કળશ ૭

વિશ્રામ ૩૨

પૂર્વછાયો

સારંગપુરમાં શ્રીહરિ, કરી કેવી લીલા એહ વાર;

એ તો અધિક ઉત્સાહથી, સુણો ભૂમિ તણા ભરતાર. ૧

ચોપાઈ

જીવા ખાચરનો દરબાર, ઉતર્યા જઈ વિશ્વઆધાર;

ફુલદોળ ઉત્સવ ત્યાં ઠરાવી, કંકોતરી ગામોગામ લખાવી. ૨

ગયા ત્યાં થકી ધર્મકુમાર, કારિયાણિએ જગકરતાર;

હેતે હળિ મળિ હરિજન સાથ, ગયા ત્યાંથી નશિદપુર નાથ. ૩

ત્યાંના હરિજનને હરખાવ્યા, પછી સારંગપુર પ્રભુ આવ્યા;

જીવા ખાચરને દરબાર, ઓશરી રુડી ઉત્તર દ્વાર. ૪

ઢોલિયા પર ત્યાં હરિ બેઠા, બેઠા સંત ને હરિજન હેઠા;

સંતે નરઘા1 ને સારંગી લૈને, ગાયાં હરિનાં પદ સ્વસ્થ થૈને. ૫

કર્યો ત્યાં બ્રહ્મચારીએ થાળ, જમ્યા જીવન દીનદયાળ;

પ્રભુ પોઢ્યા પલંગમાં રાતે, પછી જીવન જાગ્યા પ્રભાતે. ૬

દિન હોળીનો એહ ઉચરતાં, ગયો આનંદ ઉત્સવ કરતાં;

સંધ્યાકાળ થયો જેહ વારે, હોળી પાદર પ્રગટાઈ ત્યારે. ૭

રીતિ દેશ તણી અનુસરવા, ચાલ્યા હોળીનાં દર્શન કરવા;

કાઠીયો આવ્યા થૈ અસવાર, ચડ્યા ઘોડીએ ધર્મકુમાર. ૮

કૈક ગાડાં જોડી જોડી આવ્યા, તેમાં બાળકો બેસારી લાવ્યા;

વાગે ઢોલ નગારાં અપાર, શોભે તે અસવારી શ્રીકાર.2

ગામથી તો ઉત્તર દિશમાંય, હોળી પ્રગટી હતી ગયા ત્યાંય;

હતા માણકી પર પ્રભુ પ્યારા, દીધી હોળીને દુધની ધારા. ૧૦

વળી પાંચ પ્રદક્ષિણા કીધી, કર્યું પૂજન પણ ભલી વીધી;

નાળિયેર હોમ્યું હોળીમાંય, જે જેકાર બોલે જન ત્યાંય. ૧૧

ઘણા હરિજન કીર્તન ગાય, સૌને અંગ ઉમંગ ન માય;

હોળીકાને સતીદેવી ધારે, અપશબ્દ ન કોઈ ઉચ્ચારે. ૧૨

પછી શ્રીહરિએ ધરી પ્રીત, પૂછી કાઠીના દેશની રીત;

જીવો ખાચર ખાચર વસ્તા, બોલ્યા રાઠોડ ધાધલ હસ્તા. ૧૩

હોળી પાદર પ્રગટાય જ્યારે, પારકું ગામ મારીએ ત્યારે;

લડવા મળીને ઘણા જૈએ, જીતીએ તો અમે ગોઠ3 લૈએ. ૧૪

હારીએ તો અમે પાછા વળિએ, ત્યારે તો અમે કાંઈ ન રળિએ;

કહે શ્રીજી અમારા જે પાળા, ઝાંપો રોકિ રહે મતવાલા.4 ૧૫

તમે કાઠી બધા અસવાર, રહો તે સહુ ગામ બહાર;

તમે પેસો પાળાને હઠાવી, પામો ગોઠ તમે મનભાવી. ૧૬

પણ જો તમથી ન પેસાય, તો તે પાળાને ગોઠ અપાય;

ઠરી રહેશું અમે એહ ઠામ, ઉભા જોશું તમાસો તમામ. ૧૭

એવું સાંભળીને કર્યું એમ, રિઝે શ્રીજગજીવન જેમ;

ઝાંપો રોકી ઉભા રહ્યા પાળા, મોટી બંદુકો લૈ મતવાલા. ૧૮

આવે કાઠી તણા અસવાર, કરે બંદુકના ત્યાં બહાર;

ભારે તોપના જેવા ભડાકા, કાં તો મેઘના જેવા કડાકા. ૧૯

ઘોડાં કાઠીના ભડકીને ભાગે, પેસવા તણો લાગ ન લાગે;

ઝાંપે દક્ષણાદે કાઠી ગયા, પાળા ત્યાં પણ તતપર થયા. ૨૦

ઝાંપો રોકી ઉભા તેહ ઠાર, કર્યા બંદુકો કેરા બહાર;

ઘોડાં તો બહુ ભડકીને નાસે, કાચા પોચાનાં કાળજા ત્રાસ. ૨૧

એમ કરતાં ઘણી થઈ વાર, પેસવા નહિ પામ્યા લગાર;

કાઠી શ્રીજીની પાસે પધાર્યા, કહ્યું પાર્ષદથી અમે હાર્યા. ૨૨

એવા માંહી સમીપનાં ગામ, સતસંગીઓ જે તે ઠામ;

સુણ્યા તેણે બંદુકના બહાર, જાણ્યું છે તહીં ધર્મકુમાર. ૨૩

તેથી દરશન કરવામાં આવ્યા, ભેટ ખારેક ટોપરાં લાવ્યા;

પછી થૈ અસવારી તૈયાર, પેઠા ગિરધર ગામ મોઝાર. ૨૪

જીવા ખાચરનો દરબાર, ઓશરી ઉત્તરાદે છે બાર;

પ્રભુ ત્યાં જ વીરાજ્યા પલંગે, સભા આગળ બેઠી ઉમંગે. ૨૫

આરતી નારાયણ ધુન ગાઈ, જમ્યા થાળ સ્વજન સુખદાઈ;

પછે પોઢી રહ્યા પ્રભુ રાતે, જગજીવન જાગ્યા પ્રભાતે. ૨૬

વસ્તા ખાચરના ફળિયામાં, બાંધ્યો હીંડોળો એહ સમામાં;

લીંબડે હીંડોળો લટકાવ્યો, તેને સારી રીતેથી શોભાવ્યો. ૨૭

પશ્ચિમાભિમુખે છે ઓસરી, પધરાવ્યા પલંગે ત્યાં હરી;

વસ્તા ખાચરે ત્યાં પૂજા કરી, હરિને સારા શણગાર ધરી. ૨૮

જરીયાનનો જામો ધરાવ્યો, સુરવાળ સારો પહેરાવ્યો;

પોંચીયો કડાં તથા સાંકળી, ધાર્યું મોળીયું મસ્તકે વળી. ૨૯

ધૂપ દીપ ને નૈવેદ્ય ધારી, આરતી અતિ હેતે ઉતારી;

પછી હીંડોળામાં પધરાવ્યા, ઝાઝા હેતે હરિને ઝુલાવ્યા. ૩૦

વાજે ઝાંઝ મૃદંગ ને ચંગ,5 ગાય સંત ને હરિજન સંગ;

પછે વિધ વિધ રંગ કરાવ્યો, મોટે મોટે રંગાડે6 ભરાવ્યો. ૩૧

જરીયાનનાં વસ્ત્ર ઉતારી, રંગે રમવા જેવાં વસ્ત્ર ધારી;

એક તરફ રહ્યા સહુ સંત, એક તરફ પાળા ભગવંત. ૩૨

પીચકારીયો હાથમાં લૈને, રંગ છાંટે પરસ્પર જૈને;

અંગ ઉપર નાંખે ગુલાલ, ભાસે અવની ને આકાશ લાલ. ૩૩

વાજે ઢોલ નગારાં અપાર, બોલે જન સહુ જય જયકાર;

પછી સધવા જે બાઇયો રહી, તેણે શ્રીહરિને સ્તુતિ કહી. ૩૪

કૃપાસિંધુ જગતકરતાર, સુણો પ્રીતમ પ્રાણઆધાર;

અમે નારીયોનો દેહ પામી, એવી શી તપમાં હશે ખામી. ૩૫

પુરુષોની પેઠે તમ સંગે, નહીં રમીએ અમે કેમ રંગે;

પ્રભુ આપ બિરાજો જે ઠામ, અમે જાણીએ અક્ષરધામ. ૩૬

કહે શ્રીહરિ સાંભળો તમે, સતી નર સંગે હોળી ન રમે;

બોલી બાઇયો શ્રીહરિ સંગ, આપો અમને પ્રસાદિનો રંગ. ૩૭

સુણી શ્રીહરિને દયા આવી, કુંડીયો રંગ ભરીને અપાવી;

પછી બાઇયો એકાંતે જૈને, માંહોમાંહી રમી રાજી થૈને. ૩૮

જાણી હરિપ્રસાદીનો રંગ, રમ્યાં અંગે ધરિને ઉમંગ;

કહે બાઇયોને ઘનશ્યામ, માગો ફગવા7 તે આપું આ ઠામ. ૩૯

કાઠીયાવાડી બાઈ ઉચરી, બસેં રુપૈયા આપો શ્રીહરિ;

બોલી ત્યાં ગુજરાતની નારી, માયા વ્યાપે ન અમને તમારી. ૪૦

ન થશો તમમાં જનબુદ્ધિ,320 નિશ્ચે અડગ રહે સદા સુધી;

શ્રીજીએ એવી સાંભળી વાણી, ગુજરાતીની બુદ્ધિ વખાણી. ૪૧

ચાલ્યો રંગનો મોટો પ્રવાહ, ભળ્યો ફલ્ગુ નદીમાં અથાહ;

એવી લીલા નિરખવાની આશે, છાયાં દેવવિમાન આકાશે. ૪૨

પુષ્પવૃષ્ટિ કરે વારે વારે, વળી જયજયકાર ઉચ્ચારે;

ગાય ગાંધર્વ હરિગુણ ગાન, નાચે અપસરાઓ લઈ તાન. ૪૩

આવે અવસરે માનુષ્ય દેહ, પામ્યા છે જન જે ધન્ય તેહ;

એમ અજ હર આદિ વખાણે, મહીમા ઘણો અંતર આણે. ૪૪

હરિજન અને સંતની સંગે, રમે કેવી રીતે હરિ રંગે;

ઘણા જન પિચકારી ચલાવે, અખિલેશ્વરને અકળાવે. ૪૫

વાલો વેગળે નાસવા જાય, તોય હરિજન પાછળ ધાય;

નાશી જાવાને રસ્તા ન જડીયા, પ્રભુ લીંબડા ઉપર ચડીયા. ૪૬

ગયા ઝાલવા જન જેહ કાળ, ફાટી અંગરખા તણી ચાળ;

કહે કૃષ્ણ સુણો સહુ કોય, આવી રમવાની રીત ન હોય. ૪૭

અકળાવ્યા તમે બહુ અમને, ફાડ્યાં વસ્ત્ર તે શું કહું તમને;

ત્યારે હરિજન બોલીયા એમ, અમોથી થયું પ્રેમમાં તેમ. ૪૮

ફાડ્યાં વસ્ત્ર તો ઝાલતાં હાથ, માટે ચુક ક્ષમા કરો નાથ;

એવું સાંભળી શ્રીહરિ હસિયા, સર્વ દાસના દીલમાંહી વસિયા. ૪૯

રહ્યા જન સહુ વેગળા જ્યારે, પ્રભુ ઝાડથી ઉતર્યા ત્યારે;

થઈ માણકીએ અસવાર, ચાલ્યા નાવાને ધર્મકુમાર. ૫૦

સંત હરિજન કીર્તન ગાય, વાજે વાજાં ઉત્સાહ ન માય;

રુડું ધોળાનદી જેનું નામ, કુંડ હમણાં બાંધ્યો છે જે ઠામ. ૫૧

નાયા ત્યાં જઈ અકળિત અંગે, જળક્રીડા કરી સખા સંગે;

પછી ઘોડીએ થઈ અસવાર, ચાલ્યા ત્યાં થકી ત્રિભુવનાધાર. ૫૨

ગઢપુર તણો મારગ જ્યાં છે, સારો શોભિત ખીજડો ત્યાં છે;

તેને છાંયે ઉભા રહ્યા જ્યાંય, ગઢડેથી આવ્યા સંત ત્યાંય. ૫૩

ગોવિંદાનંદ નિષ્કુળાનંદ, આવ્યા લૈ સાથે સંતનું વૃંદ;

ઘોડીથી હરિ ઉતર્યા હેઠા, મગાવીને પલંગે તે બેઠા. ૫૪

સંતોએ કર્યા દંડપ્રણામ, ત્યારે બોલિયા શ્રી ઘનશ્યામ;

શું શું લાવ્યા છો કાજે અમારે, સુણી બોલિયા તે સંત ત્યારે. ૫૫

આપ છો પ્રભુ અંતરજામી, બધું જાણો તમે બહુનામી;

એમ કહી કંડીયામાંથી સાર, કાઢ્યા પુષ્પના તોરા ને હાર. ૫૬

બાજુ ગજરા ને કંકણ જેહ, હતાં સર્વ ગુલાબનાં તેહ;

ધરાવ્યા શ્રીહરિને તે કાળે, કંકુચંદ્ર ભલો કર્યો ભાલે. ૫૭

ધૂપ ને દીપ આગળ ધારી, આરતી શ્રીહરિની ઉતારી;

રૂડું સ્તવન9 કર્યું તે ઠામ, પૂરા પ્રેમથી કીધા પ્રણામ. ૫૮

એહ ઠામે કરાવ્યો છે ઓટો, મહિમા તેનો છે ઘણો મોટો;

પછી ઘોડી ઉપર થઈ સ્વાર, પુરમાં આવ્યા પ્રાણઆધાર. ૫૯

જીવા ખાચરનો દરબાર, ઓરડો છે જે ઉત્તર દ્વાર;

પ્રભુને પધરાવ્યા પલંગે, સભા આગળ બેઠી ઉમંગે. ૬૦

શેઠ સુરતના ભાઈચંદે, હતી દીધી રસોઈ આનંદે;

જલેબી અને મોતિયા લાડુ, બીજાં શાક લાવ્યા ભરી ગાડું. ૬૧

પ્રભુ પોતે પ્રથમ જમી થાળ, પછી સંતને પિરસે કૃપાળ;

ફરે પંગતમાં વારંવારે, લાડુ લ્યો એવી વાણી ઉચારે. ૬૨

જમી તૃપ્ત થયા સંત જ્યારે, બેઠા શ્રીજી સભા સજી ત્યારે;

ભાઈચંદભાઈ પૂજવા આવ્યાં, ભલા ભારે પોશાક ધરાવ્યા. ૬૩

જરિયાનનાં વસ્ત્ર ધરાવ્યાં, મુક્તાફળનાં10 ઘરેણાં ચડાવ્યાં;

મણિ માણિક નંગ જડેલાં, ઘણા શાણા સોનારે11 ઘડેલાં. ૬૪

શાર્દૂલવિક્રીડિત

સોનું પથ્થર પૃથ્વિમાંથી નિકળે ત્યાં કોણ તેને નમે,

મોતી માછલી છીપના ઉદરમાં પાકે જ સ્વાતી સમે;

હીરા મૌક્તિક હેમ તુચ્છ ગણીને જે ત્યાગ ત્યાગી કરે,

અંગે શ્રીહરિને ચડ્યાથી મુનિયો સૌ ધ્યાન તેનું ધરે. ૬૫

ચોપાઈ

પૂજા સર્વોપચારથી કીધી, પ્રસાદી પ્રભુએ પછી દીધી;

પ્રેમાનંદે કર્યું પછી ગાન, તુંબરુ નારદાદિ સમાન. ૬૬

પછી સંધ્યા સમો થયો જ્યારે, આરતી ધુન્ય ઉચ્ચારી ત્યારે;

કરી જ્ઞાનની વાતો વિશેષ, વાળુ કરવા પધાર્યા વિશ્વેશ. ૬૭

પછી પોઢિયા નાથ પલંગે, રહે સેવામાં દાસ ઉમંગે;

ત્યાં તો માનુભાવાનંદ સ્વામી, પગ ચાંપે મહામુદ પામી. ૬૮

પદ પાછા ખેંચ્યા ભગવંતે, ત્યારે વિનતિ કરી તેહ સંતે;

કેમ પાછા ખેંચ્યા પદ સ્વામી, અમારા તપમાં શી છે ખામી? ૬૯

શાર્દૂલવિક્રીડિત

આ પાદાબ્જ12 નિમિત્ત ભેખ ધરિને સંસાર છોડ્યો અમે,

આ પાદાબ્જ નિમિત્ત દુષ્ટ જનનાં કષ્ટો સહ્યાં કૈં સમે;

આ પાદાબ્જ નિમિત્ત વાસ વનમાં કૈં કાળ સુધી કિધા,

ખામી શી રહિ છે તથાપિ તપમાં જે પાવ ખેંચી લિધા? ૭૦

ચોપાઈ

સુણી બોલિયા શ્રીઘનશ્યામ, સુણો દૃષ્ટાંત એક આ ઠામ;

ભીખ માગતો એક ભીખારી, ગયો શ્રીમંતનું ઘર ધારી. ૭૧

એને આંગણે વાસીદું વાળ્યું, ભલા શ્રીમંત શેઠે તે ભાળ્યું;

કહે ભીખારી મેં કર્યું કામ, આપો અધમણ સોનું આ ઠામ. ૭૨

કહે શેઠ સોનું દઉં શાનું, કર્યું કામ તે એક પૈસાનું;

અધમણના રુપૈયા અત્યારે, સવા લાખથી થાય વધારે. ૭૩

સોનું અધમણ એટલા કાજ, માગતાં નથી આવતી લાજ;

સુણો સિદ્ધાંત દૃષ્ટાંત કેરું, જે છે જાણવા જોગ્ય ઘણેરું. ૭૪

માંસ સુકાઈ હાડકાં ગળતાં, તોય ચરણકમળ નહીં મળતાં;

ભેખ ભગવો તમે અંગે ધારી, તજ્યું દ્રવ્ય તથા તજી નારી. ૭૫

અપમાન સહન કર્યું કાઈ, ચરણ માગો છો એટલામાંઈ;

કૈક જોગીયો જોગથી ચળિયા, આશા ભંગ થઈને નિકળિયા. ૭૬

કહે માનુભાવાનંદ એવા, અમે તપસી નથી તેના જેવા;

ઇંદ્ર બ્રહ્માદિ આવે ભુલાવા, નથી સમરથ અમને ચલાવા. ૭૭

એવું સાંભળી રીઝ્યા દયાળ, પદ લાંબા કર્યા તેહ કાળ;

સંતે છાતીમાં એ પદ ધરિયા, સ્પર્શ આંખે ને મસ્તકે કરિયા. ૭૮

હતા ત્યાં પરમાનંદસ્વામી, તેણે પણ પ્રેમ પૂરણ પામી;

પદ છાતીએ મસ્તકે ધાર્યા, તાપ તનના ને મનના નિવાર્યા. ૭૯

પછી પોઢી રહ્યા પ્રભુ રાતે, કર્યું આહ્નિક13 કર્મ પ્રભાતે;

સભામાં બેઠા સુંદરશ્યામ, સંતો પ્રત્યે બોલ્યા તેહ ઠામ. ૮૦

નદી નર્મદા તટ સારો, તવરાનો મેળો છે થનારો;

જ્યારે વૈશાખ માસ બે થાય, ત્યારે તવરાનો મેળો ભરાય. ૮૧

સંતો સૌ તમે ત્યાં જ સિધાવો, દૈવિ જીવને જ્ઞાન બતાવો;

ત્યાં અવાશે તો આવશું અમે, નહીં તો જઈ આવજો તમે. ૮૨

જતાં રસ્તામાં આવે જે ગામ, ત્યાંના સત્સંગીને કહો આમ;

કાળ પડશે મહા વિકરાળ, અન્ન સંગ્રહ કરજો વિશાળ. ૮૩

દેશ કાનમ વાકળ દેશ, કરો ત્યાં જઈ વાત વિશેષ;

રણુમાં રહે દેસાઈભાઈ, તેને કાળની કહેજો વડાઈ. ૮૪

એવા શ્રીજીનાં સુણીને વચન, મુક્તાનંદ આદિક મુનિજન;

ગયા વાકળ દેશમાં ફરવા, દૈવી જીવને ઉપદેશ કરવા. ૮૫

ગયા ગઢપુર શ્રીગિરધારી, નિરખી હરખ્યાં નરનારી;

એના આનંદનું વરણન, ન કરિ શકે સહસ્રવદન.14 ૮૬

પુષ્પિતાગ્રાવૃત્ત

ચમુ15 નરપતિની ફરે જ જેમ, મુનિજનવૃંદ ફરે વિશેષ તેમ;

અઘમય16 મતનો કરે વિનાશ, પરમ સુધર્મ તણો કરે પ્રકાશ. ૮૭

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

સારંગપુરે હુતાશન્યુત્સવકથનનામ દ્વાત્રિંશો વિશ્રામઃ ॥૩૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે