વિશ્રામ ૪૬
પૂર્વછાયો
પ્રભુ રહ્યા ગઢપુર વિષે, ત્યાં જ વિતી ગયો માઘ માસ;
ફાગણ ફૂલ્યો ફૂલડે, ફૂલ્યાં કેસુડાં બહુ ચહુ પાસ. ૧
ચોપાઈ
ભૂપ મછિયાવના બાપુભાઈ, તેની માતા તો ફૈબા મનાઈ;
પ્રભુને લખી મોકલ્યો પત્ર, કુલદોલ કરો આવી અત્ર. ૨
અમે સામાન કીધો તૈયાર, માટે વાર ન કરશો લગાર;
કંકોતરિના લખાવિને પત્ર, ત્યાંથી મોકલજો સર્વત્ર. ૩
એવો પત્ર લખાવીને પ્રીતે, લખી કંકોતરી રૂડી રીતે;
સૌને તેડાવિયા મછીયાવ, વળી દર્શનનો લેવા લાવ. ૪
સર્વે સંતોને શ્રીજીએ કહ્યું, ગામ લીંબડીએ જાઓ સહુ;
મછીયાવ સિધાવશું અમે, માટે આવજો ત્યાં સહુ તમે. ૫
એમ મોકલી સંતસમાજ, ગયા સારંગપુર મહારાજ;
ગયા ત્યાં થકી સુંદરિયાણે, ગયા ત્યાંથી શિયાળ તે ટાણે. ૬
પુત્ર મેઘજીના તેહ ઠામ, રહે માધુ ને જેસંઘ નામ;
ઉતર્યા પ્રભુ તેહને ઘેર, પોતે થાળ જમ્યા રુડી પેર. ૭
રહ્યા ત્યાં શ્રીહરિ એક રાત, કરી જ્ઞાન વૈરાગ્યની વાત;
બીજે દિવસ દુમાલીયે ગયા, ત્યાંના સત્સંગી સૌ રાજી થયા. ૮
એની સેવા કરી અંગીકાર, વિચર્યા મછિયાવ મુરાર;
બાપુભાઈએ સામૈયું કીધું, ઘણા સ્નેહથી સનમાન દીધું. ૯
વાજતે ગાજતે પધરાવ્યા, દરબારમાં એ રીતે આવ્યાં;
સારો આપીયો ત્યાં જ ઉતારો, તેમાં ઉતર્યા ધર્મદુલારો. ૧૦
પુષ્પદોલ તણો દિન આવ્યો, બહુ સારો હિંડોળો બંધાવ્યો;
હરિને હરિભક્ત ઝુલાવે, ગવૈયા સંત કીર્તન ગાવે. ૧૧
ભાત ભાતનો રંગ રચાવ્યો, મણ ઝાઝા ગુલાલ મંગાવ્યો;
પીચકારી લઈ જગદીશ, રંગ નાખે હરિજન શીશ. ૧૨
નાખે ફાંટ1 ભરીને ગુલાલ, થયાં અવનિ ને અંબર લાલ;
સંત હરિજન પણ મળી સંગ, નાખે શ્રીહરિ ઉપર રંગ. ૧૩
વાજે ઢોલ ત્રાંસાં શરણાઈ, બોલે કીર્તન ભાઈ ને બાઈ;
જન સર્વ સામું તેહ કાળે, કૃપાદૃષ્ટિયે કૃષ્ણ નિહાળે. ૧૪
ત્યાં તો થૈ જનની ભીડ ભારે, માગ ખાલી રહ્યો ન લગારે;
ત્યારે ચારણના ફળીયામાં, ગયા શ્રીહરિ તેહ સમામાં. ૧૫
સરોવરમાં કર્યું જઈ સ્નાન, આવ્યા દરબારમાં ભગવાન;
ત્યાં તો સ્થાપ્યા દામોદર દેવ, સભા રુડી સજી તતખેવ. ૧૬
બેઠા ચોતરા ઉપર જઈ, સભા ત્યાં તો સુશોભિત થઈ;
બેઠા સાધુ તથા બ્રહ્મચારી, બેઠા પાળા તથા ઘરબારી. ૧૭
ત્યાં તો સુરતનો સંઘ આવ્યો, તેણે પોશાક પ્રભુને ધરાવ્યો;
જરીયાનનાં વસ્ત્ર રુપાળાં, કડાં વેઢ હિરામોતીવાળાં. ૧૮
સ્વસ્થ થૈને બેઠા સઉ જ્યારે, થયો એક તમાસો તે વારે;
એક વાળંદ ગોવિંદ નામ, વેષ કાઢીને આવ્યો તે ઠામ. ૧૯
મોટાપંથીના2 વેરાગી જેવી, દીસે વેષ બરાબર એવો;
બેય કાનમાં મુદ્રાઓ લટકે, ટીલું ભાળીને ભેંસ તો ભડકે. ૨૦
ગરોડાના3 જેવી ટોપી માથે, રાખી રામકી બાળક સાથે;
બાવો એકલતારો4 બજાવે, રામકીને બાવો બેય ગાવે. ૨૧
એને આવતાં જોયાં જ જ્યારે, સર્વ સંત ઉઠી ગયા ત્યારે;
તેથી સંત અસંતની રીત, સમજુ જન સમજ્યા ખચીત. ૨૨
જેવી દિવસ ને રાતની પેર, તેવો સંત અસંતમાં ફેર;
સાચા સંત તજે ધન નારી, ખોટા સંત બને ઘરબારી. ૨૩
રામકી સાડી કાંચળી5 માગે, ન આપે તો ગાળો દેવા લાગે;
એવા ચાળા કરીને બતાવ્યા, હરિ ને હરિજનને હસાવ્યા. ૨૪
પછી હરિએ પ્રસાદી અપાવી, ગયાં લૈને તે બાવો ને બાવી;
દેખી સંત અસંતનો વેશ, દૈવી જીવે લીધો ઉપદેશ. ૨૫
જ્યારે બાવો ને બાવી સિધાવ્યાં, ત્યારે સંત સભામાંહિ આવ્યા;
બોલ્યા એવે સમે બહુનામી, સુણો માનુભાવાનંદ સ્વામી. ૨૬
જન દેશી વિદેશી હશે જો, તમે સંભાળ સર્વની લેજો;
ભૂખ્યાને તો અપાવજો અન્ન, ખૂટે ખરચી અપાવજો ધન. ૨૭
અહો શ્રીહરિ એવા દયાળું, બીજો બ્રહ્માંડમાં કોણ ભાળું;
પછી સંત ને હરિજન સંગે, પ્રભુ ત્યાંથી પધાર્યા ઉમંગે. ૨૮
ગામથી પશ્ચિમે છે તળાવ, દક્ષણાદી પાળે ગયા માવ;
કુવા કાંઠે મગાવીને રંગ, રમ્યા શ્રીહરિ સૌ જનસંગ. ૨૯
ઈંદ્ર આદિક જોવાને આવ્યા, સારાં પુષ્પે પ્રભુને વધાવ્યા;
ત્યાંથી જૈને તળાવમાં નાથે, જળક્રીડા કરી સખા સાથે. ૩૦
આસપાસ સખા સહુ નાય, તાળી પાડિને કીર્તન ગાય;
પછી નીસરીને નીર બહાર, કોરાં વસ્ત્ર ધર્યાં કરતાર. ૩૧
અશ્વે અસવાર થૈ મહારાજ, પેઠા પુર માંહિ સહિત સમાજ;
દેતાં દર્શન સર્વને ત્યાંય, બિરાજ્યા જઈ દરબારમાંય. ૩૨
પૂરવાભિમુખે છે ઓશરી, બેઠા ઢોલિયા ઉપર હરી;
બેઠા સંત ને હરિજન સહુ, સભા શોભિત થૈ તે તો બહુ. ૩૩
ભક્તિપુત્ર બોલ્યા ભગવંત, સુણો સૌ હરિભક્ત ને સંત;
મોક્ષ પામ્યાનાં ચાર નિદાન, ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન ૩૪
અહિંસા અને શુદ્ધ આહાર, જાણો ધર્મનો એક પ્રકાર;
પ્રભુ માહાત્મ્ય જ્ઞાન સહિત, પૂરો પ્રેમ તે ભક્તિની રીત. ૩૫
કૃષ્ણ વગર બીજે નહીં રાગ, જાણો તેનું જ નામ વૈરાગ;
જીવ ઈશ્વર માયાને જાણે, જાણો જ્ઞાન તો એ જ પ્રમાણે. ૩૬
સદા સ્મરણ રહે જેને મારું, તેને ઉત્તમ ભક્ત હું ધારું;
વસ્ત્ર ધોળાં કે ભગવાં જે ધારે, નથી એ થકી ઓછું વધારે. ૩૭
ગીતીછંદ
સૌને સરખા જાણું, ધોળાને વળી સુભેખ ભગવાને6;
પૂરણ પ્રેમે રીઝું, ભાખ્યું ભક્તીતનૂજ ભગવાને. ૩૮
શ્રી સ્વામીનારાયણ, આશ્રિત જનને અનેક વર દાતા;
અતિશય ઉદાર એવો, અખિલ જગતમાં નથી અવર દાતા. ૩૯
ચોપાઈ
વાલે વાતો કરી ઘણી વાર, ઉપદેશ દીધો બહુ સાર;
સૌના હૈયામાં હરખ વધાર્યા, પ્રભુજી પછી જમવા પધાર્યા. ૪૦
જમતાં જમતાં લાગે સ્વાદ, આપે હરિજનને તે પ્રસાદ;
જમી ઉઠી લીધો મુખવાસ, દેખીને હરખે હરિદાસ. ૪૧
પછી સંતની પંગત થઈ, પીરસે પ્રભુજી તહાં જઈ;
લૈને લાડુ જલેબીનાં નામ, વારે વારે ફરે ઘનશ્યામ. ૪૨
પીરશા પછી ધોઈને હાથ, ઢોલિયે બિરાજ્યા મુનિનાથ;
ગંગારામ આદિક મલ્લ જેહ, કચ્છવાસી તહાં આવ્યા તેહ. ૪૩
મલ્લે ખેલ કર્યો ચાહિ7 ચિત્ત, શ્રીજીએ શિખવી તેની રીત;
જોઈ રાજી થયા છે મુરારી, આપ્યાં અંગનાં વસ્ત્ર ઉતારી. ૪૪
એવી લીલા કરીને અપાર, કર્યો શ્રીજીએ જય જયકાર;
પછી ત્યાંથી વિદાય તે થયા, દદુકે થઈ ગઢપુર ગયા. ૪૫
પુષ્પિતાગ્રાવૃત્ત
સરસ કુસુમદોલનો સમૈયો, પુર મછિયાવ વિષે વિચિત્ર થૈયો;
મુનિજન મનમાં વિચારી લે છે, ગણિ ગણિ ધન્ય સુધ્યાનમાં ધરે છે. ૪૬
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
મછિયાવગ્રામે-પુષ્પદોલોત્સવનામ ષટ્ચત્વારિંશો વિશ્રામઃ ॥૪૬॥