કળશ ૭

વિશ્રામ ૩૪

પૂર્વછાયો

એ અવસરમાં આવિયા, મહારુદ્ર1 શ્રીહરિ પાસ;

કર જોડી નમીને કહે, હરિ હું છું તમારો દાસ. ૧

પાપી વધ્યા છે પૃથ્વીમાં, વામમારગી જે કહેવાય;

તેથી વધ્યો વ્યભિચાર ને વળી, મંત્રીને મદિરા પાય. ૨

મૂરખ તે નથી માનતા, સારા સંત તણો ઉપદેશ;

સંતને દુઃખ દે તે થકી, મને વધ્યો છે ક્રોધ વિશેષ. ૩

નાશ કરીશ હું તેહનો, પાડી કાળ મહાવિકરાળ;

તેહનું દુઃખ દેખી નહિ શકો, પ્રભુ તમે છો દીનદયાળ. ૪

સુકાની સાથે લીલું બળે, જેનું જેવું પૂરવનું કર્મ;

આજ્ઞા પ્રમાણે આપની, મેં તો ધાર્યો છે એવો ધર્મ. ૫

આપને જો કોઈ દેખશે, ઘણા માગવા આવશે અન્ન;

ગોવિંદ ગુપ્ત રહો તમે, નિજ દેશો નહીં દર્શન. ૬

કહે શ્રીકૃષ્ણ તથાસ્તુ તે, રુદ્રદેવ ગયા નિજસ્થાન;

આખો અષાઢ વીતિ ગયો, પણ નીર ન વરશું નિદાન. ૭

શ્રાવણ પણ સઘળો ગયો, ભાસે ભાદરવો ભયંકર;

ભરતખંડની ભૂમિમાં, ક્યાં વારિ ન વરશું લગાર. ૮

દાદા તણા દરબારમાં, રહ્યા ગુપ્ત રિતે ગોપાળ;

આજ્ઞા વિના હરિભક્તને પણ, દર્શન દે ન દયાળ. ૯

વેષ તપસ્વી તણો ધર્યો, વળી વધાર્યા નખ ને કેશ;

રહે ઉદાસી અંતરે, પોતે પરમ દયાળુ દિનેશ. ૧૦

કોઈ કહે હરિ કચ્છમાં, કહે કોઈ ગયા ગુજરાત;

આ અવસર હરિ ક્યાં વસે, તેની કોઈ ન જાણે વાત. ૧૧

બોટાદ કે કારિયાણિએ, ઝીંઝાવદર સારંગપર;

દર્શન દેવા દાસને, રાતે જાય આવે હરિવર. ૧૨

વૈતાલીય: દુષ્કાળવર્ણન

બહુ માણસ મારવાડનાં, અહિં આવ્યાં જન જેમ ધાડનાં;2

નર નિર્બળ તેમ નારિયો, ભટકે ભૂખ દુઃખે ભિખારિયો. ૧૩

દ્વિજ કે જન શુદ્ર હોય તે, જઈ ચાંડાળ નિવાસ તોય તે;

કરમાં થકી ભક્ષ ઝુંટિ લે, વળી કૈનાં ઘરબાર લુંટિ લે. ૧૪

અતિ ભૂખથી છોકરાં રુવે, ધરિ આશા જન સામું તે જુવે;

કદિ દે જન કોઈ રાબડી, લઈ ખેંચી જમિ જાય માવડી. ૧૫

પતની તજિને પતી ગયા, તજતાં બાળ ધરી નહીં દયા;

કંઈકે નિજ બાળ વેચિયાં, કઈકે કષ્ટ અખંડ ખેંચિયાં. ૧૬

પુરમાં કુળવંત જે હતા, પરદેશે ભિખવા રહ્યા જતા;

કઈ તો વિખ ખાઈને મુઆ, કઈ તો જાતિ થકી પડ્યા જુઆ.3 ૧૭

સતી કોઈ હતી સુવાવડી, ન મળી પોસ4 પિવાની રાબડી;

નિજ બાળનું માંસ ખાઈને, પણ તે પેટ ભર્યું ધરાઈને. ૧૮

મડદું બળતું મુકી જતા, દિન બીજે જઈ ટાઢિ છાંટતા;5

મઉએ6 મળિ ભક્ષ તે કર્યું, દિન એકે જળ છાંટવું ઠર્યું. ૧૯

પથમાં મડદાં દિસે પડ્યાં, કરવા ભક્ષ ઘણાં ગિધો ચડ્યાં;

નહિ બાંધવ બાળવા રહે, દુઃખ કેને જઈ જીવનું કહે. ૨૦

બહુએ દુષ્કાળ તો ગયા, પણ આ તુલ્ય નહીં બીજા થયા;

નજરે નિરખ્યો સુણ્યો હશે, નહિ તેને કદિ વીસરી જશે. ૨૧

નહિ ઉદ્યમ લોક શું રળે, ધન દેતાં પણ અન્ન ના મળે;

ઘરમાં કદિ અન્ન હોય તે, મિતભુક્તા થઈ ખાય તોય તે. ૨૨

ઘર ઉજડ કૈક થૈ ગયાં, મરણો અન્ન વિના ઘણાં થયાં;

જમતા જન જે ગળ્યું ગળ્યું, હલકું અન્ન ન તેહને મળ્યું. ૨૩

નિરખી નભ થાય ત્રાસ છે, ભૂમીકાનો ભયભીત ભાસ છે;

જીવવું દુઃખકારિ જાણિએ, મરવાની ઉર આશ આણિએ. ૨૪

પૂર્વછાયો

દુર્ગપુરીની બજારમાં, આવ્યા ભીખારી અપરમપાર;

નરનારી અને બાળકો, કરે ભૂખનું દુઃખ પોકાર. ૨૫

દીનબંધુ દયાસિંધુને, દયા દીલમાં ઉપજે અનંત;

કોઈ કોઈ સમે રાત્રિએ, અન્ન આપે જઈ ભગવંત. ૨૬

આપને કોઈ ન ઓળખે, વૃષનંદ ધરે એવો વેશ;

વજ્ર કછોટો વાળીને, છૂટા મૂકે જટાના કેશ. ૨૭

ટોપી પીળી કચ્છદેશની, કંઠે પારો રુદ્રાક્ષનો એક;

ખભે શેલું ગુઢા રંગનું, બીજું અંગ ઉઘાડું છેક. ૨૮

ખૂબ ખીચડી ને ખાખરા, જાય આપવા જગનો રાય;

સાથે કમળશી વાણીયો, અન્ન એહ ઉપાડી જાય. ૨૯

થાળ કરાવે ભક્તજન, પોતે જમે તે જગદાધાર;

ગુપ્ત રીતે રહેતાં થકાં, ચોમાસાના ગયા માસ ચાર. ૩૦

લલિતછંદ

દુઃખ નિહાળીને બૌ દયા ધરે, ઉનડ7 ખાચરે એમ ઉચ્ચરે;

જીવ દયાળુનો બૌ દુખાવિયો, અરર કાળ આ ક્યાંથી આવિયો. ૩૧

રખડતા જનો બૌ બહ રુવે, અરર કોણ જૈ આંસુડાં લુવે;

ગરવ સર્વનો તે મુકાવિયો, અરર કાળ આ ક્યાંથી આવિયો. ૩૨

મુખ ભુખ્યા તણું જે ન ભાળતા, અધિક અન્ન દૈ દુઃખ ટાળતા;

નિયમ એ હતો તે તજાવિયો, અરર કાળ આ ક્યાંથી આવિયો. ૩૩

સ્વર સુણાય જે બાળકો રડે, તરત હાથથી કોળિયો પડે;

જરુર દુઃખનો દા8 જગાવિયો, અરર કાળ આ ક્યાંથી આવિયો. ૩૪

નહિ દિઠો કદી સાંભળ્યો નહીં, સમય એહવો આવિયો અહીં;

ક્ષય કર્યાં તણો ખેલ લાવિયો, અરર કાળ આ ક્યાંથી આવિયો. ૩૫

જબર જુદ્ધમાં થાય મોત તે, સ્વરગ સંચરે કીર્તિ સાત તે;

મરદને દિલે બૌ મુંઝાવિય, અરર કાળ આ ક્યાંથી આવિયો. ૩૬

મનુષની ગતી માઠિ થૈ રહી, પશુ તણી ગતિ જાય શું કહી;

સુખ તણો સમો સૌ ગુમાવિયો, અરર કાળ આ ક્યાંથી આવિયો. ૩૭

મનુષ કૈક તો માળવે9 ગયાં, તદપિ તે સુખી ત્યાં નહીં થયાં;

સકળ સૃષ્ટિમાં કાળ ફાવિયો, અરર કાળ આ ક્યાંથી આવિયો. ૩૮

પૂર્વછાયો

એવી રીતે અતિ જલ્પના,10 કરે નૃપતિ કરુણાકંદ;

એ અવસર ગુજરાતથી, મુનિ આવિયા મુક્તાનંદ. ૩૯

પ્રેમજી ઠક્કર ભક્તના, આવી હાટમાં ઉતર્યા આપ;

પુરજને મળી પૂછિયું, કહો ક્યાંથી આવ્યા નિષ્પાપ? ૪૦

આવ્યા અમે ગુજરાતથી, સુણો સૌ સતસંગી સમાજ;

હવે શું કચ્છદેશમાં, કૃપાનાથનાં દર્શન કાજ. ૪૧

જાણ કર્યું નાજે જોગિએ, પોતે મહાપ્રભુની પાસ;

આવ્યા છે મુક્તાનંદજી, જશે કચ્છમાં દર્શન આશ. ૪૨

કૃષ્ણ કહે જયાબાઈને, તેડો મુનિને જમવા કાજ;

કરે અમારાં એ મિષે, અહીં આવીને દર્શન આજ. ૪૩

તાતની સાથે કહાવિયું, મુનિમુક્તને જમવા માટ;

ગયા મુની દરબારમાં, તજી ઉરના સર્વ ઉચાટ. ૪૪

શ્રીહરિનાં દર્શન કર્યાં, વળી ભેટ્યા ભીડીને બાથ;

ચાકળે મુનિને બેસારીને, પૂછે સર્વ સમાચાર નાથ. ૪૫

મુક્ત કહે ગુજરાતમાં, અતિ મોંઘું મળે છે અન્ન;

તો પણ પોતે ભૂખ્યા રહી, આપે સંતને અન્ન હરિજન. ૪૬

સેવા સજે છે સંતની, સતસંગીયો સ્નેહ સહિત;

સંતનો મહિમા સમજીને, રાખે પૂરણ મનમાં પ્રીત. ૪૭

એવું સુણી ઉર રીઝિયા, ધર્મનંદન ધર્મનિધાન;

ભક્ત ભલા ગુજરાતના, એમ બોલ્યા મહાબળવાન. ૪૮

થાળ પૂરી પછી લાવિયા, ત્યાં તો વર્ણિ મુકુંદાનંદ;

પોતે જમે અને પીરસે, મુની મુક્તને વૃષકુળચંદ. ૪૯

તૃપ્ત થઈ મુની ના કહે, પ્રભુ પીરસે વારમવાર;

કહે પ્રસાદી બહુ દિને, આજ મળી છે લ્યો મુનિ સાર. ૫૦

વાતો વિદેશની દેશની, કરી કરીને જમતા જાય;

પ્રભુજીનું મુખ પેખીને, મુનિને મન હરખ ન માય. ૫૧

એક પ્રહર અવસર ગયો, ત્યારે જમી ઉઠ્યા જગતાત;

આજ્ઞા લઈ ઉતારે જઈ, મુનિમુક્ત ગયા ગુજરાત. ૫૨

જીવો ખાચર જગ જાણિતા, ગઢપુર વિષે રહેનાર;

તેને જગતજન સૌ કહે, રાજા કરણ સમ દાતાર. ૫૩

જેમ જઈ ગંગા તટે, જન કોઈ ન તરશો જાય;

જીવા ખાચર પાસે જઈ, નહિ કોઈ નિરાશી થાય. ૫૪

માગણ આવે માગવા, તેને કહે નહીં નાકાર;

દુઃખ કાપે દુઃખિયા તણાં, એવું અંતર અધિક ઉદાર. ૫૫

એવો સુજશ એનો સાંભળી, ભુખ દુઃખે પીડાતા જન;

જીવા ખાચરને આંગણે, આવી માગે ખાવાને અન્ન. ૫૬

ખૂબ ખીચડી ને રોટલા, ખાવા આપે ધરીને ખાંત;

તે ખવરાવ્યાથી ખૂટશે, એવી ભાસે ન મનમાં ભ્રાંત. ૫૭

એવી રીતે અન્ન આપતાં, વીત્યા કાળ તણા કાંઈ માસ;

કોઠારમાં કણ ખુટિયા, થયું અંતર એથી ઉદાસ. ૫૮

જમવા બેસે જે સમે, કોઈ આવે ધરી અન્નઆશ;

આહાર નિજનો આપી દે, અને આપ કરે ઉપવાસ. ૫૯

કોઈને પણ ભૂખ્યો કાઢતાં, પોતે પાડે આંસુની ધાર;

એવી ઇચ્છા ઉરમાં ધરે, વિખ ખાઈ મરું આ વાર. ૬૦

પુત્રી જીવા ખાચર તણી, અમુલબાઈ નામ વિખ્યાત;

શ્રીજીની આગળ આવીને, તેણે વિસ્તારીને કહી વાત. ૬૧

વળી વિનતી કરીને કહ્યું, પ્રભુ છો તમે જનપ્રતિપાળ;

રક્ષા કરો મુજ તાતની, દયાસાગર દીનદયાળ. ૬૨

બાપ વિનાની જે બેટડી, તૃણા તુલ્ય તે હલકી થાય;

લાડ લડાવે લક્ષધા, જેનો હોય હયાત પિતાય. ૬૩

પછી પ્રભુએ બોલાવિયા, જીવા ખાચરને નિજ પાસ;

શું દુઃખ છે અમને કહો, એમ ઉચ્ચરિયા અવિનાશ. ૬૪

વસંતતિલકા છંદ

બોલ્યા સુણી વચન ખાચર એહ જીવો,

જેને સુક્ષત્રિકુળનો કહિયે જ દીવો;

મેં ટેક એક ધરિ છે કરિને વિચાર,

હું જાચનાર જનને ન કહું નકાર. ૬૫

   જો જાચનાર મુજ મસ્તક આવિ માગે,

   તે આપતાંય મુજને નહિ વાર લાગે;

   ક્ષત્રી તણો ધરમ તે દૃઢ મેં ધર્યો છે,

   તેનો નિભાવ હરિએ હજીએ કર્યો છે. ૬૬

જીવો કહે જન મને પણ હું ખરો રે,

જીવો કહું સકળને ન કહું મરો રે;

ભાળી ભિખારી જન અન્ન હમેશ આપું,

કષ્ટો સહું પણ સદા પરકષ્ટ કાપું. ૬૭

   ભિખારી આવિ મુજ પાસ નિરાશ જાય,

   તો તે સમે જ મુજ ચિત્ત વિચારી થાય;

   આ જાય છે થઈ નિરાશ ઉદાસ થાતો,

   તું પ્રાણ તે પ્રથમથી નથી કેમ જાતો. ૬૮

કોઠારમાં કણ ખુટ્યા પ્રભુ એહ કાળ,

જાતો નથી તદપિ આ વિકરાળ કાળ;

માટે કરું વિષ વડે મુજ જીવ ઘાત,

એવો વિચાર ઉપજે મુજ ચિત્ત તાત. ૬૯

દોહરા

તે સુણિને શ્રીજી કહે, મમત ન ધરિયે મન;

આપ શક્તિ સમ આપિયે, અન્નાર્થીને અન્ન. ૭૦

અતિ દાતા અતિ કૃપણતા,11 અતિ ભુખ અતિ આહાર;

અતિમમત્વ અભિમાન અતિ, અતિ સર્વત્ર અસાર. ૭૧

પુત્રાદિકને પાળવા, ગૃહસ્થનો તે ધર્મ;

વધે વિત્ત તે વાવરી, કરે ધર્મનું કર્મ. ૭૨

અગ્નિરૂપ ઈશ્વર તણી, સાખે12 વિવાહ વાર;

પોષણ કરવા પત્નિનું, કરે જ કંથ13 કરાર. ૭૩

જે જર પોષણ જેટલું, તે વેંચી દે દાન;

ચોર એહ ઈશ્વર તણો, અધર્મિ અધમ સમાન. ૭૪

પૂર્વછાયો

સુણી જીવો ખાચર કહે, નથી બધું વાવરિયું અન્ન;

પણ ભીખારી પાછા જાય છે, તેથી દુખાય છે મુજ મન. ૭૫

પછી શ્રીહરિએ આપિયા, એને રુપૈયા એક હજાર;

અન્ન અધિક વળી આપિયું, અને એમ કહ્યું એ વાર. ૭૬

કોઠીમાં આ અન્ન નાખજો, મોઢું છંદાવી લેજો છેક;

સાણા થકી અન્ન કાઢજો, તેથી રહેશે તમારી ટેક. ૭૭

તે સુણીને જીવા ખાચરે, કર્યું આજ્ઞા પ્રમાણે એમ;

કણ વધે ઘણા કોઠીમાં, વવરાય વિશેષે જેમ. ૭૮

પુષ્પિતાગ્રાવૃત્ત

પ્રભુ નિજજનને હમેશ પાળે, નિજજન ટેક ધરેલી તે ન ટાળે;

દિલ અતિ હરિનું દિસે દયાળુ, જનદુઃખ દેખિ જણાય તે દુખાળું. ૭૯

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

દુષ્કાળવર્ણનનામ ચતુસ્ત્રિંશત્તમો વિશ્રામઃ ॥૩૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે