કળશ ૭

વિશ્રામ ૪૪

પૂર્વછાયો

વાલો વશા ગઢપુર વિષે, દેવા દાસને દર્શનદાન;

પૂરણ સુખ પુરવાસિયો, લે છે અક્ષરમુક્ત સમાન. ૧

ચોપાઈ

એવામાં કપિલાછઠ1 આવી, ભક્તિનંદનને મન ભાવી;

શ્રીજીએ સંત સૌને તેડાવ્યા, દેશ દેશના હરિજન આવ્યા. ૨

સમૈયો તે થયો બહુ સારો, આવ્યા સંઘ હજારે હજારો;

સંત હરિજનને લઈ સાથ, ઘેલે નાવા પધારિયા નાથ. ૩

આરો ખીજડાવાળો છે જેહ, નામે આનંદઘાટ છે એહ;

એહ ઘાટનો મહિમા વિચારી, નાહ્યા ત્યાં જઈ દેવ મુરારી. ૪

કપિલાગાય2 અગણિત આણી, દીધાં દાન ત્યાં સારંગપાણી;

ધર્મ સ્થાપવા ધાર્યો છે દેહ, માટે શાસ્ત્રે કહ્યું કરે તેહ. ૫

પછી આવિયા દરબારમાંય, શ્રીજી બેઠા સભા સજી ત્યાંય;

કરી શ્રીમુખે બહુ જ્ઞાનવાત, સુણી સર્વે થયા રળિયાત. ૬

દાદા ખાચરે શુભ તક જોઈ, દીધી લાડુ જલેબી રસોઈ;

જમ્યા પ્રથમ મહાપ્રભુ થાળ, પછી પીરસે જનપ્રતિપાળ. ૭

સંતને કરતાં મનુહાર,3 ફરે પંક્તિમાં વારમવાર;

સાંઝે આરતી ને ધુન્ય થાય, કથા વંચાય કીર્તન ગાય. ૮

બીજા સત્સંગી પણ સમો જોઈ, નિત્ય આપવા લાગ્યા રસોઈ;

લાડવાને જલેબિયો નિત્યે, પીરસે પ્રભુ સંતને પ્રીતે. ૯

જીવા ખાચરનો દરબાર, જમી આવ્યા સહૂ એક વાર;

ગામ પંચાળેથી અદીબાઈ, આવ્યાં એ દિન ગઢપુર માંઈ. ૧૦

કરી પ્રેમે પ્રભુને પ્રણામ, કર જોડીને ઉચર્યાં આમ;

મારી વિનતિ સુણો મહારાજ, મારે દેવી રસોઈ છે આજ. ૧૧

ભાખે એવું સુણી ભગવંત, હમણાં જ જમી આવ્યા સંત;

ઉતાવળ શી છે આજને આજ, જમશે કાલ સંતસમાજ. ૧૨

અદિબા કહે હે મહારાજ, મારી ઇચ્છા છે આજને આજ;

સુણી શ્રીજીએ કીધો વિચાર, જમાડું સંતને બીજી વાર. ૧૩

સાંભળી બાઈ બોલ્યા શ્રીહરિ, તમે વાત વિચારી છે ખરી;

ધર્મનું કામ તો ઝટ કરવું, વ્યવહારી વિચારી આદરવું. ૧૪

ઉપજાતિ (ધર્મનું કામ ઝટ કરવા વિષે)

જે ધર્મનું કારજ સદ્ય4 કીજે, વિચારીને અન્ય ક્રિયા કરીજે;

સુકામમાં વિઘ્ન અનેક આવે, કર્યા વિચારો ચિત્તમાં રહાવે. ૧૫

કૈકે કરેલા સુવિચાર રાતે, કરીશ આ કામ પછી પ્રભાતે;

મનોરથો તે મનમાં રહ્યા છે, તનૂ5 તજી જીવ વિદા થયા છે. ૧૬

રાજા તથા બાળક હોય જેવું, સ્વભાવથી છે મન તેમ તેવું;

વિચાર તેના ફરિ જાય અદ્ય, માટે કરો ધર્મનું કૃત્ય સદ્ય. ૧૭

જમ્યાનું કીજે શત કામ ચૂકી, નાવું સદા કામ સહસ્ર મૂકી;

જે દાન દેવું તજિ લાખ કામ, કોટી તજી લેવું હરીનું નામ. ૧૮

જે ધર્મ કેરું શુભ હોય કાજ, કાલે કર્યાનું કરિ લેવું આજ;

તાળી પડે ત્યાં બદલાય તાલ, કેણે દિઠી છે પછિ કેવિ કાલ. ૧૯

આ ઇંદ્રિયો ને મન છે કુસંગી, તેનો નહીં રંગ રહે અભંગી;6

તે જીવને ભોળવિને ભમાવે, સારા વિચારો પળમાં તજાવે. ૨૦

સ્વાતી તણું બુંદ સુછીપ જેમ, સારા વિચારો મનના જ તેમ;

જો સદ્ય ઝીલે ફળ શુદ્ધ થાય, ઝીલે નહીં જો ઝટ વ્યર્થ જાય. ૨૧

જો ધર્મનો ચિત્ત વિચાર આવે, ડાહ્યા જનો તો દૃઢતા ઠરાવે;

કરે રુડું કારજ તે જ ટાણે, ન દીર્ઘસૂત્રીપણું7 દીલ આણે. ૨૨

ચોપાઈ

માટે જે તમે કીધો વિચાર, કરો આજને આજ આ ઠાર;

પછી સદ્ય સામાન મંગાવ્યો, બહુ સ્વાદુ બિરંજ કરાવ્યો. ૨૩

સારાં શાક ને પૂરી કરાવી, દૂધ લાવ્યા ગાયો દોવરાવી;

ભલી ભાતે જમ્યા ભગવંત, બેઠા આજ્ઞાથી જમવાને સંત. ૨૪

રહ્યા પીરસવા પરમેશ, આપે તાણ કરીને વિશેષ;

કેડ બાંધી પંગત માંહિ ફરે, લ્યો લ્યો બીરંજ એમ ઉચ્ચરે. ૨૫

પછી પીરશું ઉપર દુધ, તેમાં સાકર પીરશી શુદ્ધ;

બ્રહ્માનંદ મુનિને શીશ, રેડી તાંબડી શ્રીજગદીશ. ૨૬

એવી શ્રીજીની લીલા અનંત, સ્નેહે નિત્ય સ્મરણ કરે સંત;

ખરું હૈયાનું દેખાડ્યું હેત, કેમ વિસારે કોઈ સચેત?8 ૨૭

મહાસુખ દીધાં ઘણાં માવે, સુતાં બેસતાં સાંભરી આવે;

એવી લીલા કરી ગઢપુરમાં, સૌને સાંભરે તે અતિ ઉરમાં. ૨૮

વળી એક સમે વૃષલાલ, ગઢપુરથી ચાલ્યા વરતાલ;

લઈ સંતને સારંગપાણી, કૃપાનાથ ગયા કારીયાણી. ૨૯

ફરતાં હરિભક્તોનાં ગામ, સંજીવાડે ગયા ઘનશ્યામ;

વરતાલ આવ્યા વિશ્વપતી, વદી દ્વાદશી આસોની હતી. ૩૦

સારા સૂતાર વાસણ ઘેર, પ્રભુ ઉતર્યા જૈ શુભ પેર;

ધનતેરશનો દિન આવ્યો, ભક્તિનંદનને મન ભાવ્યો. ૩૧

રુડો જ્યાં છે નારાયણબાગ, ગયા ત્યાં કરિને અનુરાગ;

પૂજી ગાયોને ત્યાં કરી પ્રીત, ધણ9 દોડાવિયું રુડી રીત. ૩૨

પછી કૃષ્ણચતુર્દશી આવી, હનુમાન પૂજ્યા હેત લાવી;

વડાં સુખડી નૈવેદ્ય ધાર્યું, આરતી કરી સ્તોત્ર ઉચ્ચાર્યું. ૩૩

અતિ ઉત્તમ આવી દીવાળી, એના ઉત્સવની હદ વાળી;

જ્યાં છે લક્ષ્મીનારાયણ ધામ, હતી બોરડી એક તે ઠામ. ૩૪

તહાં એક સિંહાસન ધાર્યું, શોભે ઇંદ્રઆસન થકી સારું;

તેના ફરતી રચી દીપમાળ, તારામંડળ તુલ્ય વિશાળ. ૩૫

સિંહાસનમાં બિરાજીયા શ્યામ, લાજે દેખીને કોટિક કામ;

કરે ઉત્સવ સંત ઉમંગે, વાજે તાલ ને વાજે મૃદંગે. ૩૬

શોભે અક્ષરધામમાં જેમ, શ્રીજી મુક્તમાં શોભે છે તેમ;

અતિ તેજનો ઓપે અંબાર, જોતાં અચરજ પામે જોનાર. ૩૭

અન્નકૂટનો ઉત્સવ આવ્યો, હતો સામાન પ્રથમ કરાવ્યો;

વરતાલના હરિજને મળી, આપી સામગ્રી એહ સઘળી. ૩૮

રસોઈ કરવામાં જે ડાઈ, એવી આવી હતી બહુ બાઈ;

ગંગા માતા જેતલપુર તણાં, રસોઈમાં પ્રવીણ તે ઘણાં. ૩૯

જમનાબા વસોનાં નિવાસી, ભલાં તે પણ તેવાં અભ્યાસી;

બાઇયો મેમદાવાદ તણી, ઉમરેઠની પણ હતી ઘણી. ૪૦

ભાત ભાત કર્યાં પકવાન, જેહ જમતાં રિઝે ભગવાન;

અન્નકૂટ પૂર્યો ભલી ભાતે, તેમાં ખામી નહીં કોઈ વાતે. ૪૧

અમદાવાદની જે મંડળી, વટપત્તનની હતી વળી;

તેણે લૈ ભલાં તાલ મૃદંગ, કર્યો ઉત્સવ આણી ઉમંગ. ૪૨

જમ્યા ભાવ જોઈ ભગવંત, જમ્યા તે પછી વર્ણિ ને સંત;

એમ ઉત્સવ પૂરણ થયો, મેં તો સંક્ષેપથી કાંઈ કહ્યો. ૪૩

એમ કરતાં પ્રબોધિની આવી, શ્યામે સંતોને લીધા તેડાવી;

દેશ દેશ થકી સંઘ આવ્યા, ઘણે ઠામ ઉતારા ઠરાવ્યા. ૪૪

કર્યો ઉત્સવ એકાદશીનો, પુનમે કર્યો પૂર્ણ શશીનો;

કરી વાલાએ વાતો વિચિત્ર, વળી દેખાડ્યાં દિવ્ય ચરિત્ર. ૪૫

પછી સંઘ ગયા નિજ ગામ, ચાલ્યા વરતાલથી ઘનશ્યામ;

ગયા મેળાવ થૈ પીપળાવ, ત્યાંથી સારંગપુર ગયા માવ. ૪૬

એમ દાસોને દર્શન દૈને, રહ્યા શ્રીહરિ ગઢપુર જૈને;

કરે લીલા નવીન પ્રકાર, નિરખી હરખે નરનાર. ૪૭

જેમ અક્ષરધામના વાસી, નિત્ય પાસે દેખે અવિનાશી;

તેમ ગઢપુરનાં નરનારી, દેખે દૃષ્ટિની પાસે મોરારી. ૪૮

પ્રભુ ફરવાને પરગામ જાય, દુર્ગપુર માંહિ તોય દેખાય;

જેની દૃષ્ટિ પ્રભુમાં જોડાય, કેમ તેથી પ્રભુ દૂર થાય? ૪૯

સાધારણ જન તો એમ જાણે, ગયા છે પ્રભુ બીજે ઠેકાણે;

સર્વવ્યાપક છે તો પરોક્ષ, ગઢપુરમાં જણાય પ્રત્યક્ષ. ૫૦

પુષ્પિતાગ્રાવૃત્ત

રવિ જ્યમ રહિને સદા સ્વવાસે, અવર10 રુપે વિચર્યા જ કુંતિ પાસે;

રહિ ગઢપુરમાં પ્રભુજી તેમ, અવર રુપે પરગામ જાય એમ. ૫૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

દુર્ગપુરે કપિલાષષ્ઠી-વર્ણનનામ ચતુશ્ચત્વારિંશો વિશ્રામઃ ॥૪૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે