કળશ ૭

વિશ્રામ ૪૨

પૂર્વછાયો

ગોવિંદજી ગઢપુર વિષે, રહી લીલા કરે નવી નિત્ય;

જેથી સ્વજનના મન વિષે, પરિપૂરણ ઉપજે પ્રીત. ૧

ચોપાઈ

હરિભક્તોના કાગળ આવે, અતિ તાણ કરીને તેડાવે;

એક વાર આવો પ્રભુ પ્યારા, કરો પૂર્ણ મનોરથ અમારા. ૨

એવા પ્રેમના વાંચીને પત્ર, વાલે ઇચ્છા કરી જવા તત્ર;

સંતમંડળને લઈ સાથ, વિચર્યા ગઢપુર થકી નાથ. ૩

પગલાં ઘણા ગામમાં કીધાં, જૈને દાસને દર્શન દીધાં;

ફરતાં ફરતાં બહુ ઠામ, જૈને વેજળકું જોયું ગામ. ૪

દયા દિલમાં ધરીને અપાર, ગયા જાખડે જગ કરતાર;

ભક્તો આનંદ ઉર અતિ આણે, પૂરાં ભાગ્ય પોતાનાં પ્રમાણે. ૫

ત્યાંથી ધોલીએ શ્યામ સિધાવ્યા, આંબારેલીએ ત્યાંથી આવ્યા;

ગામ કૌકા તણા હરિજન, આવ્યા ત્યાં કરવા દરશન. ૬

આવ્યો ધોળકાનો ત્યાં સમાજ, કૃષ્ણને ત્યાં તેડી જવા કાજ;

આંબારેલીથી નાથ સિધાવ્યા, બેય ગામના હરિજન આવ્યા. ૭

કહે કૌકાના જન જોડી હાથ, આજ કૌકે ચાલો પ્રાણનાથ;

કહે ધોળકાના તેહ વાર, ચાલો ધોળકે ધર્મકુમાર. ૮

ત્યારે બોલિયા સુંદર શ્યામ, મુકું ઘોડીની છુટી લગામ;

તેને જ્યાં ગમે ત્યાં ચાલી જાશે, અમોથી પણ ત્યાં જ જવાશે. ૯

છુટી મુકી લગામ તે જ્યારે, ચાલી કૌકાને મારગે ત્યારે;

પ્રભુજી તેથી કૌકે પધાર્યા, હરિભક્તોના હરખ વધાર્યા. ૧૦

ગામ પશ્ચિમે લીંબડો સારો, કર્યો ત્યાં જઈ કૃષ્ણે ઉતારો;

હરિભક્તે સેવા સજી સારી, તેનાં નામ કહું છું સંભારી. ૧૧

હાજોભાઈ તથા જેઠીભાઈ, અલુભાઈ ત્યાં આવિયા ધાઈ;

આવ્યા બાદરજી બુદ્ધિમાન, ખોડાભાઈ આવ્યા તેહ સ્થાન. ૧૨

આવ્યા અસમાલજી ત્યાં ઉમંગે, મુળુભાઈ ગગાભાઈ સંગે;

વનોભાઈ તથા ભાઈ હકો, તેનો સત્સંગ તો અતિ પક્કો. ૧૩

દીપસિંહજી ને ડાહ્યાભાઈ, દાજીભાઈની ભક્તિ સવાઈ;

અલુભાઈ ઝીણાભાઈ ગણીએ, ભક્ત કાંથડજી ભલા મણિએ. ૧૪

ચાંદોભાઈ ને બેય હમીર, સત્સંગી ભલા શૂરવીર;

બીજા પરગામના હરિજન, આવ્યા બહુ કરવા દરશન. ૧૫

વીશ મણના ત્યાં લાડુ કરાવ્યા, કહું વિપ્ર તે કરવા જે આવ્યા;

ભગો જાની ને વલ્લભ જાની, એ તો ધર્મ પાળે સોળ આની. ૧૬

હરજીવન જેભાઈ પરોત,1 આવ્યા તે તો રાજારામ સોત;

મયારામ અને આશારામ, વળી બાપુજી નિર્મળ નામ. ૧૭

રસોઈ કરે તે સૌને ગમે, સંત ને હરિજન સહુ જમે;

વાલે બે દિન કીધો નિવાસ, હરિજનની પુરી કરી આશ. ૧૮

પછી ત્યાંથી કરીને વિહાર, ગયા ધોળકે ધર્મકુમાર;

રહી ત્યાં એક દિવસ ને નીશ, ગયા જેતલપુર જગદીશ. ૧૯

હરિભક્ત જે હાંસજીભાઈ, એહ આદિક આવિયા ધાઈ;

વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા, પુરમાં પ્રીતથી પધરાવ્યા. ૨૦

રોજ રોજ રસોઈ અપાય, પધરામણી ઘેર ઘેર થાય;

કેટલા એક દિન તહાં રહ્યા, અશલાલીએ ત્યાં થકી ગયા. ૨૧

વેણીભાઈને મેડે નિવાસ, કર્યો જાણી તેને મુખ્ય દાસ;

બીજા ગોપાળજી ગુણવંત, જેને વાલા બહુ ભગવંત. ૨૨

સારી રીતે કરી તેણે સેવા, ભલો લાભ અલૌકિક લેવા;

કરીને તેનું ઉત્તમ કાજ, ગયા મોટેરે શ્રી મહારાજ. ૨૩

ત્યાં તો શ્રીપુરના જન આવ્યા, સારી પૂજાની સામગ્રી લાવ્યા;

પુછ્યું દિલગીર થૈ જોડી હાથ, ક્યારે શહેરમાં આવશો નાથ? ૨૪

ત્યારે બોલિયા પ્રાણજીવન, ધારી ધીરજ કરજો ભજન;

થોડો સમય હવે વહી જાશે, ઇચ્છા પૂર્ણ તમારી તો થાશે. ૨૫

સુણી રાજી થયા હરિજન, કર્યું પ્રેમે પ્રભુનું પૂજન;

મોટેરા ગામના રહેનાર, પુરુષોત્તમ ભક્ત ઉદાર. ૨૬

તેણે હેતે પૂજા કરી હાથે, અંગીકાર કરી મુનિનાથે;

સતસંગી રાજી સહુ થયા, પછી શ્યામ અડાલજ ગયા. ૨૭

ગઢવી મુળુજી ને ગેંદાલ, ભલા ભક્ત હતા તેહ કાળ;

તેની સેવા કરી અંગીકાર, ભાવે ભેટિયા ભક્તિકુમાર. ૨૮

પછી ત્યાં થકી કરતા કલ્લોલ, ગિરધારી ગયા ગામ ઓળ;

ભક્ત ત્યાં રહે શ્રીધરદાસ, પૂજ્યા તેણે પોતાને આવાસ. ૨૯

પછી ત્યાંથી જઈ રુડી પેર, જમ્યા જીવણદાસને ઘેર;

પ્રભુએ સંત સહુને જમાડ્યા, પીરશીને સંતોષ પમાડ્યા. ૩૦

વાલો ત્યાંથી ગયા વડુગામ, ભક્ત ત્યાં દાસ જેરામ નામ;

તેના પૂર્ણ મનોરથ કરી, વિચર્યા કરજીસણ હરી. ૩૧

ભક્ત ગોવિંદ આદિક જેહ, આવ્યા સામૈયું લઈ સહુ તેહ;

વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા, પુષ્પહાર ને તોરા ચડાવ્યા. ૩૨

પ્રભુને ગામમાં પધરાવ્યા, ગામના લોકો દર્શને આવ્યા;

બેઠા સારી સભા સજી હરિ, જ્ઞાનવારતાઓ બહુ કરી. ૩૩

ભક્તે આપ્યાં ભોજન ભાત ભાત, જમ્યા શ્રીહરિ ને સંતવ્રાત;

પ્રભુને પલંગે પધરાવી, પૂજ્યા કેશર ચંદન લાવી. ૩૪

પુષ્પહાર તોરા ધૂપ દીપ, કરી આરતી બેઠા સમીપ;

કોરા કાગળ માવે મગાવ્યા, ગામોગામ લખી મોકલાવ્યા. ૩૫

સમૈયો અમે આ સ્થળે ભરશું, જન્મઅષ્ટમી ઉત્સવ કરશું;

માટે આવજો સહુ હરિભક્ત, તથા આવજો સંત વિરક્ત. ૩૬

પ્રભુના એવા વાંચીને પત્ર, વધ્યો હરખ ઘણો સરવત્ર;

વદી સાતમ શ્રાવણી જ્યારે, આવ્યા સતસંગી ને સંત ત્યારે. ૩૭

અષ્ટમીને દિવસ ગામ બહાર, પૂર્વમાં એક વડ જોઈ સાર;

હરિભક્તોએ બાંધ્યો હિંડોળો, શોભે વૈમાન સમ લાંબો પહોળો. ૩૮

તેમાં પ્રગટ પ્રભુ પધરાવ્યા, ઝાઝી વાર હરિને ઝુલાવ્યા;

વસ્ત્ર ભૂષણ જરીયાનવાળાં, શોભે શ્રીજીને અંગે રૂપાળાં. ૩૯

વાલે બહુ કરી જ્ઞાનની વાત, ભણીને શ્રુતિયો ભાત ભાત;

નાદ તાલ મૃદંગના થાય, સંત હરિજન કીર્તન ગાય. ૪૦

જેમ હોય જે નિર્ધન છેક, પછી પામે ચિંતામણી એક;

અતિ અંગમાં ઉપજે ખુમારી, એમ હરખ્યાં સકળ નરનારી. ૪૧

દેશ દેશના આવેલા જન, તેણે કર્યું પ્રભુનું પૂજન;

મહિમા ચિત્ત માંહિ વિચારી, સ્તુતિ ઉત્તમ રીતે ઉચ્ચારી. ૪૨

પછી શ્રીહરિએ સાક્ષાત, કરી સંપ વિષે ઘણી વાત;

સતસંગી અમારા છે જેહ, તમે સૌ સંપ રાખજો તેહ. ૪૩

ઉપજાતિ (સંપ વિષે)

જે ભક્ત જાણે મહિમા પ્રભુનો, તો તે જાણે મહિમા સહુનો;

જો ભક્ત સાથે નહિ સંપ રાખ્યો, તો ઈષ્ટ સાથે પણ તોડી નાખ્યો. ૪૪

સત્સંગી સૌ છે હરિનાં જ અંગ, તે શું રુઠે તે હરિને જ સંગ;

જો અંગ એકે હરિનું દુખાય, તો દુઃખ તે શ્રીહરિને જ થાય. ૪૫

છરી કરી હોય સુવર્ણવાળી, તેણે જ જો આંગળિ કાપી ભાળી;

તથાપિ જો કીંમત જાણિ હોય, તો તે છરી નાખિ ન દે જ કોય. ૪૬

જો દૂઝણી ગાય જ લાત મારે, કાઢી ન મૂકે કદી કોઈ ક્યારે;

કલ્યાણરૂપી પય લેવું હોય, સત્સંગીથી ક્લેશ કરે ન કોય. ૪૭

જો ભક્ત સાથે ઇરષા જ જામી, તો તેટલી નિશ્ચય માંહિ ખામી;

હીરો ચુસી પુત્ર કદી મરેય, પિતા ન હીરો કદિ નાખિ દેય. ૪૮

જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ;

જો સર્વ ઇચ્છો સુખ સંપ સેવો, સુખપ્રદાતા નથિ સંપ જેવો. ૪૯

ગોવિંદદાસાખ્ય સુભક્ત જે છે, તેને ગૃહે સંપ સદા વસે છે;

તો અન્ન પાણી કૃતવાસ કેવો, સૌ રાખજો ભક્ત સુસંપ એવો. ૫૦

જ્યારે ચડે છે મન માંહિ ક્રોધ, ત્યારે કરે છે જનશું વિરોધ;

છે ક્રોધ ચાંડાળ સમાન એહ, જે માંહિ પેસે અભડાય તેહ. ૫૧

શાર્દૂલવિક્રીડિત

જ્યારે સદ્‌ગુરુ સંત કે સુદ્વિજને ચાંડાળ આવી અડે,

ત્યારે તે અભડાય થાય શુદ્ધ તો સ્નાનાદિ કીધા વડે;

જો શુદ્ધી ન કરે તથાપિ જન જૈ તેને પગે લાગશે,

તેને આભડછેટ એ જ નડશે અસ્પૃશ્ય એ તો થશે. ૫૨

ચોપાઈ

એવી વાત કરી મહારાજે, તે તો સાંભળી સર્વ સમાજે;

કર્યો અષ્ટમીનો ઉપવાસ, કર્યો ઉત્સવ શ્રીપ્રભુ પાસ. ૫૩

પછી પારણું કીધું પ્રભાતે, જમ્યા ભોજન તે ભાત ભાતે;

પછી સંઘને કીધા વિદાય, રહ્યા થોડા દિવસ હરિરાય. ૫૪

પુષ્પિતાગ્રાવૃત્ત

કરજિસણ વિષે રહી કૃપાળ, અકળ ચરિત્ર કર્યું સુ એહ કાળ;

મુનિજન સઉ ધ્યાન માંહિ ધારે, વરસ ઘણાં વિતતાં નહીં વિસારે. ૫૫

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

કરજિસણગ્રામે અષ્ટમ્યુત્સવવર્ણનનામ દ્વિચત્વારિંશો વિશ્રામઃ ॥૪૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે