કળશ ૭

વિશ્રામ ૨૭

પૂર્વછાયો

વિચર્યા વાજતે ગાજતે, ભીમનાથથી શ્રીભગવાન;

કૃપાનિધિ કુંડળ ગયા, દેવા દાસને દર્શનદાન. ૨૧

ચોપાઈ

ભક્ત એક ભલા તેહ ઠામ, તેનું મામૈયો પટગર નામ;

રાખે પ્રેમ પ્રભુ પર પૂરો, નહીં ગોપાંગનાથી અધૂરો. ૨

હોય ત્રણે અવસ્થામાં તોય, મન તો હરિમૂર્તિમાં હોય;

તોય ચિત્તમાં એમ વિચારે, પ્રભુ કુંડળ ક્યારે પધારે? ૩

ક્યારે ભેટું ભુજા ભરિ નેહે, ક્યારે પૂજું પ્રત્યક્ષ આ દેહે;

કેમ આવ્યા નહીં અવિનાશી, એવું ધારીને થાય ઉદાસી. ૪

જામિની માંહી ઝબકીને જાગે, આંખે આંસુડાં પાડવા લાગે;

ઓશરી માંહિ ઢાળી પલંગ, સુવે ધ્યાન ધરીને અભંગ. ૫

રાત બે ઘટિકા રહી જ્યારે, સ્થિતિ સ્વપ્ન સમી થઈ ત્યારે;

પીડા વાલાના વિજોગ તણી, ઉપજી એને અંતરે ઘણી. ૬

એનું હૈડું રહ્યું નહીં હાથ, અહો નાથ અહો સ્વામિનાથ;

એવો શબ્દ ઉંચે સ્વરે કીધો, હરિએ આવિ હોંકારો દીધો. ૭

જ્યારે જોયું ઉઘાડીને ચક્ષ, પુરુષોત્તમ દીઠા પ્રત્યક્ષ;

ઉઠીને પ્રણમ્યા પ્રભુ પાવે, ભુજા ભીડી ભેટ્યા બહુ ભાવે. ૮

પુછ્યું ક્યાંથી આવ્યા પરમેશ, ત્યારે બોલિયા શ્રીઋષિકેશ;1

અમે જાતા હતા બીજે ગામ, કોઈ ભક્તનું કરવાનું કામ. ૯

તમે બુમ પાડીને બોલાવ્યા, તેથી તરત અમે અહીં આવ્યા;

ક્રિયા સ્નાનાદિ કીધી કરાવી, વિપ્ર પાસે રસોઈ બનાવી. ૧૦

પૂજ્યા સોળ પ્રકારથી પ્રીતે, જમાડ્યા હરિને રુડી રીતે?

પીડા સર્વે વિજોગની ગઈ, શાંતિ સર્વ પ્રકારથી થઈ. ૧૧

ત્યાં તો સંતની મંડળી આવી, તેને માટે રસોઈ કરાવી;

સંત પાર્ષદ સૌને જમાડ્યા, નિજ મનના ઉચાટ મટાડ્યા. ૧૨

બગીબાઈ મામૈયાની નારી, સતી સદ્‌ગુણી સતસંગી સારી;

તેણે પણ પૂજિયા પરમેશ, પામ્યાં આનંદ ઉરમાં અશેષ. ૧૩

પછી ચાલિયા પૂરણકામ, ગયા સારંગપુર ઘનશ્યામ;

જીવા ખાચરને દરબાર, ઉતર્યા જઈ વિશ્વઆધાર. ૧૪

સભામાં બેઠા સુંદરશ્યામ, ત્યાં તો દરશન કરવાને કામ;

ગામ પરગામના જન આવ્યા, હરિએ જ્ઞાન વાતે રિઝાવ્યા. ૧૫

બોલ્યા બુધેજના હરિજન, ચાલો બુધેજ જગજીવન;

ઘણા ભક્તોની એવી છે આશ, આશા પૂર્ણ કરો અવિનાશ. ૧૬

દયા આણીને દયાના ધામે, કર્યો એવો ઠરાવ તે ઠામે;

અન્નકૂટ બુધેજમાં ભરિયે, પછી કાર્તિકી વૌઠામાં કરિયે. ૧૭

મોટું તીરથ તે સ્થળમાંય, મોટો મેળો ભરાય છે ત્યાંય;

માટે જો તે મેળામાં જવાય, કૈંક જીવોનું કલ્યાણ થાય. ૧૮

એવો નિશ્ચે કરી નિરધાર, લખી કંકોતરી ઠારોઠાર;

હરિભક્તોને હરિએ તેડાવ્યા, બહુ સંઘ બુધેજમાં આવ્યા. ૧૯

દીનબંધુ દિવાળીને ટાણે, ગયા બુધેજ એ જ પ્રમાણે;

ગામ પછમ થૈને પધાર્યા, હરિભક્તોના હરખ વધાર્યા. ૨૦

પ્રભુ બુધેજમાં રુડી પેર, ઉતર્યા ખોડાભાઈને ઘેર;

વર્ણિ પાસે કરાવિયો થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ. ૨૧

આસપાસના ગામનિવાસી, આવ્યા હરિજન અધિક હુલાસી;

ગામ ગુડેલ ગોરાડ ગામ, ગામ આખોલ તામસા નામ. ૨૨

વડ પાનડ ઝીણજ જાણો, ગામ આંબલિયાનું પ્રમાણો;

ખાખસર પાદરું ઉંટવાળું, જ્યાં જ્યાં ભક્ત રહે તે રુપાળું. ૨૩

એહ આદિક ગામના જન, આવ્યા કરવા પ્રભુ દરશન;

ત્યાં તો સુરતનો સંઘ આવ્યો, તે તો વસ્તુ નવાઈની લાવ્યો. ૨૪

કીનખાબનો તકિયો ને ગાદી, જોતાં અચરજ પામે ઇંદ્રાદિ;

ચારુ ચોકમાં પાટ ઢળાવી, તેની ઉપર ગાદી બિછાવી. ૨૫

તકિયો પણ ગોઠવ્યો ત્યાંય, શોભે તે તો બહુ સભામાંય;

ભારે વસ્ત્ર આભૂષણ અંગે, ધરી માવ ત્યાં બેઠા ઉમંગે. ૨૬

પૂજા સુરતના સંઘે કરી, ભલી ભેટ પ્રભુ પાસે ધરી;

ચારુ ચંદન હાર ચડાવી, ધૂપ દીપ નૈવેદ્ય ધરાવી. ૨૭

આરતી હરિ કેરી ઉતારી, સ્તુતિ સ્નેહ સમેત ઉચારી;

પછી મધ્યાહ્ન ઉત્તર કાળે, કરી નાવાની ઇચ્છા કૃપાળે. ૨૮

ભારે વસ્ત્ર ને ભૂષણ ધારી, સજી માણકિયે અસવારી;

સેવા સુરત સંઘે કરેલ, શોભા તે સર્વ અંગે ધરેલી. ૨૯

સાથે લીધા કાઠી અસવાર, સંત હરિજનનો નહિ પાર;

વાજાં વિવિધ પ્રકારના વાજે, એથી અવનિ ને આકાશ ગાજે. ૩૦

જન ટોળે મળી ઠામોઠામ, પ્રેમ નિરખે છે પૂરણકામ;

સખી પુછે છે સખીને આમ, આ તે કોણ છે સુંદરયામ. ૩૧

આવી સારી સજી કેણે સેવા, લાગી ત્યાં સખી ઉત્તર દેવા;

કહું સાંભળી તેહની વાત, રુદે થૈને કહું રળિયાત. ૩૨

સ્રગ્ધરા: નાગપાશપબંધ

જે છે કાલિન્દિવારિ રિપુધર નરનન્દીશનો ઈશ્વરેશ,2

રિદ્ધી સિદ્ધી ખિલાવી ભલિ જળથળની રીઝિ રીઝી દિનેશ;

છે જે પારેખ3 તેના સિર વિનવિ મહદ્‌ભાવિ સેવા કરી છે,

ધર્માદી કોઈ કાજે જનતન ધરિયું તે સખી શ્રીહરી છે. ૩૩

नागपाशप्रबंध

Image

પૂર્વછાયો

હરિતળાવડીએ હરિ, જઈ પહોંચ્યા પૂરણકામ;

કોઈ કહે છે તેહનું, બિજું ગોમતિ નિર્મળ નામ. ૩૪

સ્નાન કર્યું ત્યાં શ્યામળે, સતસંગી ને સંત સહિત;

ગાજતે વાજતે ગામમાં, પછે આવિયા રુડી રીત. ૩૫

દીપોત્સવી હતી તે દિને, રાતે રુડી રચી દીપમાળ;

વચ્ચે બિરાજે વાલમો, પરમેશ્વર જનપ્રતિપાળ. ૩૬

તારા તણા મંડળ વચે, શશી પૂરણ શોભે જેમ;

મંજુલ4 દીપકમાળમાં, વૃષતનુજ શોભે તેમ. ૩૭

દર્શન કારણ દેવતા, રુડું દીપકનું ધરી રૂપ;

શું અવનીમાં આવિયા, એવો ભાવ જણાય અનૂપ. ૩૮

તાલ મૃદંગ બજાવિને, કરે ઉત્સવ સંતસમાજ;

સૌ જન જાણે એકઠી, થઈ ક્રોડ દિવાળી આજ. ૩૯

કોઠીયો ઝાડ બપોરિયા, એવો દારૂખાનાનો ખેલ;

કર્યો કૃપાળુની આગળે, જોઈ રીઝ્યા રુદે રંગરેલ. ૪૦

અંતર ઇરષાળુ તણાં, સુખ પારકું જોઈ બળિ જાય;

દારુખાનાનાં રમકડાં, જોતાં એમ સળગતાં જણાય. ૪૧

ચોપાઈ

વીતી રાત ને પ્રગટ્યું પ્રભાત, અન્નકોટ ભર્યો ભલી ભાત;

કરી રાખ્યાં હતાં પકવાન, તેની વિગતિ સુણો ગુણવાન. ૪૨

ખોડોભાઈ તથા હઠીભાઈ, જીજીભાઈ અને કલભાઈ;

પીતામરભાઈ ભક્ત લુવાણા, એહ આદિક સતસંગી શાણા. ૪૩

મગાવ્યો હતો સૌએ સામાન, પખવાડિયા પ્રથમ તે સ્થાન;

પકવાન પડાવાને જાણી, તેડાવી હતી બાઇયો શાણી. ૪૪

ગંગામાત જેતલપુર તણાં, પાકવિધિમાં પ્રવીણ તે ઘણાં;

બાઈ જમના વસોનાં નિવાસી, અતિ ઉત્તમ પાક અભ્યાસી. ૪૫

મેમદાવાદ ઉમરેઠ તણી, વળી તેડાવી બાઇયો ઘણી;

ભાત ભાત ભલા પકવાન, કરી રાખ્યાં ઘણાં રસવાન. ૪૬

શાક પાક અથાણાં અનેક, એક એકથી ઉત્તમ એક;

ભાત ભાતના મેવા મીઠાઈ, ધર્યાં અનકોટમાં રસદાઈ. ૪૭

અન્નકોટ પુર્યો પ્રભુ પાસ, કરે ઉત્સવ કૃષ્ણના દાસ;

કર્યો ગોમય5 ગોવરધન, પ્રભુએ કર્યું તેનું પૂજન. ૪૮

અન્નકોટની શોભા નિહાળી, વડા વિબુધ6 કહે હદવાળી;

જમ્યા શ્રીહરિ ને જમ્યા સંત, જમ્યા સૌ સતસંગી અનંત. ૪૯

હવે વળતા દિવસ તણી વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત;

આજ છે હરિમંદિર જ્યાંય, વેલા લુવારનું ઘર ત્યાંય. ૫૦

હતા ત્યાં જન સૂરત કેરા, ઉતર્યા હતા આવિ ઘણેરા;

તેણે શ્રીજીને નોતર્યા ત્યાંય, જમાડ્યા હરખી હૈયામાંય. ૫૧

જમ્યા જ્યાં બેસીને ગિરધારી, તહાં છત્રી કરાવી છે સારી;

એમ ગામ બુધેજ મોઝાર, કૃષ્ણે કીધાં ચરિત્ર અપાર. ૫૨

પછી આવિ પ્રબોધિની જ્યારે, ધર્મજન્મ ઉત્સવ કર્યો ત્યારે;

જાગરણ કર્યું સૌએ તે રાતે, પછી પારણાં કીધાં પ્રભાતે. ૫૩

સજી સારી અસ્વારીનો તાલ, પછી વૌઠે ચાલ્યા વૃષલાલ;

દેશ દેશના સંઘ ને સંત, નિજ સાથે લીધા ભગવંત. ૫૪

ગામ આમલિયા ને મૈયારી, ગયા ત્યાં ગુણિયલ ગિરધારી;

ઇંદણજ અને હાડેવા ગામ, વચે વાંક તળાવનું નામ. ૫૫

જોયું તે વિષે નિર્મળ નીર, જોઈ વૃક્ષની છાયા ગંભીર;

રિઝ્યા અંતરે શ્રી અવિનાશ, કર્યો તે સ્થળ રજની નિવાસ. ૫૬

રાતે બુધેજના સહુ દાસે, કરી વિનતિ મહાપ્રભુ પાસે;

દયાસિંધુ દયા દિલ લાવો, જમે સંત રસોઈ કરાવો. ૫૭

સીધું સામાન છે અમ પાસ, કરો પૂર્ણ અમારી એ આશ;

ભક્તિપુત્રને વાત તે ભાવી, સંત પાસે રસોઈ કરાવી. ૫૮

કરી બાટિયો વર્ણિ મુકંદે, કર્યું ભોજન વૃષકુળચંદે;

બાટિયોમાં ઘણું ઘી ને ગોળ, ઉપજ્યો એમાં સ્વાદ અતોળ. ૫૯

સર્વ સંત જમ્યા એ જ રીતે, ગાઈ ગર્બિયો પૂરણ પ્રીતે;

મુક્તાનંદ મુની તણી પાસ, ઉચર્યા શ્રીમુખે અવિનાશ. ૬૦

ગામ બુધેજના હરિજન, અતિ ભાવિક છે તે અનન્ય;

સંતસેવા વિષે બહુ સ્નેહ, મુજ અર્થે કર્યાં દેહ ગેહ. ૬૧

બોલ્યા મુક્ત મુનિ મુખે વાણી, કહો છો સત્ય સારંગપાણી;

સમૈયામાં મળ્યા ઘણા દાસ, કરી સર્વની બહુ બરદાશ. ૬૨

સમૈયાના જે દિવસો ગયા છે, સેવામાં સહુ ઉભા રહ્યા છે;

દિનરાતે શયન નથી કીધું, સુખે ખાધું નથી નથી પીધું. ૬૩

મુકી ગામ આવ્યા અહીં વનમાં, તોય ભાવ એવો હજી મનમાં;

બ્રહ્મચારી કહે સુણો રાય, ધન્ય ભક્ત તો તે કહેવાય. ૬૪

જેનાં શ્રીમુખે કીધાં વખાણ, તેણે દેહ ધર્યો તે પ્રમાણ;

વીતી રાત દિવસ થયો જ્યારે, નાહી નિત્યક્રિયા કરી ત્યારે. ૬૫

પછી પરવર્યા સંઘ સહિતે, ગયા વૌઠા વિષે રુડી રીતે;

સારો સાભ્રમતી તટ જ્યાંય, લાખો લોક મળ્યા હતા ત્યાંય. ૬૬

ઘણા આવ્યા હતા સતસંગી, સામા આવિયા તેહ ઉમંગી;

વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા, પ્રભુને સૌએ પુષ્પે વધાવ્યા. ૬૭

કેવી અસ્વારી કુષ્ણની ભાસે, હવે વર્ણન તેનું કરાશે;

શોભા શેષ કે શારદા ગાય, જથારથ તોય કહી ન શકાય. ૬૮

પુષ્પિતાગ્રાવૃત્ત

પ્રભુદરશન ક્યાંઈ કીધું જેણે, જનમ કૃતાર્થ કર્યો જરૂર તેણે;

તનુધૃત7 જન તેહ ભાગ્યશાળી, છબી નિરખી છબિલા તણી રુપાળી. ૬૯

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિબૂધેજગ્રામે અન્નકૂટોત્સવકરણનામ સપ્તવિંશો વિશ્રામઃ ॥૨૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે