કળશ ૭

વિશ્રામ ૩૮

પૂર્વછાયો

કથા અધિક કુંડળ તણી, વળી કહું સુણો વસુધેશ;

કુંડળનો મહિમા વધ્યો, જેથી જગત માંહિ વિશેષ. ૧

શાર્દૂલવિક્રીડિત

જેવું કુંડળ શોભિતું સરસ છે શ્રીકૃષ્ણના કાનમાં,

તેવું કુંડળ નામ ગામ ગણિને ધારે મુની ધ્યાનમાં;

જ્યાં લીલા કરિ છે ઘણી જગદિશે વાસો વિશેષે વશી,

તેની આગળ તીર્થ પુષ્કર તથા કાશીનિ કીર્તી કશી. ૨

વારંવાર વિહાર તત્ર કરિને સર્વત્ર શ્રીજી ફર્યા,

ગંગા તુલ્ય ઉતાવળી નદિતટે જૈ ઠામઠામે ઠર્યા;

સાધ્યો જોગ સધાવિયો મુનિ કને અષ્ટાંગ એ તો સહી,

તેની તુલ્ય ન નર્મદા મહિ નહીં કાલિંદિ કૃષ્ણા નહીં. ૩

કુંડળ ગામના મહિમાની ગરબી

પદ-૧

(‘સખી ગોકુળ ગામના ચોકમાં રે’ એ રાગ)

સુણો સુણો સકળ સતસંગીયો રે,

જાણો તે તો છે જાણવા જોગ; કાંઈ લીલા શ્રીકુંડળની કહું રે.

જ્યાંની જાત્રા કર્યાથી જનજાતના રે,

   મટે જનમમરણ મહારોગ... કાંઈ લીલા꠶ ૪

તહાં રહિને રામાનંદસ્વામીયે રે,

   દીધી દૈવી જનોને ઉપદેશ... કાંઈ લીલા꠶

વળી શ્રીસહજાનંદ સ્વામીયે રે,

   વારે વારે કર્યો વાસ વિશેષ... કાંઈ લીલા꠶ ૫

રસકસના નિયમ અતિ આકરા રે,

   હતા સૌ મુનિજનને જેહ... કાંઈ લીલા꠶

કૃપાનાથ ઘણી કરુણા કરી રે,

   વ્રત ત્યાં તો તજાવિયું તેહ... કાંઈ લીલા꠶ ૬

જગદીશે જટા ધરી જે હતી રે,

   હતો રાખ્યો વિશેષ વૈરાગ... કાંઈ લીલા꠶

કંઠે પારો રાખેલો રુદ્રાક્ષનો રે,

   ત્યાં જ કિધો તે વેશનો ત્યાગ... કાંઈ લીલા꠶ ૭

સંત સર્વેને પણ એ જ રીતથી રે,

   કંઠી તિલક રખાવ્યાં તે કાળ... કાંઈ લીલા꠶

રીઝ્યા રીઝ્યા રુડાં રાઈ બાઈને રે,

   વાલો વિશ્વવિહારીલાલ... કાંઈ લીલા꠶ ૮

પદ-૨

ધન્ય ધન્ય તેહ ગામના જનને રે,

ઘનશ્યામ વિચર્યા ઘેરઘેર, ગુણ ગાઇયે શ્રીકુંડળ ગામના રે.

પ્રભુ જ્યારે જ્યારે ત્યાં પધારિયા રે,

   સૌએ સેવા સજી શુભ પર... ગુણ ગાઇયે꠶ ૯

પ્રેમી મામૈયો પટગર ત્યાં વસે રે,

   વનમાળી વસ્યા તેને વાસ... ગુણ ગાઇયે꠶

ત્યાં તો સર્વે પ્રસાદિની રજ છે રે,

   જેવું વૈકુંઠધામ વિલાસ... ગુણ ગાઇયે꠶ ૧૦

સંઘ સોરઠમાં જાત્રા જે કરે રે,

   તે તો કુંડળમાં જાય જરૂર... ગુણ ગાઇયે꠶

લીલા પૂછી પુછીને ત્યાંની સાંભળે રે,

   તેના દોષ જાય નાસીને દૂર... ગુણ ગાઇયે꠶ ૧૧

શ્યામે સંતોને જોગ સધાવિયો રે,

   તે તો જૈને ઉતાવળીને તીર... ગુણ ગાઇયે꠶

સખા સાથે ત્યાં જળક્રીડા કરી રે,

   મુનિનાથ વખાણિયું નીર... ગુણ ગાઇયે꠶ ૧૨

ન્હાય મહાત્મ્ય જાણી આ નીરમાં રે,

   તેને નડે નહીં જમજાળ... ગુણ ગાઇયે꠶

બહુનામી સ્વામી એમ બોલિયા રે,

   વાલો વિશ્વવિહારીલાલ... ગુણ ગાઇયે꠶ ૧૩

ચોપાઈ

પછી ત્યાંથી ગયા ભગવાન, કારિયાણીએ કરુણાનિધાન;

વસ્તા ખાચરનો દરબાર, રહ્યા રાત જગતકરતાર. ૧૪

બીજે દિવસ હુતાશની આવી, રહ્યા તે દિન ગઢડે સિધાવી;

જીવા ખાચર કેરી રસોઈ, લીધી ભાવ ભલો તેનો જોઈ. ૧૫

કર્યો વળતે દિવસ ફુલદોલ, કરે હરિજન સંત કલ્લોલ;

દાદા ખાચરનો દરબાર, બાંધ્યો હીંડોળો શોભિત સાર. ૧૬

હેતે સંતોએ હરિને ઝુલાવ્યા, પછી રંગના ખેલ રચાવ્યા;

ગાય હરિજન ત્યાં હોરી રાગ, વાજાં અદભુત વાગે અથાગ. ૧૭

ઉપજાતિ (સંબંધાતિશયોક્તિ અલંકાર)

હોરી રમે શ્રીહરિ સંત સંગે, અનેક લોકો નિરખે ઉમંગે;

ગુલાલની જ્યાં ગરદી1 થઈ જે, ઊડી રવીમંડળમાં ગઈ તે. ૧૮

ત્યાં રંગની પૂર્ણ પ્રવાહ ચાલ્યો, ઘેલા નદીમાં મળતો નિહાળ્યો;

આ રક્ત રંગે જળઓઘ જાણો, સમુદ્રમાં તેહ જઈ સમાણો. ૧૯

પછી પ્રભુજી અસવાર થૈને, નાયા નદીમાં સહુ સંગ જૈને;

પેઠા પુરીમાં પ્રભુ નિર્વિનાશ, બેઠા જઈ ઉનડને નિવાસ. ૨૦

તે ભૂપતિયે દિધિ ત્યાં રસોઈ, જમ્યા હરિ ને મુનિ ભાવ જોઈ;

જનો ઘણા દર્શન કાજ આવ્યા, વિજ્ઞાન વાતે સહુને રિઝાવ્યા. ૨૧

તે સંઘ સોતા પ્રભુ પદ્મપાણિ,2 ગયા બિજે વાસર કારિયાણી;

ત્યાંથી જઈ કુંડળમાં કૃપેશ, દીધી રજા સંઘ જવા સ્વદેશ. ૨૨

ચોપાઈ

રામદાસ કરે ભલી વાત, તેને મોકલીયા ગુજરાત;

સંત માનુભાવાનંદ સ્વામી, ગુજરાત ગયા નિષકામી. ૨૩

મુનિનાં બીજાં મંડળ જેહ, દેશ દેશમાં મોકલ્યાં તેહ;

વસ્યા ગઢપુર જૈ પછી વાલો, ગાળ્યો ત્યાં રહી આખો ઉનાળો. ૨૪

મુનિ માનુભાવાનંદ આવ્યા, ગુજરાતથી કેરીયો લાવ્યા;

જમે ભાવ સહિત ભગવંત, જમે શ્રીજીની આજ્ઞાથી સંત. ૨૫

મળી શ્રીપુરના સહુ દાસે, પત્ર મોકલ્યો શ્રીહરિ પાસે;

આંહીં કેરીયો પાકી અત્યંત, પણ જમતા નથી તેહ સંત. ૨૬

આજ્ઞા આપની આવશે જ્યારે, જમશે સંત કેરીયો ત્યારે;

પ્રભુએ એવો વાંચીને પત્ર, લખી મોકલ્યું સંતને તત્ર. ૨૭

હરિભક્ત આપે હેત ધારી, કેરી જમજો છે આજ્ઞા અમારી;

સંતે વાંચીયો પત્ર તે પ્રીતે, જમ્યા કેરીયો તે યોગ્ય રીતે. ૨૮

ઉપજાતિ (તપ વિષે)

સંતો કરે છે તપ તીવ્ર એવું, અંતે ચહે અક્ષરધામ લેવું;

રીઝાવવા શ્રીહરિને ચહે છે, સ્વદેહથી દુઃખ ઘણાં સહે છે. ૨૯

જેવું રખાવે વ્રત તેહ રાખે, નહીં પળે એવિ ગિરા3 ન ભાખે;

આજ્ઞા થકી અંગ કરે જ ચૂરા, સંગ્રામમાં જેમ મરાય શૂરા. ૩૦

ત્યાગિ થશે જેહ વિરાગહીન,4 રહે રસાસ્વાદ વિષે જ લીન;

ખાવાનું ખૂણે જઈ છાનું ખાય, તેનાથિ તે શું નિયમો પળાય. ૩૧

શાલિની

સંતાઈને નારિને જે નિહાળે, સંતાઈને ખાય કોઈ કાળે;

સંતાઈને શિષ્ય મર્તાં રુવે છે, તે તો સર્વે શ્રીહરિ તો જુવે છે. ૩૨

ઉપજાતિ

સંસારના દુઃખથિ સાધુ થાય, પૂરેપૂરો ધર્મ નહીં પળાય;

જાણે જતી થૈ મનમાન્યું ખાશું, અંતે મરી અક્ષરધામ જાશું. ૩૩

એવું નથી અક્ષરધામ સોંઘું, મહાતપે તે મળવાનું મોંઘું;

સંતો હતા અક્ષરવાસિ સિદ્ધ, પ્રભુ રિઝાવા તપ તીવ્ર કીધ. ૩૪

દેહાભિમાની પ્રભુધામ પામે, બને નહીં તે કદિ બેય કામે;

ચુસે મુખે શેલડિ અન્ન ખાય, તો બેયનો સ્વાદ જરૂર જાય. ૩૫

જે દેહનું પોષણ પૂર્ણ ઇચ્છે, પ્રભુનિ આજ્ઞા નહિ કાંઈ પ્રીછે;

ભલે લિધો હોય વિરાગિ વેશ, તથાપિ તેને નહિ લાભ લેશ. ૩૬

જમી રમીને જતિ થાય જાડો, પખાલિનો જેમ પળાય પાડો;

સજે નહિ તે ગુરુદેવ સેવા, તૈયાર તે અક્ષરધામ લેવા. ૩૭

વર્ણી કહે સાંભળ ભૂપભ્રાત, પ્રસંગ પામી કહિ એહ વાત;

શ્રીજી તણા આશ્રિત સંત જે છે, ત્યાગી ભલા તીવ્ર તપસ્વિ તે છે. ૩૮

ચોપાઈ

રહે ગઢપુરમાં ગિરધારી, કરે દર્શન સૌ નરનારી;

રથજાત્રા તણો દિન આવ્યો, તેનો ઉત્સવ સરસ કરાવ્યો. ૩૯

જાણે રથમાં બેઠા હરિરાય, એવાં સર્વને દર્શન થાય;

જેવું અક્ષરધામ પ્રકાશે, એવો અક્ષરઓરડો ભાસે. ૪૦

થાય કોઈને જોઈ સમાધી, ટળે તેની તો સર્વ ઉપાધી;

જેવા અક્ષરધામના વાસી, એવા પેખે પ્રગટ અવિનાશી. ૪૧

તેમાં ભાસે નહીં કાંઈ ભેદ, ગુણ ગાય જેના ચાર વેદ;

વસે જ્યાં મુનિ ને મુનિરાય, ત્યાં જ અક્ષરધામ જણાય. ૪૨

સતસંગીયો લે એવું સુખ, પણ જાણે ન જન જે વિમુખ;

સતસંગીની પદરજ લૈને, શિવ બ્રહ્મા ધરે શીશ જૈને. ૪૩

ચંદ્રબિંબને જળજંતુ જેમ, જાણે પોતા જેવો પ્રાણી તેમ;

સતસંગીને એ જ પ્રમાણે, જીવ માયાના નિજ તુલ્ય જાણે. ૪૪

કૃષ્ણજન્મ તણો દિન આવ્યો, ત્યારે ઉત્સવ સરસ કરાવ્યો;

હરિજન બહુ દર્શને આવ્યા, સમૈયો કરી ઘેર સિધાવ્યા. ૪૫

વળી એક સમે કૃપાનાથ, લૈને સંતના મંડળ સાથ;

ગઢપુરથી પ્રભુ પરવરિયા, બહુ સોરઠ દેશમાં ફરિયા. ૪૬

ફરતાં ફરતાં તેહ કાળે, ગયા ગિરધર ગામ પંચાળે;

ઝીણાભાઈના દરબારમાંય, થોડા દિવસ રહ્યા હરિ ત્યાંય. ૪૭

ગયા માણાવદર મહારાજ, દૈવી જીવનું કરવાને કાજ;

ત્યાંના ભૂપે કર્યું સનમાન, રાખ્યા ભાવ કરી ભગવાન. ૪૮

જાળિયે ગામ જીવન ગયા, ત્યાંના દાસ ઉપર કરી દયા;

ઉતર્યા હીરાભાઈને ઘેર, તેણે સેવા સજી સારી પેર. ૪૯

હીરા ઠક્કરને કહે હરી, મુજ અંગે કસર છે ખરી;

માટે આ ગામમાં એક માસ, કરવો છે અમારે નિવાસ. ૫૦

માટે એકાંતનું ઘર ક્યાંઈ, તમે ગોતી જુઓ ગામમાંઈ;

ભક્ત પોતા તણું ઘર જેહ, ઉત્તરાભિમુખ હતું તેહ. ૫૧

વળી વાડો હતો તેની પાસે, આપ્યું તે ઘર વસવાને વાસે;

આપ્યો ઢોલિયો આપી તળાઈ,5 બીજો સામાન પણ સુખદાઈ. ૫૨

માવે માનુષી ચેષ્ટા તે કીધી, અંગે જ્વરની6 દશા ધરી લીધી;

ભગુજી નાજો જોગીયો જાણ, ત્રીજા વર્ણી મુકુંદ પ્રમાણ. ૫૩

સજે શ્રીજીની સેવા તે સારી, ઘણાં જોવા આવે નરનારી;

કૃપાનાથને જોવાને કાજ, આવ્યા દૂરથી સંતસમાજ. ૫૪

જનમન તણા સંકલ્પ જેહ, કેવા માંડ્યા કૃપાનાથે તેહ;

કહે મુક્તમુની જોડી હાથ, કહેશો મનના ઘાટ નાથ. ૫૫

થાય તે જનનો ઉપહાસ,7 ત્યારે કોણ આવે તમ પાસ?

મન મર્કટ તુલ્ય ગણાય, એની વાત ઉઘાડી ન થાય. ૫૬

સુણી શ્રીજીએ લીધું વિચારી, ઘાટ કહેવાની વાત વિસારી;

બાઇયો હરિભક્ત કહાવે, રસોઈનો તે સામાન લાવે. ૫૭

સાંગા બાબરિયા તણી નારી, નામ રતન જેની મતિ સારી;

હીરાભક્તની સ્ત્રી કલુબાઈ, તે તો પરમ પવિત્ર ગણાઈ. ૫૮

નારી કાંથડ બાબરિયાની, નામે કુંવર્યબાઈ તે જ્ઞાની;

નગા બાબરિયાની સુધરમા, જાણો નામ જેનું બાઈ પરમા. ૫૯

બાઇ સોની જેનું નામ પ્રેમ, ગલુબાઈ તે સુતાર તેમ;

એહ આદિક બાઇયો આવે, જે જે જોઈએ તે ચીજ લાવે. ૬૦

અન્ન તો ન જમે અવિનાશ, અગિયાર કર્યા ઉપવાસ;

નવ ઉઠાય ને ન ચલાય, નાવા ઉપાડીને લઈ જાય. ૬૧

કાળના કાળ જે કહેવાય, એવી લીલા કરે હરિરાય;

જનમન કેવો નિશ્ચે રહે છે, એવી લીલા મિષે જોઈ લે છે. ૬૨

પુષ્પિતાગ્રાવૃત્ત

અસુરહૃદય મોહ ઊપજાવા, નિજજનને મન પ્રીતિ પૂર્ણ થાવા;

વિધવિધ કૃતિનાં કરે ચરિત્ર, શ્રુતિ સુણતાં જન થાય છે પવિત્ર. ૬૩

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિજાળિયાગ્રામે-સ્વદેહેજ્વરધારણનામ અષ્ટત્રિંશો વિશ્રામઃ ॥૩૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે