વિશ્રામ ૩૭
પૂર્વછાયો
સંત સરવને દિધાં હતાં, રસકસ તણાં વર્તમાન;
તેને વરસ એક વહી ગયું, તોય પાળે થઈ સાવધાન. ૧
એવામાં આવી હુતાશની, તેનો સમૈયો કરવા કાજ;
પત્ર લખીને તેડાવિયા, ગામોગામથી સંતસમાજ. ૨
સુરત આદિક શહેરના, સતસંગીયોને લખ્યા પત્ર;
થશે ઉત્સવ ફુલડોળનો, તેહ ઉપર આવજો અત્ર. ૩
આવે છે મંડળ સંતનાં, સુણ્યા શ્રીજીએ તે સમાચાર;
કુંડળ સુધી સામા ગયા, પ્રભુ ઘોડીયે થઈ અસવાર. ૪
સંતને નિરખ્યા આવતા, ઘોડી દોડાવી શ્રીઘનશ્યામ;
હેઠા ઊતરી હરિએ કર્યા, પછી સંતને દંડપ્રણામ. ૫
સંતોએ પણ બહુ દંડવત, કર્યા વાલમને તેહ વાર;
ભુજા ભીડીને ભેટિયા, શ્રીજી સૌ સંતને તેહ ઠાર. ૬
વાલમજીનાં વસ્ત્રને, રજ વળગી જોઈ વિશેષ;
સંત કહે કર જોડિને, સુણો શ્રીહરિ પરમ પરેશ. ૭
કેમ કર્યા તમે દંડવત, આપ કોટી જગતકરતાર;
અમે તો કિંકર આપના, હરિ હુકમ શિર ધરનાર. ૮
કહે હરિ તપસ્વી તમે, ધરી કઠણ નિયમ વિશેષ;
નિશ્ચે કરાવો છો મુજ તણો, દેશદેશમાં દઈ ઉપદેશ. ૯
જોગી છો નમવા જોગ્ય છો, સર્વ વાતે છો સંત સુપાત્ર;
પ્રાણ થકી પ્રિય છો મને, તો આ શરીર તે શા માત્ર. ૧૦
મેં કર્યા સંતને દંડવત, તેથી રજે ભરાયાં વસ્ત્ર;
તેની ફીકર નથી રાખતો, સંત ઉપર વારું સહસ્ર. ૧૧
ચોપાઈ
ગામ કુંડળમાં કૃપાનાથ, સંગે લઈ સહુ સંતનો સાથ;
મામૈયા પટગર દરબાર, ત્યાં જૈ ઉતર્યા વિશ્વઆધાર. ૧૨
ગળપણ વિના થૂલી કરાવી, પીરસે સંતને પ્રભુ આવી;
ત્યારે સંતનાં દર્શન કાજ, મુખ્ય કાઠીનો આવ્યો સમાજ. ૧૩
દીઠા સંતના દુર્બળ દેહ, રસકસના નિયમ થકી તેહ;
પ્રભુ આગળ પાગ ઉતારી, નમી નાથને વિનતિ ઉચ્ચારી. ૧૪
કહ્યું હે હરિ દિલ દયા લાવો, હવે સંતને નિયમ મુકાવો;
ત્યારે શ્રીજીએ સંતોને કહ્યું, રસકસના નિયમ તજો સહુ. ૧૫
એવું સાંભળીને બોલ્યા સંત, ભાવે તેમ કહો ભગવંત;
રસકસ અમને નવ ભાવે, ત્યાગમાં જ રુચિ ઉપજાવે. ૧૬
ત્યાગવચન છે મુખ્ય તમારું, આ તો ગૌણવચન દેહ સારું;
મુખ્ય માનશું ત્યાગનું વેણ, સુણી એવું બોલ્યા સુખદેણ. ૧૭
રસ ત્યાગ ઘણા દિન કીધો, તમે ત્યાગનો તો અંત લીધો;
ઇચ્છો કરવા જો મુજને પ્રસન્ન, માનો તો તમે મારું વચન. ૧૮
ત્યાગમાર્ગ પાળ્યો તમે જેવો, કોઈ પાળી શકે નહીં એવો;
સંત અર્થે જ અન્નાદિ થાય, તેહ જગત તણા જન ખાય. ૧૯
સંત જો નહિ રસકસ જમે, રસ નહિ ઉપજે કોઈ સમે;
થાઓ જન પર જો દયાવંત, જમો રસકસ તો સહુ સંત. ૨૦
એવો આગ્રહ અતિશય કીધો, ત્યારે સંતે થોડો રસ લીધો;
બેઠા સાંજે સભા સજી નાથ, મળ્યો ત્યાં સહુ સંતનો સાથ. ૨૧
પૂર્વછાયો
ઘણા દિવસના વિજોગથી, દર્શનાતુર થૈ ઘણા સંત;
આવ્યા હતા જ ઉતાવળા, એવી વાત જાણી ભગવંત. ૨૨
સંતો તમે સહુ સાંભળો, અવિનાશી ઉચરીયા એમ;
ઉત્સવ ઉપર તેડાવિયા, આવ્યા આગળથી તમે કેમ. ૨૩
પાછા પધારો ગામડે, દેવા દૈવીને જ્ઞાનનું દાન;
ઉત્સવ ઉપર આવજો , ગઢપુર વિષે ગુણવાન. ૨૪
બેઠા હતા મુનિ બ્રહ્મ ત્યાં, સર્વ પરમહંસની માત;
સંતોનું દુઃખ જણાવવા, તેણે ત્યાં કર્યો મર્મ અઘાત.1 ૨૫
કહ્યું સંતો કોઈ આ સમે, રાતે દેખો છો મારો સતાર;
દેખી શકો તો તે લાવિને, મને આપો તરત આ ઠાર. ૨૬
માનુભાવાનંદ બોલિયા, રાતે બીજા ન દેખે સંત;
પણ મારા મંડળ તણા, સંત રહ્યા છે દૃષ્ટિમંત. ૨૭
સુણી શ્રીહરિએ પૂછ્યું, તેનું કારણ શું કહેવાય?
બીજા તો સંત દેખે નહીં, તવ મંડળથી દેખાય. ૨૮
માનુભાવાનંદજી કહે, રસકસનો કર્યો છે ત્યાગ;
છાંડી દીધિ છે છાશ પણ, તેમાં ભાળીને રસનો ભાગ. ૨૯
તેથી થયા તે રતાંધળા, પણ અમે રહ્યાતા ડભાણ;
ભાજી બડેલાની લાવતા, ત્યાંના જે સતસંગી સુજાણ. ૩૦
ખુબ અમને ખવરાવતા, તેથી રતાંધળાનો રોગ;
અમારા મંડળમાં પ્રભુ, નથી જણાતો તેનો જોગ. ૩૧
ત્યારે બોલ્યા પ્રભુ તે સમે, હવે જશો ન ક્યાંઈ ખચિત;
આંહીં રસોઇયો આપશે, રસકસ જમો રૂડી રીત. ૩૨
ચોપાઈ
એવી આજ્ઞા કરી હરિરાયે, તે તો સાંભળી જનસમુદાયે;
એવો ઉત્તમ અવસર જોઈ, જન આપવા લાગ્યા રસોઈ. ૩૩
ભાતભાતનાં ભોજન થાય, સંત તો જળ મેળવી ખાય;
કોઈ ધારણાં પારણાં કરે, ચાંદ્રાયણવ્રત કોઈ આચરે. ૩૪
ત્યાંની ઉતાવળી નદીમાંય, ન્હાવા સંત સહિત હરિ જાય;
જૈને શીખવે જોગઅભ્યાસ, સર્વે સંતને બેસારી પાસ. ૩૫
મામૈયા પટગર તણી માય, જુનાં સત્સંગી જે કહેવાય;
રામાનંદ રહ્યા જેને ધામ, રાઇબાઈ જેનું રૂડું નામ. ૩૬
તેણે શ્રીહરિને કહ્યું એમ, રાખો વેશ તપસ્વીનો કેમ;
જટાજૂટ જરૂર ઉતારો, દેખી દાઝે છે જીવ અમારો. ૩૭
પારો રુદ્રાક્ષનો કાઢી નાખો, રુડી કંઠી તો તુળસીની રાખો;
તમે રાખશો તપસીનો વેશ, દુઃખ પામશે તો બધો દેશ. ૩૮
તમે વસ્તુ કરો અંગીકાર, ઉપજે તેહ વસ્તુ અપાર;
જેનો ત્યાગ તમારાથી થાય, તેની ઉત્પતિ અલ્પ જણાય. ૩૯
રહ્યા ભેખ ભીખારીનો ધારી, ભાસે સૌ જન તેથી ભીખારી;
માટે દિલમાં દયા પ્રભુ ધારો, સજો વેશ શોભે તેવો સારો. ૪૦
વેશ રુદ્રનો વરવો2 છે એવો, તેનાં ભૂત પિશાચનો તેવો;
વેશ સારો ધરે જે સુરેશ, તેથી દેવ ધરે રુડો વેશ. ૪૧
સારો વેશ તમારો જણાશે, આખો દેશ સુશોભિત થાશે;
દુનિયામાંથી જાશે દુકાળ, થાશે સર્વ પ્રકારે સુકાળ. ૪૨
એવી વિનતિ વિશેષ સુણાવી, જટા ત્યારે પ્રભુયે પડાવી;
કાઢી નાખ્યો રુદ્રાક્ષનો પારો, સજ્યો વૈષ્ણવનો વેશ સારો. ૪૩
પાસે સંતોને પણ ત્યાં બોલાવી, સૌને વૈષ્ણવ દીક્ષા ધરાવી;
પારો રુદ્રાક્ષનો તે તજાવ્યો, સારો વૈષ્ણવી વેષ સજાવ્યો. ૪૪
સર્વે રાજી થયા સતસંગી, કરે દર્શન અંગે ઉમંગી;
કરી લીલા એવી જગરાય, વધ્યો કુંડળનો મહિમાય. ૪૫
પુષ્પિતાગ્રાવૃત્ત
નિજ જનહિત ચિત્તમાં વિચારી, અરજ સુણી હરિએ જટા ઉતારી;
દુખકર ઉતર્યો મહા દુકાળ, સુખકર સર્વ થળે થયો સુકાળ. ૪૬
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
કુંડલગ્રામલીલા-કથનનામ સપ્તત્રિંશો વિશ્રામઃ ॥૩૭॥