વિશ્રામ ૨૯
પૂર્વછાયો
વર્ણિ કહે વસુધાપતિ, તમે સાંભળી સ્નેહ સહિત;
વદું1 લીલા વરતાલની, હૈએ ધારી સરવનું હિત. ૧
રુડા નારાયણ બાગમાં, ઉતર્યા હતા સુરતી જન;
તેણે હરિને નોતર્યા, ભાવે કરાવવા ભોજન. ૨
જીવન જમવાને ગયા, જમ્યા બાગ વિષે જઈ થાળ;
પ્રેમીજને પછી પૂજિયા, પરમેશ્વર જનપ્રતિપાળ. ૩
પ્રભુજીને પહેરાવિયો, મહામૂલી ભલો પોશાગ;
સૂરતી ઘાટની શોભતી, સારી શિર ધરાવી પાગ. ૪
પૂરવ ભવના પુન્યથી, જેણે ઓળખિયા અવિનાશ;
લાવ2 લેતાં આ લોકમાં, કેમ રાખે તે કાંઈ કચાશ. ૫
પછી પ્રભુજી પધારિયા, નિજ ઉતારે સહિત સમાજ;
કરી ભલી કથા વારતા, સૌના સંશય હરવા કાજ. ૬
ચોપાઈ
કહે વર્ણિ સુણો રુડા રાજ, મોટું મંદિર છે જહાં આજ;
હતું બોરડીનું ઝાડ ત્યાંય, જોતાં જનને ગમે મનમાંય. ૭
એક દિવસે ત્યાં દેવ મુરારી, બેઠા શ્રેષ્ઠ સભા સજી સારી;
ઘાટ સંકલ્પ સંબંધિ વાત, કરી શ્રીમુખે ત્યાં સાક્ષાત. ૮
મુક્તાનંદમુનિ પ્રત્યે માવ, બોલ્યા એ સમે નટવર નાવ;
ઘાટ સંકલ્પ જે કહેવાય, થાય કે તમને નવ થાય. ૯
કહે મુક્તમુનિ કહું તેહ, મેં તો ધાર્યો છે મનુષ્ય દેહ;
ઘાટ સંકલ્પ તો તેથી થાય, પણ થૈને તે તરત શમાય. ૧૦
સુણી બોલિયા સુંદરશ્યામ, ઉઠી બેસો તમે એક ઠામ;
સ્નેહે આજ્ઞા એવી સુણી લૈને, મુનિ બેઠા બીજે સ્થળે જૈને. ૧૧
બ્રહ્માનંદને કહે ભગવાન, હવે બોલો તમે જ્ઞાનવાન;
ઘાટ સંકલ્પ જે કહેવાય, થાય કે તમને નવ થાય. ૧૨
બોલ્યા બ્રહ્મમુનિ તેહ વાર, ઘાટ તો મુજને ન થનાર;
કહે શ્રીહરિ બોલો વિચારી, નહિ તો પાપ લાગશે ભારી. ૧૩
કવિ બોલ્યા કરીને વિચાર, ઘાટ તો થાય છે ઘણી વાર;
નથી છાનું તમારાથી સ્વામી, આપ છો પ્રભુ અંતરજામી. ૧૪
સુણી એવું બોલ્યા અવિનાશ, જૈને બેસો મુનિ મુક્ત પાસ;
ત્યારે બ્રહ્મમુનિ ઉભા થઈ, મુક્તાનંદ જોડે બેઠા જઈ. ૧૫
સર્વ સંતને એવી જ રીતે, ઘાટ સંકલ્પનું પુછ્યું પ્રીતે;
પછી પુછ્યું ગૃહસ્થોને એમ, કહો ભક્તો તમારે છે કેમ. ૧૬
એક બે જણ બોલિયા ત્યારે, નથી થાતા સંકલ્પ અમારે;
અલૈયો કહોર3 બોલ્યા એમ, મુઠીમાંથી રેતી વહે જેમ. ૧૭
ઘાટ સંકલ્પ થાય અખંડ, ક્યારે સારા કે નરસા પ્રચંડ;
પછી શ્રીમુખથી સાક્ષાત, ઘાટ સંકલ્પની કરી વાત. ૧૮
ઘાટ મનમાં નિરંતર થાય, જોતાં જ્ઞાનીને તરત જણાય;
જ્ઞાની ઓળખે મન તણા ઘાટ, અણસમઝું ન જાણે તે વાટ. ૧૯
ઘાટ અજ્ઞાનીનું મન ઘડે, તેની ખબર તેને નવ પડે;
કહે સંત જે ઘાટ તો થાય, તેનો અવગુણ તે લે સદાય. ૨૦
કહે ઘાટ ઘડે મન જ્યારે, સંત તે કહિએ કેમ ત્યારે?
પણ મૂર્ખ જાણે નહિ મર્મ, ઘાટસંકલ્પ મનનો છે ધર્મ. ૨૧
મન તો ચડિ જાય છે ચાળે, સાચા સંત તેને પાછું વાળે;
વળી મનને તે નવરું ન રાખે, શુદ્ધ સંકલ્પમાં જોડી નાખે. ૨૨
જેમ ભૂત જેને વશ થાય, નવરું રહે તો ખાવા ધાય;
નવરું થવા દેવું ન એને, કાંઈ કામ ભળાવવું તેને. ૨૩
મન પણ જાણવું ભૂત જેવું, તેને નવરું રહેવા ન દેવું;
પ્રભુમૂર્તિ વિષે મન ધારો, કાં તો કીર્તન ગાઈ વિચારો. ૨૪
કથા સાંભળો ને સંભળાવો, કાં તો ધર્મની ચર્ચા ચલાવો;
નવધા ભગતી કહેવાય, તેમાં રાખવું મનને સદાય. ૨૫
સતશાસ્ત્ર ભણો ને ભણાવો, કૃષ્ણભક્તિ કરો ને કરાવો;
એવી રીતે કરી ઘણી વાત, સુણી સર્વે થયા રળિયાત. ૨૬
પ્રભુને પદ વંદી વિશેષ, સંઘ સર્વે સિધાવ્યા સ્વદેશ;
જે જે સાધુ હતા ભણનારા, મુક્તાનંદ પાસે રહેનારા. ૨૭
મુક્તાનંદ સાથે સહુ એહ, ગયા સરસવણી ગામ તેહ;
આતમાનંદને કહે હરી, તમે મંડળ તૈયાર કરી. ૨૮
તમે સદગુરુ સર્વ છો જેહ, જાઓ દેશમાં ફરવાને તેહ;
હોય વૃદ્ધ અશક્ત જે અંગે, કરી જાણે ન વાત પ્રસંગે. ૨૯
એવાનું જુદું મંડળ કરીએ, વરજાનંદ સદગુરુ ધરિએ;
સાધુ લંગડા પરમાનંદ, સોંપિએ તેહને એક વૃંદ. ૩૦
તેઓ એવાની સંભાળ લેશે, દયા રાખીને ધીરજ દેશે;
સંતના એમ મંડળ કીધાં, સદગુરુઓના તાબામાં દીધાં. ૩૧
હતા કોઈ સ્વતંત્ર સ્વભાવે, તેને બંધી માંહી લીધા માવે;
મુંઝાણા કોઈ તો મનમાંઈ, પણ બોલિ શક્યા નહિ કાંઈ. ૩૨
પછી થાળ જમ્યા ભગવંત, જમ્યા પાર્ષદ ને જમ્યા સંત;
પછી ઘોડિએ થૈ અસવાર, ગયા ગોવિંદ ગામ બહાર. ૩૩
ગામથી પૂર્વમાં છે તળાવ, પછી ત્યાં ગયા નટવર નાવ;
શોભે તે સરનો તટ સારો, હતો સાધુઓનો ત્યાં ઉતારો. ૩૪
સંત સર્વે નમ્યા આવી પાય, ત્યારે બોલિયા વૃષકુળરાય;
જેને બંધીમાં રહેવાનું ગમે, રહો સરોવર તીર આ સમે. ૩૫
સારી જેહ સ્વતંત્રતા ધારો, તે તો જોળને પંથે પધારો;
આતમાનંદ બોલિયા ત્યારે, બંધિમાં રહેવું છે જ મારે. ૩૬
એકે એકે બોલ્યા સહુ એમ, બંધિમાં રહિએ નહિ કેમ?
તમ અર્થે તજ્યાં ઘરબાર, તજી નાત તજ્યો પરિવાર. ૩૭
પ્રભુ તમને જ કરવા પ્રસન્ન, અમે અર્પિયાં તન મન ધન;
તમે રાખો તે રીતે રહેશું, આપ આજ્ઞા માથે ધરિ લેશું. ૩૮
કહો તો વસિએ જઈ વનમાં, સહિએ ટાઢ ને તાપ તનમાં;
કહો તો તજિએ ખાનપાન, ધરિએ આપનું બેઠા ધ્યાન. ૩૯
સુણી રાજી થયા મહારાજ, કહે સાંભળો સંતસમાજ;
આજથી આ વચન ધરી લેજો, આત્માનંદની આજ્ઞામાં રહેજો. ૪૦
તે તો જેને સોંપે કામ જેવું, તે જ રીતે તરત કરી દેવું;
જેના મંડળમાં જેને રાખે, જેહ દેશમાં ફરવાનું દાખે.4 ૪૧
એમાં શંકા કશીએ ન કરવી, કરે આજ્ઞા તે અંતરે ધરવી;
સુણી બોલિયા સંતસમાજ, એમ કરશું અમે મહારાજ. ૪૨
આતમાનંદને કહે નાથ, તમે મંડળ લૈ નિજ સાથ;
કરો બામણગામ પ્રવેશ, દૈવી જીવને દ્યો ઉપદેશ. ૪૩
સુણી મંડળ લૈ સદ્ય ગયા, રાત બામણગામમાં રહ્યા;
બીજા મંડળ મોકલ્યાં જ્યાંય, ગયાં તે પણ તે સ્થળમાંય. ૪૪
પ્રભુ ચાલિયા પાર્ષદ લૈને, તે તો ગામ બુધેજમાં જૈને;
ઉંટવાળા ને હાંસદ ગામ, નાર્ય5 પંડોળિએ ગયા શ્યામ. ૪૫
ધર્મનંદન ધર્મજ ગયા, રાત જૈને બોચાસણ રહ્યા;
ઉતર્યા કાશીદાસને ઘેર, તેણે સેવા સજી શુભ પેર. ૪૬
બોરસદમાં વસે આશારામ, તેને ઘેર ગયા ઘનશ્યામ;
તે તો વિપ્ર પવિત્ર છે જાણી, તેને ઘેર જમ્યા પદ્મપાણિ.6 ૪૭
ભાદરણ વિચર્યા ભગવાન, દીધાં દાસને દર્શન દાન;
કાળીદાસ પટેલ ત્યાં રહે, ભગુભાઈ તેના સુત કહે. ૪૮
પિતા પુત્ર ભલા હરિભક્ત, પૂજ્યા હરિને પૂજે જેમ મુક્ત;
પછી ત્યાંથી પ્રભુ પરવરિયા,7 ખેડાહે કંછડોલે વિચરિયા. ૪૯
જોયું માનપરું નારપરું, આવ્યું બામણગામ ત્યાં ખરું;
જ્યાં છે બેચર પંડ્યાની મેડી, હરિભક્તો ગયા તહાં તેડી. ૫૦
જોઈ પશ્ચિમ દ્વારની બારી, બેઠા તે માંહિ વિશ્વવિહારી;
હરિભક્તે ઘણી કરી તાણ, પણ નવ જમ્યા શ્યામ સુજાણ. ૫૧
પછી લૈને પ્રભુનું વચન, પારષદને કરાવ્યું ભોજન;
આતમાનંદ ભાઈ ત્યાં મળિયા, પ્રભુજીને પગે તે તો ઢળિયા. ૫૨
પછી સૌને કહ્યું પરમેશે, જાશું વાકળ કાનમ દેશે;
મહીસાગર ક્યાં ઉતરાશે? ભૂમિનો કોણ ભોમિયો થાશે? ૫૩
હરિભક્ત બોલ્યા શિર નામી, સુણો શ્રી સહજાનંદસ્વામી;
નામે એકલબારાનો આરો, એ છે ઉતરવા જોગ્ય સારો. ૫૪
ઉચર્યા આતમાનંદ ભાઈ, આરો દીઠો છે મેં સુખદાઈ;
ત્યારે તેઓને લૈ નિજ સાથે, ગતિ ત્યાંથી કરિ મુનિનાથે. ૫૫
થૈને અશ્વી ઉપર અસવાર, માવો ચાલીયા મહી8 મોઝાર;
ગયા એકલબારાને આરે, ચાલ્યા સૌ મુનિ સામે કિનારે. ૫૬
શાર્દૂલવિક્રીડિત
પ્રત્યક્ષ પ્રભુને નિહાળિ મહિએ9 ધારી ભલા ભાવને,
પોતાના જળના તરંગ કરથી ધોયા પ્રભુપાવને;
જાણિ પૂજ્ય પ્રસાદિ એક પગની જ્યાં મોજડી લૈ લિધી,
ત્યારે કૃષ્ણ પ્રસન્ન પૂર્ણ થઈને બીજીય તેને દિધી. ૫૭
સ્વર્ગંગા10 પણ તે સમે સ્વમનમાં આશ્ચર્ય પામી અતી,
મોટો તે મહિનો11 વિચારી મહિમા પોતે લજાતી હતી;
ધામી અક્ષરધામના પ્રભુ મળ્યા તેને શી ખામી રહી,
એવો લાવ લિધો ન લેશ કદિ મેં આ સ્વર્ગ માંહી રહી. ૫૮
પુષ્પિતાગ્રાવૃત્ત
નદિજળ ઉતરી કૃપાનિધાન, સ્વજન સમેત કર્યું તહાં જ સ્નાન;
પ્રભુપદ પરશી પવિત્ર કીધી, મહિ નદિને પદ શ્રેષ્ઠપ્રાપ્તિદીધી. ૫૯
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિમહીનદીતટ-પ્રદેશ વિચરણનામ એકોનત્રિંશત્તમો વિશ્રામઃ ॥૨૯॥