કળશ ૭

વિશ્રામ ૫

પૂર્વછાયો

વેલાલના સતસંગિએ, સામા આવી કર્યું સનમાન;

વાજિંત્ર વાજતે ગાજતે, પધાર્યા પુરમાં ભગવાન. ૧

ચોપાઈ

જેસંગભાઈની ખડકીને માળે, કર્યો ઉતારો જનપ્રતિપાળે;

ત્યાંથી સળકીયે જૈ શુભ પેર, રહ્યા પગી દયાળજી ઘેર. ૨

તહાં વિપ્રની ચોરાશી કરવા, સીધું સામાન માંડ્યો સંઘરવા;

સંત મંડળ ત્યાં સહુ આવ્યાં, ભાળી ભૂધરને મન ભાવ્યા. ૩

વિપ્ર નાંદોલ ગામના જેહ, એટલા પ્રાંતમાં મુખ્ય એહ;

તેને એમ કહાવ્યું શ્રીહરિયે, તમે આવો તો ચોરાશી કરિયે. ૪

બોલ્યા નાંદોલના વિપ્ર ત્યારે, નાતમાં છે લડાઈ અમારે;

માટે હમણાં વરા નથી થાતા, ક્યાંઈ જમવા અમે નથી જાતા. ૫

આવ્યા દર્શને કોળિ ઠાકરડા, ઘણા બાળ જુવાન ને ઘરડા;

સૌને ભોજન કૃષ્ણે કરાવ્યાં, મદ્ય માંસનાં નિયમ ધરાવ્યાં. ૬

જમ્યા નૈષ્ઠિક સાધુ ને પાળા, દાળ ભાત ને લાડુ રસાળા;

ખારી નદિયે નાવા ગયા નાથ, પગી દયાળ કહે જોડી હાથ. ૭

આમાં રહેતું નથી હરિ નીર, તેથી થાય છે લોક અધીર;

કહે કૃષ્ણ હવે નીર વહેશે, અને ઈશ્વર ઇચ્છાથી રહેશે. ૮

સુણો ભૂપ કહે બ્રહ્મચારી, આજ સુધી વહે છે તે વારી;

પછી સંતોને મોકલ્યા ફરવા, ગામોગામમાં ઉપદેશ કરવા. ૯

પ્રભુજી ચાલ્યા પશ્ચિમ દેશ, વાટે ગામમાં કરતા પ્રવેશ;

વિચર્યા સળકીથી વેલાળ, કણભે ગયા ત્યાંથી કૃપાળ. ૧૦

રહ્યા જેતલપુર જઈ રાત, ગયા ગામ વસઈ પ્રભાત;

ધોળકે જઈ ધર્મકુમાર, રાતવાસો રહ્યા એહ ઠાર. ૧૧

ગયા કોઠ્યે તે કરતાં કલ્લોલ, રાત તો રહ્યા જૈને બળોલ;

ત્યાંથી લીંબડિયે ગયા નાથ, ત્યાંથી ચૂડે ગયા સહુ સાથ. ૧૨

ભેંસજાળ ગયા ભગવાન, ત્યાંથી નાગડકે સુખદાન;

લોયે થૈ પછી બોટાદ ગયા, ત્યાંથી સારંગપુર જઈ રહ્યા. ૧૩

જીવા ખાચરને દરબાર, ઉતર્યા પ્રભુ પ્રાણ આધાર;

ફૂલડોળનો ઉત્સવ આવ્યો, તે તો શ્રીહરિને મન ભાવ્યો. ૧૪

જીવા ખાચરને કહે હરી, લખો સર્વ સ્થળે કંકોતરી;

દેશોદેશના સંઘ તેડાવો, સંતમંડળ સૌને બોલાવો. ૧૫

ભારે ઉત્સવ કરવો છે એવો, મુનિજન ધરે ધ્યાનમાં તેવો;

પછી ત્યાં કામદાર1 બોલાવી, કંકોતરીયો લખી મોકલાવી. ૧૬

ભારે સંઘ ઘણા ઘણા આવ્યા, જનો ભેટ ભલી ભલી લાવ્યા;

ભાતભાતનો રંગ કરાવ્યો, મણ ઝાઝા ગુલાલ મગાવ્યો. ૧૭

બેય બાજુયે મોટાં મેદાન, વચ્ચે વંડી હતી તેહ સ્થાન;

તેના ઉપર ઢાળ્યો પલંગ, બેઠા તે પર શ્યામ શ્રીરંગ. ૧૮

ફળી માતરા ધાધલ કેરું, એક બાજુયે શોભે ઘણેરું;

જીવા ખાચરનું ફળી જે છે, બીજી બાજુએ સારું શોભે છે. ૧૯

એક ફળિયા વિષે સર્વ ભાઈ, બીજા ફળિયા વિષે બધી બાઈ;

માંહોમાંહી છાંટે બહુ રંગ, અતિ રંગથી ભીંજાય અંગ. ૨૦

સંત પાર્ષદ પણ સામસામા, રમે રંગથી એહ સમામાં;

ખોબે ખોબે ગુલાલ ઉડાવે, પૃથ્વી આકાશ નજરે ન આવે. ૨૧

વાજે વિધવિધ વાજાં અપાર, બોલે જન સઉ જયજયકાર;

સૌ શ્રીહરિ પર રંગ નાખે, છબિ નિરખે તે પોતાની આંખે. ૨૨

એક બાઈ ઉનો રંગ લાવી, રેડ્યો શ્રીહરિ ઉપર આવી;

સર્વ પુરુષ હતા જેહ પાસ, ઉતરી પડ્યા ત્યાં અવિનાશ. ૨૩

ભક્ત સર્વ ખમા ખમા કહે, અતિ પ્રેમીને ભાન ન રહે;

પછી એમ બોલ્યા મહારાજ, નદીયે ચાલો નાવાને કાજ. ૨૪

થયા માણકીયે અસવાર, છડીદાર બોલે જયકાર;

સંત હરિજન કીર્તન ગાય, તેની શોભા વરણવી ન જાય. ૨૫

ઝાળિયે ધરે નાવા પધાર્યા, પુર જનના ઉમંગ વધાર્યા;

જળક્રીડા સખા સંગે કરી, દેવો દેખે આકાશમાં ઠરી. ૨૬

નાઈને નીસર્યા સઉ સાથે, કોરાં વસ્ત્ર ધર્યાં મુનિનાથે;

આઘે નાતી જે બાઈ અનેક, આવી દોડતી એમાંથી એક. ૨૭

ભરી લાવી ઘડો જળ જેહ, રેડ્યો શ્રીહરી ઉપર તેહ;

ત્યારે ઉચ્ચર્યા શ્રીહરિ એમ, જુઓ પ્રેમીનો ગાંડો આ પ્રેમ. ૨૮

પછી માણકીયે ચડી માવ, ચાલ્યા ગામમાં નટવર નાવ;

સંત હરિજન કીર્તન ગાય, વાજાં બાજે ને ઉત્સવ થાય. ૨૯

પેઠા ગામમાં ગિરિધર જ્યારે, એક કૌતુક ત્યાં થયું ત્યારે;

એક ઝાંપડી2 જાતીતી વાટે, ભારી કાષ્ઠની વેચવા માટે. ૩૦

તેણે જોયા જગત કરતાર, દીઠો તેનો ત્યાં તો અંબાર;

તેથી તેને સમાધિ ત્યાં થઈ, પૃથ્વી ઉપર તે પડી ગઈ. ૩૧

જ્યારે ગઈ અસવારી તે આઘી, ત્યારે તે સમાધિમાંથી જાગી;

લોકો પૂછવા લાગિયા જ્યારે, વાત અક્ષરની કહી ત્યારે. ૩૨

જનઠાઠ3 મળ્યો એહ ઠામે, વાત સાંભળી અચરજ પામે;

જીવા ખાચરને દરબાર, પહોંચ્યા પ્રભુ પ્રાણ આધાર. ૩૩

ઉત્તરાભિમુખે છે ઓશરી, બેઠા શ્રીહરિ ત્યાં સભા ભરી;

બેઠા પાર્ષદ ને બેઠા સંત, સતસંગીયો બેઠા અનંત. ૩૪

જીવા ખાચરે જોડીને હાથ, પુછી વાત અહો કૃપાનાથ;

ઝાંપડીને થઈ જે સમાધી, તેણે શી એવી સાધના સાધી? ૩૫

તપ એવું શું તેણે કરેલું, એનું શું પુણ્ય ઉદય થયેલું?

તેણે જે જોયું અક્ષરધામ, પામ્યા અચરજ લોક તમામ. ૩૬

એનું કારણ આપ બતાવો, મટે સંશય જો સમજાવો;

સુણી બોલિયા સારંગપાણી, હતી પૂર્વ ભવે તે શેઠાણી. ૩૭

પ્રભુભક્તિ પરોક્ષની કરતી, વ્રત દાન વિશેષ આચરતી;

એક અવસરે બારીએ બેઠી, પણ નજર ગઈ તેની હેઠી. ૩૮

એક ઝાંપડો નીકળ્યો ત્યાંય, દીલે4 ફુટડો5 વાંસળી વાય;6

હતો વર્ષાઋતુ તણો કાળ, સ્વર વંશીનો લાગે રસાળ. ૩૯

શેઠાણી તણા ચિત્તની વૃત્તિ, ઝાંપડા માંહી ખેંચાઈ અતિ;

અંતકાળે તે સાંભરી આવ્યો, તેથી ઝાંપડી દેહ ધરાવ્યો. ૪૦

ઉપજાતિ (ચિત્તના સ્વભાવ વિષે)

છે ચોટવાનો ચિતનો સ્વભાવ, બનેલ એવા બહુએ બનાવ;

જે વસ્તુ કાંઈ નજરે જણાય, તો ચિત્ત તેમાં ઝટ ચોટી જાય. ૪૧

અસાર કે સાર નહીં વિચારે, જ્યાં જાય ત્યાં તે વળગે વધારે;

આ જીવને બંધન થાય એથી, ભવાબ્ધિ7 મધ્યે ભટકે જ તેથી. ૪૨

સચ્છાસ્ત્રનો જે જન મર્મ જાણે, જોવાનિ ઇચ્છા અતિશે ન આણે;

પ્રભૂનિ જે વસ્તુ પ્રસાદિ ભાળે, તેને જ તે નેહ થકી નિહાળે. ૪૩

હવેલિયો બાગ તથા બગીચા, પલંગ ગાદી તકિયા ગલીચા;

જો એવિ વસ્તુ નજરે પડેય, તો સંત દૃષ્ટી ઝટ ખેંચ લેય. ૪૪

જોવા થકી નારદજી ઠગાયા, જોવા થકી સૌભરિયે ભમાયા;

જોવા થકી મોહનીનું સ્વરૂપ, જુઓ ઠગાયા શિવ જોગિ ભૂપ. ૪૫

રસ્તે જતાં ક્યાંઈ સુણાય ગાન, ન સાંભળે સંત ધરી સ્વ કાન;

થૈ ઝાંપડી વંસિ સુણ્યાથી જેમ, સુણ્યાથી આવે અવતાર એમ. ૪૬

શબ્દો સુણ્યાથી મૃગલાં મરે છે, પતંગ જોવાથિ પડી બળે છે;

જો ઇચ્છતા હો હરિધામ જાવું, એકે સ્વ ઇન્દ્રી વશ તો ન થાવું. ૪૭

જોગી થયા ઇન્દ્રિય જીતવાને, સૌ વાસના તોડિ શુચી થવાને;

તથાપિ જે ઇન્દ્રિય વશ્ય થાય, કીધાં વ્રતો તે શ્રમ વ્યર્થ જાય. ૪૮

પુષ્પિતાગ્રાવૃત્ત

હતિ સુવણિક જાતિ નારિ જેહ, શ્વપચ તનૂ ધરિ વાસનાથિ તેહ;

સુણિ જન સમઝું વિચારી લેશે, વિષય વિષે નહિ લુબ્ધ તે રહેશે. ૪૯

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્ય વિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

સારંગપુરે હુતાશન્યુત્સવોનામ પંચમો વિશ્રામઃ ॥૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે