વિશ્રામ ૪૮
પૂર્વછાયો
વર્ણિ કહે નૃપ સાંભળી, વરતાલમાં શ્રીવૃષનંદ;
ચરિત્ર જે અદભુત કર્યું, એહ ઉચ્ચરું ધરી આનંદ. ૧
ચોપાઈ
જ્ઞાનબાગમાં આમલો સારો, જોઈ સંતે કર્યો’તો ઉતારો;
તહાં હીંડોળો એક બંધાવ્યો, ભાળતાં ભક્ત સર્વને ભાવ્યો. ૨
સંતે વિનતિ કરી હરિ પાસ, અહો નાથ અજર અવિનાશ;
કૃષ્ણજન્મ સમો થાય જ્યારે, ત્યારે આવી અમારે ઉતારે. ૩
હીંડોળામાં ઝુલો હરિરાય, પુરો એવી અમારી ઇચ્છાય;
સુણી શ્રીહરિએ માની વાત, પછી જ્યારે ગઈ અર્ધરાત. ૪
જ્ઞાનબાગે આવ્યા ગિરધારી, ઝુલ્યા હીંડોળે વિશ્વવિહારી;
સૌએ હીંડોળામાં એક વાર, દીઠો અકળિત તેજઅંબાર. ૫
જાણે એ જ છે અક્ષરધામ, દેખે તે રીતે લોક તમામ;
તેજમાં દિસે મૂર્તિ અનૂપ, પુરુષોત્તમ પ્રગટ સ્વરૂપ. ૬
પુષ્પવૃષ્ટિ આકાશથી થાય, તે તો દૃષ્ટિયે સૌને દેખાય;
બ્રહ્માનંદ કહે મહારાજ, ક્યાંથી પુષ્પ પડે છે આ આજ. ૭
સુણી શ્યામ બોલ્યા તતખેવ, આજ દર્શને આવ્યા છે દેવ;
નભે રહી પુષ્પવૃષ્ટિ કરે છે, ક્ષિતિમાં1 તેહ પુષ્પ ખરે છે. ૮
એવું અદભુત જોઈ અપાર, થયાં વિસ્મિત સૌ નરનાર;
મહિમા મહારાજનો જાણ્યો, એ તો પ્રૌઢ પ્રતાપ પ્રમાણ્યો. ૯
પછી સંત હિંડોળાને ફરતા, ફર્યા ફેર તે ગર્બિ ઉચરતા;
રાસમંડળ સરસ જણાય, તેની શોભા ન વરણી શકાય. ૧૦
એમ ઉત્સવના દિન ગયા, ત્યારે સંઘ વિદાય તે થયા;
ભલો માસ ભાદરવો આવ્યો, ચંદ્ર હસ્ત નક્ષત્રે સુહાવ્યો. ૧૧
ઉપાકર્મ2 ક્રિયા કરવાને, શોધી એકાંત શ્રીભગવાને;
તેવું જાણિયું ધનાતળાવ, ગયા ત્યાં મનમોહન માવ. ૧૨
સારા ગોભિલસૂત્ર3 પ્રમાણે, ઉપાકર્મ કર્યું તેહ ટાણે;
ચોથને દિન પૂજ્યા ગણેશ, વેદમંત્ર ઉચારી વિશેષ. ૧૩
આવી ઝીલણી ત્યાં એકાદશી, વૃષનંદનને મન વશી;
સારી રીતે સજી અસવારી, ગયા ટાડણસર ગિરધારી. ૧૪
કર્યું મજ્જન તેમાં ઉમંગે, જળકેળી કરી સખા સંગે;
આવ્યો દસરા તણો દિન જ્યારે, સમી પૂજવા નીસર્યા ત્યારે. ૧૫
ભારે ભૂષણ ને વસ્ત્ર ધારી, સજી શોભે તેવી અસવારી;
ધારાળા સરવે ધીર વીર, આવ્યા ધારીને કામઠાં તીર. ૧૬
પછી આવિયા સર્વ પટેલ, ઘણા શોભિત ઘોડે ચડેલ;
કાઠીના અસવાર અપાર, તે તો દીસે સારા સરદાર. ૧૭
બામણોલી ને મહુડીયું પરું, નરસંડા વલાસણ ખરું;
એહ આદિક પાસેના ગામ, ત્યાંના આવિયા ભક્ત તમામ. ૧૮
જેવી ઇંદ્ર તણી અસવારી, શોભે શ્રીજીની તે થકી સારી;
છબિલા શિર છત્ર બિરાજે, વાજાં વિવિધ પ્રકારનાં વાજે. ૧૯
પ્રભુજી પાસે ચાલે છે પાળા, મહાશૂરા ભલા મતવાળા;
છડીદાર ખમા ખમા બોલે, શોભા દેખીને દીગપાળ ડોલે. ૨૦
ભલું ધારુ તળાવ જે ઠામ, આજ છે જેનું ગોમતી નામ;
હાલ છત્રી કરાવી છે જ્યાંય, શ્રીજી ને સંત જૈ બેઠા ત્યાંય. ૨૧
ખૂબ કાઠીએ ખેલાવ્યાં ઘોડાં, કોઈ એકલાં કોઈ સજોડાં;
જેમ વીજળી આવે ને જાય, ઘોડા દોડતાં એમ દેખાય. ૨૨
કોઈ અસ્વાર દોડે છે અળગા, કોઈ તો એક એકને વળગ્યા;
દડો ફુલનો નાખે અગાડી, દોડતે ઘોડે લે છે ઉપાડી. ૨૩
જેને ઉત્તમ અસવાર જાણે, વૃષનંદન તેને વખાણે;
થાય બંદુકના બહુ બહાર, છૂટે ટેટા4 હવાઈ અપાર. ૨૪
હતો ખીજડો ઉત્તરમાંય, પૂજવાને પ્રભૂ ગયા ત્યાંય;
ગોર ડાયા મેતા વનમાળી, તેણે પૂજા કરાવી રુપાળી. ૨૫
દ્વિજને દીધાં દક્ષિણાદાન, આવ્યા પ્રથમ સ્થળે ભગવાન;
હતા સંત ભણ્યા ગણ્યા જેહ, બોલ્યા શ્લોક નવા જોડી તેહ. ૨૬
શાસ્ત્રીયોએ ત્યાં ચર્ચા ચલાવી, સૂણી ભૂધરને મન ભાવી;
રાત થૈ પ્રગટાવી મશાલો, વળ્યા ગામ ભણી વૃષલાલો. ૨૭
શાર્દૂલવિક્રીડિત
અસ્વારી અવલોકવા બહુજનો એ સ્થાન આવી અડ્યા,
જગ્યા ત્યાં ન જડી ઘણા જન મળી પ્રત્યેક ઝાડે ચડ્યા;
સ્રષ્ટાના મનનો શું ગર્વ હરવા જાણે સ્વ ઇચ્છા ધરી,
માટે માણસ કેરિ કશ્યપમુની વૃક્ષેથિ સૃષ્ટી કરી. ૨૮
ચોપાઈ
આવ્યા ઉતારે નટવર નાથ, ભેટ્યા સૌને ભિડી ભિડી બાથ;
પુરવાસી ગયા નિજ ઘેર, થઈ આનંદની અતિ લહેર. ૨૯
ભક્ત બોલ્યા તખોપગી ત્યારે, આવો હે પ્રભુ ગામ અમારે;
કરો શરદપુનમ તહાં શ્યામ, ઇચ્છે જન બામણોલીના આમ. ૩૦
નવા પુંવા કર્યા છે તૈયાર, આવીને કરો તે અંગીકાર;
એવી વિનતિ સુણીને અતોલ, બહુનામી ગયા બામણોલ. ૩૧
હતો શરદપુનમ દિન સારો, કર્યો ખેતર માંહિ ઉતારો;
તખો બાદર જોરો ને બાજી, વનેસંગ થયા બહુ રાજી. ૩૨
ભલા ભક્ત અમરસિંહ એવા, મળી સૌએ સજી ભલી સેવા;
દૂધ સાકર ને પુંવા લાવ્યા, ધર્મનંદન પાસે ધરાવ્યા. ૩૩
ભગવંત જમ્યા જમ્યા સંત, જમ્યા પાર્ષદ આદિ અનંત;
પુંવા જેણે કરેલા તૈયાર, તેના પુણ્ય તણો નહિ પાર. ૩૪
ધન્ય ધન્ય તે બાઈયો ધર્મી, કહેવાય તે તો સતકર્મી;
તખાની નારી ઉજમ છેય, ફુલબા પ્રાણબા પુત્રી બેય. ૩૫
પુંવા તૈયાર તેણે કરેલા, સાચવી શુભ પાત્રે ધરેલા;
કોટિ બ્રહ્માંડના કરતાર, પુંવા તેણે કર્યા અંગિકાર. ૩૬
ગુણ વર્ણવે શારદા શેષ, મહિમાં શું વખાણું વિશેષ;
હતી રાયણ ખેતરમાંય, બાંધ્યો હિંડોળો સુંદર ત્યાંય. ૩૭
હેતે તેમાં ઝુલાવ્યા હરિને, ગાયાં કીર્તન સંતે ફરીને;
જળકુંડે શોભે શશી જેમ, શોભે સંતમાં શ્રીહરિ તેમ. ૩૮
એવી લીલા કરી વૃષલાલ, આવ્યા વળતે દિવસ વરતાલ;
આપે હરિજનને સુખ આપ, ક્યારે દેખાડે પ્રૌઢ પ્રતાપ. ૩૯
પાટીદાર વસે અહિ વાસ, દાસ કુબેર રણછોડદાસ;
એહ આદિક હરિજન જેહ, જમવાનું કહે આવી તેહ. ૪૦
તેને ઘેર જઈ ઘનશ્યામ, જમે સંત સહિત સુખધામ;
વાલે તે સર્વ સ્થળે વીચરી, જગ્યા સર્વ પ્રસાદીની કરી. ૪૧
ગોમતીને તટે જહાં આજ, શુભ બેઠક છે સુણ રાજ;
બહુ ત્યાં જઈ બેસતા સ્વામી, અક્ષરાતીત અંતરજામી. ૪૨
જ્ઞાનબાગમાં આમલો હતો, જોતાં સૌથી સરસ શોભતો;
શ્રીજી ત્યાં બેસતા ઘણી વાર, સજી સંત સભા સુખકાર. ૪૩
વરતાલમાં એમ વિચર્યા, આસપાસનાં ગામમાં ફર્યા;
કરી એમ આનંદકિલ્લોલ, ગિરધારી ગયા ગામ જોળ. ૪૪
વાલો ત્યાંથી વલાસણ ગયા, નિજદાસ ઉપર કરી દયા;
રઘાભાઈ રહે તેહ ઠામ, તથા બારોટ રાઈજી નામ. ૪૫
બીજા ત્રીકમ ને ત્રીજા વજો, તેણે અધરમનો સર્ગ તજ્યો;
સૌએ સેવા કરી સુપ્રકાર, કૃપાનાથે કરી અંગિકાર. ૪૬
વાલોજી બોચાસણે વિચર્યા, કાશીદાસ ને ઘેર ઉતર્યા;
રહ્યા ત્યાં શ્રીહરિ બેય રાત, પછી ઉઠીને ચાલ્યા પ્રભાત. ૪૭
ધરમજ અને વડદલા ગામ, બેનો સીમાડો છે જેહ ઠામ;
તહાં એક તળાવડી ભાળી, એનું નામ કહે છે અંબાળી. ૪૮
તેની પાસે જ ખેતરમાંય, હતી રાયણ ને કોઠી ત્યાંય;
ઉતર્યા પ્રભુજી એહ સ્થાન, કર્યું નિર્મળ જળમાં સ્નાન. ૪૯
પેંડા બરફી જમ્યા ભગવંત, જમ્યા મોતીયા કાઠી ને સંત;
ખેત્રનો ધણી ભૂખણદાસ, પગે લાગ્યો આવી પ્રભુ પાસ. ૫૦
તેને તાણ કરી તેહ કાળે, પ્રસાદી આપી પરમ કૃપાળે;
પછી ઘોડીએ થઈ અસવાર, વિચર્યા ત્યાંથી વિશ્વઆધાર. ૫૧
વાટે આવિયું વડદલા ગામ, જોયું નાથે તળાવ તે ઠામ;
ત્યાંથી માણજ થૈ અવિનાશ, ગયા રામોલડી ગામ પાસ. ૫૨
કુવે જઈ ઘોડીને જળ પાઈ, તહાં ઉભા રહ્યા સુખદાઈ;
કરણો ગઢવી ગામમાંય, રહેતા તે આવી ચડ્યા ત્યાંય. ૫૩
તેણે શ્રીજીને ઓળખ્યા નહીં, ઘોડી શ્રીજીની ઓળખી સહી;
જાણ્યું આ કાઠિયાવાડવાસી, ઘોડી ચોરીને જાય છે નાશી. ૫૪
ઉચર્યા ગઢવી આંખ તાણી, કહો ક્યાંથી ઘોડી તમે આણી;
સુણી બોલિયા શ્રીગિરધારી, એ તો ઘરની છે ઘોડી અમારી. ૫૫
કહે ગઢવી તે જુઠી કહી છે, એ તો સ્વામિનારાયણની છે;
કહે શ્રીજી જૂઠા નથી અમે, કહો શી રીતે ઓળખી તમે? ૫૬
ત્યારે ગઢવી બોલ્યા તતકાળ, નરસંડે છે મારું મોસાળ;
ત્યાંથી વરતાલ હું એક વારે, ગયો દર્શન કરવાને જ્યારે. ૫૭
ત્યારે આ ઘોડીએ ચઢી એહ, સ્વામિ નાવા જતા હતા તેહ;
છત્ર ચામર ને છડીદાર, દીઠી સાહેબી અપરમપાર. ૫૮
તેની ઘોડી ચોરી લાવ્યા તમે, કેમ લૈ જવાને દેશું અમે?
એવી રગજગ થાય છે જ્યાંય, એક આવિયો અસવાર ત્યાંય. ૫૯
ગઢવીને તે એમ કહે છે, આપે સ્વામિનારાયણ એ છે;
ત્યારે ઝાંખા પડ્યા તેહ ઠામ, પ્રભુને કર્યા દંડપ્રણામ. ૬૦
કરી વિનતિ જોડી જુગ હાથ, તમને મેં ન ઓળખ્યા નાથ;
અતિ દુસ્તર છે તવ માયા, ભવ બ્રહ્મા જેવા ભરમાયા. ૬૧
ત્યારે માણસ તે કોણ માત્ર, જે છે અલ્પમતિ તણું પાત્ર;
એવી વિનતિ સુણી ભગવાન, તેને આપ્યું અભય વરદાન. ૬૨
કૃષ્ણ ત્યાંથી ચાલ્યા તેહ કાળે, ગયા સાંસદ થૈ ઉંટવાળે;
ગામ બુધેજમાં પ્રભુ ગયા, ખોડાભાઈ ભુવન રાત રહ્યા. ૬૩
ગયા ગુડેલ ગામ સુપેર, રહ્યા ત્યાં જીજીભાઈને ઘેર;
ગયા પિપળીએ હરિરાય, દાદાભાઈના દરબારમાંય. ૬૪
ગયા ધોલેરે અક્ષરધામી, ત્યાંથી નાવડે અંતરજામી;
હીરાભાઈને ઘેર શ્રીહરિ, એક રાત રહ્યા દયા કરી. ૬૫
પછી ઉઠીને પ્રાતકાળે, બહુનામી ગયા બરવાળે;
વીરા ભૂતા વણિકને વાસ, ઉતર્યા જઈને અવિનાશ. ૬૬
શીરો પુરી ને દહીં તણો થાળ, તેને ઘેર જમ્યા જનપાળ;
ગામના હરિજન સહુ આવ્યા, લાડુ મોતીયા ગાંઠિયા લાવ્યા. ૬૭
સંત પાર્ષદને તે જમાડ્યા, એમ સૌને સંતોષ પમાડ્યા;
કારિયાણિએ ત્યાં થકી ગયા, ત્યાંથી ગઢપુરમાં જઈ રહ્યા. ૬૮
પુષ્પિતાગ્રાવૃત્ત
નિજજન હિત કાજ સચ્ચરિત્ર, વસિ વરતાલ કર્યાં ઘણાં વિચિત્ર:
બહુ સ્થળ વિચર્યા સ્વભક્ત સારુ, ભગવત તેહ કરો ભલું અમારું. ૬૯
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિવૃત્તાલયાદિ-વિચરણનામ અષ્ટચત્વારિંશો વિશ્રામઃ ॥૪૮॥