કળશ ૭

વિશ્રામ ૩

પૂર્વછાયો

સુંદરશામ સભા વિષે, કરે જ્ઞાન વિનોદની વાત;

બ્રહ્મસભા શોભે ભલી, જોતાં થાય હૃદય રળીયાત. ૧

ચોપાઈ

પછી શ્રીજીની આગળ આવી, કોઈ સજ્જને વાત સુણાવી;

જેટલામાં છે ગુજરાત દેશ, વામમાર્ગ વધ્યો છે વિશેષ. ૨

એકઠા ચારે વર્ણ કરે છે, શક્તિની પૂજા સ્નેહે કરે છે;

મદ્ય માંસનું નૈવેદ્ય થાય, પછી ખાંતથી સૌ મળી ખાય. ૩

સભામાં ખૂબ ખંડન કરો, સર્વ લોકના સંશય હરો;

એવું સાંભળી શ્રીભગવાને, સભા સારી સજી તેહ સ્થાને. ૪

હજારો જન એ સ્થળે આવ્યા, બહુ પંડિતને ત્યાં બોલાવ્યા;

મુખે બોલિયા એ સમે માવો, હવે શાસ્ત્રની ચર્ચા ચલાવો. ૫

દેવીપૂજન કૈક કરે છે, મદ્ય માંસ નૈવેદ્ય ધરે છે;

કોઈ યજ્ઞ કરે પશુ મારી, તે છે સારી કે રીત નઠારી. ૬

એવું સાંભળીને એહ ઠામ, બોલ્યા શાસ્ત્રીજી નિર્ભયરામ;

અમદાવાદના રહેનાર, ઘણાં શાસ્ત્રનો જાણે તે સાર. ૭

મદ્ય માંસથી શક્તિપૂજન, કરે છે તે તો જે શૂદ્ર જન;

ઉંચી નાતના તો એવું કામ, કરે છે હોય જ્યાં ગુપ્ત ઠામ. ૮

કરતા હોય શાસ્ત્ર પ્રમાણે, સભામાં બોલે આવી આ ટાણે;

ભુંડું કામ તો ગુપ્ત કરાય, સારા કામથી શીદ શરમાય? ૯

વામપંથના ગ્રંથ નઠારા, એ તો આસુરી જન રચનારા;

શિવ-શક્તિનો સંવાદ લૈને, રચ્યા ગ્રંથ તે નાસ્તિક થૈને. ૧૦

સતશાસ્ત્ર તો તેથી છે ન્યારાં, સદાચરણ સ્થાપન કરનારાં;

સતશાસ્ત્રનો સાર છે એહ, અહિંસા ધર્મ ઉત્તમ તેહ. ૧૧

યોગ અષ્ટાંગ વેદ કહે છે, તેમાં યમ ને નિયમ રહે છે;

અહિંસા એમાં મુખ્ય ગણી છે, વેદમાં એવી શ્રુતિયો ઘણી છે. ૧૨

તોયે જેને જેવું કર્મ ભાવે, એવો અર્થ એનો ઉલટાવે;

પછી શાસ્ત્રી બોલ્યા આશારામ, વસે તે સદા વીરમગામ. ૧૩

શાર્દૂલવિક્રીડિતવૃત્ત

એવું કોઈ કહે અહો ધરમ તો સારો અહિંસા ખરો,

બોલે એ જ મુખે પશૂ હણિ હણી હિંસાથી યજ્ઞો કરો;

સારું કોઈ મનુષ્ય એમ કદિયે બોલે દ્વિભાષા1 નહીં,

તો જે વેદ પવિત્ર શાસ્ત્ર કહિયે તે કેમ બોલે કહી? ૧૪

ચોપાઈ

સત્ત્વ રજ તમ ગુણ કહેવાય, જેવો ગુણ તેની તેવી ઇચ્છાય;

તમોગુણિને તો હિંસા ગમે છે, તેવા હિંસક બ્રાહ્મણ તે છે. ૧૫

તે તો બેસીને ગંગા કિનારે, એક હાથથી માછલાં મારે;

બીજા હાથમાં ગૌમુખી રાખે, માળા ફેરવે ગાત્રિ ભાખે. ૧૬

સિંધદેશી અને જે બંગાળી, જાતિ વિપ્રની હિંસક ભાળી;

માંસાહાર તે નિત્ય કરે છે, વેદનાં તે પ્રમાણ કહે છે. ૧૭

બકરાં કુકડાં નિત્ય મારે, તેનું પાપ ગણે ન લગારે;

ભરતખંડમાં બ્રાહ્મણ જે છે, ત્રણ ભાગના હિંસક તે છે. ૧૮

મારી બકરાં કરે સોમયાગ,2 કરે ભક્ષ હુતદ્રવ્ય3 ભાગ;

પશુઓ યજ્ઞ અર્થે સૃજ્યાં છે, એવાં વેદમાં વચન કહ્યાં છે. ૧૯

તે તો જાણો પંચામૃત કાજ, પશુઓ વડે થાય અનાજ;

ઘડ્યાં છે પશુઓ એહ ઘાટે, પણ નહિ પશુ મારવા માટે. ૨૦

યજ્ઞ અર્થે છે વિપ્રસમાજ, પણ તે નહિ મારવા કાજ;

એનો અવળો કરે કોઈ અર્થ, એ તો અર્થ નહિ છે અનર્થ.4 ૨૧

જુઠો અર્થ કરી વાદ તાણે, આપ આપની ઇચ્છા પ્રમાણે;

ઝાઝા જે મતના મળે જ્યાંય, વાદે થાય તેની જીત ત્યાંય. ૨૨

ચોથે ભાગે અહિંસક જાણો, ગુજરાતી પ્રમુખ્ય પ્રમાણો;

થાય આકાશમાં વાણી તોય, તે તો હિંસા કરે નહીં કોય. ૨૩

આત્મવત્ સર્વભૂતને ભાળો, એવું વેદ વચન છે નિહાળો;

જેવી આપણને પીડા થાય, પીડા કરવાથી પ્રાણિ પીડાય. ૨૪

પ્રાણ આપણને પ્રિય જેવો, પ્રિય છે પશુને પ્રાણ તેવો;

શત બ્રહ્મા આવી સમજાવે, અહિંસકને તો હિંસા ન ભાવે. ૨૫

એવાં વચન સુણી તેહ વારે, રુપશંકર શાસ્ત્રી ઉચ્ચારે;

વટપત્તનના તે નિવાસી, જેણે વિદ્યા વિશેષ અભ્યાસી. ૨૬

સુણો સુજ્ઞ સભાસદ સહુ, શ્રુતિ વેદની હું વળી કહું;

તૈત્તરીયબ્રાહ્મણમાં કહી છે, જેમાં મુખ્ય અહિંસા રહી છે. ૨૭

એમ કહીને શ્રુતિ સંભળાવી, દીધો વિસ્તારે અર્થ બતાવી;

મેધ્ય5 ગુણ જ્યારે પુરુષમાં હતો, નરમેધ6 જગન ત્યારે થતો. ૨૮

મારી પુરુષનું હોમતા માંસ, ખાતા બ્રાહ્મણો તેહનો અંશ;

મેધ્ય ગુણ પછી અશ્વમાં ગયો, અશ્વમેધ જગન ત્યારે થયો. ૨૯

એનો સાર એવો સમજાય, નર મારતાં આવી દયાય;

નવમેધ તે બંધ કરાવી, અશ્વમેધની રીત ચલાવી. ૩૦

મેધ્ય ગુણ હયમાંથી નિકળિયો, જૈને બળદના અંગમાં મળિયો;

ત્યાંથી ઉંટને અંગે ઉતરિયો, ત્યાંથી જૈ અજ7 અંગમાં ઠરિયો. ૩૧

ત્યાંથી નીકળી પૃથ્વિમાં પેઠો, વ્રીહી8 અન્નમાં તે જઈ બેઠો;

વ્રીહી અન્નથી યજ્ઞ કરાય, પશુની પછી હિંસા ન થાય. ૩૨

શ્રુતિ છે એવી વેદને પાને, પણ હિંસક વિપ્ર ન માને;

આસુરી જન જગતમાં જે છે, તેને હિંસા જ કરવી ગમે છે. ૩૩

જેનો ક્રૂર સ્વભાવ જણાય, તેને દિલમાં ન આવે દયાય;

નર એક શુનઃશેફ નામ, તેને બાંધેલો નરમેધ ઠામ. ૩૪

વિશ્વામિત્રને દિલ દયા આવી, તેથી તેહને મુક્યો છોડાવી;

દયાળુને દિલે દયા એમ, પશુ ઉપર આવે ન કેમ. ૩૫

અહિંસૈવ પરો ધર્મ કહે, તોય પ્રાણ પશુના તે લહે;

દેવીને મદ્ય માંસનો ભોગ, દ્વિજાતીયે9 ન આપવા યોગ. ૩૬

ઉંચો વર્ણ આપે નહીં જ્યારે, નીચું કામ તે જાણવું ત્યારે;

નીચા કામમાં પાપ જ હોય, બુદ્ધિમાન જાણે સહુ કોય. ૩૭

વામમારગી10 જે હોય ખરો, હિંસાનું પ્રતિપાદન કરો;

તેનું ખંડન હું કરી આપું, અહિંસા મત શાસ્ત્રથી થાવું. ૩૮

એવી પામ્યો છું શક્તિ હું આપે, તે તો પ્રગટ પ્રભુને પ્રતાપે;

એવું સાંભળી સૌ રહ્યા જોઈ, વામી બોલી શક્યા નહીં કોઈ. ૩૯

વામી દાઝીયા કૈક અંતરમાં, પણ શું કરે એ અવસરમાં;

વળી શ્રીહરિ બોલ્યા વચન, તમે સાંભળો સહુ દ્વિજજન. ૪૦

વિપ્ર થૈ શક્તિપૂજન કરે, મદ્ય માંસનું નૈવેદ્ય ધરે;

મંડે તેની પ્રસાદીને લેવા, કહો તે કહીયે દ્વિજ કેવા. ૪૧

ત્યારે બોલિયા તે વિદ્વાન, તે તો જાણવા શ્વપચ11 સમાન;

ઉભા થૈને કરી એમ વાત, જેમ સાંભળે સૌ જન જાત. ૪૨

પછી દક્ષિણા શ્રીજીયે દીધી, દ્વિજ સૌએ પ્રદક્ષિણા કીધી;

કહી શ્રીજીનો જયજયકાર, ગયા સૌ નિજ નિજને અગાર.12 ૪૩

વાટે વિપ્ર મળ્યો એક દ્વેષી, વાત પૂછવા લાગ્યો તે બેસી;

કેટલા વિપ્ર આવ્યાતા ભાઈ, થઈ કે ન થઈ જ લડાઈ. ૪૪

આપ્યો ઉત્તર એ જજ્ઞમાંય, દ્વિજ લક્ષ મળ્યા હતા ત્યાંય;

નિરવિઘ્ન પડ્યું કામ પાર, થયો સ્વામીનો જય જયકાર. ૪૫

દ્વેષી વિપ્ર તે બોલ્યો ચિડાઈ, બ્રહ્મબીજ13 નહિ કોઈ ભાઈ;

પણ જો કદી હું હોત ત્યાંય, પડી મરત અગ્નિકુંડ માંય. ૪૬

એનો જજ્ઞ જો નિર્વિઘ્ન થાય, બધા બ્રાહ્મણની લાજ જાય;

ગયો બડબડતો એવી પેર, ગયા વિપ્ર તે નિજ નિજ ઘેર. ૪૭

પ્રભુને એક પાર્ષદે કહ્યું, લાડવા તો પડ્યા રહ્યા બહુ;

ત્યારે બોલીયા પરમ ઉદાર, ઘર દીઠ આપો ચાર ચાર. ૪૮

કર્યું એમ બોલ્યા જેમ ઇષ્ટ, તોય લાડુ રહ્યા અવશિષ્ટ;14

પછી સરોવરમાં નાખી દીધા, જળજંતુએ તે ભક્ષ કીધા. ૪૯

વૃષપુત્રના જજ્ઞની વાત, થઈ દેશ વિદેશ વિખ્યાત;

જેણે જોયો તે જજ્ઞ વખાણે, સુણે તે ઉર અચરજ આણે. ૫૦

પુષ્પિતાગ્રાવૃત્ત

જનહિત હરિએ સુજજ્ઞ કીધો, શ્રુતિપથ શુદ્ધ યથા જણાવિ દીધો;

વિપરિત મત વામમાર્ગ જેહ, મહિતળમાંથિ મટાડિયો જ તેહ. ૫૧

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

યજ્ઞ-સમાપ્તિનામ તૃતીયો વિશ્રામઃ ॥૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે