કળશ ૭

વિશ્રામ ૪૫

પૂર્વછાયો

હે નરનાથ હવે સુણો, ઉર ધારિ અધિક ઉત્સાહ;

સુખે કહું સંક્ષેપમાં, નૃપ ઉત્તમનો ઉદ્વાહ.1

ચોપાઈ

નૃપ ઉત્તમ ઉત્તમ2 જે છે, દાદા ખાચર લોક કહે છે;

શોભે સદગુણી તે બહુ શૂરા, થયા પરણવા લાયક પૂરા. ૨

નિજ માતાએ મનમાં વિચારી, પ્રભુ આગળ વાત ઉચ્ચારી;

સારી કન્યાનો શોધ કરાવું, મારો પુત્ર હવે પરણાવું. ૩

પરણાવે સ્વપુત્રને જ્યારે માતા જાણે સુફળ ભવ ત્યારે;

પુત્રને પરણાવવો જે છે, શુભ સંસારનું ફળ એ છે. ૪

માટે આપની આજ્ઞા જો થાય, તો તે કારજ સિદ્ધ કરાય;

સુણી બોલિયા શ્રીગિરધારી, તમે વાત કહી ઘણી સારી. ૫

હોય કન્યા કે હોય કુમાર, વીતે બાળપણું જેહ વાર;

ગૃહસ્થાશ્રમ ધર્મનો મર્મ, સમજે કરી જાણે સુકર્મ. ૬

ત્યારે શોધી સુલક્ષણી જોડ, જેમાં હોય નહિ કાંઈ ખોડ;

વેદવાક્યથી કરવો વિવાહ, એમાં ઉંડો છે અર્થ અથાહ. ૭

અગ્નિરૂપ ઈશ્વર તણી સાખે, પાળવાની પ્રતિજ્ઞાઓ ભાખે;

જે જે ધર્મનું કર્મ કરાય, કંથ3 જે કાંઈ નાણું કમાય. ૮

એમાં નારીનો ભાગ ગણાય, એ રીતે અરધાંગના થાય;

કરી બેય તણું મન એક, ચાલવું એવી રાખવી ટેક. ૯

ફરે મંગળ ફેરા તે ચાર, કરે સપ્તપદી4 તેહ હાર;

ત્યારે લગ્ન થયું કહેવાય, વેદ શાસ્ત્રમાં છે એવો ન્યાય. ૧૦

ધ્રુવ તારાને કરી પ્રણામ, કન્યા ચોરીમાં બોલે છે આમ;

જેવો નિશ્ચળ છે ધ્રુવ તુંય, પતિકુળમાં અચળ થઈ હુંય. ૧૧

જ્યાં સુધી નહિ સમજણ આવે, એવાં બાળક જે પરણાવે;

વેદશાસ્ત્રથી તે તો વિરુદ્ધ, રીત જાણવી એ તો અશુદ્ધ. ૧૨

એક ગોત્રમાં લગ્ન ન થાય, માટે ગોત્ર પ્રથમ ઉચરાય;

થાય ગોત્રમાં લગ્ન અજાણે, તેને પાળવી માતા પ્રમાણે. ૧૩

સારી કન્યા ક્યાંઈ જોવરાવો, પુત્રને સુખથી પરણાવો;

દાદા ખાચરને હું કહીશ, લગ્ન કરવાની આજ્ઞા કરીશ. ૧૪

જોવરાવી કન્યા ઘણે ઠામ, મળી સારી તો બોટાદ ગામ;

પુત્રી માતરા ધાધલ કેરી, તે તો સદગુણી જાણી ઘણેરી. ૧૫

કુમુદા કહીએ ભલું નામ, રતિ તુલ્ય તે રૂપનું ધામ;

કહે ઉત્તમ નૃપને અઘારી,5 થાઓ લગ્ન કરી ઘરબારી. ૧૬

નૃપ ઉત્તમ ઉચ્ચર્યા ત્યારે, નથી પરણવાની રુચિ મારે;

આખો ભવ ઊર્ધ્વરેતા6 રહીશ, જપ તપ વ્રત તીવ્ર કરીશ. ૧૭

ઉપજાતિ (લગ્નનાં દુઃખ વિષે)

વિવાહ કીધાથિ અનેક દુઃખ, છે એકલાને જ અસંખ્ય સુખ;

અનેક વસ્તુ પ્રતિદિન માગે, ન આપિએ તો અતિ દુઃખ લાગે. ૧૮

સમુદ્ર પૂરો કદિયે ભરાય, પ્રિયાની ઇચ્છા નહિ પૂર્ણ થાય;

ઘડાવિ દેતાં શણગાર સારા, જે ચક્રવર્તી નૃપ તેહ હાર્યા. ૧૯

જે અંગ તે કૌવચ7 સંગ લાગે, જરૂર તેથી અતિ પીડ જાગે;

એવી જ પીડા અતિ અંગનાથી,8 પામ્યા ઘણા પુરુષ તે બલાથી. ૨૦

છે નિષ્કુળાનંદ મુનીંદ્ર જેહ, નારી તણાં કષ્ટ કહે જ તેહ;

તે સાંભળી હું બહુ ત્રાસ પામું, કદાપિ સ્ત્રીના નહિ જોઉં સામું. ૨૧

શામા9 વર્યાથી સુખ જો ગણાત, તો કૈક ત્યાગી વનમાં ન જાત;

નાશી છુટેલા નજરે ચડે છે, તથાપિ મુર્ખા દવમાં પડે છે. ૨૨

નારી મને નાગણ તુલ્ય લાગે, તે ભાળતાં તો મન મારું ભાગે;

રહી કુંવારો સુખિયો રહીશ, થશે કદી સંકટ તો સહીશ. ૨૩

પ્રિયા રુપાળી પણ જેવિ પાળી,10 તે પ્રાણીના પ્રાણ વિનાશવાળી;

તેથી કહું આ તક પાડિ તાળી, નથી વર્યા તે નર ભાગ્યશાળી. ૨૪

સંસારિ થાવા નર થાય શૂરો, પછીથિ તે તો પસતાય પૂરો;

કાં તો ખરું તે વિષ ઘોળિ ખાય, કાં જોગિ થૈને પરદેશ જાય. ૨૫

ચોપાઈ

માટે હું તો કદી નહિ પરણું, સદા રાખીશ આપનું શરણું;

સુણી બોલિયા ધર્મદુલારો, તમે જો મુજને ઈષ્ટ ધારો. ૨૬

જેમ હું કહું તેમ જ કરવું, ધર્મવાળી કન્યા જોઈ વરવું;

અતિ આગ્રહ એવો જણાવી, કન્યા વરવાની વાત મનાવી. ૨૭

પછી બોટાદ સગપણ કીધું, લગ્ન સારો દિવસ જોઈ લીધું.

જાનમાં સગાવાલા સિધાવ્યા, ધામધૂમથી પરણાવી આવ્યા. ૨૮

જો તે વીવાનું વર્ણન થાય, કથા વિસ્તાર બહુ વિધિ જાય;

કુમુદાબાઈ શુભ કરમાળી,11 હરિભક્ત ભલી એ તો ભાળી. ૨૯

અતિ શોભિયો એનો સંસાર, ધન્ય ધન્ય એનો અવતાર;

સંપી જંપીને બહુ સુખ લીધું, પરલોકનું સાધન કીધું. ૩૦

પૂર્વછાયો

દુર્ગપુરીમાં દયાનિધિ, રહી એવે સમે સાક્ષાત;

પ્રકરણ એક ચલાવિયું, સુણો તેની કહું હવે વાત. ૩૧

ચોપાઈ

સભા માંહિ બોલ્યા ભગવંત, સુણો સૌ સતસંગી ને સંત;

વ્રત એકાદશી સૌએ કરવું, કાંઈ ખાવાનું મુખમાં ન ધરવું. ૩૨

ફળ ઉત્તમ છે અતિ એનું, લખ્યું શાસ્ત્રમાં માહાત્મ્ય જેનું;

કરે તપ જપ તીર્થ અનેક, કરે એકાદશી વ્રત એક. ૩૩

ફળ બેનું બરાબર થાય, એવો મોટો એનો મહિમાય;

બાળ વૃદ્ધ પુરુષ અને નારી, કરો એકાદશી એવું ધારી. ૩૪

અમે એ થકી થાશું પ્રસન્ન, નકી જાણજો સૌ હરિજન;

ભક્ત સૌ સવારે ભેળા થાવું, ગાતાં કીર્તન નાવાને જાવું. ૩૫

જાગરણ કરવું વળી રાતે, કરી ઉત્સવ તે ભલી ભાતે;

એવી રીતે એકાદશી થાય, વ્રત ત્યારે ખરું કહેવાય. ૩૬

સુણી બોલિયા હરિજન સંત, ભવતારણ હે ભગવંત;

આપની જ પ્રસન્નતા કાજ, વ્રત કરશું અમે મહારાજ. ૩૭

તે વિના તો બીજું ફળ કાંઈ, અમે ઇચ્છીયે નહિ મનમાંઈ;

નથી ઇચ્છતા ભુક્તિ12 કે મુક્તિ, એક આપની ઇચ્છીયે ભક્તિ. ૩૮

વેદ શાસ્ત્ર તમારા વચનમાં, નકી માની લીધું અને મનમાં;

કહો તો પ્રભુ ભણિયે પુરાણ, કહો તો કંઠે કરિયે કુરાન. ૩૯

અમે તો દૃઢ આપના દાસ, બીજા કોઈનો નહિ વિશ્વાસ;

કહો તો વન જૈ તપ કરિયે, મોટા જોગી જેવી ક્ષમા ધરિયે. ૪૦

કહો તો ધરી ધનુષને બાણ, લૈયે રાક્ષસ જેવાના પ્રાણ;

અમે કરિયે કહો તેનિ સેવા, આપની જ પ્રસન્નતા લેવા. ૪૧

કહો તો પરઘર પાણિ ભરિયે, કહો તો ઉંડે કૂપ ઉતરિયે;

રાજી થાઓ તમે મહારાજ, એવું કરશું અમે નિત્ય કાજ. ૪૨

તમે બંધાવ્યો રુદ્રાક્ષ પારો, અમે તોય ગણ્યો તેને સારો;

વળી તે તમે જ્યારે તજાવ્યો, ત્યારે અમને ન સંશય આવ્યો. ૪૩

તમે મુમતી13 જ્યારે બંધાવી, તેહ બાંધતાં શંકા ન આવી;

તમે જેમ નચાવો હે નાથ, તેમ નાચશું આનંદ સાથ. ૪૪

અજ14 ઇંદ્રાદિ ઈશ કહાવ્યા, તે તો નાચે તમારા નચાવ્યા;

મળી એ રીતે સૌએ ઉચાર્યું, પછી એકાદશીવ્રત ધાર્યું. ૪૫

જ્યારે એકાદશી દિન થાય, કોઈ અન્ન કે ફળ ન ખાય;

પ્રભુ પોતે રહે નિરાહારી, કેમ કોઈ જમે નરનારી? ૪૬

નહીં ભૂખ્યો રહી શકે જેહ, ઉપવાસ કરે પણ તેહ;

ભત્રીજો ભલો સુરા ખાચરનો, નામ માણશીયો સુખી ઘરનો. ૪૭

નાનપણથી અફીણ બંધાણી, ભજે શ્રીહરિને ઇષ્ટ જાણી;

એક દિવસે જમે ચાર વારે, શીરામણ15 તો કરે તે સવારે. ૪૮

કાઠી રોટલો ને દુધ ખાય, પણ છાશ પીધી કહેવાય;

બપોરે જમે ઉની રસોઈ, જમ્યા એમ કહે સહુ કોઈ. ૪૯

ત્રીજો પહોર કાંઈ ખાઈ લે છે, તે તો રોંઢો કર્યો તે કહે છે;

સાંજે ઘરનાં જમે સહુ મળી, તે તો વાળુ કર્યું કહે વળી. ૫૦

ચાર વાર જમે નિત્ય એમ, ઉપવાસ કરી શકે કેમ?

સુણે એકાદશી તણું નામ, જાણે બળબળતો દીધો ડામ. ૫૧

જ્યારે રાત દસમ તણી થાય, હાડકાં તો નરમ થઈ જાય;

જ્યારે થાય શિરામણ વેળા, ચાલ આંખથી આંસુના રેલા. ૫૨

વળી રોંઢાવેળા જ્યારે થઈ, સુધ માણશિયાની તો ગઈ;

થઈ મૂર્છા રહ્યું નહિ ભાન, તે તો થૈ પડ્યો મરણ સમાન. ૫૩

કોઈ માણસે જૈ પ્રભુ પાસ, કરી વાત તે સર્વ પ્રકાશ;

જોયો શ્રીજીએ તેહને જૈને, પાયું દહિં તથા સાકર લૈને. ૫૪

ત્યારે તેને કાંઈ સુધ આવી, પ્રભુએ પુછ્યું તેને બોલાવી;

બોલ ભાઈ તને તે શું થયું, કર જોડી ત્યારે તેણે કહ્યું. ૫૫

નિત્ય હું જમું છું ચાર વાર, ત્રણ વાર ન કીધો આહાર;

તેથી જીવ મારો ગભરાયો, મહાદુઃખનો દિવસ દેખાયો. ૫૬

સુરો ભક્ત બોલ્યા પ્રભુ પાસે, આવી એકાદશી જો કરાશે;

કૈક હરિજનના જશે પ્રાણ, ત્યારે બોલિયા શ્યામ સુજાણ. ૫૭

નિરાહાર રહી ન શકાય, ફળાહાર તેણે તો કરાય;

સુરો ભક્ત કહે અહો સ્વામી, ફળાહારની દેશમાં ખામી. ૫૮

સુણિ બોલિયા હરિ ત્યારે, ફળાહાર મળે નહિ જ્યારે;

કામ કરનારે રહિ ન શકાય, એક વાર જમી વ્રત થાય. ૫૯

જુદો આપદકાળનો ધર્મ, તેનો શાસ્ત્રથી સમજવો મર્મ;

ભક્તિ કરવાને મનુષ્ય દેહ, રાખો આપદે સાચવી એહ. ૬૦

પૂર્વછાયો

આપદ દૈવી કે માનુષી, કાં તો કાયા વિષે રોગ થાય;

તેમાં રક્ષણ થાય તન તણું, એમ વર્તવું સૌએ સદાય. ૬૧

ચોપાઈ

પ્રભુએ એવો ઉપદેશ દીધો, સૌએ અંતરમાં ધરી લીધો;

ત્યાં તો પંચમી આવી વસંત, આવ્યા હરિજન સંત અનંત. ૬૨

કર્યો ઉત્સવ તે ભલી ભાતે, ચોર્યાં ચિત્ત તો જ્ઞાનની વાતે;

લીલા ઉચ્ચરતા રુડી પેર, સતસંગી ગયા સહુ ઘેર. ૬૩

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિજન થઈ એકઠા સમૈયે, ભજન કરે નિરખી પ્રસન્ન થૈયે;

નિરખિ નિરખિ કૃષ્ણનાં ચરિત્ર, પછિ વિચરે સ્મરતા લિલા વિચિત્ર. ૬૪

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

ઉત્તમનૃપવિવાહ-વર્ણનનામા પંચચત્વારિંશો વિશ્રામઃ ॥૪૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે