કળશ ૭

વિશ્રામ ૨૮

પૂર્વછાયો

વૃષતનુજ વૌઠા વિષે, મોટો મેળો ભરાય છે જ્યાંય;

અસ્વારી સજીને સંચર્યા, જન જોવા મળ્યા બહુ ત્યાંય. ૧

વાજાં વિવિધ વાજે ઘણાં, થાય બંધુકના બહુ બહાર;1

કીર્તન મુનિમંડળ કરે, જન ઉચ્ચરે જય જયકાર. ૨

હરિગીતછંદ

જયકારનો ઉચ્ચાર મનુષ્ય અપાર એ સ્થળમાં કરે,

શુભ નિરખી જોવા સરખિ શોભા હરખિ હૈડામાં ધરે;

વળિ શસ્ત્રવાળા પ્રેમિ પાળા બહુ નિહાળ્યા આગળ,

છડિદારનો ઉચ્ચાર વારમવાર સૌ જન સાંભળે. ૩

શણગારિ સારી માણકી અસવારિ શ્રીહરિએ કરી,

ધરી અંગપટ નવરંગ જડિયલ નંગનાં ભૂષણ ધરી;

અસવાર કાઠિ અપાર વિશ્વાધાર સાથે સંચરે,

શિર ઉપર મોટા પાગ પ્રભુપદ રાગ પણ પૂરણ ધરે. ૪

છોગાં ફરુકે શીશ દેવળ શીશ2 પર જેવી ધજા,

વિચરે નદીના ઘાટમાં વળી વાટમાં કરતાં મજા;

ઝળકે સુભાલા હાથ ઢળકે ઢાલ વાંસા ઉપરે,

કમરે કશી તરવાર હામ3 અપાર હૈડામાં ધરે. ૫

શુરવીર શ્રેષ્ઠ ગરાશિયા જે ભીમ અર્જુન સમ ભલા,

સજી અસ્ત્ર શસ્ત્ર અનેક જાણે જુદ્ધની સઘળી કળા;

સેના સજી ચતુરંગ જાણે જંગ4 કરવા જાય છે,

કામાદિ શત્રુ અભંગ કરવા ભંગ ચિત્ત ચહાય છે. ૬

હય હણહણે કૂદે ઘણા ન મળે મણા તનરૂપમાં,

ઉચ્ચૈઃશ્રવા હય ઇંદ્રનો શું આપું એની ઉપમા?

બખતર ધર્યાં નરસંગ પાખર5 અશ્વના ઉપર ધરી,

જોતાં જ દુર્જન દુષ્ટ નાશે દૂરથી દિલમાં ડરી. ૭

સૌ સંઘના જે લોક થોકેથોક પાછળ સંચરે,

તાળી બજાવી તેહ ધરિને નેહ કીર્તન ઉચરે;

શાસ્ત્રી સુનિત્યાનંદ આદિક રથ વિષે રુડા દિસે,

ખટ શાસ્ત્રના ભણનાર એવા કોણ દુનિયામાં દિસે. ૮

પુસ્તક તણાં તો પ્રૌઢ ત્યાં ગણતી વગર ગાડાં ભર્યાં,

મતવાદી વદવા વાદ આવ્યા તેહ દેખીને ડર્યા;

જોઈ કહે જનવૃંદ સહજાનંદ સ્વામિ સમર્થ છે,

તે સાથ કરવા વાદ મનમાં ચાય તે મતિમંદ છે. ૯

બહુ શસ્ત્રથી કે શાસ્ત્રથી ન જીતાય તેવા તેહ છે,

એનો પ્રતાપ અમાપ આપો આપ ઈશ્વર એહ છે;

મહાવ્યાળ6 સાથે અળશિયાનું બાળ યુદ્ધ ન કરિ શકે,

તેવિ રીતે જનજાત શ્રીહરિ સાથે બાથ ન ભરિ શકે. ૧૦

ચોપાઈ

પછી તેહ નદીતટ ઠામ, વારસિંઘ છે ગામનું નામ;

તેની સીમમાં કીધો ઉતારો, ભાળી ભૂમિનો ભાગ તે સારો. ૧૧

રુડી રાવટી7 તંબુ ને દેરા,8 તહાં ઉભા કરેલ ઘણેરા;

જથાજોગ્ય જેને ઘટે જેમ, સૌને ઉતારા આપિયા એમ. ૧૨

કર્યો ત્યાં ઘણા સંઘે પડાવ, દીસે શેહેર સમાન દેખાવ;

કૈક મોદિયે માંડિ દુકાનો, વેચે કંદોઇ બહુ પકવાનો. ૧૩

મોટા મુક્ત વસ્યા જેહ ઠામ, એ તો અવનીમાં અક્ષરધામ;

મુકુંદાનંદે ત્યાં કર્યો થાળ, જમ્યા જુક્તિએ જનપ્રતિપાળ. ૧૪

રસોઈ કરી ત્યાં રુડિ રીતે, જમ્યા સંત ને પાર્ષદ પ્રીતે;

જમ્યા ત્યાં સરવે હરિજન, દીસે સૌનાં પ્રસન્ન તે મન. ૧૫

સભા રાતે ભરી ભલી ભાત, કરી જ્ઞાન વૈરાગ્યની વાત;

વળી સૌને કહ્યું નરભ્રાતે, શંભુ દર્શને જાશું પ્રભાતે. ૧૬

તમે સૌ આવજો અમ સાથ, પોઢ્યા એમ કહી પ્રાણનાથ;

જાગ્યા સર્વ પ્રભાતમાં જ્યારે, નાહ્યા જૈને ત્રિવેણીમાં ત્યારે. ૧૭

દિધાં દ્વિજને નાનાવિધ દાન, કર્યા રંકને રાય સમાન;

મહાદેવ કાશી વિશ્વનાથ, પ્રભુ ત્યાં ગયા સૌ લઈ સાથ. ૧૮

એક મોહોર ત્યાં જૈ ભેટ કરી, હેતે શંકરને નમ્યા હરી;

થઈ દિવ્યરૂપે તેહ ઠામ, સામા શંકરે કીધા પ્રણામ. ૧૯

કર જોડી ઘણી સ્તુતિ કરી, છબિ અંતરમાં લીધી ધરી;

પછી ગામમાં છે ભીમનાથ, શ્યામ ત્યાં ગયા સૌ લઇ સાથ. ૨૦

ભેટ મુકી નમ્યા ભગવાન, રિઝ્યા પૂજારી પર તેહ સ્થાન;

આપ્યાં અંગનાં વસ્ત્ર ઉતારી, આપે અન્ય લિધાં અંગે ધારી. ૨૧

સિદ્ધનાથ સદાશિવ જ્યાંય, ત્રિભુવનપતિ વિચર્યા ત્યાંય;

મોર મુકિને કીધો પ્રણામ, ગયા સ્વસ્થાન શ્રીઘનશામ. ૨૨

શ્યામે રાતે સભા સજી સારી, સતશાસ્ત્રની વાતો ઉચ્ચારી;

કર્યું શયન શ્રી જગજીવન, ગયા નિજ નિજ ઉતારે જન. ૨૩

નાનાભાઈ ભલા વિપ્ર જેહ, મહારાજની આજ્ઞાથી એહ;

જઈ સંઘમાં સાદ પડાવ્યો, કાલે સૌ જન થાળ કરાવો. ૨૪

જમવાને પ્રત્યેક ઉતારે, પ્રભુ આવશે પૂરણ પ્યારે;

થયું પૂનમ કેરું પ્રભાત, વાલે નોતરિયા વિપ્રજાત. ૨૫

વરુણીમાં દ્વિજોને વરાવ્યા, રુદ્રિના9 અભિષેક કરાવ્યા;

વાલે વિપ્ર જમાડ્યા અપાર, ગણતાં નવ પામિયે પાર. ૨૬

સર્વે ઉતારે જૈ ધર્મલાલ, એક કાળે જમ્યા હરિ થાળ;

સાદ સર્વ સ્થળે ત્યાં પડાવ્યો, પ્રશ્ન પુછવા હોય તે આવો. ૨૭

ઉદ્ધવ સંપ્રદાય આ ટાણે, કરશું સિદ્ધ શાસ્ત્ર પ્રમાણે;

વામમાર્ગનું ખંડન કરશું, શ્રુતિશાસ્ત્ર પ્રમાણે ઉચ્ચરશું. ૨૮

સભા સાંજે સજી મહારાજે, વાતો ત્યાં કરી સંત સમાજે;

મતવાદી આવ્યા સભામાંઈ, પણ બોલી શક્યા નહીં કાંઈ. ૨૯

દાઝ્યા દિલ માંહિ દ્વેષી વેરાગી, એના અંતરમાં લાય લાગી;

કરે ઇચ્છા ઘણી યુદ્ધ કરવા, દેખી ઐશ્વર્ય લાગ્યા તે ડરવા. ૩૦

દુષ્ટ આવ્યા હતા ટોળે મળી, અસ્ત્ર શસ્ત્ર ધર્યાં હતાં વળી;

ક્રોધે લોચન રાતાં જણાય, ડસે હોઠ ને કંપે છે કાય. ૩૧

દીઠા કૃષ્ણને કાળ સ્વરૂપ, તેથી ચાલ્યા ગયા રહી ચૂપ;

વટપત્તન સુરત તણા, સતસંગી આવ્યા હતા ઘણા. ૩૨

વળી હરિજન શ્રીપુરવાળા, સૌએ સારી રચી દીપમાળા;

જોઈ રચના રુડી તેહ ઠામે, જનનાં મન અચરજ પામે. ૩૩

દીપમાળામાં દીપે દયાળ, જેમ ચંદ્ર ને નક્ષત્રમાળ;

સારો વાજિંત્રનો લઈ સાજ, કરે ઉત્સવ સંત સમાજ. ૩૪

પ્રગટાવી મશાલો હજાર, કરે દર્શન લોક અપાર;

કોઈ બાળક ગોસ્વામિ કેરા, ઉતર્યા હતા ત્યાં કરી ડેરા. ૩૫

ખર્ચ માટે મળે નહિ ધન, ત્યારે બંધ કરે દરશન;

બહુ કરગરીને કહે જ્યારે, શિષ્યો આપે તેને દ્રવ્ય ત્યારે. ૩૬

જોઈ વૈભવ શ્રીહરિ તણો, ઉપજ્યો એને વિસ્મય ઘણો;

એથી અંતરે થૈને ઉદાસ, ઉચર્યા નિજ દાસોની પાસ. ૩૭

આ છે સ્વામિનારાયણ જેહ, દ્રવ્ય ક્યાં થકી લાવે છે તેહ;

ઘણા દિવા મશાલો કરેલ, તેને કોણ દેતું હશે તેલ. ૩૮

વાત કુબેરસિંહ ચોપદારે, કાનોકાન તે સાંભળી જ્યારે;

વૃષનંદન આગળ આવી, બધી વાત તે તેણે સુણાવી. ૩૯

સુણી બોલિયા શ્રીભગવાન, એ તો બાળક બાળ સમાન;

થાય છે શું જગત મોઝાર, તેનું જ્ઞાન તેને ન લગાર. ૪૦

શ્રેષ્ઠ જાણે છે આપને આ૫, નવ જાણે પ્રભુનો પ્રતાપ;

બ્રહ્મચારી કહે સુણો ભૂપ, એમ કીધો સમૈયો અનૂપ. ૪૧

દૈવી જીવ હતા જન જેહ, થયા શ્રીજીના આશ્રિત એહ;

જેનાં પૂર્વનાં કર્મ કઠોર, રહ્યા તે નિરભાગી10 નઠોર. ૪૨

જેમ જૈ ચડે ગંગાને તીર, નિરભાગી પિયે નહિ નીર;

જેમ સોનાની લંકા લુંટાય, નિરભાગી ન કાંઈ કમાય. ૪૩

તેમ પ્રગટ પ્રભુ આવિ મળિયા, તોય દુષ્ટના દોષ ન ટળિયા;

ઓળખ્યા નહિ વિશ્વઆધાર, ખોયો માણસનો અવતાર. ૪૪

એમ વૌઠા વિષે વૃષનંદે, દિગવિજય કર્યો જગવંદે;

ચાલ્યા જીવન સંઘની જોડે, ગયા ત્યાં થકી ગામ બરોડે. ૪૫

રાતવાસો વસીને સિધાવ્યા, પ્રભુજી ગામ પુંજેરે આવ્યા;

ત્રાજ ગામ છે ત્યાં ગયા હરી, રાત માતરમાં રહ્યા ઠરી. ૪૬

તહાં બારોટ નામે કુંવરજી, તેણે રાજી કર્યા ગિરિધરજી;

ત્યારે ભારે પ્રસાદીનું શેલું, હરિએ તેના હાથમાં મેલ્યું. ૪૭

મહિમા મહારાજનો જાણી, શેલું પૂજવા રાખ્યું વખાણી;

ચાલ્યા ત્યાં થકી પુરુષ પુરાણ, દીનબંધુ પધાર્યા ડભાણ. ૪૮

નિજજનને કરિને નીહાલ, પછી વાલો આવ્યા વરતાલ;

પગી જોબનની મેડી જ્યાંય, ઉતર્યા શ્રીહરિ તેહ માંય. ૪૯

જ્ઞાનબાગમાં આમલો સારો, જોઈ સંતોએ કીધો ઉતારો;

જમી રાતે પોઢિ રહ્યા હરી, બીજે દિન આમલે સભા કરી. ૫૦

સંઘના જન ત્યાં સંચરીને, પુરા હેતથી પૂજ્યા હરિને;

લાગ્યા પૂજવા તે પછી સંત, ત્યારે થૈ તહાં ભીડ અત્યંત. ૫૧

નૃસિંહાનંદ આતમાનંદ, ચાલ્યા પૂજવા વૃષકુળચંદ;

એક તો પ્રભુ પૂજીને આવ્યા, પણ આતમાનંદ ન ફાવ્યા. ૫૨

પાત્ર ચંદનનું કર લઈ, ઘણી વાર ઉભા રહ્યા જઈ;

પણ પૂજવા પામ્યા ન વારો, દેખી રિઝિયા ધર્મદુલારો. ૫૩

બોલાવ્યા તેને પોતાની પાસ, લીધું ચંદન તે કરી હાસ;

નિજ અંગે તે ચર્ચિયું નાથ, પછી ભેટ્યા તેને ભરી બાથ. ૫૪

સર્વે સંતને શ્રીગોવિંદ, આપ્યાં છાતિમાં ચરણારવિંદ;

ભીડી અંક11 ને ભેટ્યા દયાળ, ઉપજ્યો અતિ હર્ષ તે કાળ. ૫૫

આરતી ટાણે આરતી કરી, નારાયણધુની પણ ઉચ્ચરી;

પગી જોબનની મેડીમાંય, પ્રભુ જૈને બિરાજિયા ત્યાંય. ૫૬

ઉત્તરાભિમુખે જોઈ બારી, બેઠા તે માંહિ શ્રીગિરધારી;

ચોકમાં પગિયો તણી નારી, લાગિ ગરબિયો ગાવાને સારી. ૫૭

ફરતાં ઘડા હાથે ઉછાળે, તેમાં તાન લેતી તાળે તાળે;

એક રાવળ ઢોલ વગાડે, તાલ લેવાની ચાલ દેખાડે. ૫૮

નારીને પગે નેપુર12 ઝમકે, પગ માંડે લળી લળી ઠમકે;

એવી રીતે રમી બહુ રાસ, જોઈ રાજી થયા અવિનાશ ૫૯

સૌને આપ્યાં પતાસાં સુપેર, ગઈ પોતપોતા તણે ઘેર;

પછી પોઢિયા શ્રીપરમેશ, ઉઠ્યા ઉગતાં પ્રથમ દિનેશ. ૬૦

પુષ્પિતાગ્રાવૃત્ત

ચતુર હરિવરે ઘણાં ચરિત્ર, વસિ વરતાલ વિષે કર્યાં વિચિત્ર;

અધિક ઉચરતાં ન અંત આવે, વરણન સ્વલ્પ કરી સહુ સુણાવે. ૬૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિવૌઠાદિક્ષેત્ર-વિચરણનામ અષ્ટાવિંશતિતમો વિશ્રામઃ ॥૨૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે