વિશ્રામ ૪૧
પૂર્વછાયો
અવિનાશી ઉમરેઠમાં, રહી લીલા કરે રૂડી રીત;
જે જોઈને ઉર ઉપજે, અતિ પ્રેમી જનને પ્રીત. ૧
ચોપાઈ
નંદુભાઈએ પોતાને ઘેર, પરમેશ્વરને રુડી પેર;
તેડ્યા જમવાને સંઘ સહિત, મનમાં ધરી પૂરણ પ્રીત. ૨
કેરિયો અતિ ઉત્તમ લાવ્યા, રસ લૂગડે ગાળી કઢાવ્યા;
ઘૃત સાકર ભેળવ્યાં તેમાં, રાખી કાંઈ કસર નહિ એમાં. ૩
પડસૂલીની1 પોળી2 કરાવી, ભલા વાસણમાં તે ભરાવી;
કર્યાં કારેલાં આદિક શાક, ભજિયાં રાઈતાં તે અથાક. ૪
વડાં પાપડ મઠિયાં તળાવ્યાં, અથાણાં તો અનેક રખાવ્યાં;
ગોટલા ધોઈ કીધો ફજેતો, કઢી થઈ અતિ સ્વાદિષ્ટ એ તો. ૫
તજ સુંઠ ઇલાયચી વાળો, નાંખ્યો ઉત્તમ એમાં મસાલો;
પછી જીવન જમવાને આવ્યા, પાટલા ઉપરે પધરાવ્યા. ૬
નંદુભાઈએ ત્યાં ધર્યો થાળ, બેઠા જમવાને દીનદયાળ;
જમતાં ત્યાં તો પરસેવો થાય, નંદુભાઈ પંખે ઢોળે વાય. ૭
નિજ જન મનરંજન કાજ, વખાણે રસને મહારાજ;
જમીને મુખમંજન કીધું, પછી તાંબૂલ3 મુખ માંહિ લીધું. ૮
પછી જમવાને બેઠા તે સંત, બેઠા પાર્ષદ કાઠી ધીમંત;
પ્રભુ પીરસે છે ધરી પ્રેમ, કાંઈ ખામી રહે પછી કેમ. ૯
કાઠીયો પાસે મુકેલા પડિયા, જમતાં જાય તે રડવડિયા;
કાઠીયોને તે જમતાં ન ફાવે, તે તો તાંસળાં મોટાં મગાવે. ૧૦
રસિયા જમે છે રસ પોળી, ઘૃત સાકરમાં ઝબકોળી;
કોઈને ભજિયાં ભલાં ભાવે, કોઈ તો રસને જ શિરાવે.4 ૧૧
કોઈ તો મુખે તાંસળી માંડી, રસ ખુબ પીવે શર્મ છાંડી;
જમતાં રસને તે વખાણે, એનું નામ જ અમૃત જાણે. ૧૨
કોઈ તો પોળિયો બહુ જમે, કોઈને મઠીયાં મન ગમે;
ભાવે કોઈને તો કઢી ભાત, અથાણાથી કોઈ રળિયાત. ૧૩
બોલી કાઠીની બોલી જણાવે, હસે પોતે બીજાને હસાવે;
કોઈને રસ મુછે દેખાય, કોઈને છાંટા પડતા જણાય. ૧૪
શોભે ગોપનું મંડળ જેમ, કાઠીમંડળ શોભે છે તેમ;
પીરસે છે પ્રભુ કરી તાણ, કરે ઝાઝું જમે તો વખાણ. ૧૫
જમીને તેહ ઊઠિયા સહુ, ઉર આનંદ પામિયા બહુ;
નંદુભાઈની મેડીની બારી, જે છે પૂર્વમુખે ઘણી સારી. ૧૬
બેઠા આસને ત્યાં બળવંત, સામા બેઠા ગૃહસ્થ ને સંત;
નંદુભાઈએ પૂજન કીધું, પગ ધોઈ પાદોદક5 પીધું. ૧૭
ધર્યું ચંદન પુષ્પના હાર, વસ્ત્ર ભૂષણ અર્પ્યાં અપાર;
ધૂપ દીપ ને નૈવેદ્ય ધારી, આરતિ અતિ હેતે ઉતારી. ૧૮
પછી સંતનું પૂજન કરી, ચાદરો અંગે એહને ધરી;
કર્યા પ્રેમથી દંડપ્રણામ, રુદે રીઝીયા શ્રીઘનશ્યામ. ૧૯
કૃપાદૃષ્ટિ કરીને કૃપાળ, નંદુભાઈને કીધા નિહાલ;6
આવ્યા ઉતારે શ્રીમહારાજ, સાથે લૈને પોતાનો સમાજ. ૨૦
નરભેરામભાઈને ઘેર, બીજે દિવસે જમ્યા એવી પેર;
રસ રોટલી ત્યાં પણ હતી, રહ્યા પીરસવા મુનિપતી. ૨૧
તેની ખડકીના મેડા ઉપર, પછી પોઢી રહ્યા હરિવર;
ફળિયામાં છે છોબંધ7 ઓટો, બહુ બેસવા લાયક મોટો. ૨૨
સાંજે ત્યાં બિરાજ્યા ઘનશ્યામ, કરી આરતી ધુન્ય તે ઠામ;
પછી ઉતારે જૈ અવિનાશ, કર્યો રાત્રિએ ત્યાં જ નિવાસ. ૨૩
નિત્ય આનંદ ઉત્સવ થાય, તે ઉમંગ વરણવ્યો ન જાય;
હરિભક્ત પોતાનાં ભુવન, પ્રભુપદથી કરાવે પાવન. ૨૪
જેણે સેવિયા શ્રીઘનશ્યામ, કહું સાંભળો તેહનાં નામ;
મલ્લિકાર્જુન ને ગંગા દત્ત, વિષ્ણુ દત્ત જાણે પ્રભુ સત્ય. ૨૫
દવે મકનજી શુભ રાય, દવે ઈશ્વરજી કહેવાય;
દવે જગા માણેકજી નામ, ઘણી ભક્તિ કરે ઘેલારામ. ૨૬
શુક્લ લક્ષ્મી દત્તજી એવા, કૃપારામ દયારામ તેવા;
કૃપાશંકર શુક્લ છે સારા, હરિભાઈ પંડ્યા હરિપ્યારા. ૨૭
ભટ જેભાઈ ને લીલાધર, નંદલાલ ભજે હરિવર;
વિશ્વનાથ પંડ્યા કહેવાય, વજેરામજી વ્યાસ ગણાય. ૨૮
જેની ઠાકર છે અવટંક,8 ભક્ત કેશવજી છે નિઃશંક;
બીજા ઠાકર ગોવિંદરામ, દવે ભાઈશંકર શુભ નામ. ૨૯
નંદલાલ નામે જોશી જેહ, જજ્ઞે જેતલપુર હતા તેહ;
જજ્ઞે જેતલપુર ને ડભાણ, હતા દવે કુબેર સુજાણ. ૩૦
પ્રભાશંકર વિપ્ર પવિત્ર, કાશીરામની ભક્તિ વિચિત્ર;
તેના પુત્ર રુડા રણછોડ, કરે કૃષ્ણભજન ધરી કોડ. ૩૧
નથુભાઈ પ્રમુખ બહુ વિપ્ર, પ્રભુ આગળ આવિયા ક્ષિપ્ર;9
ભલા પટેલ તો વાલાભાઈ, ગંગામા ને અમૃતબાઈ. ૩૨
નાથબાઈ નામે બાઈ બેય, હરિભક્ત અનન્ય તે છેય;
ઘેલાભાઈની સ્ત્રી નાથબાઈ, એણે એક સમે હરખાઈ. ૩૩
ઉમરેઠથી કેરિયો લૈને, જમાડ્યા હરિ ગઢપુર જૈને;
એહ આદિક બાઈ ને ભાઈ, સૌએ સેવ્યા પ્રભુ સુખદાઈ. ૩૪
સુખ લીધું અલૌકિક એવું, ભવ બ્રહ્માને નવ મળે તેવું;
એવામાં કોઈ કૃષ્ણના દાસે, ગાયું કીર્તન શ્રીહરિ પાસે. ૩૫
કોઈ મોટાપુરુષ જે થયેલા, તેણે શબ્દ ભવિષ્ય કહેલા;
કળિમાં પ્રભુ અવતાર લેશે, તે તો કાંકરિએ ડેરા દેશે. ૩૬
જુનાગઢ માંહિ કરશે મુકામ, વળી વિચરશે ડાકોર ધામ;
એવું કીર્તન સાંભળ્યું શ્યામે, ત્યારે બોલ્યા પ્રભુ એહ ઠામે. ૩૭
હરિભક્તો ચાલો અમ સંગે, જૈએ ડાકોર ધામ ઉમંગે;
નંદુભાઈ તથા નંદરામ, મલ્લિકાર્જુન નરભેરામ. ૩૮
ઘેલાભાઈ આદિક હરિજન, સાથે લૈ ચાલ્યા જગજીવન;
થયા માણકીએ અસવાર, સાથે કાઠિયો પણ શસ્ત્રધાર. ૩૯
સારા શાસ્ત્રી પુરાણીયો સંત, બીજા સંત ને વર્ણિ અનંત;
ગયા ડાકોરે દીનદયાળ, જોયું દેવનું ધામ વિશાળ. ૪૦
નેણે નિરખિયા રણછોડરાય, પછી બેઠા તે મંડપમાંય;
આવ્યા સ્વામિનારાયણ જાણી, વિપ્ર આવિયા શાસ્ત્રી પુરાણી. ૪૧
મતવાદી આવ્યા વાદ કરવા, લાગ્યા પ્રશ્ન અનેક ઉચરવા;
કૃષ્ણ સર્વના ઉત્તર આપ્યા, શાસ્ત્ર આધારે સંશય કાપ્યા. ૪૨
પુછ્યા શ્રીહરિએ પ્રશ્ન જેહ, નવ દૈ શક્યા ઉત્તર તેહ;
હતા દૈવી તે આશ્રિત થયા, આસુરી જન એવા જ રહ્યા. ૪૩
જાણ્યા કોઈએ શ્રીઅવિનાશ, કર્યો કોઈએ તો ઉપહાસ;
વિદવાનોને દક્ષિણા દાન, દૈને ચાલિયા શ્રીભગવાન. ૪૪
ઉમરેઠ થઈ વરતાલ, વેગે આવિયા શ્રીવૃષલાલ;
જઈ વાસણ સૂતાર ઘેર, ઉતર્યા પ્રભુજી રુડી પેર. ૪૫
સંઘ ઉતર્યો પાદરમાંય, ઝાડની સારી શોભા છે જ્યાંય;
કેરી ટાણું હરિજન જોઈ, રસપોળીની આપે રસોઈ. ૪૬
સગાવાલાને નોતરે જેમ, કાઠિયોને જમીડિયા તેમ;
બીજા ગામના હરિજન આવે, ગાડાં કેરિયોનાં ભરી લાવે. ૪૭
નિત્ય નિત્ય કરે રસપોળી, વવરાય સાકર અણતોળી;10
બામણોલી તખો પગી રહે, કર જોડી તે કૃષ્ણને કહે. ૪૮
ઘનશ્યામ આવો મુજ ગામ, મારા હૈડાની પૂરવા હામ;
ગયા ત્યાં હરિ કાઠી સહિત, રસપોળી જમ્યા રુડી રીત. ૪૯
જીંડવે પરે મહુડિયે પરે, નરસંડે પ્રભુ પરવરે;
સંજાયા ને વલાસણ ગામ, જોળ આદિક પણ બહુ ઠામ. ૫૦
હરિભક્ત હરિને તેડાવ્યા, રસપોળી ત્યાં જૈ જમી આવ્યા;
કેરિયો જમી કાઠી ધરાયા, હરિ સાથે રહી હરખાયા. ૫૧
કરે નિત્ય જ્ઞાનામૃત પાન, એકે સ્વાદ ન એહ સમાન;
નિત્ય પાસે દિસે પરમેશ, તેથી વીસારી મુક્યો સ્વદેશ. ૫૨
પ્રભુથી લાગી પ્રીતિ અપાર, તેથી વિસરિયાં ઘરબાર;
નિત્ય સંતસમાગમ થાય, સગાં સંબંધિને ન ચહાય. ૫૩
આવે ને જાય વિજળી જેમ, વહ્યા જાય દિવસ ઝટ તેમ;
રહે આનંદસિંધુમાં આપ, નવ લાગે ઉનાળાનો તાપ. ૫૪
મળે હરિજન હેતુ અપાર, તેથી વીસર્યો સુત પરિવાર;
થયો આમ્રરસોત્સવ એવો, કોટિ કલ્પે ન વીસરે તેવો. ૫૫
એવા ઉત્સવમાં થવા યુક્ત, ઇચ્છે અક્ષરધામના મુક્ત;
આપી કાઠિયોને સુખ ભારી, વરતાલથી વિચર્યા મુરારી. ૫૬
ક્યાંઈ ક્યાંઈક કરતા મુકામ, ગયા ગઢપુરમાં ઘનશ્યામ;
હરિભક્ત તણા મળી વ્રાત,11 રસ ઉત્સવની કરે વાત. ૫૭
એવી લીલા અનંત અપાર, કરે વાલોજી વારમવાર;
રસ ઉત્સવની કથા એહ, સુણશે કે સુણાવશે જેહ. ૫૮
એનું અંતર પાવન થાશે, પાપ પૂર્વનાં સંચિત12 જાશે;
જનને નિજની સ્મૃતિ થાય, કરે શ્રીહરિ એવી લિલાય. ૫૯
તેનો મર્મ મુનિજન જાણે, માટે એ લીલા ધ્યાનમાં આણે;
સ્નેહે સાંભળે ને સંભળાવે, અતિ ઉત્સાહ અંતરે લાવે. ૬૦
પુષ્પિતાગ્રાવૃત્ત
પરમ પુનિત કૃષ્ણનાં ચરિત્ર, સુણિ સુણિને જન થાય છે પવિત્ર;
અહિપતિ13 મુખ ઉચ્ચરે સદાય, તદપિ ન તેહ કદાપિ તૃપ્ત થાય. ૬૧
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
ચારુતરપ્રાંતેશ્રીહરિકૃત-આમ્રરસોત્સવનિરૂપણનામ એકચત્વારિંશો વિશ્રામઃ ॥૪૧॥