કળશ ૭

વિશ્રામ ૩૫

પૂર્વછાયો

કહે અચિંત્યાનંદજી, સુણો અભયસિંહ ભૂપાળ;

વળી કહું અગનોતરો, કેવો હતો મહા દુષ્કાળ. ૧

કાઠીયાવાડના કાઠિયો, નહિ જેહને ગામ ગરાસ;

અન્ન વિના અકળાઇને, કૈક આવ્યા શ્રીપ્રભુની પાસ. ૨

દુકાળ કેરા દુઃખની, કહી વાલમ આગળ વાત;

કાઠીયોને મહાકષ્ટ છે, પ્રભુ અન્ન વિના ખરેખાત.1

કૃષ્ણ કહે હોય કષ્ટ તો, એને મોકલજો અમ પાસ;

અન્ન ખાવા અમે આપશું, બહુ રાખશું વળી બરદાશ. ૪

એ પછી આવ્યા કાઠિયો, અન્ન વિના હતા દુખી જેહ;

અન્ન શ્રીહરિએ આપિયું, તેથી સુખી થયા સહુ તેહ. ૫

પોતાની પાસે રાખિયા, કૈક કાઠીયોને ભલી ભાત;

સંત સમીપે મોકલ્યા, વળી કૈકને તો ગુજરાત. ૬

એહ કથા સુણી ઉચર્યા, પછી અભયસિંહ ભૂપાળ;

મેથાણના કાકુભાઈનું, કહો કેમ થયું તે કાળ. ૭

કહે અચિંત્યાનંદજી, હવે વર્ણવી કહું એહ વાત;

જ્યારે ગયા ગઢપુર થકી, તેહ મેથાણમાં બેઉ ભ્રાત. ૮

જઈને જીજીબા બહેનને, કહ્યું એમ બોલ્યા મહારાજ;

વડો વિષમ કાળ આવશે, માટે સંગ્રહ કરજો અનાજ. ૯

ભગની કહે ભગવાનનું, તમે માનજો સત્ય વચન;

નહિ તો બહુ દુઃખ પામશો, એમ જાણજો નિશ્ચય મન. ૧૦

એવાં કથન કહ્યાં તોય પણ, વડી આળસ કરી એહ વાર;

કણનો સંગ્રહ નવ કર્યો, પછી પામિયા દુઃખ અપાર. ૧૧

દયા આવી દીનબંધુને, તેનું કષ્ટનિવારણ કાજ;

ઉઠી ચાલ્યા રાતે એકલા, ગઢપુર થકી મહારાજ. ૧૨

વિત્યો દિવસ એક વાટમાં, પછી રાત જતાં ઘડી ચાર;

મેથાણ ગામ તળાવ છે, તેને કાંઠે બેઠા કરતાર. ૧૩

દેવશંકર ને કુષ્ણજી, વસે વિપ્ર તે ગામ મોઝાર;

કૃષ્ણે કહાવ્યા તેહને, કોઈ જન સાથે સમાચાર. ૧૪

સગા વિષે વહાલો સગો, તમારો જે જરૂર કહેવાય;

બેઠા તળાવ તટ તેહ છે, આવે ઘેર જો તેડવા જાય. ૧૫

વિપ્રે વચન એવાં સાંભળી, કર્યો ચિત્તમાં એમ વિચાર;

વાલા સગા વૃષનંદ છે, તેહ આવ્યા હશે એહ ઠાર. ૧૬

બાંધવ બે મળી ચાલિયા, ગયા તળાવ તટને ઠામ;

દેખી અનાથના નાથને, કર્યા પ્રેમથી દંડપ્રણામ. ૧૭

પ્રભુ પધારો પુર વિષે, એમ બોલ્યા દ્વિજો મતિમાન;

કૃષ્ણ કહે અમે આવિયે, હોય ગુપ્ત રહ્યાનું સ્થાન. ૧૮

છે પ્રભુ ઘર પાડોશીનું, વસનારાં ગયાં છે વિદેશ;

સોપ્યું છે અમને સંભાળવા, એમાં આવી વસો વિશ્વેશ. ૧૯

કોઈએ જન નહીં જાણશે, એવો એકાંતનો છે નિવાસ;

પછી પધાર્યા ગામમાં, એહ વિપ્ર સાથે અવિનાશ. ૨૦

રસોઈ સરસ કરાવીને, વળી વિનય કરીને વિશેષ;

જમાડીયા જગદીશને, પછી પોઢી રહ્યા પરમેશ. ૨૧

પછી ઉઠીને પ્રભાતમાં, કર્યું દાતણ દીનદયાળ;

પુછ્યું પછી બેય વિપ્રને, તમે કેમ ઉતરશો કાળ. ૨૨

કેમ ભિક્ષા નથી માગતા, શીદ રાખો છો મનમાં શર્મ;

ભિક્ષા આપદમાં માગવી, તે તો છે જ બ્રાહ્મણનો ધર્મ. ૨૩

મહાપ્રભુએ મોકલ્યા, બેય ભાઈને ભિક્ષા કાજ;

સ્ત્રીને કહ્યું દેવશંકરે, આવ્યા વાલા સગા છે આજ. ૨૪

નીર માગે તો આપજો, પણ દેશો ન ભોજનદાન;

અમે આવીને આપશું, મહારાજને તો મિષ્ટાન્ન. ૨૫

વિપ્ર ગયા પછી વાલમે, માગ્યું નાવાને કારણે નીર;

એ અબળાએ આપિયું, નાયા શ્રીઘનશ્યામ શરીર. ૨૬

કામિનીને મહાપ્રભુ કહે, આપો ખાવાને મુજને અન્ન;

નારી કહે ઘરમાં નથી, કાંઈ જમવા જગજીવન. ૨૭

કૃષ્ણ કહે ઘેર ગૃહસ્થને, ખાવાનું અન્ન ઢાંક્યું ન હોય;

એવી જો વાત ઉચ્ચારીએ, સાચી માને નહીં જન કોય. ૨૮

ઢાંકેલો છે એક રોટલો, મરચાનું અથાણું છે;

બતાવું હું તમે ત્યાં થકી, મને લાવીને આપો તેય. ૨૯

બાઈને અચરજ ઉપજ્યું, આ તો દેખી શકે સર્વત્ર;

તેનાથી છાનું શું રાખિયે, છાનું રહે ન અત્ર2 પરત્ર.3 ૩૦

આપ્યો ફડશ4 એક રોટલો, મરચાનું અથાણું જેહ;

ભાવ ભલો તેનો ભાળીને, લાગ્યા જીવન જમવા તેહ. ૩૧

એ અવસર ત્યાં આવિયા, શિવશંકર આપોઆપ;

સ્તુતિ કરી પ્રભુને કહે, પ્રભુ છે તવ પરમ પ્રતાપ. ૩૨

આપો પ્રસાદી આપની, આવ્યો છું હું ધરીને આશ;

દીનદયાળુ દયા કરો, નાથ મને ન કરશો નિરાશ. ૩૩

આપી પ્રસાદી શ્રીજીએ, જમ્યા શંકર સ્નેહ સહિત;

વિપ્ર હતો શિવભક્ત ત્યાં, તેણે દેખી વિચાર્યું ચિત્ત. ૩૪

શંકર આ સાક્ષાત છે, જેનો દીસે જથારથ વેષ;

સ્તુતિ કરી પ્રસાદી જમ્યા, માટે આ કોઈ એથી વિશેષ. ૩૫

શિવ અદર્શ થઈ ગયા, વિપ્રે કર્યા હરિને પ્રણામ;

ભિક્ષા માગી બે ભાઇયો, આવ્યા એ અવસર એહ ઠામ. ૩૬

જીવન જમતા જોઈને, કરી રામા5 ઉપર બહુ રીસ;

રોટલો તે કેમ આપિયો, કહ્યું હતું જે નહીં આપીશ. ૩૭

રામા કહે મહારાજ તો, દેખે દૃષ્ટિએ સઘળે ઠાર;

રોટલો મરચાં માગિયાં, કહ્યું આપો આમાંથી આહાર. ૩૮

આપ્યું ખાવા એહ કારણે, કદી જો તેને નહિ હું દેત;

જ્યાં હતું ત્યાંથી જોઈને, પ્રભુ પોતાને હાથે લેત. ૩૯

દેવશંકર તથા કૃષ્ણજી, બેય ભાઈ મળી ભલી ભાત;

રસોઈ કરી રસદાર તે, રુડી રીતે જમ્યા જગતાત. ૪૦

પછી મહાપ્રભુ પોઢિયા, જાગ્યા દિવસ રહ્યો ઘડી ચાર;

મુખમજ્જન જળપાન કરી, બેઠા મંચક પર મોરાર. ૪૧

તે ઘરનાં જન સૌ મળી, બેઠા શ્રીજીની સુણવા વાત;

વેળા વિનોદમાં વહી ગઈ, દિન અસ્ત થયો પડી રાત. ૪૨

દેવશંકર દ્વિજને તથા, કહે કૃષ્ણજીને અવિનાશ;

કાકુભાઈ ને પુજાભાઈને, લાવો બોલાવિને અમ પાસ. ૪૩

જેમ જન ન કોઈ સાંભળે, એમ કહો આવ્યા મહારાજ;

ગુપ્ત રહે છે આ ગામમાં, માટે રાતે તેડાવ્યા આજ. ૪૪

તે સુણી દ્વિજ દરબારમાં, જઈ તેડી લાવ્યા બે વીર;

પ્રભુને પ્રણમ્યા પ્રેમથી, અને નેણમાં આવ્યાં નીર. ૪૫

અન્ન વિના અતિ દુઃખ પડ્યું, તેની કાંઈક કહી જ્યાં વાત;

માવ કહે મુજ વચનને, તમે ભંગ કર્યું છે ભ્રાત. ૪૬

તેનું આ ફળ પામ્યા તમે, હવે થાઓ છો બહુ હેરાન;

એમ જ આજ્ઞા ન માનશે, તે તો દેખશે દુઃખ નિદાન. ૪૭

કૈક એવા સતસંગી છે, મને જાણે છે જગકરતાર;

તો પણ આજ્ઞા તોડતાં, કાંઈ કરતા નથી જ વિચાર. ૪૮

એવાને ચિત્ત ચેતાવવા, દીધું મેં તમને મહાદુઃખ;

તોડશે આજ્ઞા અમ તણી, તેને સાંપડશે કેમ સુખ. ૪૯

ડસકાં ભરી ભરી ભાઈ બે, અતિ રુવે ને અતિ અકળાય;

તેડવા આવજો ત્રીકમા, હવે જીવ્યાનો નથી ઉપાય. ૫૦

જો દીલ માંહી દયા ધરો, પ્રભુ આવો અમારે ઘેર;

આપનાં ચરણ થવા થકી, થશે લક્ષધા લીલા લહેર. ૫૧

કૃષ્ણ કહે અમે આવિયે, હોય ગુપ્ત રહ્યાનું સ્થાન;

કોઈએ જન જાણે નહીં, કોણ આવીયા છે મેમાન. પર

એવું સ્થાનક પ્રભુ આપશું, જેમ જાણે નહીં જન કોય;

છાના જ છેક રહી શકે, કદી હજાર જન જો હોય. ૫૩

છે જે ખવાસની છોકરી, તેના પેટમાં ન ટકે વાત;

તોય તેને વારી રાખશું, તેથી નહીં કરે વાત વિખ્યાત. ૫૪

પછી પ્રભુજી પધારિયા, કાકુભાઈ પુજાભાઈ સંગ;

એકાંતમાં એક ઓરડે, સારો પાથરી આપ્યો પલંગ. ૫૫

પોઢીને ઉઠીયા પ્રભાતમાં, નિત્યક્રિયા કરી મુનિનાથ;

દર્શન કરવા આવિયા, બેય કુંવર મળીને સાથ. ૫૬

હાલાભાઈ નામ એકનું, બીજો પણ બાદરજી કહેવાય;

બેઠા શ્રીહરિની સમીપમાં, પ્રેમે નમી પ્રભુને પાય. ૫૭

હેતે શ્રીહરિએ બોલાવીયા, કહ્યું કરો નારાયણ ધુન્ય;

હાલાજીએ કરી હેતથી, પણ બાદરજી રહ્યા મુન્ય. ૫૮

કૃષ્ણે કહ્યું તેના તાતને, હાલાભાઈ થશે હરિભક્ત;

બાદરજીનું મન બહુ, થશે સંસાર માંહી આસક્ત. ૧૯

પછી પ્રસાદીનું ટોપરું, દીધું હાલાજીને જગદીશ;

બાદરજી ચડ્યા લીંબડે, ઘણી હૃદયમાં ધરી રીસ. ૬૦

કેમ ચડ્યા તમે લીંબડે, એમ પુછ્યું ત્યારે કહે ભ્રાત;

છાના રહ્યા છો આપ તે, બૂમ પાડી કરીશ વિખ્યાત. ૬૧

પછી તેને સમજાવીને, હેઠો ઉતારીયો તતકાળ;

આપ્યું પ્રસાદીનું ટોપરું, તેથી રાજી થયો તે બાળ. ૬૨

કહે અચિંત્યાનંદજી, મહીનાથ સુણો ધરી મન;

હવે કથા ગઢપુર તણી, કહું તેહ પરમ પાવન. ૬૩

પરોઢીએ ઉઠી પ્રીતમો, ચાલી નીકળ્યા એકાએક;

પ્રભાતમાં પ્રેમી જનો, કરે તર્ક વિતર્ક અનેક. ૬૪

કૃપાનિધિ ઉઠી ક્યાં ગયા, દીઠો શો હશે આપણો દોષ;

કેમ છાના ગયા છેક તે, રખે કાંઈ ચડ્યો હોય રોષ. ૬૫

કચ્છમાં કે ગુજરાતમાં, કાં તો કોઈક ભક્તને કાજ;

સહાય કરવા સંચર્યા, મન દયા ધરી મહારાજ. ૬૬

જયા લલિતા ને રાજબાઈ, એહ આદિક અબળા આપ;

ધીરજ તજી ધરણી ઢળ્યાં, કરે વિવિધ રીત વિલાપ. ૬૭

રાગ વેરાડી: વિરહવર્ણન

કૃપાનાથ ક્યાં હવે મળશે રે, ક્યારે તાપ વિરહનો ટળશે... ટેક

આભ તુટી પડે જેમ અજાણ્યો, પૃથ્વી પ્રલય થઈ જાય;

આ તો પડ્યું દુઃખ એમ અજાણ્યું, કાંઈ કહ્યું નવ જાય,

કૃપાનાથ ક્યાં હવે મળશે રે, ક્યારે તાપ વિરહનો ટળશે... ૬૮

સુખના સમુદ્રમાં કલ્લોલ કરતાં, આનંદ ધરતાં અપાર;

આવિ વેળા વળી આવશે એવું, લાગતું નહિ જ લગાર,

કૃપાનાથ ક્યાં હવે મળશે રે, ક્યારે તાપ વિરહનો ટળશે... ૬૯

વરસાદ જો ન આ વરસમાં વરશો, તે દુઃખ તો સહેવાય;

પણ વૃષનંદન વાલા વિયોગ, જરૂર નહીં જીવાય,

કૃપાનાથ ક્યાં હવે મળશે રે, ક્યારે તાપ વિરહનો ટળશે... ૭૦

જો જગજીવન કહીને ગયા હોત, આટલું દુઃખ ન થાત;

ક્યાં લખી કાગળ કેને મોકલીયે, એકે સુઝે નહીં વાત,

કૃપાનાથ ક્યાં હવે મળશે રે, ક્યારે તાપ વિરહનો ટળશે... ૭૧

પૂરવ પશ્ચિમ પંખીડાં ઉડે, જાય છે દેશ વિદેશ;

કોણ કહે શ્રીહરિનો સંદેશો, ક્યાં વિચર્યા વિશ્વેશ,

કૃપાનાથ ક્યાં હવે મળશે રે, ક્યારે તાપ વિરહનો ટળશે... ૭૨

નીર વિના જેમ મીન તરફડે, તરફડીયે અમે એમ;

પ્રાણજીવન પ્રભુજીને વિજોગે, ધારીયે ધીરજ કેમ,

કૃપાનાથ ક્યાં હવે મળશે રે, ક્યારે તાપ વિરહનો ટળશે... ૭૩

વાંક વિના કેમ વાલાએ કીધો, તરત અમારો ત્યાગ;

સંકટવાળું શરીર સમાવીએ, મેદિની6 આપે જો માગ,

કૃપાનાથ ક્યાં હવે મળશે રે, ક્યારે તાપ વિરહનો ટળશે... ૭૪

કેમ દયા દીલમાં નહીં આવી, કાળજું કીધું કઠોર;

ઝાઝી વિરહની ઝાળમાં નાખી, ચાલ્યા ગયા ચિત્તચોર,

કૃપાનાથ ક્યાં હવે મળશે રે, ક્યારે તાપ વિરહનો ટળશે... ૭૫

અમૃત પાઈ ઉછેરીયાં અમને, આપીયાં સુખ અનેક;

આવી રીતે અણચિંતવ્યાં અમને, છાંડી ગયા કેમ છેક,

કૃપાનાથ ક્યાં હવે મળશે રે, ક્યારે તાપ વિરહનો ટળશે... ૭૬

કોઈનું દુઃખ ન દેખી ખમો તમે, એવા છો દીનદયાળ;

આ મહાદુઃખ મટાડવા આવો, વિશ્વવિહારીલાલ,

કૃપાનાથ ક્યાં હવે મળશે રે, ક્યારે તાપ વિરહનો ટળશે. ૭૭

પુષ્પિતાગ્રાવૃત્ત

વિરહ હરિ વિના વિશેષ વ્યાપ્યો, અનળ ઉદે થઈ દેહને ઉતાપ્યો;

સુરભિ7 સલિલથી8 શાંતિ થાય, મરણ ચહે મનમાં બહુ મુંઝાય. ૭૮

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિવિયોગદુઃખવર્ણનનામ પંચત્રિંશો વિશ્રામઃ ॥૩૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે