વિશ્રામ ૨૩
પૂર્વછાયો
ઝીંઝાવદરથી સંચરી, ગયા સારંગપુર ઘનશ્યામ;
ત્યાંથી ગયા ગુજરાતમાં, કરતાં વચે વિશ્રામ. ૧
ચોપાઈ
થોડા દિવસમાં દીનદયાળ, પહોંચ્યા ખેડે જનપ્રતિપાળ;
વાટે કૈકનાં કરતા કલ્યાણ, દીનબંધુ પધાર્યા ડભાણ. ૨
સૂતાં બેસતાં સરવે કાળ, વાલો સંભારે છે વરતાલ;
જેમ ઘરને સંભારે પ્રવાસી, એમ વરતાલને અવિનાશી. ૩
દીઠાં વરતાલનાં ઝાડ જ્યારે, બહુ રાજી થયા પ્રભુ ત્યારે;
નારાયણગરના મઠ માંય, ઉતર્યા વાલો આવીને ત્યાંય. ૪
નેણે નિર્ખીને શ્રીઅવિનાશી, હરખ્યા વરતાલના વાસી;
ઘેર ઘેર જઈ જનપાળ, જમ્યા થાળ સ્વજનપ્રતિપાળ. ૫
કથા વારતા નિત્ય કરે છે, દાન જ્ઞાનનું દૈવીને દે છે;
થાય બ્રહ્મઆનંદની એલી, સૌને હૃદયે રહ્યો રંગ રેલી. ૬
રામનવમીનો ઉત્સવ કીધો, લાવો સૌ સતસંગીએ લીધો;
એ જ એકાદશી પૂર્ણમાસી, કરી વરતાલમાં અવિનાશી. ૭
પછી ચાલવા કીધી તૈયારી, ત્યારે વિનતિ કરે નરનારી;
વાલા આંહિ સદાકાળ વસો, કદી દૃષ્ટિથી દૂર ન ખસો. ૮
કરો આ સ્થળે આપનું ધામ, સરવોપરિ સુંદરશ્યામ;
એમ સૌને સ્નેહાતુર જાણી, વૃષનંદન બોલિયા વાણી. ૯
તમે સૌ જન ધીરજ ધારો, વળી વિશ્વાસ રાખો અમારો;
મોટું ધામ આ ઠામ કરીશ, સર્વ ધામમાં મુખ્ય ગણીશ. ૧૦
સુણી વાલાનાં એવાં વચન, થયાં શાંત સકળ જનમન;
પછી ચાલિયા શ્રીજી ને સંત, ગયા બુધેજમાં બળવંત. ૧૧
ગયા ત્યાં થકી ગોરાડ ગામ, ત્યાંથી ગઢડે ગયા ઘનશ્યામ;
રહ્યા રસ્તે જહાં જહાં રાત, તેની વિસ્તારી જો કહું વાત. ૧૨
વધે ગ્રંથનો બહુ વિસતાર, આખી ઉંમરે આવે ન પાર;
માટે તે મુખ્ય ગામનાં નામ, તમને સંભળાવ્યાં આ ઠામ. ૧૩
ગઢપુર માંહિ શ્રીગિરધારી, વસ્યા વાસ સ્વધામને ધારી;
વળી એક સમે વૃષલાલ, જવા ઇચ્છા કરી વરતાલ. ૧૪
સાથે લૈ નિજ સંતસમાજ, ચાલ્યા ગઢપુરથી મહારાજ;
વાટે નિજજનનું ગામ આવે, દૈને દર્શન સુખ ઉપજાવે. ૧૫
દેતા દર્શન જનપ્રતિપાલ, પછી વાલો આવ્યા વરતાલ;
આસપાસના ગામોમાં ફરિયા, દૈવી જીવને ઉપદેશ કરિયા. ૧૬
સૌએ આંબાનો અવસર જોઈ, રસરોટલી દીધી રસોઈ;
એહ આંબાનાં ભાગ્ય અપાર, જેનાં ફળ જમ્યા જગતઆધાર. ૧૭
વરતાલમાં શ્રી વૃષલાલે, રથજાત્રા કરી તેહ કાળે;
આસપાસના હરિજન આવ્યા, સૌને આનંદ ઉર ઉપજાવ્યા. ૧૮
સિધાવ્યા વરતાલથી શ્યામ, રહ્યા જ્યાં ગામ લીંબાશી નામ;
ત્યાંથી કૌકે ગયા કરતાર, ગયા ખસતે ભુવનભરતાર. ૧૯
ગયા બોટાદમાં બહુનામી, ત્યાંથી ગઢપુરમાં ગયા સ્વામી;
થોડા દિવસ રહી તેહ ટાણે, કૃપાસિંધુ ગયા કરિયાણે. ૨૦
જન્મ અષ્ટમી ઉત્સવ જેહ, તેનો આદર ત્યાં કર્યો તેહ;
સંતદાસજી સંત સુજાણ, એવે અવસરે આવ્યા ડભાણ. ૨૧
બદરીકાશ્રમે રહેનાર, ઘણાં તીર્થ વિષે ફરનાર;
શતાનંદમુનિ પણ નામ, કરે સંસ્કૃત કાવ્યનું કામ. ૨૨
ગાય પ્રગટ પ્રભુનાં ચરિત્ર, જેની વાણી છે પરમપવિત્ર;
સતસંગિજીવન ગ્રંથ જેહ, રચનાર શતાનંદ તેહ. ૨૩
ધરે શ્રીહરિનું સદા ધ્યાન, ભુલી જાય તે દેહનું ભાન;
ફરે ક્યારે દિગંબર થૈને, બેસે ક્યારે એકાંતમાં જઈને. ૨૪
જળથળમાં ગમે ત્યાં સિધાવે, આવરણ કશું આડું ન આવે;
દૃષ્ટિ આગળ મૂર્તિ દેખાય, પળ એક ન દૂર પળાય.1 ૨૫
સ્વરૂપાનંદ આદિક જેહ, હતા સંત ડભાણમાં તેહ;
તેની પાસે ગયા સંતદાસ, ઉરમાં હરિ દર્શન આશ. ૨૬
રહ્યા ત્યાં સંતદાસજી રાત, સાધુએ કહી શ્રીજીની વાત;
સંતમંડળ સાથે તે સંત, ગયા કરિયાણે ત્યાં ભગવંત. ૨૭
દીઠા દૂરથી જ્યાં ઘનશ્યામ, દંડવત કર્યા સૌએ પ્રણામ;
સર્વ બાઇયોને કહે હરી, સંતદાસ થકી રહો પરી.2 ૨૮
તનનું ભાન તો નથી તેને, અડી બેસે રખે કોઈ એને;
એવાં વચન તે સાંભળી લઈ, વનિતા સહુ વેગળી ગઈ. ૨૯
સંતદાસજીને સંતનાથ, ભેટ્યા હેત ધરી ભીડી બાથ;
વીશ પગલાં હઠ્યા સંતદાસ, પાંચ વાર આવ્યા પ્રભુ પાસ. ૩૦
કરે ગાયનું વત્સ હિંસોરા, તેમ દોડિને આવે સજોરા;3
દંડવત પડી કરતાં પ્રણામ, આવે પ્રેમનાં આંસુ એ ઠામ. ૩૧
અતિશે થાય રોમાંચ ગાત્ર,4 તે તો જઈ રહે જન માત્ર;
સંતદાસજીનો પ્રેમ જેવો, અન્ય કોઈ તણો નહિ એવો. ૩૨
મળ્યા જોવાને હરિજન સંત, બીજા જન પણ આવ્યા અનંત;
દંડવત કરતા સંતદાસ, તેને જોઈ બોલ્યા અવિનાશ. ૩૩
દંડવત કરવાની ખચીત,5 વિશાળામાં છે. આવી જ રીત;
પછી તેઓને બેસાડી પાસે, પેંડા ખાવા આપ્યા અવિનાશે. ૩૪
તેણે પેંડાનો બાચકો ભર્યો, મુખમાં એક વાર જ ધર્યો;
પેંડા ખાતાં ફાવ્યા નહીં જ્યારે, આપ્યો હરિએ ભુકો કરી ત્યારે. ૩૫
ખવરાવિયો ભૂકો બશેર, તોય ખાય તે તો તે જ પેર;
એવું ભાળી બોલ્યા ભગવાન, નથી ભુખ્યા ધરાયાનું ભાન. ૩૬
પછી પેંડા તે બંધ રખાવ્યા, હતા ઝાઝા પાછા મોકલાવ્યા;
સુરે ખાચરે ધારીને પ્રેમ, સંતદાસજીને પૂછ્યું એમ. ૩૭
સંતને સુરો ખાચર પુછે, બદરીકાશ્રમે કહો શું છે?
સંતદાસ કહે આંહીં જે છે, તત્ત્વનું તત્ત્વ જાણજો તે છે. ૩૮
આથી અધિક નથી કોઈ ઠામ, ભલે જૈ જુઓ અક્ષરધામ;
સૂરે ભક્તે પુછ્યું વળી એમ, તમે ત્યાં ઘણું જાઓ છો કેમ? ૩૯
સંતદાસજી બોલિયા ત્યાંયે, નથી જાતો હું મારી ઇચ્છાયે;
મૂરતી મુજ આગળ થાય, મને દોરીને ત્યાં લઈ જાય. ૪૦
સંતદાસની સાંભળી વાત, થયા હરિજન સૌ રળિયાત;
શ્રીજી સર્વોપરી પરમેશ, તેમાં સંશય નવ રહ્યો લેશ. ૪૧
શ્રીજીની દિવ્ય મૂર્તિ રુપાળી, સંતદાસની આગળ ચાલી;
સંતદાસ ગયા કેડ્યે કેડ્યે, નદી ઉતરીને સામી તેડે. ૪૨
જીવો ખાચર ગઢડેથી આવ્યા, તેને શ્રીજીએ સ્નેહે બોલાવ્યા;
જીવો ખાચર શ્રીહરિ પાસ, બોલ્યા અંતરે થૈને ઉદાસ. ૪૩
સંતદાસનાં દર્શન કાજ, હું તો ગઢડેથી આવ્યો છું આજ;
તેનાં દર્શન માટે ન થયાં, કોણ જાણે તે કેટલે ગયા. ૪૪
જેનાં ભાગ્ય ભલાં વખણાય, તેને એવાનાં દર્શન થાય;
બોલ્યા એમ નેણે નીર લાવી, દયાસિંધુને દિલ દયા આવી. ૪૫
જે દિશામાં ગયા જ્ઞાનવાન, નિજ આંગળીએ કરી સાન;
સંતદાસને પાછા બોલાવ્યા, થોડી વારમાં તે પાછા આવ્યા. ૪૬
જીવા ખાચરે દર્શન કીધું, નિજ ભાગ્ય ભલું ગણી લીધું;
બ્રહ્મચારીએ ત્યાં કર્યો થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ. ૪૭
સંતોને પીરશીને જમાડ્યા, કુષ્ણે સૌને સંતોષ પમાડ્યા;
સાંજે શ્રીહરિ ઘોડીએ ચડી, ગયા પાદરમાં તેહ ઘડી. ૪૮
ઘોડીને કુંડે નાંખી6 ખેલાવી, બહુ ચંચળતાથી ચલાવી;
કહે કાઠીયો સૌ એવું જોઈ, આમ ખેલાવી જાણે ન કોઈ. ૪૯
નવી લીલા એવી રિતે કરી, પૂર માંહી પધારીયા હરી;
સંતદાસને શ્રીજીએ ત્યાંય, રાખ્યા પાંચ દિવસ પુરમાંય. ૫૦
પછી તો બદરીપતિ પાસ, મોકલ્યાથી ગયા સંતદાસ;
જનમાષ્ટમી ઉત્સવ જાણી, આવ્યા સંઘ ઘણા હર્ષ આણી. ૫૧
મુક્તાનંદ આદિક મુનિ આવ્યા, સાથે સંતનાં મંડળ લાવ્યા;
અતિ ઉત્તમ ઉત્સવ કીધો, સૌએ લાવ અલૌકિક લીધો. ૫૨
આવેલા હતા સારંગપુરથી, હરિભક્ત હરખ ધરી ઉરથી;
જીવો ખાચર સદગુણધામ, બીજા રાઠોડ ધાધલ નામ. ૫૩
એહ આદિક સતસંગી સાથ, હરિ પાસે બોલ્યા જોડી હાથ;
પ્રભુ સારંગપુરમાં પધારો, સૌના મનમાં આનંદ વધારો. ૫૪
કહે શ્રીહરિ ઘર જે તમારાં, પડી જાય એવાં છે નઠારાં;
માટે ત્યાં અમે કેમ અવાય, કોઈ સંતને સંકટ થાય. ૫૫
તોય આગ્રહ કીધો અતીશે, દયા દિલમાં ધરી જગદીશે;
સખપર થઈને ઘનશ્યામ, ગયા સારંગપુર સુખધામ. ૫૬
ઉતર્યા જીવા ખાચર ઘેર, તેની પત્નિને પુછ્યું સુપેર;
જીવો ખાચર તે કહો ક્યાં છે, કહ્યું બાઈએ બોટાદમાં છે. ૫૭
સમૈયેથી જે સત્સંગી આવ્યા, એ તો એવા સમાચાર લાવ્યા;
હશે બોટાદમાં કાંઈ કામ, આવતાં ઠર્યા7 તેથી તે ઠામ. ૫૮
જીવા ખાચરને તેડવાને, મોકલ્યો હાજાને ભગવાને;
હાજો જીવા ખાચરની પાસ, પોતે ચાલ્યો ધરિને હુલાસ. ૫૯
જાય કુદતો હનુમાન જેમ, હાજો ભરવાડ ચાલીયો તેમ;
હાજો હીમત રાખી સિધાવ્યો, જીવા ખાચરને તેડી લાવ્યો. ૬૦
જીવો ભક્ત કહે અહો સ્વામી, ભલે આવિયા અંતરજામી;
એમ કહીને બેઠા પ્રભુ પાસ, બેઠા બીજા ઘણા હરિદાસ. ૬૧
પુષ્પિતાગ્રાવૃત્ત
ગુણનિધિ કરિયાણા ગામ કેરું, ઉદય થયું સદભાગ્ય તે ઘણેરું;
નિજસહ જનવૃંદ લૈ ઘણાય, કરિ જનમાષ્ટમિ શ્રીજિએ જણાય. ૬૨
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
કરિયાણાગ્રામે-અષ્ટમ્યુત્સવનામ ત્રયોવિંશતિતમો વિશ્રામઃ ॥૨૩॥