કળશ ૭

વિશ્રામ ૪૦

પૂર્વછાયો

ગોવિંદજી ગઢપુર ગયા, કરિયાણાથી કરુણાનાથ;

દયાળુનાં દર્શન કરી, હૈયે હરખ્યો હરિજન સાથ. ૧

દર્શન કરવા આવીયા, એવે અવસરે ભાઈ રામદાસ;

મુક્તાનંદ મંડળ લઈ, આવ્યા ત્યાં પરમેશ્વર પાસ. ૨

ચોપાઈ

દીનબંધુનું દર્શન કીધું, રૂપ અંતરમાં ધરી લીધું;

શ્રીજીને નિરખી સુખ થાય, તે તો જીભે વરણવ્યું ન જાય. ૩

એવા માંહિ અભય નૃપ જેહ, તજ્યો તેણે તો ભૌતિક દેહ;

છાયાં આકાશે દેવવિમાન, ગાય ગાંધર્વ હરિગુણ ગાન. ૪

વાજે દેવનાં વાજાં અપાર, થાય જય જયકાર ઉચ્ચાર;

ગયા એમ તે અક્ષરધામ, થયું તેનું તો ઇચ્છિત કામ. ૫

પછી તેની દેહોત્તર વીધી, દાદા ખાચરે તે બધી કીધી;

હતું ઘી રુપૈયે સવાશેર, તોય પકવાન કીધાં સુપેર. ૬

જમ્યા કાઠીનું જે ધરે નામ, જમ્યા જાચક લોક તમામ;

જમ્યા શ્રીજી તથા જમ્યા સંત, તોય અન્નનો આવ્યો ન અંત. ૭

ભૂપપત્ની સતી સુરબાઈ, મહામુક્ત દીસે બહુ ડાઈ;

બોલ્યાં શ્રીહરિ પાસ વચન, મેં તો અર્પ્યાં છે તન મન ધન. ૮

માટે રાજ્ય આ આપ સંભાળો, પુત્ર ઉત્તમને તમે પાળો;

તેની રાખજો બહુ બરદાસ, તેને જાણીને દાસનો દાસ. ૯

કહે શ્રીજી સારું સર્વ થાશે, કીર્તિમાન આ કુંવર ગણાશે;

પછી પ્રભુએ વિચારીને ઉરમાં, સંત મોકલ્યા જેતલપુરમાં. ૧૦

નિત્યાનંદ માનુભાવાનંદ, ગયા ત્યાં સંતનાં લઈ વૃંદ;

મુક્તાનંદને તો ચરોતરમાં, મોકલ્યા વળી એ અવસરમાં. ૧૧

ભૂ૫ મછિયાવના દાજીભાઈ, તેના પંડમાં પીડા જણાઈ;

માટે સંત સકળને તેડાવ્યા, તેથી મછિયાવમાં સહુ આવ્યા. ૧૨

આપે ભોજન નૃપ ભાત ભાત, વળી સાંભળે જ્ઞાનની વાત;

એને અંત સમય થયો જ્યારે, થયાં શ્રીજીનાં દર્શન ત્યારે. ૧૩

શાર્દૂલવિક્રીડિત

આવે અંત સમો સુભક્ત જનને સંતો સમીપે રહે,

કોઈ કીર્તન ગાય થાય સુમતી વાર્તા પ્રભુની કહે;

પ્રીતી દેહ સુગેહ માંહિ ન રહે વૃત્તી પ્રભુમાં ઠરે,

એવાનું અતિ ધન્ય ધન્ય મરવું સદ્ધામમાં સંચરે. ૧૪

આવે અંત સમે ઉદાસ કરવા સ્વાર્થી સગાં સૌ મળી,

પાડે આંસુ સમીપ આવિ પતની સંતાન સાથે વળી;

તે દેખી તનવાસના અતિ વધે ક્યાં કષ્ટનો પાર છે,

એવું અંત સમે મુંઝાઈ મરવું ધિક્કાર ધિક્કાર છે. ૧૫

ચોપાઈ

દાજીભાઈ સિધાવ્યા સુધામ, ઘણા લોકે દીઠા તેહ ઠામ;

દીઠાં આવેલાં દિવ્ય વિમાન, ભાળ્યા આવેલા શ્રીભગવાન. ૧૬

ભૂપના બાપુભાઈ કુમાર, દેહોત્તર ક્રિયા કીધી તે ઠાર;

હતી તો અતિશે મોંઘવારી, તોય દિલમાં ઉદારતા ધારી. ૧૭

પડાવ્યાં વિધ વિધ પકવાન, આપ્યું સર્વને ભોજન પાન;

સંતોને પણ દીધી રસોઈ, જમ્યા વગર રહ્યું નહિ કોઈ. ૧૮

પછી શ્રીજીનાં દર્શન કાજ, ગઢપુર ગયો સંતસમાજ;

નિત્ય શ્રીપરમેશ્વર પાસ, જ્ઞાનવાર્તાનો થાય વિલાસ. ૧૯

એક અવસરે દરબારમાંય, બેઠા શ્યામ સભા ભરી ત્યાંય;

ઘણા બેઠા ગૃહસ્થ ને સંત, તેમાં શોભે ભલા ભગવંત. ૨૦

તે સમે શ્રીમુખે સાક્ષાત, કહી નારીના ગુણ તણી વાત;

ગૃહસ્થાશ્રમી સાંભળો દાસ, તજો સ્ત્રીનો વિશેષ વિશ્વાસ. ૨૧

ઉપજાતિ (સ્ત્રીના સ્વભાવ વિષે)

જો ધર્મવાળી બહુ ડાહિ હોય, સ્વભાવથી ભામિની ભોળિ તોય;

તેણે કહ્યું તેમ જ કામ કીધું, તે પુરુષોએ બહુ દુઃખ લીધું. ૨૨

ભલે પતિના કદિ પ્રાણ જાય, ભોળિ વિચારે નહિ ચિત્તમાંય;

કૈકેયિ કાજે તજિ પુત્ર જાણ,1 ખોયા અયોધ્યાપતિ આપ પ્રાણ. ૨૩

ઘણી લિધો હઠ્ઠ સિતા સતીએ, માર્યો જઈને મૃગલો પતિએ;

કેવું પડ્યું કષ્ટ જુઓ વિચારી, ન કીજિએ જેમ કહે જ નારી. ૨૪

ક્યારેક તો કારણ લૈ લગાર, કંકાસ તો નારી કરે અપાર;

જો ફૂલડાં કારણ સત્યભામા, કહ્યા કુશબ્દો નિજ કંથ સામા. ૨૫

નારી નદી ભાગિરથી સમાન, સદૈવ વાંકી વિચરે નિદાન;

પ્રવાહમાં પર્વત ઝાડ આવે, તો મૂળ તોડી સ્થળ તે તજાવે. ૨૬

સુપત્નિ કે હોય સુજાણ માતા, જો હોય તે સારી સલાહ દાતા;

તથાપિ તે કામ વિચારિ કીજે, તેના કહ્યાથી જ નહીં કરીજે. ૨૭

સ્ત્રીને ઘણું માન કદી ન દીજે, પાત્ર પ્રમાણે સનમાન કીજે;

પાશેરનું પાત્ર કદી જણાય, તે માંહિ વસ્તૂ મણ કેમ માય. ૨૮

ભોળી સ્ત્રિયો તે ઠગથી ઠગાય, ભૂતાદિના તે ભ્રમમાં ભમાય;

મોટો મહિમા પ્રભુનો ન જાણે, ધૂર્તો વિષે સત્ય પ્રતીત આણે. ૨૯

જે રાખવી હોય જ છાનિ વાત, તે નારિ પાસે કરશો ન ભ્રાત;

જો ગુપ્ત ફુંકે શરણાઈ કોય, પ્રસિદ્ધ આખા પુર માંહિ હોય. ૩૦

બલિષ્ઠ તો જ્યાં અબળા જણાય, મંત્રી ભણેલો નહિ બાળ રાય;

ત્યાં દ્રવ્યની પ્રાપ્તિ તણી શી આશા, જહાં દિસે દુર્લભ જીવિતાશા. ૩૧

પાષાણની ચિત્રનિ નારિ હોય, ત્યાગી ન તેને નિરખે જ તોય;

સ્પર્શા થકી ત્યાગ વિનાશ થાય, ત્યાગી જનો દૂર રહો સદાય. ૩૨

ચોપાઈ

સુણી બોલિયા વ્યાપકાનંદ, સુણો શ્રીહરિ વૃષકુળચંદ;

ચિત્રની કે પાષાણની નારી, એ તો નિર્જીવ શું કરનારી. ૩૩

એને જોતાં કે સ્પર્શતાં એમ, બ્રહ્મચર્ય ભાંગે કહો કેમ;

સુણી બોલ્યા શ્રીજીમહારાજ, એનો ઉત્તર નહિ દૈયે આજ. ૩૪

હમણાં તો તમે જાઓ ફરવા, દૈવી જીવને ઉપદેશ કરવા;

વ્યાપકાનંદ ત્યાંથી સિધાવ્યા, ફરતાં થાનગઢ પાસે આવ્યા. ૩૫

ત્યાં છે વાસંગી નાગનું ધામ, રાત વાસો રહ્યા તેહ ઠામ;

હતી ઘૂમટમાં ચિતરેલી, ઘણી પૂતળિયો અલબેલી. ૩૬

વ્યાપકાનંદે જોઈ નિહાળી, ભૂલ્યા ભાન એનું રૂપ ભાળી;

સર્વ હોય સજીવન જેમ, નાચવા લાગી તે સમે તેમ. ૩૭

વ્યાપકાનંદ તો અકળાયા, જાણી ચિત્રની સ્ત્રી પણ માયા;

પછી શ્રીહરિનું ધરી ધ્યાન, કરી પ્રાથના તેહ સ્થાન. ૩૮

ત્યારે ચિત્ર તે ચિત્ર જ થયાં, તેની દૃષ્ટિ થકી દૂર ગયાં;

ફરી આવિયા ગઢપુર જ્યારે, લાગ્યા શ્રીહરિને પગે ત્યારે. ૩૯

બોલ્યા ગદગદ કંઠેથી વાણી, આપની વાત મેં સત્ય જાણી;

ચિત્રમાં પણ ચિત્રેલી નારી, ત્યાગીને તો વિઘન કરનારી. ૪૦

કહે વર્ણિ સુણ મહીપાળ, રહ્યા ગઢપુર માંહિ કૃપાળ;

પંચમી ત્યાં વસંતની આવી, હરિભક્ત તણે મન ભાવી. ૪૧

દેશદેશના હરિજન આવ્યા, ભેટ નાના પ્રકારની લાવ્યા;

અતિ હરખથી ઉત્સવ કર્યો, પછી સંઘ સ્વદેશ વિચર્યો. ૪૨

કહે સંતોને શ્રીવૃષલાલ, ફૂલદોલ થશે વરતાલ;

માટે આગળથી જાઓ તમે, પછી પાછળ આવશું અમે. ૪૩

ત્યારે સંત સરવ તો સિધાવ્યા, જ્યારે ઉત્સવના દિન આવ્યા;

કરી હરિએ જવાની તૈયારી, પણ રાખ્યા ઉત્તમનૃપે વારી. ૪૪

અસાધારણ ભૂપનો પ્રેમ, એનું થાય ઉલ્લંઘન કેમ;

કર્યો દુર્ગપુરે ફૂલદોલ, સૌને આનંદ ઉપજ્યો અતોલ. ૪૫

પછિ પરવરિયા જનપાલ, વદી છઠ્યે આવ્યા વરતાલ;

પગી જોબનની મેડી જ્યાંય, ઉતર્યા જગજીવન ત્યાંય. ૪૬

દેશદેશથી આવિયા દાસ, એકે ખાલી રહ્યો નહિ વાસ;

ભાત ભાતના રંગ રચાવી, રંગસાતમે ધૂમ મચાવી. ૪૭

પગી જોબનની બારીમાંય, બહુનામી બિરાજીને ત્યાંય;

રંગે ખેલ કર્યો સખા સંગે, પછી નાવાને ચાલ્યા ઉમંગે. ૪૮

પગી સુંદરનો કુવો જ્યાંય, વિચર્યા વૃષનંદન ત્યાંય;

નાહ્યા થાળામાં બેસીને નાથ, ગાય કીર્તન મુનિજન સાથ. ૪૯

કૃપાનાથે કોરાં વસ્ત્ર ધાર્યાં, રંગવાળાં થાળામાં ઉતાર્યાં;

હરિભક્તોએ થાળાનું પાણી, નાખ્યું કૂપમાં પ્રસાદી જાણી. ૫૦

પછી આવિયા શ્યામ ઉતારે, જમ્યા સંત જમ્યા હરિ જ્યારે;

કહે વર્ણિ સુણો રૂડા રાય, જ્ઞાનબાગ જે આ કહેવાય. ૫૧

આંહિ રાયણથી પૂર્વ ભાગે, હતો આંબો જોતાં ભલો લાગે;

બાંધ્યો હિંડોળો ત્યાં મળી સંતે, અંગિકાર કર્યો ભગવંતે. ૫૨

ઝૂલ્યા તેમાં બેસી ભગવાન, કર્યું સંતે વાજિંત્રમાં ગાન;

એમ ઉત્સવ પૂરણ કીધો, સંતે લાવ અલૌકિક લીધો. ૫૩

પછી સંતોને મોકલ્યા ફરવા, દેશદેશમાં ઉપદેશ કરવા;

મુક્તાનંદાદિ શ્રેષ્ઠ મુરત,2 મોકલી ધર્મપુર સુરત. ૫૪

બામણોલી ને નરસંડા ગામ, તહાં જૈ આવ્યા સુંદરશ્યામ;

વરતાલથી વાલો વિચરિયા, ગઢપુર જઈને સ્થિર ઠરિયા. ૫૫

હરિનવમી તણો દિન આવ્યો, ત્યારે ઉત્સવ સારો કરાવ્યો;

પછી અક્ષયતૃતીયા આવી, તે તો ભક્તોએ સારી બજાવી. ૫૬

દેશદેશથી આવિયા દાસ, સર્વ સંત આવ્યા પ્રભુ પાસ;

સમૈયો તે થયો ઘણો સારો, નહીં કોઈને વીસરનારો. ૫૭

ચરોતરના હતા હરિજન, થયા કાઠિયો જોઈ પ્રસન્ન;

દાદા ખાચર ખાચર જીવા, મળ્યા મોટા મોટા કુળદીવા. ૫૮

કર્યો સૌએ વિચાર ત્યાં એવો, આપણા દેશનો કાંઈ મેવો;

ગુજરાતી જનોને અપાય, વસ્તુ આપણી તે વખણાય. ૫૯

પછી ચોખામું3 દહીં મેળવાવ્યું, ઘણી જુક્તિથી સારું જમાવ્યું;

જેનાં ચોસલાં છરિયે કપાય, એને બરફીની ઉપમા અપાય. ૬૦

દૂધ ભેંસોનું પણ બહુ સારું, કાઠિયાવાડમાં જ થનારું;

વળી ઘી પણ ભેસનું એવું, વસ્ત્ર માંહિ લેવાય જો લેવું. ૬૧

ગોળ સોનાનું ઢીમ4 ગણાય, કાઠીયાવાડમાં એવો થાય;

લઈને સારો રસકસ એવો, કહ્યું લ્યો કાઠિયાવાડી મેવો. ૬૨

ગુજરાતના ભક્તોને દીધો, ભાવ ભાળીને ભક્તોએ લીધો;

સર્વ વસ્તુનાં કીધાં વખાણ, કહ્યું આ તો અમૂલ્ય પ્રમાણ. ૬૩

ગુજરાતિએ કીધો વિચાર, કેરી ટાણું આવ્યું નિરધાર;

માટે કાઠીયો શ્રીહરિ સંગે, ગુજરાતમાં આવે ઉમંગે. ૬૪

કેરિયો તો જમાડિયે ટાણે, ગુજરાતનો મેવો વખાણે;

પછી તે ગુજરાતના જન, બોલ્યા શ્રીહરિ પાસ વચન. ૬૫

અહો નાથ કૃપાના નિધાન, ભક્તિપુત્ર સુણો ભગવાન;

સારા કાઠિયોને લઈ સાથ, વરતાલ ચાલો મુનિનાથ. ૬૬

કેરી ટાણું આવે છે કૃપાળ, જમો કેરીયો આવી રસાળ;

સતસંગી સગા એ જ સાચા, બીજા સ્વારથિયા સગા કાચા. ૬૭

આવે સાચા સગા ઘેર જ્યારે, અમે આનંદ પામિયે ત્યારે;

ગુજરાતમાં કેરિયો થાય, તે તો અમૃત તુલ્ય ગણાય. ૬૮

જમો તમે ને દાસ તમારા, થાય સાર્થક આંબા અમારા;

ચાલો કેરિ જમાડિયે સારી, કરો પૂર્ણ તે ઇચ્છા અમારી. ૬૯

સુણી બોલિયા શ્રીમહારાજ, જાઓ આવશું લૈને સમાજ;

કહી એમ વિદાય તે કર્યા, પ્રભુ તે પછીથી પરવર્યા. ૭૦

દાદો જીવો ને ખાચર સૂરો, સોમલો વસતો પ્રેમી પૂરો;

દેહો ખાચર ને નાગમાલો, અલૈયો પ્રભુને અતિ વાલો. ૭૧

મોકો ખાચર મુળુ હમીર, વળી માણશિયો શૂરવીર;

જીવો ખાચર સારંગપુરના, એ તો દાસ હરિની હજુરના. ૭૨

ભક્ત મામૈયો પટગર જેવા, રામ પટગર તે પણ તેવા;

ભક્ત માતરો ધાધલ નામ, જેનું મન હરિમાં આઠે જામ. ૭૩

એહ આદિક કાઠીનો સાથ, સાથે લૈને ચાલ્યા મુનિનાથ;

સાથે ગરાશિયા હઠીભાઈ, ઝીણાભાઈ તથા કાકાભાઈ. ૭૪

ગઢપુરના બીજા હરિજન, સાથે લીધા જેનું દીઠું મન;

લીધા પાર્ષદ ને લીધા સંત, ચાલ્યા ગઢપુરથી ભગવંત. ૭૫

ઉમરેઠના સત્સંગી તણી, તેડાવાની હતી તાણ ઘણી;

માટે પાંશરો પંથ તપાસી, ઉમરેઠ ગયા અવિનાશી. ૭૬

સામા આવિયા હરિજન સર્વ, જેવું દિસે દિવાળીનું પર્વ;

એ થકી પણ હર્ષ અતિશે, પ્રભુદર્શનથી દિલે દિસે. ૭૭

પ્રભુને કર્યા દંડપ્રણામ, નાથે બોલાવિયા લઈ નામ;

સર્વ સંતને લાગિયા પાય, ભેટી કાઠીયોને હરખાય. ૭૮

ભલે આવ્યા તમે એમ કહે, ચિત્ત માંહિ પરસ્પર ચહે;

વાજતે ગાજતે ગામમાંય, પધરાવ્યા મહાપ્રભુ ત્યાંય. ૭૯

જાગનાથમાં આપ્યો ઉતારો, જોતાં સર્વને લાગ્યો તે સારો;

ખાનપાન અને ચંદી ઘાસ, આખી કીધી બહુ બરદાસ. ૮૦

થાય કૃષ્ણકથાનો કલ્લોલ, છુટે જ્ઞાન વૈરાગ્યની છોળ;

સુણી શ્રોતાના સંશય જાય, દૈવી જન આવી આશ્રિત થાય. ૮૧

પુષ્પિતાગ્રાવૃત્ત

સુણિ હરિમુખની સુમિષ્ટ વાણી, અમૃત સમાન ગણે સુપાત્ર જાણી;

ખળજન મનમાંહિ ઝાળ લાગે, ભર વનમાંહિ દવાગ્નિ જેમ જાગે. ૮૨

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિદુર્ગપુરાત્-ઉમરેઠવિચરણનામ ચત્વારિંશો વિશ્રામઃ ॥૪૦॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે