કળશ ૭

વિશ્રામ ૪૭

પૂર્વછાયો

ગોવિંદજી ગઢપુર વિષે, રહી કરે ચરિત્ર વિચિત્ર;

જે સુણતાં જન સર્વનાં, તન ને મન થાય પવિત્ર. ૧

ચોપાઈ

બ્રહ્માનંદને એવે પ્રસંગે, મંદવાડ થયો કાંઈ અંગે;

થોડે થોડે કરજ વધે જેમ, મંદવાડ વધ્યો ઘણો તેમ. ૨

સુણે સંત કે હરિજન જેહ, આને દર્શન કરવાને એહ;

બહુ માંદા દેખી મુનિરાય, દીલમાં સહુ દિલગીર થાય. ૩

મુનિ સતસંગના થંભ જેવા, કવિ તો કોઈ દીસે ન એવા;

કોઈ દિવસ જો શ્રીજી રીસાય, પાસે કોઈ થકી ન જવાય. ૪

કવિતા મુનિબ્રહ્મ સુણાવે, ઉદાસી હોય તોય હસાવે;

રીસ તો ઝટ ઉતરી જાય, વાદળાં જેમ પવને વિખાય. ૫

કહે સૌ મુનિબ્રહ્મ જો જાશે, સતસંગની શી ગતી થાશે;

એવું ધારીને સર્વ સમાજ, કહે શ્રીજીને હે મહારાજ. ૬

મુનિનો મંદવાડ મટાડો, એને આ વખતે તો ઉઠાડો;

સુણી શ્રીહરિએ વાત કહી, એની આવરદા આવી રહી. ૭

કરીએ કદી કોટિ ઉપાય, તોય જીવતા તો ન રખાય;

આ છે પ્રારબ્ધને વશ દેહ, રહે આવરદા સુધી એહ. ૮

સંત હરિજન બોલિયા ત્યારે, કાળ કર્મ તો વશ છે તમારે;

તમે જેમ કરો તેમ થાય, અન્યથી ફેરવી ન શકાય. ૯

માટે બ્રહ્મમુનીને ઉગારો, અમે માનશું પાડ1 તમારો;

એવી બોલતાં ગદગદ વાણી, સૌની આંખમાં આવિયાં પાણી. ૧૦

ત્યારે બોલ્યા પ્રભુ સાક્ષાત, આપો આયુષ દિન સાત સાત;

તેથી જીવતા એને રખાય, નથી બીજો તો એકે ઉપાય. ૧૧

બોલ્યાં પ્રત્યેક નર અને નારી, આખી આવરદા આપું મારી;

આખા બ્રહ્માંડના પ્રાણ જાય, તોય સારું જો એને રખાય. ૧૨

કહે શ્રીજી બીજી તજી વાત, આપો આયુષ દિન સાત સાત;

નરનારી મળી એહ સ્થાન, હતાં જન ત્યાં છએં અનુમાન. ૧૩

સાત સાત દિવસ સૌએ દીધા, શ્રીજીએ મુનિને સાજા કીધા;

કહે કૃષ્ણ આ મુલક2 મોઝાર, મુનિ આ જીવશે વર્ષ બાર. ૧૪

સુણી સર્વે જનો રાજી થયાં, પગે લાગી પોતે ઘેર ગયાં;

એવો પ્રગટ પ્રભુનો પ્રતાપ, માપતાં તેનું થાય ન માપ. ૧૫

કહે વર્ણિ સુણો હે નરેશ, બ્રહ્માનંદની વાત વિશેષ;

કહું આજ હું પામી પ્રસંગ, આપ સાંભળો રાખી ઉમંગ. ૧૬

બ્રહ્માનંદ તણો એક ચેલો, ઉપદેશથી સાધુ થયેલો;

રહે તે તો બ્રહ્માનંદ પાસ, સજે સેવા ખરો થઈ દાસ. ૧૭

પણ તેનો વિચિત્ર સ્વભાવ, બીજા સાધુથી ન રહ્યો બનાવ;

તેથી મુક્તમુનિના મંડળમાં, તે તો જૈને રહ્યો એહ પળમાં. ૧૮

મુક્તાનંદે તો જાણીયું એમ, રાખવો તેહને જેમ તેમ;

નહીં રાખિએ તો અકળાશે, સતસંગમાંથી પડી જાશે. ૧૯

એમ જાણીને રાખીયો એને, આપી ધીરજ તે સમે તેને;

બ્રહ્માનંદે તે સાધુ બોલાવ્યો, પાસે રાખવા બહુ સમજાવ્યો. ૨૦

પણ તે તો થઈને ઉદાસ, રહ્યો જૈ મુનિ મુક્તની પાસ;

બ્રહ્માનંદને તો શંકા આવી, મુક્તાનંદે રાખ્યો ફોસલાવી. ૨૧

મુક્તાનંદનાં દર્શન કાજ, સાત દિન ન ગયા મુનિરાજ;

શ્રીજી આગળ જઈને તે સહી, વાત સર્વ રતનજીએ કહી. ૨૨

પછી સાંજે સભા થઈ જ્યારે, નિત્યાનંદ કથા કરે ત્યારે;

તેમાં પંચમ સ્કંધ વંચાય, જડભરતની આવી કથાય. ૨૩

સમાપ્તિ કથાની થઈ જ્યારે, ત્રિભુવનપતિ બોલીયા ત્યારે;

જડભરતજી વરતીયા જેમ, સાધુએ સદા વર્તવું તેમ. ૨૪

સાધુ રાખે ન રાગ કે દ્વેષ, નહીં મારું તારું લવલેશ;

અપમાનથી શોક ન થાય, કદી કોઈ સાથે ન રિસાય. ૨૫

બ્રહ્માનંદ સુણો રુડા સંત, તમે છો ભલા વૈરાગ્યવંત;

તમે કાવ્યકળા વિષે કાવ્યા, ઘણા ભૂપના શિરપાવ લાવ્યા. ૨૬

કૈક રાયે રાખવા માંડ્યા, પણ છેક તમે તેને છાંડ્યા;3

પછી આવ્યા આ પંચાળદેશ, અમારો સાંભળ્યો ઉપદેશ. ૨૭

ઉપજ્યો ઉર માંહિ વિરાગ, ત્યારે કીધો કુટુંબનો ત્યાગ;

તમે ત્યાગી થયા બડભાગી, તમ તુલ્ય છે કોણ વિરાગી? ૨૮

દીઠું અચરજ આજ વિશેષ, કર્યો માયાએ તમમાં પ્રવેશ;

મુક્તાનંદ સાથે મુનિરાયા, એક ચેલાને માટે રિસાયા. ૨૯

મુક્તાનંદ ગુરુ છે અમારા, ગુરુ જાણવા તે તો તમારા;

આજ સાત દિવસ ગયા વહી, તમે દર્શન પણ કર્યાં નહીં. ૩૦

ઓરડામાં હતાં મોટી બાય, બોલ્યાં ત્યાંથી અહો હરિરાય;

સાધુમાં પણ ચેલાને માટ, થાય છે આવિ તો ફૂટફાટ.4 ૩૧

પછી બ્રહ્મમુનિ બોલ્યા વાણી, કહું સાંભળો સારંગપાણી;

નથી મારો એમાં કાંઈ વાંક, હું તો છું સતસંગમાં રાંક. ૩૨

પણ માંદો થયો હતો જ્યારે, સૌએ આવરદા આપી ત્યારે;

કોઈ બાઈ હશે વઢકારી, ખરી હોય જેવી બલા ખારી. ૩૩

એની આયુષ્યના દિન સાત, આ મેં ભોગવિયા નરભ્રાત;

થયો બુદ્ધિમાં તેથી બગાડ, ઉપજ્યું ઈરષા તણું ઝાડ. ૩૪

એમ ઉચરીને ઉભા થઈ, મુનિ મુક્તની આગળ જઈ,

કર્યો પ્રેમથી દંડપ્રણામ, વળી વિનતી કરી એહ ઠામ. ૩૫

વૈતાલીય

મુનિબ્રહ્મ નમી નમી કહે, વળિ આંખે બહુ આંસુડાં વહે;

મુનિ મુક્ત મહાગુરુ તમે, મુનિ બીજા તવ શિષ્ય સૌ અમે. ૩૬

રહિએ નમતા ઉમંગમાં, પણ માયા પસરાઇ અંગમાં;

ઉપજ્યો અવગુણ એ થકી, ન નમ્યો હું તમને જ તે થકી. ૩૭

તજીને ઘરબાર આવિયો, નથી સાથે સુત શિષ્ય લાવિયો;

મૃગલું ભરતાખ્યનું ગયું, મુજ ચિત્તે પણ એ રિતે થયું. ૩૮

સહજે તરિ જાય સાગરે, પછી કાંઠે જઈને બુડી મરે;

તજી રાજ્ય વસે વને જઈ, પછી તૃષ્ણા ઉરમાં ઉદે થઈ. ૩૯

મુજનું મન એહવું થયું, નહીં જાણું નિજ જ્ઞાન ક્યાં ગયું;

અવગુણ લિધો જ આપનો, શિર લીધો બહુ બોજ પાપનો. ૪૦

ખરી તે ખળતા ક્ષમા કરો, દિનબંધૂ દિલમાં દયા ધરો;

મુજને નિજ દાસ જાણિને, મુનિ બોલો મુખ મિષ્ટ વાણિને. ૪૧

ઉચર્યા મુનિ મુક્ત એ સમે, નથી કાંઈ ઇરષા કરી તમે;

મુજને નથી દુઃખ લાગિયું, તમ સાથે નથી હેત ત્યાગિયું. ૪૨

મુનિનાં મન બેયનાં મળ્યાં, શુભ જેવાં પય શર્કરા ભળ્યાં;5

અતિ અંટસ6 સાધુ રાખશે, જીવ જાણો અસુરાંશ એ હશે. ૪૩

ચોપાઈ

બ્રહ્માનંદ તણી એહ વાત, સર્વ સંતમાં થઈ પ્રખ્યાત;

તેથી સૌએ શીખામણ લીધી, ટેવ ઈરષા તણી તજી દીધી. ૪૪

કદી ઈરષા જો ઉત્પન્ન થાય, જળમાં જેમ લીટી જણાય;

વળી વર્ણિ કહે સુણો રાય, કહું શ્રીહરિ કેરી કથાય. ૪૫

એક અવસરે સુંદર શ્યામ, રથજાત્રા કરી એહ ઠામ;

વરતાલ જવાનું વિચારી, ગયા સારંગપુર સુખકારી. ૪૬

જીવા ખાચર કેરે નિવાસ, મહારાજ રહ્યા એક માસ;

કરી લીલા અનેક પ્રકાર, જનને સુખ આપ્યું અપાર. ૪૭

ગયા શ્રીહરિ સુંદરિયાણે, એક રાત રહ્યા તે ઠેકાણે;

ગયા ધંધુકે ધર્મકુમાર, ત્યાંથી ખસતે ગયા સુખકાર. ૪૮

રહ્યા ત્યાં જઈને એક રાત, ગયા ગામ ખડોળ પ્રભાત;

જોઈ ત્યાંનું તળાવ વિશાળ, નાહ્યા તે વિષે ધર્મનો લાલ. ૪૯

ઝાડ છે ત્યાં તળાવની પાળે, કર્યો ઉતારો દીનદયાળે;

વર્ણિ વૈકુંઠાનંદ સ્વછંદ, બિજા વર્ણિ નારાયણાનંદ. ૫૦

ત્રીજા રાઘવાનંદજી હતા, સદા સેવા વિષે સજ્જ થતા;

એક વિપ્ર આવ્યો તેહ ઠામ, જાણો જેનું હરિભાઈ નામ. ૫૧

પગે લાગીને બેઠા સભામાં, વાત નીકળી એવા સમામાં;

સગા વૈકુઠાનંદના જાણ્યા, વળી સૌએ સ્વભાવે વખાણ્યા. ૫૨

સુણી શ્રીજી બોલ્યા તેહ સમે, કરો વિપ્ર રસોઈ તો તમે;

આજ ઇચ્છા થઈ છે અમારી, ખાવી બાટી કરેલી તમારી. ૫૩

પછી વિપ્રે તે બાટી બનાવી, કર્યું શાક વંતાક મગાવી;

જમ્યા શ્રીજી તથા બ્રહ્મચારી, કહ્યું થૈ છે રસોઈ તો સારી. ૫૪

વિપ્રની દૃઢતા જોવા નાથે, જમવાને માંડ્યું બેય હાથે;

ક્રિયા પ્રાકૃત7 દીઠી તે ઠાર, તોય સંશય ન થયો લગાર. ૫૫

થયા શ્રીપ્રભુ તેથી પ્રસન્ન, આપ્યું કલ્યાણકારી વચન;

પછી ચાલિયા સુંદર શ્યામ, પ્રભુજી ગયા પછિમ ગામ. ૫૬

મહારાજ રહ્યા કરી મેહેર, જયરાજ પટેલને ઘેર;

કમિયાળે ગયા કૃપાનાથ, ત્યાંથી બોરુ ગયા સહુ સાથ. ૫૭

પછી પરવર્યા પૂરણકામ, દેતા દર્શન તે ગામો ગામ;

ગલિયાણે ગયા ગિરધારી, ત્યાંથી સંજીવાડે સુખકારી. ૫૮

જગરૂપ બારોટને ઘેર, પ્રભુ રાત રહ્યા રુડી પેર;

ગયા સોજીતરાને પાદર, આવ્યાં દર્શને નારીયો નર. ૫૯

પાટીદાર ત્યાં ગોકળભાઈ, લખાભાઈ આવ્યા હરખાઈ;

તેણે પૂજા કરી સુપ્રકાર, કૃપાનાથે કરી અંગિકાર. ૬૦

ત્યાંથી વાલો આવ્યા વરતાલ, થયા નિરખીને ભક્તો નિહાલ;

નારાયણગર બાવાની મેડી, તહાં લઈ ગયા સૌ જન તેડી. ૬૧

કર્યો ત્યાં રૂડી રીતે ઉતારો, રીઝ્યા જોઈને ધર્મદુલારો;

પણ વાસણ સૂતાર વાસ, જમવા જતા શ્રી અવિનાશ. ૬૨

કૃષ્ણજન્માષ્ટમી દિન આવ્યો, ત્યારે સમૈયો સારો ભરાવ્યો;

ભલા સુરતના ભક્ત આવ્યા, તાવદાન8 ભલું ભેટ લાવ્યા. ૬૩

તેમાં બેસીને વિશ્વવિહારી, ચાલ્યા નાવા સજી અસવારી;

ધન્ય ધન્ય તે ધના તળાવ, નાયા જે વિષે નટવરનાવ. ૬૪

જળકેળી કરી સખા સંગે, કોરાં વસ્ત્ર ધર્યાં પછી અંગે;

ગામનું જે તળાવ ગણાય, તે તળાવથી ઈશાન માંય. ૬૫

આંબે હિંડોળો બાંધ્યો તે ઠામ, ઝૂલ્યા ત્યાં બેસી સુંદરશ્યામ;

હતો હિંડોળો નાનો હે ભૂપ, નાથે ત્યાં ધર્યું નાનું સ્વરૂપ. ૬૬

જોઈ જનમન વિસ્મિત થાય, જાણ્યો શ્રીહરિનો મહિમાય;

એવાં પાવનકારી પવિત્ર, કરે નાથ વિચિત્ર ચરિત્ર. ૬૭

પુષ્પિતાગ્રાવૃત્ત

ધરમતનુજનાં રુડાં ચરિત્ર, શ્રુતિ સુણતાં જન થાય છે પવિત્ર;

નિશદિન સુણવા ચહે અતંત,9 જન તન પામિ વિવેકી બુદ્ધિમંત. ૬૮

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિવૃત્તાલયે-કૃષ્ણ-જન્માષ્ટમીકરણનામ સપ્તચત્વારિંશો વિશ્રામઃ ॥૪૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે