ્ધિપારદં, સમસ્ત શાસ્ત્રસારદં;3
નમો નરાકૃતિધરં, અપાર ઈશ્વરેશ્વરં. ૨૧
સુરારિગર્વ ગંજનં, સ્વભક્ત ભીતિભંજન;
મનોવિકાર ભંજનં, નમો નમો નિરંજન. ૨૨
પયોજપત્ર લોચનં, મનોજમાન મોચનં;
નમામિ વિઘ્નવારણં, મદાંધદુષ્ટ મારણં. ૨૩
સુધૌતવસ્ત્રસંધૃતં,4 સમૂર્ધ્વપુંડ્રકંકૃતં;
પદાબ્જભક્તપાલકં,5 ભજામિ ભક્તિબાલકં. ૨૪
ચોપાઈ
પ્રભુ શ્રીપુર માંહી પધારો, અમને અતિ હરખ વધારો;
સુણી શ્રીહરિ ઉત્તર દે છે, રાજના જન દ્વેષ કરે છે. ૨૫
તમે જાણો છો તે તો બધાય, માટે ત્યાં હમણાં ન અવાય;
યજ્ઞ આ પૂરો થાય ન થાય, તેનું પણ નકી કહી ન શકાય. ૨૬
શાર્દૂલવિક્રીડિત
એવાં વેણ સુણી હરિમુખ તણાં ભક્તો ઉદાસી થયા,
આશાભંગ ઉમંગભંગ થઈને દુઃખી દિલે થૈ ગયા;
જાણું યજ્ઞ ન જો થશે પ્રભુ જશે ક્યાંથી સમૈયો થશે,
ઇચ્છા અંતરની બધી રહિ જશે હોનાર એવું હશે. ૨૭
ચોપાઈ
એવામાં તો બની એક વાત, કહું તે તમે સાંભળો ભ્રાત;
ચલોડા ગામમાં જીતબાઈ, સતસંગમાં શ્રેષ્ઠ ગણાઈ. ૨૮
લલિતા ને જયાબાઈ જેવી, ઉપમા એને આપિએ એવી;
મંદવાડ સુણ્યો એને અંગ, ગયા દર્શન દેવા શ્રીરંગ. ૨૯
ભાઉ સાહેબ શ્રીપુર માંય, પેશવાનો સુબો કહેવાય;
એને જૈને કહે જન અજ્ઞ,6 કરે છે સહજાનંદ જજ્ઞ. ૩૦
જો તે જજ્ઞ પુરેપુરો થાશે, રાજ્ય પેશવાનું નકી જાશે;
કર્યો પ્રથમ જગન એહ જ્યારે, તવ તાત મુવા તેહ વારે. ૩૧
જજ્ઞ આ જો પૂરો હવે થાશે, નકી જીવ તમારો જ જાશે;
એવું સાંભળી હરિને પકડવા, જજ્ઞ ભંગ કરીને કનડવા.7 ૩૨
મોટી ફોજ તેણે મોકલાવી, એ તો જ્યારે જેતલપુર આવી;
પુછ્યું સ્વામિનારાયણ ક્યાં છે, કહ્યું આંહિથી ક્યાંઈ ગયા છે. ૩૩
પત્તો લાગ્યો પ્રભુનો ન જ્યારે, ફોજ પાછી વળી ગઈ ત્યારે;
આવ્યા જેતલપુર જગતાત, મુક્તાનંદે કહી બધી વાત. ૩૪
પછી ખેડે ગયા મહારાજ, અંગરેજનું ત્યાં હતું રાજ;
કલેક્ટરને કહ્યું જઈ હરિયે, કરો મદદ તો ત્યાં જજ્ઞ કરીએ. ૩૫
ત્યારે સાહેબે એમ ઉચ્ચાર્યું, નથી જેતલપુર તો અમારું;
ખેડામાં જો કરો જજ્ઞ તમે, કરિએ તો સહાયતા અમે. ૩૬
મળ્યા એરણ સાહેબ નામ, મળ્યા રોબટ પણ તેહ ઠામ;
મળ્યા ડુગલ સાહેબ તે ટાણે, સર્વ શ્રીહરિને તે વખાણે. ૩૭
કહ્યું ધર્મ ચલાવો છો સાર, તજાવો છો ચોરિ વ્યભિચાર;
નિંદો છો મધુપાનનો8 રાહ, એથી થાય છે ઓછા ગુનાહ. ૩૮
જે જે થાય છે દાસ તમારા, તે તો સુધરીને થાય છે સારા;
પ્રશંસા તો એવી ઘણી કીધી, તે તો શ્રીજીએ સાંભળી લીધી. ૩૯
આનંદાનંદને તેહ વાર, કહાવ્યા પ્રભુએ સમાચાર;
યજ્ઞ ત્યાં આ સમે નહીં થાય, સર્વ સંઘને કરજો વિદાય. ૪૦
આદિ જુગમાં અસુર બહુ ફરતા, તે તો જજ્ઞ તણો ભંગ કરતા;
જજ્ઞ ભંગ કરે જ્યારે રાય, તેને પાપે તેનું રાજ્ય જાય. ૪૧
પેશવાના સુબા આજ જે છે, મહાયજ્ઞનો ભંગ કરે છે;
તેનું ફળ તો તરત તેને થાશે, જાણજો કે તેનું રાજ્ય જાશે. ૪૨
કાળ આવે વિનાશનો જ્યારે, ઉપજે બુદ્ધિ વિપરીત ત્યારે;
અભ્યાગત કોઈ આવે એ ઠાર, અન્ન દેજો તેને શેર ચાર. ૪૩
નવું વસ્ત્ર દેજો નવ હાથ, રાજી કરજો અભ્યાગત સાથ;
એમ કહાવીને શ્યામ સુજાણ, દીનબંધુ પધાર્યા ડભાણ. ૪૪
રાયજીના કુબેરજી તાત, ઉતર્યા તેને ઘેર નરભ્રાત;
મેડી ઉપર શ્રીમહારાજે, રાખ્યો ઉતારો એકાંત કાજે. ૪૫
માલ જેતલપુરથી મગાવ્યો, એ તો અભ્યાગતોને અપાવ્યો;
અન્ન પ્રત્યેકને શેર ચાર, નવ હાથનું દે વસ્ત્ર સાર. ૪૬
ત્યાં તો સુરતનો સંઘ આવ્યો, પ્રભુ પૂજવા સામાન લાવ્યો;
આવ્યા મલ્લ ત્યાં તો ગંગારામ, સૌએ પુજીયા શ્રીઘનશ્યામ. ૪૭
ગયા બુધેજમાં બહુનામી, રહી રાત ચાલ્યા સુખધામી;
દેતા દાસને દર્શન દાન, ગઢડે ગયા ગુણના નિધાન. ૪૮
ગઢપુરમાં રહી જગદીશે, સુખ દાસને દીધાં અતિશે;
દેહો ખાચર ને મીણબાઈ, કરિયાણેથી આવીયાં ધાઈ. ૪૯
ભલો ભાવ અંતર માંહી ધારી, પ્રભુ આગળ અરજ ઉચારી;
ફુલડોલ ઉત્સવ એહ ટાણે, કૃપાનાથ કરી કરીયાણે. ૫૦
પછી આશ્રિતજન બહુ લૈને, કર્યો ઉત્સવ કરીયાણે જૈને;
કેસુડાં ને કેસર તણે રંગે, રમ્યા શ્રીહરિ સૌ જનસંગે. ૫૧
દેહા ખાચરને ભાવ આવ્યો, સારો પોશાક પ્રભુને ધરાવ્યો;
જામો સોનેરી ને સુરવાળ, કડાં સોનેરી કરમાં વિશાળ. ૫૨
એહ પોશાક લઈને મુનીશ, અલૈયાને આપ્યો બખશીશ;9
કહ્યું એ જ સદા અંગે ધરજો, દેવા ઉપદેશ દેશમાં ફરજો. ૫૩
થઈ ત્યાં તો રસોઈ તૈયાર, જમ્યા જુક્તિથી જગકરતાર;
પ્રભુ પીરસી જમાડીયા સંત, જમ્યા હરિજન પણ ત્યાં અનંત. ૫૪
જે જેકાર કરી જગરાય, સર્વ સંઘને કીધા વિદાય;
ગઢપુર ગયા શ્રીગિરધારી, ભક્તિનંદન ભવભયહારી. ૫૫
ગઢપુર અને ઉન્મત્તગંગ, એથી તીર્થ ન કોઈ ઉતંગ;10
છપૈયે જનમ્યા અવિનાશ, કર્યો ગઢપુર માંહી નિવાસ. ૫૬
ગઢપુરમાં ફર્યા ઘેર ઘેર, કરી પાવન પૃથ્વિ એ પેર;
રજ ગઢપુર સીમની જેહ, કરી સર્વ પ્રસાદીની તેહ. ૫૭
દોહરો
ઘેલા સમ તીરથ નહીં, ગઢપુર સમ નહિ ધામ;
ગોપીનાથ સમ દેવ નહીં, શ્રીહરિ સમ નહિ નામ. ૫૮
ચોપાઈ
માટે તે ધામનો મહિમાય, સરવોપરિ શ્રેષ્ઠ ગણાય;
બીજું ધામ વળી વરતાલ, મહાશ્રેષ્ઠ જાણો મહીપાળ. ૫૯
વળી શ્રીજી બોલ્યા છે વચન, સુણો હેતથી સૌ હરિજન;
હરિનવમી પ્રબોધની માંય, જાવું સૌ જને જાત્રાયે ત્યાંય. ૬૦
મારી આજ્ઞાને જો અનુસરો, બે સમૈયા તે વરતાલે કરો;
એવી આજ્ઞા હમેશની કીધી, સૌએ સ્નેહથી દિલ ધરી લીધી. ૬૧
વળી વરતાલમાં ઘણી વાર, રહ્યા આવીને ધર્મકુમાર;
બેય આચાર્ય આ સ્થળે સ્થાપ્યા, દેશના ભાગ બે કરી આપ્યા. ૬૨
શિક્ષાપત્રી જે ધર્મનો સાર, રચી તે વરતાલ મોઝાર;
મુખ્ય દેવ અને મુખ્ય ગાદી, લખ્યા લમિનારાયણ આદિ. ૬૩
માટે વરતાલનો મહિમાય, ગણતાં તે ગણી ન શકાય;
બીજાં જે જે પ્રસાદીનાં ગામ, વળી જ્યાં વિચર્યા ઘનશ્યામ. ૬૪
કર્યાં ચારુ ચરિત્ર તે ઠાર, સંભળાવું સ્મૃતિ અનુસાર;
એક અવસરે શ્રીગિરધારી, વરતાલ જવાનું વિચારી. ૬૫
સુખામંડળ ને ઘણા સંત, સાથે લૈને ચાલ્યા ભગવંત;
ગયા ઝીંઝાવદર જગદીશ, આપ કોટિ બ્રહ્માંડ અધીશ. ૬૬
રહે અલૈયો ખાચર ત્યાંય, ઉતર્યા તેના દરબાર માંય;
તાત તેહનો સદગુણધામ, તેનું સામત ખાચર નામ. ૬૭
નામ માતાનું માંગલબાઈ, જેઠસુર અલૈયાનો ભાઈ;
જેઠસુરની નારીયો બેય, દેવુબાઈ બિજી રાણદેય. ૬૮
તેના સામત આલીગ પુત્ર, સારું શોભે તેથી ઘરસૂત્ર;11
ખીમ વાલ ને સૂમરી બાઈ, ત્રણ પુત્રીયો તે પણ ડાઈ. ૬૯
ભક્ત અલૈયે લગ્ન ન કીધું, ઊર્ધ્વરેતા તણું વ્રત લીધું;
આખું કુટુંબ ઈશ્વર ભજે, તન મનથી કુસંગને તજે. ૭૦
સૌયે શ્રીહરિની સજી સેવા, ભલો લાવ અલૌકિક લેવા;
ભોજ ટાંક નામે ભલા ભક્ત, અતિશે હરિચરણે આસક્ત. ૭૧
તેની સુંદરી12 સાવલબાઈ, સતસંગી તે તેથી સવાઈ;
તેહ દંપતિએ શુભ પેર, તેડ્યા જમવાને જીવન ઘેર. ૭૨
સાથે લૈ સહુ પાર્ષદ સંત, તેને ભવન ગયા ભગવંત;
શુદ્ધ બ્રાહ્મણે કીધી રસોઈ, જમ્યા જીવન સદ્ભાવ જોઈ. ૭૩
પછી સંતની પંગત થઈ, પીરસ્યું પ્રભુએ પોતે જઈ;
ફળીયા વચે લીંબડા તળે, સભા સારી સજી તેહ પળે. ૭૪
ભોજે પૂજિયા શ્રીભગવંત, શેષ ચંદને અર્ચિયા સંત;
વધ્યું ચંદન પાત્રમાં જેહ, હરિએ લીધું હાથમાં તેહ. ૭૫
અરચા કરી તે લીંબડાને, સંતે પૂછિ તે વાત વાલાને;
કેમ ઝાડને અરચા કરી, સુણી હેતથી બોલિયા હરિ. ૭૬
જોગી જોગથી ભ્રષ્ટ થયેલો, તેથી વૃક્ષનો દેહ ધરેલો;
પૂજ્ય જાણીને પૂજિયો એહ, થાશે મુક્ત જ્યારે તજે દેહ. ૭૭
સુણિ સૌ જન વિસ્મિત થયા, પછી શ્રીહરિ ઉતારે ગયા;
ઝીંઝાવદરમાં તેહ કાળે, ઘણી લીલા કરિ છે કૃપાળે. ૭૮
પુષ્પિતાગ્રાવૃત્ત
લલિત વિવિધ કૃષ્ણ કેરિ લીલા, હૃદય ધરે હરિભક્ત જે રસીલા;
સુણિ સુણિ ઉર ધારિ લેય જેમ, ચિત અતિ ચાહ13 વધે વિશેષ તેમ. ૭૯
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્ય વિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
જયતલપુરે-યજ્ઞભંગનિરૂપણનામ દ્વાવિંશો વિશ્રામઃ ॥૨૨॥