કળશ ૭

વિશ્રામ ૩૦

 

પૂર્વછાયો

માવ મહીનદી ઉતરી, ગયા એકલબારે ગામ;

બાપુભાઈ કાભાઈ નામે, ઠાકોર બે તે ઠામ. ૧

તેણે સમાચાર સાંભળ્યા, અંહિ આવે છે શ્રીમહારાજ;

સામા જૈ સનમાન કીધું, આંહિ રહો કહ્યું આજ. ૨

સંત સરવને મોકલ્યા, ગિરધારીએ ગામ ડભાસ;

ઠાકોરના દરબારમાં, એક રાત રહ્યા અવિનાશ. ૩

પછી ઉઠીને પ્રભાતમાં, ગયા ડભાસે દેવ મુરાર;

દર્શન કરીને સંત સૌ, ઉર આનંદ પામ્યા અપાર. ૪

સંત સહિત પછી સંચર્યા, ગયા સેજકુવે ઘનશ્યામ;

સ્નાન આદિક સરવે ક્રિયા, કરી ઠરિ હરી તેહ ઠામ. ૫

ભક્ત ભલા પ્રભુદાસજી, તેણે કરી ઘણી ત્યાં તાણ;

ભાતું આપ્યું ઘણા ભાવથી, જમ્યા સંત ને શ્યામ સુજાણ. ૬

સત્સંગી સાધી ગામના, મુખ્ય આવ્યા મળી તે ઠામ;

પ્રેમે પ્રભુને પદ નમ્યા, કહું તેહનાં નિર્મળ નામ. ૭

વિપ્રજાતિ વનમાળી છે, બાપુભાઈ ને ગંગાદાસ;

અંબાઈદાસ ને રતનજી, નમી બેઠા મહાપ્રભુ પાસ. ૮

કર જોડી સહુએ કહ્યું, પ્રભુ ચાલો અમારે ગામ;

સુણી સાધી ગામ સંચર્યા, સંત સહિત શ્રીઘનશ્યામ. ૯

આપ્યો ઉતારો અતિ ભલો, આપી રસોઈ પણ રસવંત;

શ્રીહરિ જમિયા સ્નેહથી, જમ્યા પાર્ષદ ને જમ્યા સંત. ૧૦

સાધિથી ચાલ્યા સવારમાં, ગયા ગોવિંદ આમળા ગામ;

વિપ્ર ભિખે રુપૈયો ધર્યો, ગયા સરસવણીયે સુખધામ. ૧૧

ચોપાઈ

શેઠ અંબાઈદાસ આવાસ,1 ઉતર્યા અઘહર અવિનાશ;

ગામનું જે તળાવ ગણાય, હતો વડ ત્યાંથી દક્ષિણમાંય. ૧૨

તેનો છાંયો તપાસીને સારો, કર્યો સંતોએ ત્યાં જ ઉતારો;

રામચંદ્ર ને નાગજી નામે, રુડા ભક્ત રહે તેહ ગામે. ૧૩

તેણે કીધી રસોઈ રસાળી, જુગતીથી જમ્યા વનમાળી;

ભક્ત ત્રીકમ અંબાઈદાસ, આવ્યા ગિરધર પણ પ્રભુ પાસ. ૧૪

મળી સૌએ ત્યાં દીધી રસોઈ, જમ્યા સંત તેનો ભાવ જોઈ;

પછી સાંજ સમે સુખકારી, વડ હેઠ સભા સજી સારી. ૧૫

મુક્તાનંદ આદિક બહુ સંત, શ્રીજી પાસે બેઠા મતિમંત;

દેશ વાકળ કાનમ કેરા, હરિભક્ત ત્યાં આવ્યા ઘણેરા. ૧૬

તેમાં મુખ્ય તણાં એહ ઠામ, તમને હું સુણાવું છું નામ;

ગુણવંતું વેમાડી છે ગામ, વિપ્ર ત્યાં વસે તુળજારામ. ૧૭

પ્રેમિજન રામદાસ પટેલ, ભક્તિભાઈ કરે ભલી ટેલ;

જીજીભાઈ તથા કાનદાસ, આઠે પોર ભજે અવિનાશ. ૧૮

જીજીભાઈ રહે દોરા ગામ, ત્યાંના વિપ્ર વળી કાશીરામ;

બુવા ગામના તો કાનદાસ, દરુભાઈ ને ગૂલાબદાસ. ૧૯

આવ્યા આમોદના હરિજન, શેઠજી સારા હરજીવન;

ભટ પંડિત તો દીનાનાથ, લક્ષ્મીરામ ને ગણપત સાથ. ૨૦

વલીભાઈ કેળોદના વાસી, અતિ વાલા જેને અવિનાશી;

વિપ્ર બાપુ ઇટોલાના જાણો, જીજીભાઈ પટેલ પ્રમાણો. ૨૧

દેવીદાસ ને ત્રીકમદાસ, નરહરભાઈનો ત્યાં નિવાસ;

નારાયણભાઈ શંકરભાઈ, રેવાદાસ આવ્યા હરખાઈ. ૨૨

વળી આવિયા અંબાવીદાસ, રહ્યા સેવામાં શ્રીહરિ પાસ;

ગામ કંડારીમાં જેનો વાસ, પરશોતમ ત્રીકમદાસ. ૨૩

જાણો માધવજી હરિજન, કાનજી તથા દાસ મકન;

ભક્ત રૂંવાદના ભગવાન, પામ્યા ગિરધર ગોવિંદજ્ઞાન. ૨૪

ભટ ભગવાન ગામ સલાડ, તે તો માને પ્રભુજીનો પાડ;

મંડાળાના તો ભગો પટેલ, સતસંગી ખુશાલ આવેલ. ૨૫

પરશોતમ ગોવિંદભાઈ, જેની ભક્તિ ભલી વખણાઈ;

જોરોભાઈ શિણોરમાં વાસ, જેઠીભાઈ ને ભવાનીદાસ. ૨૬

ઉતરાદના જન રણછોડ, ભીખોભાઈ ને મોરાર જોડ;

નાનો બાવો તથા વેણીદાસ, એક ઈશ્વરની એને આશ. ૨૭

પારિખા ગામના રામજીય, મોટા ભક્ત બીજા મેઘજીય;

પીપળીમાં કુબેરજી ગણિયે, માણેજામાં ભૂધરભાઈ ભણિયે. ૨૮

ચારુ ગામ ચોરંદા છે જ્યાંય, રહે ભટ પરશોતમ ત્યાંય;

બીજા તો ભટ છે માહેશ્વર, ત્યાં જ જિવણ પટેલનું ઘર. ૨૯

વયણામે2 માધવજી વસે, જેનું મન હરિમૂર્તિમાં ઠસે;

વસે સારંગમાં માહેશ્વર, કાકુજીને વાલા હરિવર. ૩૦

વસે ત્યાં વળિ શેઠ દયાળ, જેને પ્યારા પ્રણતજનપાળ;

ભલું ગામનું નામ ભદામ, આવ્યા ત્યાંથી તેનાં કહું નામ. ૩૧

નરોતમ ને ભુલો પુજોભાઈ, વિપ્ર ઘેલો દયાળ દેસાઈ;

અવિધા ગામથી તો આવેલ, પુજાભાઈ ને નરસિ પટેલ. ૩૨

શેઠ કેવળ ને હરીભાઈ, નાથાભાઈ આવ્યા હરખાઈ;

એહ આદિક ભક્ત અપાર, આવ્યા ભેટવા ભક્તિકુમાર. ૩૩

પ્રેમે શ્રીપ્રભુને લાગ્યા પાય, મનમાં ઉછરંગ ન માય;

મળી સૌએ પૂજા ભલી કરી, ભેટ નાના પ્રકારની ધરી. ૩૪

કૃપાદૃષ્ટિએ કૃષ્ણ નિહાળે, તાપ તનના ને મનના ટાળે;

અતી આનંદ આનંદ દરસે, જાણે આનંદનો ઘન વરસે. ૩૫

જોઈ તે સુખની સરસાઈ,3 આવે ઇંદ્રને ઉર અદેખાઈ;

ભવ બ્રહ્માએ સ્વપને ન ભાળ્યું, એવું સુખ જનને પ્રભુ આલ્યું. ૩૬

ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાત, કરી શ્રીહરિએ સાક્ષાત;

પ્રશ્ન ઉત્તર પણ બહુ થયા, સુણી સંશય સર્વના ગયા. ૩૭

કહે કાનમના હરિજન, કરો પ્રાંત અમારો પાવન;

દેવા દર્શન ત્યાં ગામોગામ, સંત લૈ વિચરો ઘનશ્યામ. ૩૮

ઘણી ઇચ્છા રહે છે અમારે, અમ ઘેર આવે હરિ ક્યારે;

એવું સાંભળીને સુખકારી, બોલ્યા વાત ભવિષ્ય વિચારી. ૩૯

આંહિ દર્શન સૌ કરો તમે, અવાશે તો ત્યાં આવશું અમે;

ઇચ્છા રાજાની જો ન જણાય, અમારાથી તો ત્યાં ન અવાય. ૪૦

એવામાં શેઠ અંબાઈદાસે, કહ્યું આવીને શ્રીપ્રભુ પાસે;

મારે ઘેર કરાવ્યો છે થાળ, ચાલો જમવાને જનપ્રતિપાળ. ૪૧

વિનતી સુણી જમવા પધાર્યા, નિજજનના મનોરથ સાર્યા;4

પછી આવીને આપ ઉતારે, બેઠા રાતે સભા ભરી જ્યારે. ૪૨

એવે આવ્યો કોઈ છડીદાર, તેને શ્યામે પૂછ્યા સમાચાર;

તમે કોણ છો ક્યાં થકી આવ્યા, કહો કેના સમાચાર લાવ્યા? ૪૩

વેત્રધર5 ઉચર્યો એહ વાર, હું છું કાનોબાનો છડીદાર;

પ્રભુ આપને તેડવા કાજ, મને મોકલ્યો છે અહીં આજ. ૪૪

કાનોબાએ કરીને પ્રણામ, કહ્યું છે આવો પાદરે ગામ;

આંહિ જો ન આવો નાથ તમે, તમ પાસે તો આવીએ અમે. ૪૫

સુણિ બોલિયા શ્રીગિરધારી, દેશું ઉત્તર વાત વિચારી;

સભામાંથી પધાર્યા ઉતારે, મુક્તાનંદાદિને પુછ્યું ત્યારે. ૪૬

પાદરે જાવું કે નવ જાવું, કેવી ઉત્તર તેને કહાવું;

સુણી બોલ્યા મુક્તાનંદ સ્વામી, આપ છો પ્રભુ અંતરજામી. ૪૭

કેવો ભૂપના મનમાં છે ભાવ, તમે જાણો છો તેનો ઠરાવ;

સુણી બોલિયા શ્યામ સુજાણ, કાનોબા તણી છે ઘણી તાણ. ૪૮

માટે પાદરે જાવું જરૂર, નથી આંહિ થકી ઘણું દૂર;

મુક્ત6 બોલ્યા કરીને પ્રણામ, આપ સમરથ છો ઘનશ્યામ. ૪૯

આવે ઇચ્છામાં એમ કરો છો, દીલમાં કોઈથી ક્યાં ડરો છો?

વેત્રધરને કહે ધર્મલાલ, જાઓ ત્યાં અમે આવશું કાલ. ૫૦

ત્યારે તે ગયો પાદરે ગામ, જમ્યા બીજે દિવસ ઘનશ્યામ;

વેલ અંબાઈદાસના ઘરની, લાવ્યા આજ્ઞા સુણી હરિવરની. ૫૧

મુક્તાનંદ ને દેવ મુરાર, બેઠા બેય તે વેલ મોઝાર;

ગોરિયાદ ગયા ગિરધારી, જગ્યા જોઈ સરોવરે સારી. ૫૨

વડ પીપળાની ભલી છાંય, જોઈ ઉતર્યા શ્રીહરિ ત્યાંય;

આવ્યા બહુજન દર્શન કરવા, લાગ્યા વાલોજી વાતો ઉચરવા. ૫૩

કહે કૃષ્ણ પવિત્ર છે ગામ, થાશે બહુ સતસંગી આ ઠામ;

પછી ત્યાં કરીને જળપાન, ગયા પાદરે શ્રીભગવાન. ૫૪

કાનોબાના ઉતારાની પાસ, હતો ત્યાં વાણિયાનો આવાસ;

જગદીશ ત્યાં ઉતર્યા જૈને, કાનોબા આવ્યા શ્રીફળ લૈને. ૫૫

રુપામોર7 ને શ્રીફળ ધરી, બેઠા પ્રભુપદ વંદન કરી;

કહ્યું હેતે જોડી જુગહાથ, કચેરીમાં પધારોજી નાથ. ૫૬

હતો તે સમે રાત્રિનો કાળ, પ્રભુએ પ્રગટાવી મશાલ;

એક તો ભક્ત વાળંદ કાળો, બીજો નરસી તે ગામેઠાવાળો. ૫૭

જણ બેએ બે પ્રગટી મશાલ, કચેરીમાં પધાર્યા કૃપાળ;

કાનોબા કહે શાસ્ત્રી અમારો, એક છે તે ભણેલો છે સારો. ૫૮

એને શાસ્ત્રની ચરચા આજ, કાંઈ કરવાની છે મહારાજ;

સુણી બોલિયા સુંદરશ્યામ, એક શાસ્ત્રી છે લક્ષમીરામ. ૫૯

શાસ્ત્રી સાથે તો ચર્ચા તે કરશે, પુછશે તેના સંશય હરશે;

તેઓ બે જણે વાદ ચલાવ્યો, આવ્યો એક દાદુપંથી8 બાવો. ૬૦

આડું આડું બોલે વચ્ચે એહ, સમાધાન થવા ન દે તેહ;

ક્યારે પક્ષ સગુણનો ધરે, ક્યારે નિર્ગુણ વાદ ઉચ્ચરે. ૬૧

રાત અર્ધિ ગઈ એહ ઠાર, પણ ચર્ચાનો આવ્યો ન પાર;

ત્યારે યુક્તિ કૃપાનાથે કીધી, માળા બાવાની જોવાને લીધી. ૬૨

જોતાં જોતાંમાં તે તુટી ગઈ, બધા પારાની વૃષ્ટિ ત્યાં થઈ;

બાવો લાગ્યો પારા વીણી લેવા, શ્રીજી લાગિયા ઉત્તર દેવા. ૬૩

કર્યું શાસ્ત્રીનું તો સમાધાન, બાવાને કાંઈ નવ રહ્યું ભાન;

ચાલ્યા ઘેર સભાસદ જન, ત્યારે કાનોબા બોલ્યા વચન. ૬૪

કાલ તો રહેજો મહારાજ, આપ પાસ અમારે છે કાજ;

રહેશું કહ્યું જગદાધારે, પ્રભુ ત્યાંથી પધાર્યા ઉતારે. ૬૫

કાનોબાને કહ્યું દાદુબાવે, સહજાનંદ જો હાથ આવે;

એની આગળ છે ઘણું ધન, મોટા મોટા કરે છે જગન. ૬૬

એના શિષ્ય થયા છે અમાપે, એક એક રુપૈયો જો આપે;

ધન ધારિએ તેવું થનારું, સ્વામી પકડાય તો ઘણું સારું. ૬૭

કાનોબાએ ઠેરાવ તે કીધો, જગદીશ્વરે તે જાણિ લીધો;

પ્રભુ જાગિયા જ્યારે સવારે, ચાલી નીકળ્યા એકલા ત્યારે. ૬૮

આતમાનંદને કહ્યું શ્યામે, તમે આવજો બામણગામે;

મુક્તાનંદને એમ કહેજો, જઈ સરસવણીમાં રહેજો. ૬૯

કાનોબાએ જાણી વાત જ્યારે, ઘણા અસ્વાર મોકલ્યા ત્યારે;

દીઠા કાળરૂપે બહુનામી, સ્વાર પાછા વળ્યા ભય પામી. ૭૦

પુષ્પિતાગ્રાવૃત્ત

લવસમ9 ભૃકુટી તણો વિલાસ,10 જગત અસંખ્ય સ્રજે કરે વિનાશ;

પણ કદિ જનથી દિલે ડરે છે, મનુષ્યચરિત્ર મહાપ્રભૂ કરે છે. ૭૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિપાદરાખ્યપુર-વિચરણનામ ત્રિંશત્તમો વિશ્રામઃ ॥૩૦॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે