કળશ ૭

વિશ્રામ ૩૩

પૂર્વછાયો

શ્રીગિરધર ગઢપુર વિષે, કરે લીલા અનેક પ્રકાર;

મુનિ શતાનંદ વરણવે, પણ પામે નહીં તેનો પાર. ૧

ચોપાઈ

રામનવમીનો ઉત્સવ આવ્યો, તે તો ત્યાં ભલી ભાતે ભજાવ્યો;

આસપાસથી આવિયા સંત, હરિભક્ત તો આવ્યા અનંત. ૨

જે જે આવ્યા હતા હરિજન, તેઓને કહે પ્રાણજીવન;

આવશે કાળ તે થકી ડરજો, સારો અન્નનો સંગ્રહ કરજો. ૩

અન્નસંગ્રહ કરશે ન જેહ, અતિશે દુઃખ પામશે તેહ;

કહ્યું એ રીતે ધર્મદુલારે, સુણી સૌ ગયા નિજને ઉતારે. ૪

કાકુભાઈ તથા પુજાભાઈ, વસે વાસ તે મેથાણમાંઈ;

તેઓ બેને કહે પરમેશ, અન્નસંગ્રહ કરજો વિશેષ. ૫

ત્યારે બોલ્યા તે તો રાજી થૈને, ઘણું અન્ન લેશું ઘેર જૈને;

અહીંથી પણ લેશું અનાજ, ભાવ ઠીક છે હે મહારાજ. ૬

એમ બોલી બજારમાં ગયા, અન્ન લેવાને તતપર થયા;

લીમલી ગામના રહેનાર, મળ્યા મૂળજી શેઠ તે ઠાર. ૭

તેણે પુછી લીધી બધી વાત, કહ્યું તે પછી સાંભળો ભ્રાત;

શ્રીજી તો એમ કહે છે સદાય, અન્ન સંઘરે તે સુખી થાય. ૮

જાણો આજ્ઞા સાધારણ એહ, મુખ્ય આજ્ઞા ન જાણવી તેહ;

શેઠનું વેણ સાંભળી એવું, એણે બંધ રાખ્યું અન્ન લેવું. ૯

સુતા જામનિમાં1 પછી જ્યારે, કાકુભાઈએ સ્વપ્નમાં ત્યારે;

જોયાં અન્ન વિના જન મરતાં, કૈંક અન્ન માટે કરગરતાં. ૧૦

નરનારિયો બહુ દ્વારદ્વારે, આપો ખાવાનું એમ પોકારે;

બહુ આંખમાં આંસુઓ લાવે, દયાળુને દેખી દયા આવે. ૧૧

પછી જાગીયા જ્યારે પ્રભાત, મુળજી શેઠને કહી વાત;

કહે શેઠ સ્વપન ન મનાય, જેવી ઝંખના એવું જણાય. ૧૨

શેઠને કહ્યું નિર્ભય થૈને, અન્ન લીધું નહીં ઘેર જૈને;

પછી કેવી ગતિ તેની થાશે, કથા આગળ તે કહેવાશે. ૧૩

વળી એ જ સમૈયા મોઝાર, વસો ગામ વિષે વસનાર;

હરિજન હતા જેસંગભાઈ, કહે તેને હરિ સુખદાઈ. ૧૪

મારી આજ્ઞા તમે અનુસરજો, સારો અન્નનો સંગ્રહ કરજો;

કરી વંદન બોલ્યા તે વાર, હે પ્રભુ અમે તો પાટીદાર. ૧૫

અંગે વસ્ત્ર તો ઉજળાં ધરિયે, જર2 રોકડું ઘરમાં ન જરીયે;

કહો રુપૈયા ક્યાંથી લવાય, કેમ અન્નનો સંગ્રહ થાય? ૧૬

સુણી બોલીયા શ્રીજી વચન, કહો કેટલું ઘરમાં છે અન્ન?

બોલ્યા જેસંગભાઈ તે વાર, ઘેર બાજરી મણ છે અગ્યાર. ૧૭

કોઠીમાં ભરી છે મહારાજ, એમાંથી વવરાય છે આજ;

કહે કૃષ્ણ કહ્યું માની લેજો, કોઠીનું મુખ છંદાવી દેજો. ૧૮

તે તો ઉઘાડું કદિએ ન કરજો, દાણા સાણેથી કાઢી વાવરજો;

એવું સાંભળીને ઉર ધરીયું, જૈને કોઠીનું મુખ બંધ કરીયું. ૧૯

રોજ સાણેથી દાણા કઢાય, વળી છુટ થકી વવરાય;

શાક આદિક લે દાણા દૈને, જમે દશ જણ તે રાજી થૈને. ૨૦

એમ અગન્યોતેરો ગયો કાળ, માસ અગ્યાર અતિ વિકરાળ;

કાંઈ આવિયું સરકારી કામ, ગયા જેસંગભાઈ પરગામ. ૨૧

વાંસે વનિતાએ કીધો વિચાર, દાણા સંભાળું કોઠી મોઝાર;

હવે પહોંચશે કેટલા માસ, કરું તેનો હું પક્કો તપાસ. ૨૨

છાંદો કોઠીના મુખનો ઉપાડ્યો, હાથ ઘાલીને સંશે મટાડ્યો;

કોઠી અગ્યાર મણની ભરેલી, હતી તેમની તેમ ઠરેલી. ૨૩

પછી તેમાંથી જે વવરાય, એટલી તો અધૂરી તે થાય;

જ્યારે આવ્યા જેસંગભાઈ ઘેર, પોતે જાણી કોઠીની તે પેર. ૨૪

દીધો નારીને ઠપકો તે કાંઈ, હરિઇચ્છા ગણી મન માંઈ;

ક્ષમાવંત ક્ષમા મન રાખે, વેણ ક્રોધ ભરેલાં ન ભાખે. ૨૫

બ્રહ્મચારી કહે સુણો ભાઈ, કથા ચાલતી કહું સુખદાઈ;

સમૈયામાં જે આવેલા જન, ગયા તે નિજ નિજને ભુવન. ૨૬

જયા લલિતાદિ બાઇની પાસ, પછી એમ બોલ્યા અવિનાશ;

જન્મભૂમિ છપૈયાની જેવી, પીપલાણે દીક્ષાભૂમિ તેવી. ૨૭

જેતપુર થયો પટ્ટાભિષેક, એ તો જાણે છે ભક્ત અનેક;

સરવાર ને સોરઠ દેશ, મને સોરઠ પ્રિય છે વિશેષ. ૨૮

માટે ત્યાં જઈ જનને ચેતાવું, અન્ન સંગ્રહ સારો કરાવું;

નથી તવરે જવાની જરુર, એવો નિશ્ચે કર્યો છે મેં ઉર. ૨૯

બોલી બાઇયો સૌ તેહ ટાણે, કરો આપની ઇચ્છા પ્રમાણે;

પછી પ્રભુએ લખાવિને પત્ર, હરિભક્તોને મોકલ્યો તત્ર. ૩૦

લખાવ્યું હરિએ પત્રમાંય, અમે તવરે નહીં જ અવાય;

માટે અમને પૂજો જેવી રીતે, મુક્તાનંદને પૂજજો પ્રીતે. ૩૧

અમે સંચરી સોરઠ દેશ, કાંઈ કારજ કરશું વિશેષ;

એવો પત્ર પહોંચ્યો ત્યાં જ્યારે, વાટ જોતા હતા જન ત્યારે. ૩૨

પત્ર વાંચીને તે જ પ્રમાણે, મુક્તાનંદને પૂજ્યા તે ટાણે;

પછી ગઢપુરથી ગિરધારી, ગયા સોરઠમાં સુખકારી. ૩૩

ગયા વાંકિએ વૃષકુળચંદ, ત્યાંથી કોટડે આનંદકંદ;

ગયા ગોંડળમાં ગુણવાન, જેતપુર ગયા જગના નિદાન.3 ૩૪

ગયા ધોરાજી ધર્મકુમાર, કર્યો વણથળી ગામ વિહાર;

આખા પીપલાણા અગત્રાઈ, ગયા માણાવદર ગામમાંઈ. ૩૫

મેઘપુરમાં ગયા મહારાજ, ગયા પંચાળે ગરિબનિવાજ;

ઝીણાભાઈને દર્શન દીધાં, મનવાંછિત પૂરણ કીધાં. ૩૬

જે જે ગામ ગયા હરિ ફરવા, કહ્યું અન્નનો સંગ્રહ કરવા;

ઝીણાભાઈને પુછ્યું સુપેર, કહો કેટલું અન્ન છે ઘેર. ૩૭

ઝીણાભાઈ કહે મહારાજ, ઘરમાં નથી ઝાઝું અનાજ;

કહે શ્રીહરિ પડશે દુકાળ, કરો અન્નનો સંગ્રહ હાલ. ૩૮

ત્યારે સો કળશી4 લીધી જાર, ભરી રાખી તે ખાણ મોઝાર;

પછી ત્યાંથી કરીને વિહાર, ગયા ગઢપુર વિશ્વઆધાર. ૩૯

અષાઢી સુદી બીજ ત્યાં આવી, રથજાત્રા ભલી જ ભજાવી;

આવ્યા તે પર પણ જન બહુ, સૌને અન્ન સંઘરવાનું કહ્યું. ૪૦

પુષ્પિતાગ્રાવૃત્ત

પ્રભુ જન સહુને સ્વકીય5 પ્રીછે,6 ઇહ7 પરલોક વિશે સુખાર્થ ઇચ્છે;

પણ પ્રભુવચનો ન જેહ માને, અતિ દુખિ થાય પરત્ર8 એહ થાને. ૪૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

તવરાતીર્થે સંતવિચરણનામ ત્રયસ્ત્રિંશોવિશ્રામઃ ॥૩૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે