કળશ ૭

વિશ્રામ ૪૩

પૂર્વછાયો

દૈવીને ઉપદેશ આપવા, અને સ્થાપવા ઉત્તમ ધર્મ;

વિચરે વસુધામાં હરિ, તેનો મૂર્ખ ન જાણે મર્મ. ૧

ચોપાઈ

ગયા ડાંગરવે દીનનાથ, સંતમંડળને લઈ સાથ;

રહે જ્યાં વેણીદાસ પટેલ, પ્રભુના ભલા ભક્ત થયેલ. ૨

બીજા પણ સતસંગી ઉદાર, તેની સેવા કરી અંગીકાર;

અંગ સૌને ઉમંગ વધાર્યા, કરજીસણ કૃષ્ણ પધાર્યા. ૩

ગામથી દિશા ઉત્તરમાંય, નાનાભાઈની કૂપ છે ત્યાંય;

તેની આગળ ઓરડી સારી, તેમાં ઉતર્યા જૈ ગિરધારી. ૪

જનના હરવા પરિતાપ, પ્રભુ દેખાડ્યો પ્રૌઢ પ્રતાપ;

તેથી કૈકના સંશય ટળિયા, સતસંગમાં બહુ જન ભળિયા. ૫

નાનાભક્તે સેવા સજી સાર, કૃપાનાથે કરી અંગીકાર;

ચાલ્યા ત્યાંથી પછી જનપાલ, લાંઘણોજ ગયા ધર્મલાલ. ૬

ભક્ત રામો ભલો ભાવસાર, એહ આદિ ધરમ પાળનાર;

મળી શ્રીજીના સન્મુખ આવ્યા, વાજતે ગાજતે પધરાવ્યા. ૭

કરી પધરામણી ઘેર ઘેર, સૌએ સેવા સજી સારી પેર;

મેઉ ગામ ગયા ઘનશ્યામ, ગયા ત્યાં થકી ખોરજ ગામ. ૮

ગામ ઓળા અડાલજ થઈ, હરિભક્તોને દર્શન દઈ;

આવ્યા મોટેરે શ્રીમહારાજ, વળી દર્શન દેવાને કાજ. ૯

આવ્યા શ્રીપુરથી જનવૃંદ, મુખ્ય ચોકસી તો હીરાચંદ;

પૂજા તેઓએ આવીને કીધી, જ્ઞાનવાત ઘણી સુણી લીધી. ૧૦

ત્યારે તેઓને ધીરજ દેવા, શબ્દ શ્રીહરિએ કહ્યા એવા;

જનભીડ ન આંહિ ભરાય, સુખે દર્શન સ્પર્શ ન થાય. ૧૧

લ્યો છો દર્શનનું સુખ જેવું, થાત શ્રીપુરમાં નહિ એવુ;

વળી જ્યાં હોય પોતાનું ગામ, ઘણાં ત્યાં ઘરનાં હોય કામ. ૧૨

કથા ત્યાં ન સુણાય નિરાંતે, જેવી આંહિ સુણાય એકાંતે;

કોઈ કાંઈ ન કામ બતાવે, કોઈ બોલાવવા નવ આવે. ૧૩

એમ સમજીને સંતોષ રાખો, પૂરો પાડ પ્રભુ તણી ભાખો;

વાણી સાંભળીને એવી સારી, સતસંગીએ ધીરજ ધારી. ૧૪

પ્રભુ ત્યાંથી ગયા અશલાલી, ત્યાંથી જેતલપુર વનમાળી;

મુક્તાનંદ તથા બ્રહ્માનંદ, આવ્યા સુરતથી જનવંદ્ય. ૧૫

ઘણા હરિજન દર્શને આવ્યા, સૌને દર્શન દૈ હરખાવ્યા;

ગામ કેરા તળાવની પાળે, આસોપાલવ વૃક્ષ પાળે. ૧૬

નિત્ય નિત્ય સભા ભરે સ્વામી, બહુ વાતો કરે બહુનામી;

અતિ આશ્ચર્ય જનને જણાય, સૌને આનંદ ઉર ઉભરાય. ૧૭

થોડા દિવસ દઈ ઉપદેશ, ગયા પાલડીએ પરમેશ;

ગયા ત્યાંથી કાશંદરે ગામ, માંડાસર ગયા પૂરણકામ. ૧૮

મછિયાવ ગયા મહારાજ, સાથે રાખીને સંત સમાજ;

બાપુભાઈ તણે દરબાર, ઉતર્યા જઈ પ્રાણ આધાર. ૧૯

રાયે લાભ અલૌકિક લેવા, કરી શ્રીજી ને સંતની સેવા;

તેની સેવા કરી અંગીકાર, દદૂકે ગયા દેવ મોરાર. ૨૦

દેવા દરશન ધારિને દયા, કૃષ્ણ ગામ કઠેચીએ ગયા;

તલસાણે થઈને શિયાણી, ગયા દાસ ઉપર દયા આણી. ૨૧

રહે ત્યાં ભટજી શિવરામ, તેને ઘેર જમ્યા ઘનશ્યામ;

ચાલ્યા લીંબડી પાદર થૈને, લાલિયાદ રહ્યા રાત જૈને. ૨૨

ત્યાંથી ઊઠીને ચાલ્યા પ્રભાત, ગયા નાગડકે નરભ્રાત;

સુરા ખાચરને દરબાર, ઉતર્યા જઈ વિશ્વ આધાર. ૨૩

જેમ સારો સમો થવા માટ, જુવે વરસાદની જન વાટ;

વૃષ્ટિ સાત ગાઉ પર થાય, આંહિ થાવાની આશા રખાય. ૨૪

એમ શ્રીજીને આવ્યાનું જાણે, ઉરમાં અતિ આનંદ આણે;

સાત ગાઉ સામા કોઈ જાય, રખે માર્ગ બીજે મરડાય. ૨૫

એવી ચિંતા ચિત્ત ઉપજાવે, માટે સામા જઈ તેડી લાવે;

ગયા બોટાદમાં તે વાર, દાહા ખાચરનો દરબાર. ૨૬

ઉતર્યા સારી જગ્યા તે જોઈ, ભગા દોશીએ દીધી રસોઈ;

જમ્યા પોતે પછી પૂરી પ્રીતે, સંતને પીરશું સારી રીતે. ૨૭

સારી જુક્તિથી હરિએ જમાડ્યા, બહુ સંતોષ સૌને પમાડ્યા;

પછી ત્યાંથી પ્રભુ પરવરિયા, તે તો જૈ ગઢપુર માંહિ ઠરિયા. ૨૮

દાદા ખાચરને દરબારે, ઉતર્યા આપ કેરે ઉતારે;

સભા ત્યાં નિત્ય સારી ભરાય, કથા વારતા કીર્તન થાય. ૨૯

ભલા ભક્ત એકાંતિક જેહ, અતિશે સુખ તો લે છે એહ;

આપે નિત્ય નવાં પકવાન, ભાવ જોઈ જમે ભગવાન. ૩૦

પ્રભુ સંતને પીરસી જમાડે, હૈયાનું બહુ હેત દેખાડે;

એમ લક્ષધા લાડ લડાવે, એ તો વાત કહ્યામાં ન આવે. ૩૧

મુક્તાનંદ બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ પ્રમુખ અકામી;

સભામાં કરે ગાવણું સારું, પ્રભુને બહુ લાગે તે પ્યારું. ૩૨

રીઝી આપે પ્રસાદીના હાર, આપે ચરણ બે છાતી મોઝાર;

ક્યારે ગાન સુણી હરિ ડોલે, ધન્ય ધન્ય મુખે એમ બોલે. ૩૩

પુષ્પિતાગ્રાવૃત્ત

ત્રણ મુનિજન મુક્ત બ્રહ્મ પ્રેમ, કૃત શુભ ગાન રિઝ્યા પ્રભુજી જેમ;

નહિ નહિ શુભ ગાન નારદાનું, નહિ નહિ તેહ સમાન શારદાનું. ૩૪

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિ-વિચરણનામ ત્રિચત્વારિંશો વિશ્રામઃ ॥૪૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે