કળશ ૭

વિશ્રામ ૪૯

પૂર્વછાયો

નિત્ય લલિત લીલા કરે, રહી દુર્ગપુરમાં દયાળ;

દીપોત્સવી અન્નકૂટનો, કર્યો ઉત્સવ અધિક વિશાળ. ૧

આવી એવામાં પ્રબોધિની, થયો સમૈયો પણ બહુ સાર;

હરિજન દેશોદેશથી, મળી આવ્યા હજારોહજાર. ૨

નદીયો ચારે તરફથી, આવી સાગરમાં મળે જેમ;

દશે દિશાથી સંઘ બહુ, આવે દુર્ગપુરીમાં તેમ. ૩

સંત મહાંત મળ્યા ઘણા, કથા કીર્તન નિત્યે થાય;

જોતાં દુરગપુર તે સમે, નૈમિષારણ્ય ક્ષેત્ર જણાય. ૪

સંત આવ્યા ધર્મપુર થકી, કહી કુશળકુંવર્યની વાત;

ઇચ્છા રાખે છે અતિ ઘણી, પ્રભુ દર્શનની સાક્ષાત. ૫

સમો સમૈયાનો ગયો, સહુ દાસ ગયા નિજ દેશ;

સંતમંડળ ફરવા ગયાં, દેવા દૈવીને શુભ ઉપદેશ. ૬

ચોપાઈ

ઉચર્યા અભેસિંહ ભૂપાળ, અહો વર્ણિજી દીનદયાળ;

ધર્મપુરના રાજા તણી રાણી, બાઈ કુશળકુંવર બહુ શાણી. ૭

તેને કેમ થયો સતસંગ, કહો એહ કથાનો પ્રસંગ;

સુણી વર્ણિ કહે સુણો રાય, કહું કુશળકુંવરની કથાય. ૮

જ્યારે હરિએ લીધો અવતાર, ત્યારે અવતર્યા મુક્ત અપાર;

રમા રાધા જેવી કોઈ શક્તિ, જન્મી ભૂતળ કરવાને ભક્તિ. ૯

પેટલાદ પાસે એક ગામ, જેનું ધર્મજ એવું છે નામ;

રહે ત્યાં મહીડા રજપુત, કેસરીસિંહ ગુણ અદ્‌ભુત. ૧૦

તેનો ઉમેદસિંહ કુમાર, ક્ષત્રિ ધર્મ તણો ધરનાર;

તથા પુત્રી પ્રગટ થઈ જેહ, નામ કુશળકુંવર ધર્યું તેહ. ૧૧

શિશુપણથી જ ધર્મ આચરતી, ભગવાનનું ભજન તે કરતી;

ધર્મપુરનો ધરાપતિ1 જેહ, સોમદેવ નામે શુભ તેહ. ૧૨

સૂર્યવંશી શિશોદિયા જાતે, કશી ખામી નહીં કોઈ વાતે;

તેની સાથે તેને પરણાવ્યાં, સારો દાયજો2 દૈને વળાવ્યાં. ૧૩

રૂપદેવજી નામે કુમાર, પ્રગટ્યો તેને પેટ ઉદાર;

વજ્રદેવ કુંવર થયા તેના, જશ ખૂબ પ્રસિદ્ધ છે જેના. ૧૪

તેનો તાત ને તાતનો તાત, વસ્યા સ્વર્ગમાં જૈને વિખ્યાત;

ત્યારે કુશળકુંવરે વિચારી, વજ્રદેવને પાટે બેસારી. ૧૫

જેમ રાજ્યને આંચ ન આવે, બાઈ એ રીતે રાજ ચલાવે;

તેને પૂર્વ તણું થવા જ્ઞાન, ઇછ્યા એક સમે ભગવાન. ૧૬

સાધુ પરમચૈતન્યાનંદ, તેને આગન્યા કરી ગોવિંદ;

ધર્મપુરમાં તમે તો સિધાવો, દૈવીને સતસંગ કરાવો. ૧૭

રહેજો તહાં ચાતુર માસ, કરજો મુજ જ્ઞાનપ્રકાશ;

સુણી એવું બોલ્યા તેહ સંત, ભક્તિપુત્ર સુણો ભગવંત. ૧૮

નથી સંસ્કૃત હું ભણ્યો કાંઈ, નથી વક્તાપણું મુજમાંઈ;

નવ જાણું શ્રુતિસ્મૃતિ લેશ, કરી કેમ શકું ઉપદેશ? ૧૯

મતવાદી વદે વાદ આવી, તેને કેમ શકે સમજાવી?

સુણી બોલિયા શ્રીભગવંત, કહું તે તમે સાંભળો સંત. ૨૦

ઉપજાતિ (સંતનો ધર્મ જોઈને સત્સંગ થાય છે તે વિષે)

સદ્ધર્મવાળા શુભ હોય સંત, એનાથિ સત્સંગ વધે અનંત,

ભલે ભણ્યા કે ન ભણેલ હોય, તેના થકી થાય સમાસ તોય. ૨૧

સંન્યાસિ શાસ્ત્રો બહુધા ભણે છે, તે ગામ ગામે રખડે ઘણે છે;

ભલે ભલા પંડિત તે ગણાય, વધે ન તેના થકિ સંપ્રદાય. ૨૨

શૈવી તથા વૈષ્ણવ જૈનવાદી, કુરાનવાદી વળિ પાર્શિકાદી;3

તે સાધુના ધર્મ નિહાળિ સારા, થયા ઘણા આશ્રિત છે અમારા. ૨૩

જો વારતા કાંઈ નહીં કરાશે, વૃત્તાંત જોઈ જન શિષ્ય થાશે;

ક્યાં સૂર્ય કાંઈ ઉપદેશ દે છે, તથાપિ તેના ગુણને નમે છે. ૨૪

સભા જીતે શાસ્ત્ર સમસ્ત જાણી, વદે સુસાહિત્ય સમેત વાણી;

ધર્મપ્રવૃત્તિ નહિ તેથિ થાય, વાચાળ તે વિશ્વ વિષે ગણાય. ૨૫

સાધૂ વિષે ધર્મ જણાય સારો, ત્યાં સૂધી સત્સંગ ઘણો થનારો;

શિથીલતા ધર્મ વિશે જણાશે, સત્સંગની વૃદ્ધિ પછી ન થાશે. ૨૬

સદ્ધર્મથી જીત સદૈવ થાય, એવો નથી સત્ય બિજો ઉપાય;

કરે કુસંગી ઇરષા અપાર, તથાપિ પામે સહુ તેહ હાર. ૨૭

શૂરા જિતે શસ્ત્ર વડે સદાય, વિદ્યા વડે વિપ્ર જિતે સભાય;

સેના વડે રાય જિતે દિગંત, સદ્ધર્મથી વિશ્વ જિતે સુસંત. ૨૮

પાખંડિ જે સંત થઈ ફરે છે, ક્રિયા અતી તે ઉલટી કરે છે;

જે કોઈ આપે જમવા સુઅન્ન, વેચે વધે તે ખલ સાધુજન્ન. ૨૯

ચોપાઈ

એવો હોય અધરમિ જેહ, તમ સાથે ન રાખશો તેહ;

સુણી પરમચૈતન્યાનંદ, પામ્યા અંતર માંહિ આનંદ. ૩૦

સ્નેહે પ્રભુપદ નામીને શીર, ગયા ધર્મપુરે ધરી ધીર;

રહ્યા ત્યાં જઈ ચાતુર માસ, કર્યો ઉદ્ધવમતનો પ્રકાશ. ૩૧

તેનો દેખીને ત્યાગ વૈરાગ, આવે દર્શને લોક અથાગ;

થયો ત્યાં સતસંગનો વ્યાપ, તે તો પ્રગટ પ્રભુનો પ્રતાપ. ૩૨

વિજેદેવજી રાજકુમાર, તહાં આવી ચઢ્યા એક વાર;

તેની ઉંમર તો હતી છોટી, પણ બુદ્ધિ તો મોટાથી મોટી. ૩૩

સાધુતા જોઈને નામ્યું શીશ, કહ્યું કોણ તમે છો મુનીશ?

કેના છો શિષ્ય ઉત્તમ એવા, કેટલા છે બીજા તમ જેવા? ૩૪

નવ લોભાય સ્ત્રીધન માંહી, એવા આજ દીઠા નથી ક્યાંહી;

તમે છો શુક કે સનકાદી, વાણી સત્ય વદી બ્રહ્મવાદી. ૩૫

સુણી સંતે કર્યો ત્યાં ઉચ્ચાર, થયો છે હરિનો અવતાર;

દુર્ગપુરમાં કર્યો છે નિવાસ, કરે છે વેદધર્મ પ્રકાશ. ૩૬

તેની સેવામાં પાંચસેં સંત, ત્યાગ વૈરાગ્યવાળા અત્યંત;

હું તો છું તેના દાસનો દાસ, મને મોકલ્યો છે તમ પાસ. ૩૭

તેના પ્રૌઢ પ્રતાપની વાત, આવ્યો છું કરવાને વિખ્યાત;

કહી એમ ઘણી વાત કરી, કુંવરે સુણી અંતરે ધરી. ૩૮

બાઈ કુશળકુંવર મોટી માય, તેને જૈ કહી સર્વ કથાય;

સુણતાં જ સ્મરણ તેને થયું, હતું અજ્ઞાન તે સર્વ ગયું. ૩૯

મહારાજની મૂર્તિ દેખાણી, કર્યું વંદન ઉત્સાહ આણી;

થયાં ભક્ત અનન્ય તે એવાં, લલિતા ને જયાબાઈ જેવાં. ૪૦

સારી ડાંગર ફોલીને પંડે, ઘણા કાઢિને ચોખા અખંડે;

મોકલે મહારાજને કાજે, ગાતાં કીર્તન કાંઈ ન લાજે. ૪૧

કરી શ્રીજીને તેડાવા આશ, પત્ર મોકલ્યો શ્રીપ્રભુ પાસ;

લૈને સેવક ગઢપુર આવ્યો, પત્ર શ્રીપ્રભુ પાસ ધરાવ્યો. ૪૨

વાંચી વાલાએ કીધો વિચાર, જાવું ધર્મપુરે નિરધાર;

પણ જો કહું વાત પ્રકાશી, જવા દે ન દુરગપુર વાસી. ૪૩

પત્ર લાવ્યો હતો જેહ જન, કહ્યાં શ્રીજીએ તેને વચન;

બાઈને તમે જઈને કહેજો, સદા આનંદ માંહિ રહેજો. ૪૪

અમે આવશું સંત સહિત, ખરી માનજો વાત ખચિત;

એવાં વેણ કહી સુખદાય, રાત રાખીને કીધો વિદાય. ૪૫

તે પછી રહ્યા ચાતુરમાસ, અન્નકૂટ કર્યો અવિનાશ;

વળી કાર્તિકી પૂનમ કરી, ધાર્યું ધર્મપુરે જવા હરિ. ૪૬

કહ્યું શ્રીજીએ સર્વને ત્યારે, વરતાલ જવું છે અમારે;

જઈ આવશું વેલેરા અમે, દીલે થાશો ઉદાસી ન તમે. ૪૭

કૃષ્ણ આજ્ઞાથી કરીમભાઈ, વેલ્ય જોડી લાવ્યા સુખદાઈ;

થોડા સંત ને પાર્ષદ સાથ, લઈ ચાલિયા નટવરનાથ. ૪૮

ગયા સુખપર થૈ કારિયાણી, રહ્યા રોઝકે સારંગપાણી;

રહ્યા બૂધેજમાં હરિરાય, ખોડાભાઈના ખેતરમાંય. ૪૯

કર્યો ત્યાં બ્રહ્મચારીએ થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ;

રહી રાત ચાલ્યા વૃષલાલ, વાલો ત્યાંથી આવ્યા વરતાલ. ૫૦

પગી જોબનની મેડી સારી, ઉતર્યા તહાં ગિરિવરધારી;

દુર્ગપુરના નિવાસીનો સ્નેહ, જાણ્યું જોઉં જે કેવો છે તેહ. ૫૧

ધાર્યો કરવાને ગુપ્ત નિવાસ, વરતાલમાં શ્રીઅવિનાશ;

રમાનાથનું4 છે આજ ધામ, હતી પર્ણકુટી તેહ ઠામ. ૫૨

રહેતા ભાઈ ત્યાં રામદાસ, પ્રભુએ કહ્યું તેહની પાસ;

મારે ગુપ્ત રહેવું છે ભ્રાત, કહેશો નહીં કોઈને વાત. ૫૩

અવિનાશી રહ્યા તહાં એમ, ઘણા લોક જાણે નહિ જેમ;

ઇંટોલાના પટેલ તે ઠામ, આવ્યા નારણભાઈ જે નામ. ૫૪

શ્રીજીને કાજે કરવાને શાક, લાવ્યા ગલકાં તથા વંતાક;

ગયા જોબનભાઈને ત્યાંય, પુછ્યું શ્રીજી બિરાજે છે ક્યાંય? ૫૫

મને દર્શન તેનાં કરાવો, તમે જૈ પ્રભુને પુછી આવો;

કહ્યાં જોબને જૈને વચન, ત્યારે નાથે દીધાં દરશન. ૫૬

શાક ભેટ કર્યું તેહ ઠામ, પ્રભુને કર્યા દંડપ્રણામ;

રાજી થૈને બોલ્યા જગતાત, ગુપ્ત રાખજો આ બધી વાત. ૫૭

એમ વીતી ગયો એક માસ, થયાં ગઢપુરવાસી ઉદાસ;

કેમ આવ્યા નહીં હજી નાથ, શું તે રિસાયા આપણી સાથ? ૫૮

ગયા વાસર વીતી અનેક, પણ પત્ર ન આવિયો એક;

રહે છે ક્યાં તે ધર્મકુમાર, નથી આવતા તે સમાચાર. ૫૯

બોલ્યા ઉત્તમ ત્યાં તજી ધીર, એવો છે કોઈએ શૂરવીર;

દેશ ને પરદેશ સિધાવે, જઈ શ્રીહરિની સુધ5 લાવે. ૬૦

બહુ બેઠા હતા તેહ ઠામ, પણ કોઈએ ઘાલી ન હામ;

નાજો જોગિયો ત્યાં ઉભા થઈ, હાકી6 બોલ્યા મુછે હાથ દઈ. ૬૧

ઉપજાતિ (અથ વીરરસવર્ણન)

આજ્ઞા કરો તો ઝટ હું સિધાવું, શ્રીજી તણી નિશ્ચય સૂધ લાવું;

સમસ્ત ભૂમંડળ શોધિ વાળું, આકાશ પાતાળ નકી નિહાળું. ૬૨

જો કોઈ ઐરાવણ દુષ્ટ જેવો, હરી ગયો હોય કુપાત્ર એવો;

તો તેહને મારિ પ્રભૂજિ લાવું, તો ક્ષત્રિનો પુત્ર ખરો કહાવું. ૬૩

વૈરાટમાં પાંડુતનૂજ જેમ, રહ્યા હતા જો હરિ હોય તેમ;

તો ત્યાં રહું કિંકર કોઈ પાસ, શ્રીજી તણી ગુપ્ત કરૂં તપાસ. ૬૪

જો કોઈ મોટા વનમાં જઈને, બેઠા હશે વેષ બિજો લઈને;

તો જોગિ થૈને સ્થળ તેહ જાઊં, તો જોગિયો સત્ય સદા ગણાઉં. ૬૫

જો તે વિશાળા બદરી સમીપે, રહ્યા હશે કે કદિ શ્વેતદ્વીપે;

તો ત્યાં જઈ તર્ત તપાસ લાવું, ઠાલો ફરી દુર્ગપુરે ન આવું. ૬૬

ગયા હશે અક્ષરધામમાંય, કરી સમાધી પણ જાઉં ત્યાંય;

આ સર્વેનું કષ્ટ જઈ સુણાવું,તે ધામમાંથી અહિં તેડિ લાવું. ૬૭

પુષ્પિતાગ્રાવૃત્ત

અભયતનુજ સાંભળી સુવાણી, દૃઢ શુરવીરપણાનિ સત્ય જાણી;

સુવચન કહિને કહ્યું સિધાવો, પ્રિયજન પ્રાણપતીનિ સુદ્ધિ લાવો. ૬૮

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિવૃત્તાલયે-ગુપ્તસ્થિતિકરણનામૈકોનપંચાશત્તમો વિશ્રામઃ ॥૪૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે