કળશ ૭

વિશ્રામ ૩૧

પૂર્વછાયો

બામણગામ ગયા હરિ, ગામ ગોંદરે કર્યો વિશ્રામ;

ખોડા પંડ્યાને ખબર થૈ, ત્યારે આવ્યા તે દર્શનકામ. ૧

તાણ કરી તેડી ગયા, ઘનશ્યામજીને નિજ ઘેર;

ત્યાં જઈને દહિં રોટલો, જમ્યા જીવન રુડી પેર. ૨

આતમાનંદાદિક પછી, સંત આવિયા શ્રીહરિ પાસ;

ખોડે પંડ્યે ખૂબ તાણ કરી, પણ રાત ન રહ્યા અવિનાશ. ૩

સંત સહિત હરિ સંચર્યા, ગામ શેલડિએ ગયા શ્યામ;

બારૈયા મોકમસિંહજી, પ્રભુ ઉતર્યા તેને ધામ. ૪

કૃષ્ણ કહે કાનોબા થકી, અમે છાના આવ્યા છૈએ છેક;

રાખો તો રહિએ અમે, હોય ક્ષત્રિપણાની ટેક. ૫

મોકમસિંહ કહે હરિ, વસો સુખે અમારે નિવાસ;

લશકર આવે લક્ષધા, અમે તોય ન ધરિએ ત્રાસ. ૬

એવાં વચન ઉચ્ચારિયાં, સુણિ રાજી થયા મહારાજ;

રાત રહીને સંચર્યા, સાથે લઈને સંતસમાજ. ૭

અલારસા ગામે થઈ, રહ્યા દાવોલમાં જૈ રાત;

નાપે થઈને ગાને ગયા, પછી ખાંધલીએ જગતાત. ૮

મેઘવે વાંછલીએ થઈ, ગયા મોગરી આદિક ગામ;

ફરતાં ફરતાં કરમસદ જઈ, જોળ ગયા ઘનશ્યામ. ૯

ત્યાં છે કુવો રામદાસનો, તહાં ઉતર્યા શ્રી મહારાજ;

મઠ વાવ્યા હતા તેહમાં, મુક્યાં ઘોડાં ચરવા કાજ. ૧૦

તે જોઈને ત્યાં બોલિયો, તે ખેતરનો રખવાળ;

કોણ તમે છો કેમ આ, મઠ ભેળાવો છો આ કાળ. ૧૧

ખેતર આ તો અમારું છે, એમ બોલ્યા હરિ સાક્ષાત;

ત્યારે તેણે જઈ ગામમાં, રામદાસજીને કહી વાત. ૧૨

આવ્યા તહાં રામદાસજી, દીઠા શ્રીહરિ દીનદયાળ;

કર્યા પ્રણામ અષ્ટાંગથી, કહ્યું કરાવું જમવા થાળ. ૧૩

તાણ ઘણી કરી હોય ત્યાં, જમવા ન રહ્યા હૃષિકેશ;

ચોંપ1 કરીને ચાલિયા, વરતાલ ભણી વિશ્વેશ. ૧૪

વાલો આવ્યા વરતાલમાં, રહ્યા વાસણ સુતાર ઘેર;

પ્રેમી જનોએ પ્રેમથી, પ્રભૂ પૂજ્યા રુડી પેર. ૧૫

કાનમ દેશ વિષે ફર્યા, તેની કહી સ્વજનને વાત;

ચારુ ચરિત્ર વિચિત્ર તે, થયું વિશ્વ વિષે વિખ્યાત. ૧૬

વળિ લલિત લીલા કરી, વૃષનંદને વસી વરતાલ;

સંત હરિજન સર્વને, સુખ દિધું દીનદયાળ. ૧૭

થોડા દિવસ સ્થિરતા કરી, વરતાલ વિષે વસી વાસ;

કંઝરિએ કરુણા કરી, ગયા સંત સહિત અવિનાશ. ૧૮

ચોપાઈ

રહે ત્યાં ખોજીદાસ પટેલ, ભલા ભાવિક ભક્ત થયેલ;

લાવ્યા શેલડીનું ગાડું ભરી, સૌની આગળ અકેક ધરી. ૧૯

હરિએ તે કરી અંગીકાર, ગયા ભાળજ ભવભરતાર;

ઉમરેઠ ગયા અવિનાશ, રહ્યા નંદુ ઠાકરને નિવાસ. ૨૦

ભગવાને ત્યાં ભોજન કીધું, નરભેરામને સુખ દીધું;

બીજે દિન દ્વિજ જમનાબાઈ, તેણે નોતર્યા જનસુખદાઈ. ૨૧

કર્યો વિવિધ પ્રકારનો થાળ, પણ જમવા રહ્યા ન દયાળ;

પણસોરે ગયા રુડી પેર, પાટીદાર નાગરદાસ ઘેર. ૨૨

તહાં વિપ્ર વિશ્વનાથભાઈ, તેની પત્નિ રુડી રુપબાઈ;

તેની પાસે કરાવિયો થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ. ૨૩

ઉમરેઠની જમનાબાઈ, કરી થાળ ઘણી અકળાઈ;

ઘણી હોંશે કર્યો હતો થાળ, પણ જમવા રહ્યા ન કૃપાળ. ૨૪

તેથી થૈ અતીશે જ ઉદાસ, ઝરે આંસુ ને નાખે નિઃશ્વાસ;

ભાવ જાણ્યો તે ભૂપના ભૂપે, ગયા જમવાને દિવ્ય સ્વરૂપે. ૨૫

સ્વાર પાળા શોભે નિજ સાથે, એવું રૂપ ધર્યું મુનિનાથે;

જઈ ભાવથી ભોજન કર્યું, બાઈ જમનાનું અંતર ઠર્યું. ૨૬

જમી સૌ પુરબહાર નિકળિયા, જોઈ કોઈ જ નહિ કળિયા;

બેય ગામ ગયા સમાચાર, ત્યારે અચરજ ઉપજ્યું અપાર. ૨૭

પણસોરે તળાવને તીર, લીંબડા હેઠે શ્યામશરીર;

ઘણી વાતો સભા ભરી કરી, લીધા સર્વના સંશય હરી. ૨૮

બીજે દિવસ ડડુસર ગયા, ગલુજીના ઉપર કરી દયા;

તેને દર્શન દૈ વૃષલાલ, જઈ રાત રહ્યા કઠલાલ. ૨૯

નદીને તીર પીપળા પાસે, જોયો ચોતરો2 શ્રીઅવિનાશે;

ઢોલિયો તેહ ઉપર ઢળાવી, બેઠા તે પર શ્રીપ્રભુ આવી. ૩૦

સદારામ ને ખુશાલરાય, તેણે થાળ કર્યો પછી ત્યાંય;

જમ્યા શ્રીહરિ ને જમ્યા સંત, કરી ત્યાં જ્ઞાનવાર્તા અનંત. ૩૧

પ્રભુએ ત્યાંથી કીધું પ્રયાણ, ગયા સીમાડે શ્યામ સુજાણ;

એક ડોશી આવી પછવાડે, ઉભા રહો કહિને બૂમ પાડે. ૩૨

ઘડો પાણીનો પૂર્ણ ભરેલો, ડોશીએ નિજ માથે ધરેલો;

પછી ઉભા રહ્યા અવિનાશ, ડોશી આવી પ્રભુજીની પાસ. ૩૩

કહ્યું આ ઘડામાં પગ ધરો, જળ આ ચરણોદક3 કરો;

કહે શ્રીજી તે જળને શું કરશો, કહો ક્યાં જઈને તેહ ધરશો. ૩૪

કહે ડોશી કુવો એક જે છે, ગામનાં લોક પાણી પિવે છે;

તેમાં રેડીશ જૈને આ વારિ, તેથી સૌની મતિ થશે સારી. ૩૫

હરિએ ચરણોદક કીધું, ડોશીએ કૂપમાં રેડી દીધું;

એવા હરિજન પરઉપકારી, તેની રીત ત્રિલોકથી ન્યારી. ૩૬

રાખી સંતને પાર્ષદ સાથ, આંતરોલી ગામે ગયા નાથ;

શિંગાલિએ ગયા સુખરાશી, ત્યાંથી ઉંટડીએ અવિનાશી. ૩૭

મહાદેવનાં દર્શન કર્યાં, વસ્ત્ર શંકર આગળ ધર્યાં;

ફરતાં ફરતાં ઘણાં ગામ, પરાંતિજ ગયા સુખધામ. ૩૮

સેવ્યા બ્રાહ્મણોએ તેહ કાળ, ઘણે ઘેર જમ્યા જઈ થાળ;

ત્યાંથી ચાલી ઘણાં ગામ ફરિયા, પછી વિસળનગર વિચરિયા. ૩૯

ત્યાંના ભક્તોને પુછીયું ત્યારે, કાંઈ છે હવે કષ્ટ તમારે;

ત્યારે બોલિયા તે હરિજન, વાલા સાંભળો સત્ય વચન. ૪૦

તમે દેખાડીને જમત્રાસ, આંહીં દેસાઈને કર્યો દાસ;

ત્યારથી અમને થયું સુખ, હવે દેતું નથી કોઈ દુઃખ. ૪૧

પ્રભુ પ્રૌઢ પ્રતાપ તમારો, કોઈ તમને નહિ જીતનારો;

તમ સાથે કરે જેહ દ્વેષ, તે તો પોતે પામે બહુ ક્લેશ. ૪૨

વળી વંશ ઉચ્છેદન થાય, મરીને પોતે નરકમાં જાય;

જ્યાં જ્યાં દ્વેષી હતા જે તમારા, બહુ પામીયા કષ્ટ બીચારા. ૪૩

વળી દ્વેષી તમારો જે થાશે, કષ્ટ પામશે ને વંશ જાશે;

જેમ સૂર્ય સામી રજ નાખે, પડે આવીને પોતાની આંખે. ૪૪

દેવા દુઃખ જે તમને ચહાય, તેહ દુઃખ તો તેને જ થાય;

એમ કહી સહુ પામ્યા આનંદ, રીઝ્યા સાંભળી વૃષકુળચંદ. ૪૫

ત્યાંથી ઉંઝે ગયા અવિનાશી, થયા રાજી ઉંઝાના નિવાસી;

પછી જૈ ઘણાં ગામ મોઝાર, કડીએ ગયા ધર્મકુમાર. ૪૬

વાદ કરવાને મતવાદિ આવ્યા, ઘણા પ્રશ્ન લખી લખી લાવ્યા;

સર્વે ઉત્તર આપિયા એના, ટાળ્યા સર્વથા સંશય તેના. ૪૭

વળી પ્રૌઢ પ્રતાપ જણાવ્યો, તેથી વિશ્વાસ કૈંકને આવ્યો;

દિગવિજય કર્યો એવી રીતે, જીવ આસુરી ચેત્યા ન ચિતે. ૪૮

ગયા ડાંગરવે જગદીશ, ત્યાંથી નારદીપુરમાં મુનીશ;

ગયા નાદરિએ નરભ્રાત, હરિભક્તે સેવ્યા રહ્યા રાત. ૪૯

પોઢી ઉઠ્યા પ્રભુજી પ્રભાતે, નિત્યકર્મ કર્યું નિજ જાતે;

સભામાં બેઠા સુંદર શ્યામ, એક વાત કરી એહ ઠામ. ૫૦

રાતે સુતા હતા અમે જ્યાંય, આવ્યા શંકર તે સમે ત્યાંય;

એવો શબ્દ શિવે મુખ ભાખ્યો, કાંઈ ચિહ્ન અમારું તો રાખો. ૫૧

શિવ દીઠા અમે વિકરાળ, માટે પડશે ભયાનક કાળ;

સતસંગિયો શક્તિ પ્રમાણે, અન્ન સંગ્રહ કરજો આ ટાણે. ૫૨

સતસંગિયોમાં ગામોગામ, વાત કરજો આ સૌ ઠામોઠામ;

ફરતાં ફરતાં ઘણાં ગામ, પછી આવ્યા અડાલજ શ્યામ. ૫૩

ગયા મોટેરે શ્રીમહારાજ, આવ્યો શ્રીપુરનો ત્યાં સમાજ;

બોલ્યા સત્સંગી સૌ જોડી હાથ, ચાલો શ્રીપુરમાં કૃપાનાથ. ૫૪

છાસઠ્યામાં4 પધાર્યા’તા જેય, તેને વર્ષ વિતિ ગયાં બેય;

કોઈ વૃદ્ધ અને કોઈ બાળ, કરે દરશન દીનદયાળ. ૫૫

શાર્દૂલવિક્રીડિત

હે સ્વામી બહુનામિ ખામિ ન મળે સદ્ધર્મના ધામિ છો,

અંતર્યામિ અકામિ છો ગરુડના ગામી મહાહામિ5 છો;

હે રાજા અધિરાજ આજ અરજી કોડે ઘણે કીજિએ,

આવો શ્રીપુરમાં અલૌકિક ભલો લાવો અમે લીજિએ. ૫૬

ચોપાઈ

સુણી બોલિયા સુંદર શ્યામ, તહાં આવ્યાનું હમણાં ન કામ;

સુબો રાખે છે દ્વેષ વિશેષ, ઉપજે તહાં આવ્યાથી ક્લેશ. ૫૭

હવે થોડાં વરસ ધૈર્ય ધારો, પછી આવશે અવસર સારો;

ઇચ્છા સંપૂર્ણ થાશે તમારી, કરો ભાવથી ભક્તિ અમારી. ૫૮

એમ સૌ જનને શાંત કરી, ગયા જેતલપુર પરવરી;

નામ ગામડી ને કુણા ગામ, ઘણાં ગામ ફર્યા ઘનશ્યામ. ૫૯

દીનબંધુ પધાર્યા ડભાણ, જે છે ભૂતભવિષ્યના જાણ;

રુડા ભક્ત ત્યાં રઘુનાથદાસ, પ્રભુ બોલિયા તેહની પાસ. ૬૦

આવશે કાળ અતિ વિકરાળ, અન્ન સંગ્રહ કરજો વિશાળ;

પાંચસેં મણ કોદરા લેજો, બેસે નાણું તે તો સુખે દેજો. ૬૧

વાલો જૈને રહ્યા વરતાલ, થયા હરિજન નિરખી નિહાલ;

પગી જોબન રણછોડદાસ, ત્રિજા તો નારાયણગિરી પાસ. ૬૨

એમ બોલિયા જનપ્રતિપાળ, કાળ પડશે ઘણો વિકરાળ;

માટે મારું કહ્યું મન ધરજો, ઘણા અન્નનો સંગ્રહ કરજો. ૬૩

આસપાસ જે ભક્તનાં ગામ, જૈને પણ કહો વાત તમામ;

એમ કહીને ચાલ્યા અવિનાશી, ગયા ચાંગે થઈને લિંબાસી ૬૪

કૌકા કરમડ ને ભેંસજાળ, ગયા જીવન જનપ્રતિપાળ;

દાણા લેવાની બહુ કરી વાત, ગયા નાગડકે નરભ્રાત. ૬૫

સુરા ખાચરનો દરબાર, વસંતોત્સવ કીધો તે વાર;

પછી બોલ્યા પ્રભુ તતખેવ, મળ્યા નાદરિયે મહાદેવ. ૬૬

બોલ્યા બોલ મહાદેવ આવો, મારું ચિહ્ન તો કાંઈ રખાવો;

માટે રુદ્રાક્ષમાળા મગાવો, સૌને પારો અકેક બંધાવો. ૬૭

ભેંસજાળના દ્વિજ મોતીરામ, તે તો બેઠા હતા તેહ ઠામ;

માળા રુદ્રાક્ષની હતિ પાસે, માગી લીધી તે શ્રીઅવિનાશે. ૬૮

પારો બાંધ્યો પ્રથમ હરિરાયે, અકેકો પછી આખી સભાયે;

સંત હરિજન ને બ્રહ્મચારી, થયા પાર્ષદ રુદ્રાક્ષ ધારી. ૬૯

તેનો મર્મ મહાપ્રભુ જાણે, બીજા તો ઉર સંશય આણે;

કૈક કામ કેવી રીતે થાય, કળા ઈશ્વરની ન કળાય. ૭૦

સભામાં બોલ્યા શ્રીમહારાજ, તમે સાંભળી સર્વ સમાજ;

રુદ્ર પાડશે કાળ કરાળ,6 આથી ઓછી થશે કાંઈ ઝાળ.7 ૭૧

આપણે ચિહ્ન રુદ્રનું ધાર્યું, તે પ્રકારે તેનું મન ઠાર્યું;

લોકોને ઝાઝું દુઃખ નહીં દેય, મારો એવો અભિપ્રાય છેય. ૭૨

એવામાં પરગામથી ત્યાંય, નિત્યાનંદ આવ્યા સભામાંય;

સાથે સંતનું મંડળ હતું, હરિને મળી હર્ષિત થતું. ૭૩

કહે સ્વામીને શ્રીવૃષલાલ, વિશ્વ ઉપર કોપ્યો છે કાળ;

ભાગવતની કથા તમે કરો, કાળ શાંત થશે તેથી ખરો. ૭૪

સુણી સ્વામી બોલ્યા તતકાળ, તમે છો પ્રભુ કાળના કાળ;

કાળ લોપે ન આજ્ઞા તમારી, રહે આજ્ઞામાં બ્રહ્માંડકારી. ૭૫

ઇંદ્ર બ્રહ્મા ને શેષ મહેશ, આજ્ઞા આપની લોપે ન લેશ;

ચેષ્ટા માણસ કેરી કરો છો, એવા બાનાથી ઉપદેશ દ્યો છો. ૭૬

નિત્યાનંદે પછી રુડી રીતે, ભાગવતની કથા કરી પ્રીતે;

સભા લીંબડા હેઠ ભરાય, કથા સાંભળે શ્રીહરિરાય. ૭૭

ગામ આમોદથી એવામાંય, મુક્તાનંદમુનિ આવ્યા ત્યાંય;

આવ્યા ત્યાં સ્વરૂપાનંદસ્વામી, મળ્યા તે સૌને અંતરજામી. ૭૮

દેશાંતરના પુછ્યા સમાચાર, સ્વરૂપાનંદ બોલ્યા તે વાર;

દેશદેશે ફરી લીધું જોઈ, મેં તો માણસ દીઠું ન કોઈ. ૭૯

બેઠા આ લીંબડા હેઠ જેહ, એટલા જ મનુષ્ય છે એહ;

ભગવાન જેને ન મનાય, જોતાં તે પશુ જાતી ગણાય. ૮૦

મુક્તાનંદજીને મહારાજ, કહે હું કહું તે કરો કાજ;

ગામોગામ ફરવા સિધાવો, સતસંગીયો સૌને ચેતાવો. ૮૧

આવશે દુષકાળ કરાળ, કરજો અન્ન સંગ્રહ હાલ;

પછી જાજો જેતલપુર માંય, હશે માનુભાવાનંદ ત્યાંય. ૮૨

તેને સારંગપુર મોકલાવો, ફુલદોળ સામગ્રી કરાવો;

આ કથા થશે સંપૂર્ણ જ્યારે, અમે સારંગપુર જશું ત્યારે. ૮૩

સમૈયો ફુલદોળનો સારો, તે તો જાણજો ત્યાં જ થનારો;

એમ કહી તેને કીધા વિદાય, રહ્યા નાગડકે હરિરાય. ૮૪

સમાપ્તિ કથાની થઈ જ્યારે, બહુ વિપ્ર જમાડીયા ત્યારે;

સંતોને પણ સારી રસોઈ, સુરાભક્તે દીધી સમો જોઈ. ૮૫

કરી શ્રીજીની સંતની પૂજા, નમ્યા ભાવથી જોડીને ભૂજા;

જથો રુદ્રાક્ષનો ત્યાં મગાવ્યો, મઢાવી પારો હરિને ધરાવ્યો. ૮૬

સંતને સારો પારો અકેક, કંઠે ધાર્યો ધરીને વિવેક;

એવી લીલા અલૌકિક કરી, પછી સારંગપુર ગયા હરિ. ૮૭

પુષ્પિતાગ્રાવૃત્ત

અકળ અમિત કૃષ્ણનાં ચરિત્ર, મરમ ભરેલ વળી મહાવિચિત્ર;

અજહર8 સમ દેવ મોહ પામે, મનુજ9 શિ શક્તિ ધરે જ એહ ઠામ. ૮૮

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિદંઢાવ્યાદિદેશ-વિચરણનામ એકત્રિંશો વિશ્રામઃ ॥૩૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે