વિશ્રામ ૨૬
પૂર્વછાયો
મહાંતજી ભીમનાથના, સુણી શ્રીહરિનું આગમન;
સારો ઉતારો આપવા, કહ્યાં કિંકર1 પાસ વચન. ૧
ચોપાઈ
દરવાજા ઉપર તણી મેડી, તહાં લાવવા કૃષ્ણને તેડી;
માટે તે જગ્યા સાફ કરાવો, પછી ત્યાં જાજમો પથરાવો. ૨
ગાદી તકિયા પલંગ તળાઈ, પહોંચાડો તહાં પળમાંઈ;
સુણી કિંકરે સર્વ તે કર્યું, માથે વચન મહાંતનું ધર્યું. ૩
સ્નેહે મહાંત સામા સિધાવ્યા, એટલામાં તો શ્રીહરિ આવ્યા;
પ્રેમે કીધો મહાંતે પ્રણામ, આપ્યો ઉતરવા રુડો ઠામ.2 ૪
બહુ સારી કરી બરદાશ, તેમાં કાંઈ ન રાખી કચાશ;
ભીમનાથનાં દર્શન કાજ, ગયા શ્રીહરિ લૈને સમાજ. ૫
પાંચસેં રુપૈયા તહાં ધરી, નમ્યા શંકરને સ્નેહે કરી;
ત્યારે ધારીને દિવ્ય સ્વરૂપ, હરિને નમ્યા કૈલાસભૂપ. ૬
દિવ્ય દૃષ્ટિવાળા મુનિ દેખે, ચર્મચક્ષુ જેની તે ન પેખે;
કહે શંભુ ભલે આવ્યા શ્યામ, ધન્ય કીધું પવિત્ર આ ધામ. ૭
બેઠાતા દ્વિજ પાંચસેં ત્યાંએ, અભિષેક કર્યાની ઇચ્છાએ;
ચારે વેદના વિપ્ર તે હતા, ભેદ સારી રિતે સમજતા. ૮
કહે હરિ લઘુરુદ્ર3 અકેક, અમારા વતી કરજો પ્રત્યેક;
ભણ્યા છો વિપ્ર જે સામવેદ, જાણો છો લઘુરુદ્રનો ભેદ. ૯
ષડ અંગ કરીને ઉચ્ચાર, રુદ્રવર્ગ ભણો નવ વાર;
ષડ વર્ગ ફરીથી ભણાશે, લઘુરુદ્ર ત્યારે એક થશે. ૧૦
વિપ્ર છો ઋગવેદી પ્રમાણ, તે તો નમક ચમકના4 છો જાણ;
વળી જેનો અથર્વણ વેદ, જાણે તે નિજ વેદનો ભેદ. ૧૧
આપ આપની રીત પ્રમાણે, લઘુરુદ્ર કરો આ ઠેકાણે;
એમ કહિ વિપ્ર પાંચસેં થાપ્યા, પાંચ પાંચ રુપૈયા ત્યાં આપ્યા. ૧૨
સીધાં સાકર કેરાં અપાવ્યાં, કરજો કહ્યું ભોજન ભાવ્યાં;
સર્વ રાજી થયા ભૂમિદેવ,5 પ્રભુ ત્યાંથી ચાલ્યા તતખેવ. ૧૩
જ્યારે આવિયા આપ ઉતારે, એક વાત બીજી બની ત્યારે;
પાળિયાદ તણા રહેનાર, જેની જાત કાઠી નિરધાર. ૧૪
કહે લોક વિહામણ પીર, છાપ ભક્તની પણ તેને શીર;
મોટાપંથમાં6 મોટા ગણાય, ચાલે માનતા એવા મનાય. ૧૫
ઘણી કોટમાં માળાઓ ઘાલે, પોતે હાથમાં ખડતાળ ઝાલે;
સાથે વેરાગી રાખે સદાય, નર નારીયો કૂદે ને ગાય. ૧૬
બજાવે ખડતાળ મૃદંગ, ગાય હીંચમાં સૌ મળી સંગ;
તોડે તાન ઊંચું લૈ અથાક, થાય શબ્દ ભફાક ભફાક. ૧૭
કહે કોઈ ભફાકિયો પંથ, નહિ શાસ્ત્ર કે નહિ કોઈ ગ્રંથ;
મેળો જોવાને તે તહાં આવ્યા, સાથે ઝુંડ વેરાગીને લાવ્યા. ૧૮
દરવાજા ઉપર મેડી જેહ, વર્ષોવર્ષ ત્યાં ઉતરે તેહ;
તેથી આવ્યા ત્યાં કરવા ઉતારો, જાણ્યા ત્યાં તો છે ધર્મદુલારો. ૧૯
એક કાઠી કહે તેહ કાળ, જગ્યા ખાલી કરો હાલ હાલ;
એ છે જૂનો ઉતારો અમારો, નથી હક ઉતર્યાનો તમારો. ૨૦
એવું સાંભળીને કહ્યું હરિએ, અમે જગ્યા ખાલી નહીં કરિએ;
ત્યારે તેણે મહાંતની પાસ, જૈને વાત કરી તે પ્રકાશ. ૨૧
કહે મહાંત તે કેમ જાય, અમે તો એમને ન કઢાય;
તમે તેને દેખાડો સિદ્ધાઈ, તો તે નીકળશે ત્યાંથી ભાઈ. ૨૨
પછી તેણે આવી પ્રભુ પાસ, કાંઈ સિદ્ધાઈનો દીધો ત્રાસ;
કહ્યું સાંભળો સહજાનંદ, ફરો છો તમે જ્યાં ત્યાં સ્વછંદ. ૨૩
નહીં જીતો તમે એહ ઠામ, સુણ્યું છે વિહળો પીર નામ?
એની માનતા ચાલે તે મોટી, પુછો કોઈને સાચી કે ખોટી? ૨૪
પીર જો તમને આવી નડશે, પટહય7 તો ચડાવવા પડશે;
વિહળો પીર જો કરે કોપ, તો આ બ્રહ્માંડનો થાય લોપ.8 ૨૫
માટે વીહળા દેવથી ડરો, એહ જગ્યા ખાલી ઝટ કરો;
એવાં ગર્વવચન સુણ્યાં જ્યારે, બોલ્યા શ્રીહરિ તે સમે ત્યારે. ૨૬
તેહ પીરની પાસે ઉચરજો, તમથી થાય તે ભલે કરજો;
નથી સિદ્ધાઈથી અમે ડરતા, નથી શસ્ત્ર તણી બીક ધરતા. ૨૭
છૈયે બેય ઉપાયે તૈયાર, તેની વિગત સુણો એહ વાર;
સિદ્ધાઈ તો અમારાથી ડરશે, શસ્ત્રચર્ચા આ કાઠિયો કરશે. ૨૮
માટે જૈ પીરને સંભળાવો, ચર્ચા કરવી જો હોય તો આવો;
પછી જૈ વિહળા પીર પાસે, કહી વાત બધી તેને દાસે. ૨૯
પૂરો ક્રોધ કર્યો સુણી પીરે, પછી ઉતર્યા જૈ નદી તીરે;
જૈને ત્યાં પીર ધૂણવા લાગ્યા, જાણિએ વીર વૈતાળ જાગ્યા. ૩૦
ધૂધકારા કરે બુમો પાડે, પૃથવી પર હાથ પછાડે;
બોલ્યા પીર મહાક્રોધ પામી, કોણ છે સહજાનંદસ્વામી. ૩૧
હમણાં તો એને જવા દૈશ, માસ છમાં તેને જોઈ લૈશ;
જ્યારે આવશે તે પાળીયાદ, ત્યારે તેને ચખાડીશ સ્વાદ. ૩૨
તેનો પંથ નિકંદન કરું, મારું નામ તો વિહળો ખરું;
સહજાનંદ ને સરકાર, સાથે આવ્યા છે દેશ મોઝાર. ૩૩
સહજાનંદ આવ્યા છે આંહીં, સરકાર છે સૂરત માંહી;
સાથે આવ્યા છે ને સાથે જાશે, ત્યારે સૌ લોકને સુખ થાશે. ૩૪
પૂર્વછાયો
નાશ કરીશ એ બેયનો, એ હું સાચું કહું છું આજ;
દાસ વિહામણના કહે, હવે ક્ષમા કરો મહારાજ. ૩૫
ચોપાઈ
જેવી બોલ્યા વિહામણ વાણી, વાત શ્રીહરિએ સર્વ જાણી;
કહ્યું પાર્ષદ આગળ ત્યારે, પાળીયાદ જશું કોઈ વારે. ૩૬
ત્યારે જોર તેનું જોઈ લેશું, એ તે આપણને કરશે શું?
એવે ટાણે મહાંત ત્યાં આવ્યા, એક હાથી સારો સજી લાવ્યા. ૩૭
કહ્યું કૃષ્ણને વિનતી કરી, બેસો હાથી ઉપર તમે હરી;
સૌને દર્શન દેવાને કાજ, ફરી મેળામાં શ્રીમહારાજ. ૩૮
બેઠા હાથી ઉપર અવિનાશ, પછી બેઠા મહાંત તે પાસ;
સાથે પાર્ષદ ને અસવાર, લૈને ચાલિયા મેળા મોઝાર. ૩૯
ઉભા થૈ જન દર્શન કરે, મહારાજની જય ઉચ્ચરે;
દેશોદેશથી આવેલા જેહ, મહારાજે જોયા જન તેહ. ૪૦
મોટા તે માંહિ કોઈ શ્રીમંત, દીઠા કોઈ દરિદ્રી અત્યંત;
ભાષા ભૂખ્યા તહાં ઘણા જન, કાલાવાલા કરી માર્ગ અન્ન. ૪૧
દયા શ્રીહરિને દિલ આવી, સુખડી ગામમાંથી મંગાવી;
પાંચસેં રુપૈયા મૂલ દૈને, લાવ્યા ગાડાં ભરી જન જૈને. ૪૨
વેં’ચી દીધી તે મેળા મોઝાર, થયો શ્રીજીનો જય જયકાર;
એવો પેખીને પ્રૌઢ પ્રતાપ, અદેખા દીલે દાજીયા આપ. ૪૩
સુણો ભૂપ અભેસિંહ ભાઈ, અદેખાને આવે અદેખાઈ;
કરે જો કોઈ સર્વનું સારું, અદેખાને તો લાગે નઠારું. ૪૪
ઉપજાતિ (અદેખા વિષે)
પરોપકારી જન જેહ હોય, તે સર્વને દે સુખદાન તોય;
જ્યારે અદેખો જશ સાંભળે છે, બહૂ જ તેના દિલમાં બળે છે. ૪૫
પર્જન્ય9 તો પોષણકારિ છેય, તે સર્વને જીવનદાન દેય;
સૌ વૃક્ષ વેલી પ્રફુલીત થાય, જોઈ જવાસા10 બળિને સૂકાય. ૪૬
જો સૂર્ય ઉગે સુખ સર્વ પામે, પ્રસન્ન દીસે સહુ ઠામઠામે;
ઉલૂક11 જેવા ઇરષા જ ધારે, જાણે થશે આ રવિ અસ્ત ક્યારે. ૪૭
પ્રકાશ પેખી શુભ ચંદ્ર કેરો, આનંદ સૌને ઉપજે ઘણેરો;
ચોરી કર્યાની ઉર વૃત્તિ આણે, તે ચંદ્રને શત્રુ સમાન જાણે. ૪૮
હંસી સ્વભાવે સુખથી કરે છે, બહુ અદેખાઈ બગો કરે છે;
ભલે રહ્યા તે મનમાં મુંઝાય, ન હંસને કાંઈ કરી શકાય. ૪૯
વિદ્વાનને માન જહાં મળે છે, મૂર્ખ અદેખાઈ કરી બળે છે;
વિદ્વાન તેનું ન કશું બગાડે, તથાપિ તે દુઃખ દિલે લગાડે. ૫૦
જ્યાં ગર્જના મેઘ નભે કરે છે, તો સિંહ માથું પટકી મરે છે;
રે કેમ ગાજે મુજ શીશ તેહ, એવું વિચારે જ અબુદ્ધ એહ. ૫૧
શ્રીકૃષ્ણ જ્યારે અવતાર લે છે, દુષ્ટો સદા દ્વેષ ઘણો કરે છે;
પ્રતાપ ઓછો પ્રભુનો ન થાય, દુષ્ટો તણાં દીલ બળી મુંઝાય. ૫૨
ચોપાઈ
પેખી શ્રીજીનો પૂર્ણ પ્રતાપ, આસુરી તો બળી મરે આપ;
દૈવી તો દિલમાં હરખાય, આવી શ્રીજીના આશ્રિત થાય. ૫૩
મેળામાં ફરીને મહારાજ, આવ્યા ઉતારે સહિત સમાજ;
ત્રણ દિવસ રહ્યા હરિ ત્યાંય, ચોથે દિવસ જવા માંડ્યું જ્યાંય. ૫૪
ભીમો દોશી જે પોલારપરના, તેણે રુપૈયા ધીરેલા ઘરના;
પ્રભુ પાસે કહ્યું તે વાર, આપો રુપૈયા ચાર હજાર. ૫૫
કહે કાઠીયોને મહારાજ, તમે આપો એનાં નાણાં આજ;
કરી હાસ્ય ત્યાં કાઠીએ કહ્યું, અમ પાસે નાણું નથી રહ્યું. ૫૬
કહો તો કુળનો ચાલ કરીએ, મેળો લુંટિને ધન લાવિ ધરિએ;
કહે કૃષ્ણ સુણો ધરી સ્નેહ, મારી ઘોડીનો મોવડ12 જેહ. ૫૭
તેહ વેચી નાણું કરી લાવો, ભીમા દોશીનું કરજ પતાવો;
કહે કાઠી સુણો મહારાજ, જો તે મોવડ વેચિએ આજ. ૫૮
ઉપજે રુપૈયા તો અઢાર, વળે શી રીતે ચાર હજાર;
એવી રીતે મનુષ્ય ચરિત્ર, કરતા હતા પરમ પવિત્ર. ૫૯
એવામાં કોઈ શેઠીયો આવ્યો, ગાડીમાં ચાર કોથળી લાવ્યો;
ભાવે ભેટ કરી તેહ ઠામ, પ્રભુને કર્યા દંડ પ્રણામ. ૬૦
પુછે કૃષ્ણ તમે આવ્યા ક્યાંથી, કહે શેઠ આવ્યો દેશમાંથી;
મળ્યો લાભ વેપારમાં અમને, દેવા દ્રવ્ય દશાંશ તે તમને. ૬૧
જતો હતો દુરગપુર માંહી, ત્યાં તો સાંભળ્યું છો તમે આંહીં;
માટે દર્શન કરવાને આવ્યો, ભેટ મુકવા આ ધન લાવ્યો. ૬૨
એમ ઉચ્ચરીને શેઠ ગયા, જન સૌ જોઈ વિસ્મિત થયા;
પુછ્યું શ્રીહરિને સારી પેઠ, કહો કોણ હતા એહ શેઠ? ૬૩
ત્યારે બોલિયા ગિરિવરધારી, હતા તે તો કુબેરભંડારી;
આંહિ નાણાં તણું પડ્યું કામ, આવી આપી ગયા એહ ઠામ. ૬૪
કાઠી જોવાને પાછળ ગયા, ફરી શેઠ તે નજરે ન થયા;
ભીમા દોશીને શ્રીઘનશ્યામે, ગણી આપ્યા રુપૈયા તે ઠામે. ૬૫
પુષ્પિતાગ્રાવૃત્ત
ભયહર હરિ ભીમનાથ જૈને, અકળ ચરિત્ર કર્યાં કૃપાળુ થૈને;
શ્રુતિ ધરિ સુણશે મનુષ્ય જેહ, પરમ પવિત્ર થશે જ તર્ત તેહ. ૬૬
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિભીમનાથતીર્થે દિવ્યચરિત્રકરણનામા ષડ્વિંશતિતમો વિશ્રામઃ ॥૨૬॥