કળશ ૭

વિશ્રામ ૩૬

પૂર્વછાયો

ભક્ત ભલા નાજો જોગીયો, શ્રીજી પાસે સદા રહેનાર;

તેને બોલાવીને કહે, જયાબાઈ આદિક તે વાર. ૧

પાર્ષદ છો પ્રભુના તમે, વળી ભલા એકાંતિક ભક્ત;

છો સતસંગી શિરોમણી, વળી વિશ્વ થકી છો વિરક્ત. ૨

ખાંત ધરી જાઓ ખોળવા, લાઓ શ્રીહરિના સમાચાર;

દુઃખ અમારું દેખિને, પ્રભુ આગળ કરજો ઉચ્ચાર. ૩

ખબર પ્રભુની પામશું, અમે ત્યારે જ જમશું અન્ન;

તે વિના તન તજશું અમે, પણ જમશું નહીં ભોજન. ૪

દૂત જેવા હનુમાનજી, સદા સીતાપતિની પાસ;

ઉદ્ધવ અક્રૂર કૃષ્ણના, એવા છો તમે હરિના દાસ. ૫

તમ વિના ન બની શકે, કોઈ બીજા થકી એહ કામ;

શોધ કરો શ્રીહરિ તણી, ગામોગામ ને ઠામોઠામ. ૬

બાઈ જયા વળી બોલીયાં, અર્ધરાત્રી પછી મેં આજ;

સિધાવતા જોયા સ્વપ્નમાં, ગામ મેથાણ ભણી મહારાજ. ૭

તે માટે ત્યાં પણ જઈ તમે, કરો તપાસ પુર મોઝાર;

જમશું અન્ન જ્યારે પામશું, સારા શ્રીહરિના સમાચાર. ૮

ભક્ત નાજો મુખથી ભણે, ચિત્તે ચિંતા ન કરશો લેશ;

ખબર લાવીશ હું ખરી, બહુ વિચરી દેશવિદેશ. ૯

આકાશમાં જાઉં એકલો, કરું પાતાળ માંહિ પ્રવેશ;

શોધી વળું સાતે દ્વીપમાં, વળી પહોંચું જ્યાં પરમેશ. ૧૦

એમ કહીને ઉતાવળા, જઈ જોયાં ઘણાં ઘણાં ગામ;

મેથાણ ગામને ગોંદરે, જઈ ઉભા રહ્યા એક ઠામ. ૧૧

ત્યાં તો ખવાસની છોકરી, જતી જળ ભરવાને કાજ;

તેને પુછ્યું કહો બાઈ છે, આંહીં સ્વામિનારાયણ આજ. ૧૨

બાઈ કહે મને ખબર શી, પણ ચાલો પુજાભાઈ પાસ;

પત્તો શ્રીપ્રભુનો લાગશે, એમ ઉચ્ચરી કરીને હાસ. ૧૩

તેથી તરત તેણે જાણિયું, નકી આંહીં છે નટવર નાથ;

તે દરબારની ડેલિયે, ગયા તે છોકરીની સાથ. ૧૪

ભક્ત ઉભા રહ્યા ડેલિયે, ગઈ છોકરી શ્રીહરિ પાસ;

કહી વધામણી કૃષ્ણને, દુર્ગપુરથી આવ્યો છે દાસ. ૧૫

તેની કેડ્યે તરવાર છે, વળી બોકાની વાળી છે બેશ;

ઇચ્છે છે મળવા આપને, કહો તો તેડી લાવું જનેશ.1 ૧૬

પછી પ્રભુની રજા થકી, તેડી લાવી તે જનને ત્યાંય;

નમ્યા શ્રીહરિને દંડવત, મહામોદ ધરી મનમાંય. ૧૭

કૃષ્ણ કહે કેમ જાણિયું, હું છું આ દરબાર મોઝાર;

નાજો કહે નકી જાણિયું, બોલી બાઈ આ હસીને લગાર. ૧૮

શ્રીજી કહે સંસારમાં, જેની હોય જ હલકી જાત;

કોઈ પેરે તેના પેટમાં, છેક છાની રહે નહિ વાત. ૧૯

પછી પ્રભુજીએ પુછિયા, ગઢપુર તણા સમાચાર;

નાજો કહે અહો નાથજી, નથી આપથી છાનું લગાર. ૨૦

વસંતતિલકા

જે પ્રેમિ છે બહુ જયા લલિતાદિ બાઈ,

એવા જ પ્રેમિ અતિ ઊનડ નામ ભાઈ;

તેઓ તણાં દિલ તણું દુઃખ શું સુણાવું,

જાણે સ્વભાવ જન સૌ બહુ શું બતાવું. ૨૧

   મત્સ્યો મહાદુઃખિત વારિવિજોગ ટાણે,

   જાતિસ્વભાવ મછનો જન સર્વ જાણે;

   તો આપ પ્રેમી જનની સ્થિતિ સર્વ જાણો,

   હે નાથ કેમ દિલ તોય દયા ન આણો. ૨૨

ખાતાં નથી તેમ વિજોગથી કોઈ અન્ન,

મુંઝાય છે મરણ સંકટ તુલ્ય મન;

રાખી ઉચાટ2 દિલ ઘાટ ઘણા ઘડે છે,

થૈને અચેત3 અવની તળમાં પડે છે. ૨૩

   આંસુ તણી નયનથી નિકળે પ્રવાહ,

   જોનારને દિલ દયા ઉપજે અથાહ;4

   હે નાથ નાથ હરિ હે મુખથી ઉચારે,

   ધારી શકાય નહિ ધીરજ કેમ ધારે. ૨૪

છાના જ છેક વિચર્યા ઉઠિને પ્રભાતે,

તેથી થયાં જ ભયભીત અનેક ભાતે;

જો આપ જાણ કરિને વિચર્યા જ હોત,

તો શાંતતાથી રહિને સહુ વાટ જોત. ૨૫

   જાણો સ્વભાવ તદપી તજિ આમ જાવું,

   હે પ્રાણનાથ તમને ન ઘટે જ આવું;

   જો કોઈનો તમ વિજોગથિ જીવ જાશે,

   કેને શિરે પ્રભુ કહો અઘ તે ગણાશે. ૨૬

છે એક તો દુઃખ શિવે અતિ કોપ કીધો,

દાઝ્યાનિ ઉપર તમે વળી ડામ દીધો;

તે જેમ નિર્દય પડ્યા પર પાટું મારે,

એવું કૃપાળુ જન કોઈ કરે ન ક્યારે ૨૭

   જ્યારે ખરી ખબર આપની ત્યાં જણાશે,

   ત્યારે જ તે જન ખુશી થઈ અન્ન ખાશે;

   જેવી તમારિ મરજી પ્રભુ તે પ્રમાણે,

   આપે કરોજી અખિલેશ્વર એહ ટાણે. ૨૮

પૂર્વછાયો

જીજીબાને પુજાભાઈને, પછી એમ કહે પરમેશ;

હવે જશું ગઢપુર અમે, એમાં સંશય નહિ લવલેશ. ૨૯

તે સુણીને તેહ બેયને, આવ્યાં આંખમાં આંસુ અપાર;

ક્યાંથી આ અક્રૂર આવિયો, મુખે એમ કર્યો ઉચ્ચાર. ૩૦

જીજીબાને એ જ રાત્રિમાં, દીધું લક્ષ્મીએ દર્શન દાન;

કષ્ટ જશે કહ્યું કાળનું, સુખે પામશો અન્ન ને પાન. ૩૧

પ્રભાતે કહ્યું પુજાભાઈને, સુણી પામીયા સંતોષ કાંઈ;

પણ પ્રભૂ ગઢપુર જશે, એવું જાણી બળે જીવમાંઈ. ૩૨

એવે સમે એક વાણિયો, અન્ન વેચાતું લેવાની આશ;

જીરણગઢ જઈ આવિયો, તેણે વાત કરી સૌ પાસ. ૩૩

હું જુનેગઢ જઈ આવિયો, દાણા લેવા ખરચીને ધન;

દેતાં રુપૈયા રોકડા, પણ ક્યાંઈ મળ્યું નહિ અન્ન. ૩૪

વાત સુણી એવિ વણિકની, સૌના ઉરમાં ઉપજ્યો ત્રાસ;

અન્ન વિના અવની વિષે, થશે માણસનો બહુ નાશ. ૩૫

ગોવિંદ શ્રીગઢપુર જવા, પછી ત્યાં તો થયા તૈયાર;

કાકુભાઈ પુજાભાઈને, ઉર ઉપજ્યું કષ્ટ અપાર. ૩૬

કૃષ્ણ કહે ધીરજ ધરો, હવે દુઃખનો થાશે નાશ;

જાઓ જેતલપુરમાં તમે, રામદાસ મુનિની પાસ. ૩૭

કહેજો કૃષ્ણે મોકલ્યા, અન્ન લેવાનું કારણ એહ;

બે બેડિયાં5 ભરી બાજરી, ત્યાંથી અપાવશે મુનિ તેહ. ૩૮

તે કણ લાવીને કોઠીમાં, ભરી છાંદી લેજો તેનું મુખ;

સાણેથી કણ નિત્ય કાઢજો, તેથી જશે દુકાળનું દુઃખ. ૩૯

શ્રીજીનાં વચનો સાંભળી, ગયા જેતલપુર સંત પાસ;

કહ્યો સંદેશો શ્યામનો, કહ્યું આવ્યા છૈયે અન્ન આશ. ૪૦

પુરના જનને પુછીયું, રામદાસે મળે ક્યાં અન્ન;

એવું સુણીને ઉચર્યા, પાણિ6 જોડીને પુરના જન. ૪૧

આઠ દિવસથી અગાઉ જો, આવ્યા હોત તો મળત અનાજ;

અતિ અધિક મૂલ આપતાં, અન્ન ક્યાં મળે નહિ આજ. ૪૨

પછી મુનિએ પાટીદારનો, ત્યાં તો બોલાવ્યો સર્વ સમાજ;

મેથાણના દરબાર તે, કહ્યું આવ્યા છે અન્નને કાજ. ૪૩

મહાપ્રભુએ છે મોકલ્યા, માટે એટલું તો કરો કાજ;

અકેક ઘરથી એક મણ, એને લાવીને આપો અનાજ. ૪૪

અનાજ લાવીને આપિયું, તેનાં ભરાયાં બેડિયાં બેય;

મેથાણમાં જઈ કોઠિમાં, ભરી છાંદી લીધું મુખ તેય. ૪૫

સાણે થકી નિત્ય કાઢતાં, અન્ન અખુટ થઈ પડ્યું એહ;

એમ દુકાળ ઉલંઘિયો, મહાપ્રભુ પ્રતાપથી તેહ. ૪૬

વાત કરે પ્રતિપક્ષિયો,7 સહજાનંદ જેને સહાય;

અન્ન તણો કે વસ્ત્રનો, તેને કદીયે તોટો ન થાય. ૪૭

શ્રીગિરધર ગઢપુર ગયા, સર્વ સુખી થયાં નરનાર;

આનંદ ઉત્સવ અતિ ઘણો, થાય શ્રીગઢપુર મોઝાર. ૪૮

પુષ્પિતાગ્રાવૃત્ત

પછિ ગઢપુરમાં પ્રભુ પ્રસિદ્ધ, રહિ કરતા જનનાં સુકાર્ય સિદ્ધ;

હરિજન હરિદર્શનાર્થે આવે, વિવિધ પ્રકારની વસ્તુ ભેટ લાવે. ૪૯

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

મેથાણગ્રામે ભક્તકાળોલ્લંઘનનામ ષટ્‌ત્રિંશો વિશ્રામઃ ॥૩૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે