કળશ ૭

વિશ્રામ ૨૫

પૂર્વછાયો

સારંગપુરમાં શ્રીહરિ, કર્યાં ચારુ ચરિત્ર વિચિત્ર;

જે જોઈને રાજી થતા, મહારાજ તણા સૌ મિત્ર. ૧

ચોપાઈ

નિજજનને મહાસુખ દેવા, થયા મોહન મનુષ્ય જેવા;

કરે ક્યારે મનુષ્ય ચરિત્ર, જોઈ જોઈ રાજી થાય મિત્ર. ૨

જેમ જનક1 શિશુને રમાડે, પોતે ચેષ્ટા શિશુની દેખાડે;

જાણી જોઈ બોલે કાલું કાલું, સુણી બાળકને લાગે વાલું. ૩

ક્રિયા કાંઈક અવળી બનાવે, કોઈ બાળક ભૂલ બતાવે;

તેને તે સમે તાત વખાણે, પિતા ભૂલ પોતાની પ્રમાણે. ૪

વળી કાંઈ રમુજ કરાવે, પિતા પુત્રને એમ હસાવે;

એવી એવી આચરવાથી રીત, થાય પુત્રની તાતમાં પ્રીત. ૫

એમ જાણિને જનહિતકારી, કરે મનુષ્ય ચરિત્ર મુરારી;

સુરો ભક્ત સ્નેહે એક કાળ, લાવ્યા શ્રીજી કાજે સુરવાળ. ૬

અંગીકાર કરો કહ્યું જ્યારે, લાગ્યા પેરવા શ્રીપ્રભુ ત્યારે;

એક પાંયસે બે પગ ધર્યા, સુરો ભક્ત તે જોઈ ઉચર્યા. ૭

અહો સાંભળો શ્યામ સુજાણ, વસ્ત્ર પેરવામાં છો અજાણ;

સુરવાળ આવી રીતે ધરશો, ત્યારે કલ્યાણ શી રીતે કરશો? ૮

કહ્યું ચપટી બજાવિને હરિએ, આટલામાં કલ્યાણ તો કરિએ;

પછી વસ્ત્ર ધરી સ્વાર થયા, મોટી વાડીએ ગિરધર ગયા. ૯

તહાં પીપરના ઝાડ પાસે, એક કાંબળો પાથર્યો દાસે;

વાલે ત્યાં જ્ઞાનની કરી વાત, સુણી સર્વે થયા રળિયાત. ૧૦

જીવા ભક્તને કહે ભગવંત, અમે આંહીં જમાડશું સંત;

દરબારમાં તરત કહાવો, સીધું સામાન આંહીં મગાવો. ૧૧

પછી મોકલ્યું માણસ ત્યાંય, તેણે જૈ કહ્યું દરબારમાંય;

સુણીને સજ્જ થૈ સહુ બાઈ, સીધું સામાન લૈ તહાં ધાઈ. ૧૨

સોમબાઈ ને બાઈ પાંચાળી, દેવુબાઈ બહુ પ્રેમવાળી;

રાણદે રુકદે નામે બાઈ, પૂરી પંદર ગણતાં ગણાઈ. ૧૩

માથે ટોપલા લૈ હરખાતી, ચાલી કૃષ્ણનાં કીર્તન ગાતી;

થાળ લૈ ઋષિપત્મિયો જેમ, જતી શોભી હતી શોભી તેમ. ૧૪

જઈ વાડીયે વાલાની પાસે, મુકી ટોપલા પ્રણમી હુલાસે;

તેનો પ્રેમ પેખી2 એહ ઠામે, મોટા મુક્ત તે આશ્ચર્ય પામે. ૧૫

પછી ચોકો તે ઠામ કરાવી, હરિ હાથે રસોઈ બનાવી;

સારું વંતાકનું કર્યું શાક, કરી બાટિયો સરસ અથાક.3 ૧૬

બાટી સોમલે ખાચરે જોઈ, તેમાં કાચી દીઠી એક કોઈ;

મારી કાંકરી તેહને તાકી, કહ્યું અને પ્રભુ કરો પાકી. ૧૭

એમ કરવાનું કારણ આદી, હરિ હાથે લેવી પરસાદી;

જગજીવન બોલિયા જોઈ, અભડાણી આ આખી રસોઈ. ૧૮

હસી બોલિયા સોમલો તેહ, આપી દ્યો અમને હવે એહ;

પછી કાઠિયોને દઈ દીધી, કૃષ્ણ બીજી રસોઈ ત્યાં કીધી. ૧૯

ઘૃત સાકર બાટિમાં ઘાલી, બેઠા આરોગવા વનમાળી;

લાગી બાઈયો કીર્તન ગાવા, મહારાજને ખૂબ રિઝાવા. ૨૦

પણ ભામિની જાતની ભોળી, તેથી ઉલટ સુલટ પદ બોલી;

છોગાળો રે છોગાળો નાથ, છોગાં હાથમાં મોરલી માથ. ૨૧

હસીને કહ્યું નટવર નાથે, છોગાં માથે ને મોરલી હાથે;

એવી રીતે બોલો તમે બાઈ, પછી ગરબી ફરીથી તે ગાઈ. ૨૨

જમી ઉઠિયા પૂર્ણ પ્રતાપી, સતિયોને પ્રસાદિ તે આપી;

સંત પાર્ષદ સૌને સુરીતે, જમાડ્યા પ્રભુ પીરસી પ્રીતે. ૨૩

થયો જામિનીનો4 સમો જ્યારે, પ્રગટાવી મશાલો તે વારે;

ગાજતે વાજતે ગિરધારી, ગયા ગામમાં દેવ મુરારી. ૨૪

એમ કર્તા લીલા એહ ઠામ, ઘણા દિવસ રહ્યા ઘનશ્યામ;

કહ્યું એક સમે સભા વિષે, જીવા ખાચરને જગદીશે. ૨૫

બ્રાહ્મણોની ચોરાશી તો ભારે, કરવી આંહીં એક અમારે;

માટે સીધું સામાન કરાવો, જે જે જોઈએ તે વસ્તુ મગાવો. ૨૬

જીવા ખાચરે ત્યાં તો તેડાવ્યા, બોઘો શેઠ કમો શેઠ આવ્યા;

કહ્યું સામાન કરવાનું તેને, આપી ખૂબ ભલામણ એને. ૨૭

ચોરાશીનો દિવસ કર્યો નકી, તેડાવ્યા વિપ્ર પરગામ થકી;

વળી સંત સમસ્ત તેડાવ્યા, હરિઆજ્ઞા સુણી સહુ આવ્યા. ૨૮

ગામથી દિશા દક્ષિણ માંય, ખીજડાનાં હતાં ઝાડ જ્યાંય;

એક ત્યાં મોટો મંચ કરાવ્યો, પોતાને બેસવાને ઠરાવ્યો. ૨૯

મોટા ચોકા કરાવ્યા અપાર, પકવાન કરાવ્યાં તે ઠાર;

ઘણા બ્રાહ્મણ જમવાને આવ્યા, સાત દિવસ સુધી તે રખાવ્યા. ૩૦

જમે બ્રાહ્મણ ને જમે સંત, ઉડે5 સૂખડાં6 રોજ અનંત;

થાક્યા વિપ્ર જમી જમી જ્યારે, જવા ઘેર રજા માગી ત્યારે. ૩૧

નદી ફલકુમાં વિપ્ર બોલાવી, કૃષ્ણે પંગત મોટી કરાવી;

જણ દીઠ રુપૈયો અકેક, આપી દક્ષિણા એમ અનેક. ૩૨

જ્યારે રુપૈયા ખૂટવા લાગ્યા, માવે સત્સંગી આગળ માગ્યા;

હાજો ભરવાડ હરિજન હતો, ગયો ઘેર પોતાને દોડતો. ૩૩

ચૂલાની પાસે રુપૈયા જેહ, બસેં ડાટ્યા હતા લીધા તેહ;

લાવી તે દીનબંધુને દીધા, ધર્મલાલે તે ઝોળીમાં લીધા. ૩૪

હજારો વિપ્રને વહેંચાય, તોય ઝોળીમાં ઓછા ન થાય;

સૌને આપી રહ્યા હરિ જ્યારે, હાજાને હરિએ કહ્યું ત્યારે. ૩૫

વધ્યા છે આ રુપૈયા અમારા, બસેં તેમાંથી લ્યો આ તમારા;

નવ રાખિએ કોઈનું દેવું, આપ્યા રુપૈયા ઉચ્ચરિ એવું. ૩૬

ઉપજાતિ (ઋણ ન કરવા વિષે)

દેવું બિજાનું જન જેહ રાખે, કદી મહાસંકટ તેહ સાંખે;

સંસારમાં જે ઋણવાન હોય, તેના સમો અન્ય દુઃખી ન કોય. ૩૭

ઉચ્ચાટ ચિત્તે ઋણવંત લાવે, નિદ્રા ન આવે નહિ અન્ન ભાવે;

તે ઓશિયાળો અતિશે જણાય, તૃણા થકી તુચ્છ ઋણી ગણાય. ૩૮

મિઠા વિના શાક જ રાંધિ ખાય, પથારિયે ભોંય સુવે સદાય;

તથાપિ માથે ઋણ જો ન હોય, તે તુલ્ય બીજો સુખિયો ન કોય. ૩૯

ઋણી હરિશ્ચંદ્ર હતો નરેશ, જે કષ્ટ પામ્યો જગમાં વિશેષ;

ચાંડાળને ઘેર ભર્યું જ પાણી, કરો ન કોઈ ઋણ એમ જાણી. ૪૦

ઋણી તણી લાજ ગણાય કેવી, તે પાતળા કાચ પ્રમાણ જેવી;

જો તેહને ઠોકર કાંઈ લાગે, સૌ ભાળતાં તે પળ માંહિ ભાંગે. ૪૧

જો અન્ન પાખી7 ઉપવાસ કીજે, તથાપિ લેતાં ઋણ તો ડરી જે;

અરે અતિશે દુઃખ આપનારું, નથી જ બીજું ઋણથી નઠારું. ૪૨

ઋણી થકી તો ક્ષયરોગિ સારો, બેસી રહે એક થળે બિચારો;

ઋણી જનો જો મનમાં મુંઝાય, નાશી છુટે કે ખુબ ઝેર ખાય. ૪૩

જે પુત્ર માટે ઋણ મૂકિ જાય, તે પુત્રનો શત્રુ પિતા ગણાય;

જેના પિતાએ ઋણ જો ન કીધું, તો પુત્રને તે ધન લક્ષ દીધું. ૪૪

ચોપાઈ

સારી એમ સંસારિને કાજે, દીધી શિક્ષા શ્રીજીમહારાજે;

પોતે તો છે સમર્થ અપાર, એને કષ્ટ ન આવે લગાર. ૪૫

પછી શ્રીહરિ પુરમાં પધાર્યા, ઢાળિ ઢોલિયો સંતે બેસાર્યા;

જીવો ખાચર બોલિયા વાણી, સુણો શ્રીહરિ સારંગપાણી. ૪૬

વધ્યાં છે પકવાન વિશેષ, તેને શું કરશું અક્ષરેશ?

કહે શ્રીહરિ એક દહાડો, નોતરી આખું ગામ જમાડો. ૪૭

સુણી વચન પ્રમાણે જ કીધું, આખા ગામને ભોજન દીધું;

તોય અન્ન વધ્યું ઘણું એહ, કારિયાણીયે મોકલ્યું તેહ. ૪૮

ભીખ માગતા ભાળો ભીખારી, તેને દેજો કહે ગિરધારી;

રહ્યો ભાદરવો થોડો માસ, આવી ઢુંકડી એની અમાસ. ૪૯

કહ્યું કોઈએ શ્રીપ્રભુ પાસે, ભીમનાથમાં મેળો ભરાશે;

લોક મળશે હજારોહજાર, દૈવી આસુરી અપરમપાર. ૫૦

સુણી ધર્મસુતે ચિત્ત ધર્યું, દેવી જીવનાં કલ્યાણ કરું;

જૈને મેળામાં દર્શન આપું, કોટિ જન્મનાં પાતક કાપું. ૫૧

જીવા ખાચરને કહ્યું નાથે, કાઠી અસ્વાર લૈ જવા સાથે;

સગા સ્નેહી તમારા તેડાવો, કોઈ માણસને મોકલાવો. ૫૨

જીવા ખાચરે કાઠી તેડાવ્યા, કહું નામ તહાં જે જે આવ્યા;

આવ્યા નાગડકાના ભૂપાળો, સુરો માણશિયો અને કાળો. ૫૩

નાથો ડોસો ને સાદુળ નામે, એહ આદિ આવ્યા એહ ઠામે;

કારિયાણીના વસ્તો ને માંચો, દાદા ખાચર સતસંગી સાચો. ૫૪

ઝીંઝાવદરથી તો જરૂર, આવ્યા અલૈયો ને જેઠસૂર;

ત્રીજા સામત ખાચર ત્યાંથી, આવ્યા રાજી થઈ મનમાંથી. ૫૫

આવ્યા બોટાદથી તો હમીર, દાહો ઓઘડ તે શૂરવીર;

ચોથા માતરો ધાધલ આવ્યા, નિજ સ્નેહિયોને સાથે લાવ્યા. ૫૬

રામ પટગર ગામ કુંડળના, એ તો સાગર છે બુદ્ધિબળના;

દાદો ખાચર ખાચર જીવો, દુર્ગપુરનો તે પ્રત્યેક દીવો. ૫૭

ઇત્યાદિક થઈને અસવાર, આવ્યા હાથે ધરી હથિયાર;

બીજા અસ્વાર સારંગપુરના, હરિભક્ત હરિની હજુરના. ૫૮

જીવો વસ્તો અમરો ને વાઘો, પ્રભુથી કદી જાય ન આઘો;

બાવો મૂળુ ને રાઠોડ નામ, આવ્યા તે સજ્જ થૈને તમામ. ૫૯

હતા પાર્ષદ હથિયારબંધ, ધરી પ્રત્યેકે બંદુક કંધ;

કોઈ બખતર પાખરવાળા,8 કોઈ અસ્વાર ને કોઈ પાળા. ૬૦

કેડ્યે બાંધી તાતી9 તરવાર, ધીંગી10 ઢાલ ધરી નિરધાર;

લીધાં હાથમાં બરછીયો ભાલા, મહાશૂર દિસે મતવાલા. ૬૧

અભિમાનના બોલ ન બોલે, રણે રાવણ જેવાને રોળે;11

સાથે શોભે છે ડંકો નિશાન, વાજે દુંદુભિ મેઘ સમાન. ૬૨

સેવકે માણકી સજ્જ કરી, સોનારૂપાના શણગાર ધરી;

વૃષપુત્ર થયા અસવાર, છડિદાર કહે જયકાર. ૬૩

ચારુ ચમર કરે બ્રહ્મચારી, મુકુંદાનંદ મનમુદ ધારી;

સંતમંડળ લૈ સહુ સાથ, ભગવાન ચાલ્યા ભીમનાથ. ૬૪

આવે વાટ માંહિ જે જે ગામ, દેતા દાસને દર્શન શ્યામ;

ગયા પોલારપર ગામ પાસ, ઉતર્યા સરતટ અવિનાશ. ૬૫

સરોવર થકી ઉત્તરમાંય, આજ તો એક ઓટો છે ત્યાંય;

વાલે ત્યાં જૈ કીધા વિશ્રામ, આવ્યા સતસંગી સૌ તેહ ઠામ. ૬૬

ગઢવી મોડભાઈ સુજાણ, પરશોતમ શેઠ પ્રમાણ;

રુડા શેઠ ત્રીજા જીવરાજ, કહે તે ત્રણ્યને મહારાજ. ૬૭

તમે આગળથી પરવરો, મુજ ખબર મહાંતને કરો;

સુણી તે ત્રણ્ય તરત જ ગયા, સમાચાર મહાંતને કહ્યા. ૬૮

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિજન ઉચર્યા મહાંત પાસ, અહિં વિચર્યા પ્રભુ વિશ્વના નિવાસ;

સુણિ અતિ હરખ્યા મહાંત તેહ, ઉર ઉપજ્યો ઘનશ્યામસંગ સ્નેહ. ૬૯

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિભીમનાથ-પ્રતિવિચરણનામ પંચવિંશતિતમો વિશ્રામઃ ॥૨૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે