વિશ્રામ ૨૪
પૂર્વછાયો
કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપ ધરીને સ્નેહ;
સારંગપુરમાં શ્રીજીયે, કરિ લીલા કહું હવે તેહ. ૧
ચોપાઈ
એવામાં હતી વૃષ્ટિની તાણ, પશુ ઘાસ વિના તજે પ્રાણ;
હરિભક્ત ભેળા સહુ થૈને, કરી વિનતિ પ્રભુ પાસ જઈને. ૨
દયાસિંધુ દયા દિલ આણો, પ્રાણી પીડા પામે છે તે જાણો;
ઇન્દ્ર આદિક દેવતા જે છે, આપના વશમાં સર્વ એ છે. ૩
તમથી દિલમાં સહુ ડરે, કરો આજ્ઞા તો વૃષ્ટિ તે કરે;
સુણી ધર્મસુતે દયા ધરી, પછી ચોક વચ્ચે સભા કરી. ૪
ઢોલિયો ગાડા ઉપર ઢળાવી, બેઠા તે પર શ્રીહરિ આવી;
ધ્યાન પોતાનું સૌને ધરાવ્યું, ભલી ભાતથી ભજન કરાવ્યું. ૫
કર જોરથી તાળી વજાડી, નારાયણધુનિ સૌએ ઉપાડી;
એવામાં તો ઈશાનમાં ભ્રાત્ર,1 ચડી વાદળી ગોપદમાત્ર.2 ૬
દીઠી સૌએ પ્રથમ છેક છોટી, પણ ચડતી થતી આવિ મોટી;
આખો એથી છવાયો આકાશ, ચમકે વીજળી ચારે પાસ. ૭
ઘણી ગર્જના થૈ ઘન કેરી, પછી થૈ તહાં વૃષ્ટિ ઘણેરી;
નિરખી હરખ્યાં નરનાર, કહ્યો કૃષ્ણનો જય જયકાર. ૮
પોઢ્યા ઓરડામાં પ્રભુ રાતે, જીવો ભક્ત સેવે ભલી ભાતે;
ઇન્દ્રને હરિએ ધમકાવ્યો, નોતું વરસવું ને વરસાવ્યો. ૯
તેથી ક્રોધ ચડ્યો ઘણો તેને, જાણે બોળી મારું આજ એને;
જેમ વ્રજ પર રીસ ચડાવી, ઇન્દ્રે વૃષ્ટિ કરી અતિ આવી. ૧૦
થાય આકાશ માંહી કડાકા, ભારે તોપના જેવા ભડાકા;
થાય વીજળીના ચમકારા, જાણે વરસતા હોય અંગારા. ૧૧
પ્રલેકાળ ભયંકર ભાસે, તેથી માણસનાં મન ત્રાસે;
વરસે મેઘ મુશળધાર, જાણે આવ્યા ચડી મેઘ બાર. ૧૨
નીર નેવમાં તો ન સમાય, આખા ઘરમાં પાણી પાણી થાય;
પાડોસે ઘર પડવાને લાગ્યાં, કળાહોળ થઈ જન જાગ્યાં. ૧૩
જીવા ખાચરનું ઘર જેહ, પડવા માંડ્યું તે સમે તેહ;
કહે શ્રીજી કહ્યું હતું તમને, તમે તેડી જાશો નહીં અમને. ૧૪
તોય માની નહીં તમે વાત, જુઓ કેવો થયો ઉતપાત;
હવે આ ઘર તો નકી પડશે, ત્યારે માગ જવાનો ન જડશે. ૧૫
કહે ભક્ત સુણો હરિ તમે, નવી ડેલી ચણાવી છે અમે;
માટે તેને મેડે તમે ચાલો, સુણી ત્યાં ગયા ધર્મનો લાલો. ૧૬
ત્યારે ઘર તો બધું પડી ગયું, ડેલીમાં પણ રસબસ થયું;
પ્રેમી જનનો પરખવાને પ્રેમ, એવે ટાણે બોલ્યા હરિ એમ. ૧૭
ક્ષુધા તો લાગી છે બહુ અમને, કહું વાત ખરેખરી તમને;
વર્ણિ પાસે રસોઈ કરાવો, અમને જમવા પીરસાવો. ૧૮
એવું સાંભળીને નરનારી, ઘણી અંતરે ધીરજ ધારી;
જોયા ચૂલા તો પલળી ગયેલ, રસબસ છાણાં કાષ્ટ થયેલ. ૧૯
કોઠી ભાંગી નવા ચૂલા કર્યા, ભાંગી ખાટલો છોડીયાં કર્યાં;
વર્ણિ પાસે રસોઈ કરાવી, સ્નેહે શ્રીહરિને તે ધરાવી. ૨૦
ભક્તનો એવો ભાવ નીહાળી, રુદયામાં રીઝ્યા વનમાળી;
ડેલીનો મેડો પડવાને લાગ્યો, ત્યારે જનમનમાં ભય જાગ્યો. ૨૧
જીવો ખાચર ત્યારે કહે છે, દેવો ખાચર પાસે રહે છે;
તેણે ઘર તો કરાવ્યું છે નવું, માટે હમણાં તમારે ત્યાં જવું. ૨૨
ત્યારે શ્રીહરિ તતપર થયા, દેવા ખાચરને ઘેર ગયા;
જીવા ખાચરની પડી ડેલી, તોય ધીરજ તેણે ન મેલી. ૨૩
તેને જ્યાન3 ઘણું થવા લાગ્યું, પ્રભુ પાસે ન રક્ષણ માગ્યું;
પ્રેમભક્તિ જેને પ્રિય લાગે, તે તો માયિક સુખ ન માગે. ૨૪
વિત્યો દિવસ પડી ગઈ રાત, એવામાં તો બની એક વાત;
વૃષ્ટિયે તો ન લિધો વિરામ, પડે ઘર પલળી ઠામઠામ. ૨૫
લખો દેવો પાટીદાર ભાઈ, હરિભક્ત ભલા ગામમાંઈ;
તેનું ઘર તો પડ્યું મધ્ય રાતે, દબાયાં તેમાં ઢોર હતાં તે. ૨૬
તથા માણસો ઘરનાં દબાયાં, છૈયાં છોકરાં પણ ન રખાયાં;
બુમો પાડી બહુને બોલાવ્યાં, પણ માણસ કોઈ ન આવ્યાં. ૨૭
વરસાદની ગર્જના થાય, સાદ કોઈનો નહિ સંભળાય;
નહીં કોઈને જીવ્યાની આશ, રાખે પરનો ત્યાં કોણ તપાસ. ૨૮
પ્રભુની ત્યારે પ્રાર્થના કરી, કરો આવી સહાયતા હરી;
ઊંચો મોભ રહ્યો એક ટકી, પડી જાશે એ તે તહાં થકી. ૨૯
ઘરનાં જન સૌ મરી જાશે, બીજું પણ બહુ નુકશાન થાશે;
તમે કૈક છોડાવીયાં દુઃખથી, છોડાવ્યા ગજ ગ્રાહના મુખથી. ૩૦
તમે પક્ષીનાં બચ્ચાં બચાવ્યાં, ગજઘંટની હેઠે રખાવ્યાં;
લાખાગૃહમાં પુરી સળગાવ્યા, તમે પાંડવોને ત્યાં બચાવ્યા. ૩૧
બુડતાં હરિભક્તનાં વહાણ, તમે તાર્યાં તે શ્યામ સુજાણ;
નાવ બોળત મહાનદી નીર, તમે ઉગારિયા રઘુવીર. ૩૨
તમે દ્રૌપદીની રાખી લાજ, એવાં એવાં કર્યાં ઘણાં કાજ;
દીનબંધુ દયા દીલ ધરો, આજ મારી સહાયતા કરો. ૩૩
કોપ્યો વ્રજ પર દેવનો નાથ,4 તમે ધાર્યો ગોવર્ધન હાથ;
એવી રીતે પધારીને આજ, મારી રક્ષા કરો મહારાજ. ૩૪
આવે વહારે આવું દુઃખ જોઈ, તમ વગર નથી એવું કોઈ;
માટે આ સમે આવવું પડશે, નહીં આવો તો અપજશ ચડશે. ૩૫
એવી સાંભળ્યો એનો ઉચ્ચાર, ધાયા5 ઉઠીને ધર્મકુમાર;
ખભા ઉપર મોભને ધાર્યા, ભક્તને એવી રીતે ઉગાર્યો. ૩૬
વીતી રાત ને પ્રગટ્યું પ્રભાત, વરસીને થાક્યો વરસાદ;
આસપાસનાં માણસ આવ્યાં, પશુને તથા જનને કઢાવ્યાં. ૩૭
ત્યાં સુધી મોભ ખભે જ ધરી, એક ઠામ6 ઉભા રહ્યા હરી;
જન દેખે નહીં કોઈ જેમ, જઈને સુતા ઉતારામાં તેમ. ૩૮
જને જોયું પ્રભાતમાં જ્યારે, દીઠો કાપો ખભા પર ત્યારે;
કરી વિનતિ પુછી લીધી વાત, શ્રીમુખે બધિ કહી સાક્ષાત. ૩૯
નાયી નિત્યક્રિયા કરી નાથે, પછી વાત કરી સંત સાથે;
આજ ઇચ્છા છે એવી અમારી, ભીક્ષા લેવા જવું ઝોળી ધારી. ૪૦
ઘેર ઘેર ફરું થઈ એવો, જોવું વસ્તીનો ભાવ છે કેવો;
કહે સંત રહો આંહિ તમે, ઝોળિ માગીને લાવશું અમે. ૪૧
ઘણો કાદવ કચરો છે વાટે, માનો વિનતી હરી એહ માટે;
વાત માની નહિ કાંઈ નાથે, ઝોળી ઝાલી પોતાને જ હાથે. ૪૨
જીવો ખાચર બોલિયા વાણી, સ્નેહે સાંભળો સારંગપાણી;
હું તો આવીશ આપની સાથે, ઝોળી હેતથી ઝાલીશ હાથે. ૪૩
તોય ઝોળી તેને નહિ આલી, ચાલ્યા માગવા શ્રીવનમાળી;
પુરમાં દિશા દક્ષિણમાંય, બોઘા શેઠનું ઘર છે જ્યાંય. ૪૪
જૈને ઉચ્ચરિયા જગવંદ, નારાયણ હરે સચ્ચિદાનંદ;
શેઠના ઘર માંહિ ધરેલા, હતા મેથીના લાડુ કરેલા. ૪૫
દીનબંધુને તે લાડ દીધા, જગજીવને ઝોળીમાં લીધા;
ગયા ત્યાંથી પાછા પરવરી, હીરા શેઠ તણે ઘેર હરી. ૪૬
નારાયણ હરે કીધો ઉચ્ચાર, આપી ત્યાં અતિ સુખડી સાર;
ઘનશ્યામ ફર્યા ઘણે ઘેર, પકવાન લાવ્યા રુડી પેર. ૪૭
પ્રભુ ચાલીને ચોરામાં આવ્યા, સર્વ સંતને જમવા બોલાવ્યા;
દહીં દુધનાં દોણાં ભરેલાં, જીવે ખાચરે લાવીને મેલ્યાં. ૪૮
બીજા હરિજન પણ એવું જોઈ, લાવ્યા રોટલા રોટલી કોઈ;
થઈ પંગત ચોરા મોઝાર, પ્રીતે પીરસ્યું પ્રાણઆધાર. ૪૯
સાધુ પાર્ષદ સૌને જમાડ્યા, શ્યામે સૌને સંતોષ પમાડ્યા;
બ્રહ્મચારિએ કીધેલો થાળ, પછી તે જમ્યા જનપ્રતિપાળ. ૫૦
વળી સાંજ સમો થયો જ્યારે, સભા શ્રીજીએ ત્યાં ભરી ત્યારે;
જોઈ ગામના ભાવિક જન, થયા શ્રીહરિ પૂર્ણ પ્રસન્ન. ૫૧
આખું ગામ પવિત્ર છે જાણી, જીવા ખાચરને કહી વાણી;
ગામ ઉપર હું છું પ્રસન્ન, માટે માગો તે આપું વચન. ૫૨
જીવે ખાચરે માગીયું ત્યાંય, જમ આવે નહીં ગામમાંય;
રાજી જો થયા છો ભગવાન, આપો એટલું એ વરદાન. ૫૩
એમ માગ્યું ત્યારે કહ્યું માવે, ગામમાં કદિ જમ નહિ આવે;
વસ્તો ખાચર બોલિયા વેણ, દીનબંધુ સુણો સુખદેણ. ૫૪
ગામના જન સીમમાં જાય, ત્યારે ત્યાં તેની શી ગતિ થાય;
માટે એવો આપો વર બેશ,7 સીમમાં જમ ન કરે પ્રવેશ. ૫૫
પછી એવું કહ્યું પરમેશે, સીમમાં પણ જમ નહિ પેસે;
સુણી રાજી થયાં જન સહુ, બહુનામીને પદ નમ્યા બહુ. ૫૬
એવામાં એક થૈ બીજી વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત;
ગામ છાસરિયાના નિવાસી, આવ્યા અમરો ભગત ત્યાં હુલાસી. ૫૭
મોટાં ચીભડાં બે શુભ લાવી, કર્યાં ભેટ તે શીશ નમાવી;
જોઈ શ્રીજીએ તેને વખાણ્યાં, કહ્યું આવાં મોટાં ક્યાંથી આણ્યાં? ૫૮
ભક્ત અમરે ત્યાં ભેદ સુણાવ્યો, મારા વાઢમાંથી જ હું લાવ્યો;
પછી વર્ણિએ તેને સુધારી, માંહિ સાકર ભેળવી સારી. ૫૯
જમ્યા શ્રીપ્રભુ પરમ પ્રતાપી, પછી સૌને પ્રસાદી તે આપી;
અહો ભાગ્ય અહો ભાગ્ય એનાં, જમ્યા શ્રીહરિ ચીભડાં જેનાં. ૬૦
કોટી જશે પ્રસન્ન ન થાય, રીઝ્યા તે પ્રભુ ચીભડામાંય;
એવા ભક્તવત્સલ ભગવાન, માને અલ્પને મેરુ સમાન. ૬૧
વળી લીલા કહું એક અન્ય, ધરણીશ તમે શ્રોતા ધન્ય;
એક દિવસ પ્રભુ શુભ પેર, હતા રાઠોડ ધાધલ ઘેર. ૬૨
રાણદેબાઈ ત્યાં ધાધલાણી, થાક્યાં દીઠાં તે વલોણું તાણી;
સાથે શ્રીજી વલોવવા રહ્યા, દેખી દેવતા વિસ્મિત થયા. ૬૩
પછી માખણ ઉતાર્યું જ્યારે, થોડું વાટકીમાં લઈ ત્યારે;
માંહિ સાકર ભેળવી સારી, કહ્યું લ્યો જમો દેવ મુરારી. ૬૪
આપના શ્રમનો ભાગ એહ, એમ જાણી જમો પ્રભુ તેહ;
સર્વેશ સ્વતંત્ર સદાય, જમ્યા માખણ તે સુણ રાય. ૬૫
વળી બીજાં ચરિત્રની વાત, કહું સાંભળો થૈ રળિયાત;
જીવા ખાચરનો દરબાર, એક દિવસ સભા ભરી સાર. ૬૬
બેઠા સંતમાં શ્રીમહારાજ, ગાય કીર્તન સંતસમાજ;
એક આવ્યો દિગંબર જોગી, નહિ વસ્ત્ર ને ભસ્મનો ભોગી. ૬૭
જટા મોટી દિસે તેને માથે, પગે પાવડી કંકણ હાથે;
રહ્યો ઉભો સભાથી બહાર, દૃષ્ટિ કૃષ્ણપદે એકતાર. ૬૮
જોઈ નગ્નરૂપે તે જોગીશ, સુરા ખાચરને ચડી રીષ;
ત્યારે તેનું કરી અપમાન, દીધી ગાળ સુણી સૌએ કાન. ૬૯
કહ્યું આ જો ગધેડીનો બાવો, ફરે વસ્ત્ર વિના નગ્ન આવો;
બાવાને કાંઈ ક્રોધ ન થયો, એ તો સાંભળીને ચાલ્યો ગયો. ૭૦
પછી બોલ્યા પ્રભુ સાક્ષાત, જુઓ કેવી છે કાઠીની જાત;
પુંછડાએ સહીત ગધાડી, રહે મોંઢામાં તે તો દહાડી. ૭૧
ગધેડીનો કેવા શીખે જ્યારે, ભણી ઉતર્યો કાઠી તે વારે;
નિંદા કે જો વખાણ કરે છે, ગધેડીનું તો તેને કહે છે. ૭૨
કહે જ્યારે વખાણીને શુદ્ધ, શું છે મીઠું ગધેડીનું દૂધ;
તમે આશ્રય લ્યો છો અમારો, માટે બોલી તમારી સુધારો. ૭૩
જોગી આવી છેટે ઉભો રહ્યો, તેને કેમ ગધેડીનો કહ્યો;
પછી પુછવા લાગ્યો સમાજ, કહો કોણ હતા જોગીરાજ. ૭૪
સુણી બોલિયા શ્રીમહારાજ, આવ્યા શંકર દર્શન કાજ;
તેણે જાણ્યા વિના ગાળ દીધી, મહામોટી તે તો ભૂલ કીધી. ૭૫
સુરો ભક્ત સુણી શરમાયા, જોવા જોગીની પાછળ ધાયા;
પણ જોગી જડ્યા નહિ ક્યાંઈ, આવ્યા શ્રીજી કને સભામાંઈ. ૭૬
વારે વારે પ્રભુપદ લાગી, ભૂલ્યો ભૂલ્યો કહી માફી માગી;
કહે કૃષ્ણ મારું કહ્યું કરજો, આજ કેડે વિચારી ઉચરજો. ૭૭
ઉપજાતિ (ગાળ દીધા વિષે)
જો કોઈને ગાળ કદાપિ દે છે, દેનાર તે તો હલકો દિસે છે;
સાંખી રહે તે જ મનુષ્ય સારું, દેનારનું મોઢું દિસે નઠારું. ૭૮
પીંજારિ8 ગાળે લડવા જ ધાય, રાણી સુણીને શરમાઈ જાય;
જો સામી ગાળો ઉચરે જ રાણી, રાણી નહીં તેહ પીંજારિ જાણી. ૭૯
ગાળો દીધાની પડી ટેવ જેને, રહે નહીં કાંઈ વિચાર તેને;
સાળો કહે છે સુતને દહાડી, માને કહે છે મુખથી ગધાડી. ૮૦
જે આપ મોઢે અપશબ્દ બોલે, તો તેની વાણી ખરવાણી9 તોલે;
ભલે કદી માણસ હોય મોટો, તથાપિ તે તો ખરનાથી ખોટો. ૮૧
જે આબરુદાર જણાય સારો, કરે ન કોઈ જનને ટુંકારો;
જે ઢેઢ ને વાઘરી જેવી જાત, તે તો ટુંકારાથિ કરે જ વાત. ૮
રસ્તા વચે ગર્દભ જોઈ જ્યારે, ખસો તમે એમ કહ્યું કુમારે;
કહો દીધું માન જ કોણ કાજે, જાણ્યું ટુંકારે મુજ જીભ લાજે. ૮૩
વદે નહીં કોકિલ કાગવાણી, ન મોર મોઢે ખરવાણી જાણી;
તો વિશ્વમાં જે જન હોય સારો, તે શી રિતે શબ્દ કહે નઠારો. ૮૪
જે મૂખને પાન ભલાં જ ભાવે, તે કોયલા10 કેમ કદાપિ ચાવે;
જે કૃષ્ણનું નામ જપે ત્રિકાળ, તે મુખે બોલે કદિ કેમ ગાળ. ૮૫
દોહા
સુણિ સુરો ખાચર કહે, હે પ્રભુ પુછું પ્રશ્ન;
ઉત્તર આપો એહનો, કૃપા કરી હરિકૃષ્ણ. ૮૬
પ્રશ્ન
ખાખી સંન્યાસી તથા, સંત જગતના જેહ;
દે ગાળો તાતી11 અતી, કહિયે કેવા તેહ. ૮૭
ઉત્તર: નૌકાપબંધ
દે ગાળો અતિ તાતિ તો, તે અસંત સુણ ભ્રાત;
જોતાં તેની જાતિ તો, તે દીતિતનુજાત.12 ૮૮
એવાને અળગા તજો, તે સમ તજો સ્વભાવ;
સદા વિકટ સં સમે, ઈશ્વર કરે બચાવ. ૮૯
नौकाप्रबंध
પ્રગટે બુદ્ધિ પાંશરી,13 જો ઈશ્વર અનુકૂળ;
અવળિ બુદ્ધિ ઉપજે, પ્રભુ જેને પ્રતિકૂળ. ૯૦
પંદર હતા અસંત જન, પંદર સંત સુજાણ;
નવ નવ ગણિ પંદર તજ્યા, ત્યારે વહ્યું વહાણ. ૯૧
રહ્યા અસંત તવર્ણ14 જ્યાં, અન્યાક્ષરથળ15 સંત;
સુબુદ્ધિ આપે એ રિતે, સ્વભક્તને ભગવંત. ૯૨
પુષ્પિતાગ્રાવૃત્ત
અતિ શુભ ઉપદેશ એમ દૈને, પરમ પ્રસન્ન મહાપ્રભુજિ થૈને;
સુવચન સહુને વળી સુણાવ્યાં, નિયમ ન ગાળ દીધા તણાં ધરાવ્યાં. ૯૩
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિસારંગપુર-લીલાકરણનામ ચતુર્વિંશતિતમાં વિશ્રામઃ ॥૨૪॥