કળશ ૭

વિશ્રામ ૫૦

પૂર્વછાયો

ગઢપુરથી નાજો જોગિયો, લેવા શ્રીહરિની સંભાળ;

જતાં વિત્યા ત્રણ વાટમાં, આવ્યા ચોથે દિવસ વરતાલ. ૧

ચોપાઈ

વરતાલના પાદરમાંય, મુકુંદાનંદજી મળ્યા ત્યાંય;

તે જતા હતા મજ્જન કાજ, નમી પુછવું અહી વર્ણિરાજ. ૨

કહો ક્યાં છે શ્રીધર્મકુમાર, સુણી વર્ણિએ કીધો ઉચ્ચાર;

મને પૂછશો નહિ તેહ વાત, ભલા થૈને ચાલ્યા જાઓ ભ્રાત. ૩

કહી એમ ચાલ્યા ગયા જ્યારે, નાજે ભક્તે વિચારિયું ત્યારે;

મુકુંદાનંદથી હરિરાય, ક્યાંઈ જુદો પડીને ન જાય. ૪

જેમ દેહ ને દેહની છાય, તેમ શ્રીહરિને વર્ણિરાય;

કદી જાય નહિ જુદે સ્થાન, માટે છે આ સ્થળે ભગવાન. ૫

રામદાસની પર્ણકુટીએ, પુછ્યું જૈને તે નાજે જોગીએ;

તેણે કાન આડા હાથ ધર્યા, નાજો જોગિયો ત્યાં થકી ફર્યા. ૬

પગી જોબનને ઘેર ગયા, જવા મેડીએ તત્પર થયા;

એક ભક્ત હતો એહ સ્થાન, તેણે કાઢ્યા કરી અપમાન. ૭

ગામમાં વિચરી ઘણે ઠાર, પૂછ્યા શ્રીહરિના સમાચાર;

પણ ક્યાંઈ ખબર નવ પડી, ત્યારે મનમાં વિચાર્યું તે ઘડી. ૮

હવે તો કોઈને ઘેર જઈ, રહું તેહનો કિંકર થઈ;

ઘણા દિવસ તપાસીશ જ્યારે, શ્યામની સૂધ પામીશ ત્યારે. ૯

જાણ્યા એક પગી જગમાલ, તેને ઘેર ગયા તતકાળ;

કહ્યું ચાકર રાખો તો રહું, અન્ન ને વસ્ત્ર કેવળ લખું. ૧૦

જગમાલે કહ્યું તેહ ઠામ, કહો શું કરી જાણો છો કામ;

નાજો ભક્ત કહે શું વખાણું, આટલાં કામ હું કરી જાણું. ૧૧

શાર્દૂલવિક્રીડિત

ઘોડાં ઉન્મત્ત હોય તોય વશ તો હું તર્ત તેને કરું,

આવે શત્રુ અનેક તોય લડતાં પાછી ન પાની ધરું;

ચોકી રાત્રિ દિને કરું પણ મને નિદ્રા નથી આવતી,

સ્વેચ્છા માસ સુધી જ ચાકરિ કરું ઝાઝી નથી ફાવતી. ૧૨

ચોપાઈ

એવી સાંભળીને હુશિયારી, રાખ્યા ઘોડાં સુધારવા ભારી;

ઘોડાંને ખેલવે ભલી ભાતે, જાગી ચોકી કરે વળી રાતે. ૧૩

પગી જોબનની મેડીમાંય, કોણ આવે અને કોણ જાય;

તેની રાખે ખબર દિન રાત, પૂછે બહુ જનને વળી વાત. ૧૪

એમ કરતાં ઘણા દિન ગયા, પ્રભુ તોય પ્રસિદ્ધ ન થયા;

પણ જાણિ લીધું કોઈ પેર, પ્રભુ છે પગી જોબન ઘેર. ૧૫

નાજે ભક્તે વિચારિયું ચિત્તે, લઈ જાઉં પ્રભુને શી રીતે;

રાતે ઉપાડીને લઈ જાઉં, તો હું ચાહન1 ચોર ગણાઉં. ૧૬

કરી જોર પેસું એના ઘરમાં, યુદ્ધ થાય તો આ અવસરમાં;

એક દિવસ પગી જગમાલે, કહ્યું વચન વિશેષ વહાલે. ૧૭

પગી જોબનને ઘેર જાઓ, મેડી ઉપર જૈ ભેળા થાઓ;

કહો મારા કહીને પ્રણામ, આંહિ આવો તમારું છે કામ. ૧૮

નાજો ભક્ત સુણી રાજી થયા, પગી જોબનને ઘેર ગયા;

મેડીએ ચડવા માંડ્યું ધાઈ, આવ્યા રોકવા કરીમભાઈ. ૧૯

નાજો ભક્ત કહે કોણ તું છું, જગમાલનો ચાકર હું છું;

જતાં કોણ મને અટકાવે, કરું યુદ્ધ આડો કોઈ આવે. ૨૦

શ્રીજીએ સાંભળી તકરાર, થયા પોતે પ્રસિદ્ધ તે વાર;

નાજાભક્તને પાસે બોલાવ્યા, કહ્યું ક્યારે તમે આંહીં આવ્યા. ૨૧

ગઢપુરના કહો સમાચાર, સુખી છે નૃપનો પરિવાર;

નાજોભક્ત કહે શિર નામી, સર્વ જાણો છો અંતરજામી. ૨૨

તોય પૂછો છો શ્રીજગદીશ, ત્યારે વાત જથાર્થ2 કહીશ;

થયા છો આપ દૂરનિવાસી, દુર્ગપુરના જનો છે ઉદાસી. ૨૩

વૈતાલીય: (કરુણાસવર્ણન)

ઘનશ્યામ તમે સુજાણ છો, જન કેરા પ્રિય જેમ પ્રાણ છો;

પ્રભુ જે દિન દૂર જૈ રહ્યા, જન સૌ જીવ વિના તહાં થયા. ૨૪

અતિ પ્રીત કરી અહો હરી, મનવૃત્તી જનની હરી ખરી;

પછી ત્યાગ કરી ખસી જવું, ન ઘટે નાથ દયા વિના થવું. ૨૫

જળથી દૂર મત્સ્ય જો પડે, અતિ પીડા થકી તેહ તર્ફડે;

ગઢપૂરનિવાસી જે સહુ, દુઃખિ છે નાથ વિજોગથી બહુ. ૨૬

જનવલ્લભ ક્યાં જઈ વસ્યા, નથિ સંદેશ તહાં મળ્યા કશા;

પ્રભુ પત્ર નહીં લખાવિયો, અતિશે કેમ અભાવ આવિયો. ૨૭

મળશે કહિં પ્રાણના પતી, નથિ એકે દિશ કોઈ સૂજતી;

જન સૌ મનમાં મુંઝાય છે, દૃગ આંસુ વહિયાં જ જાય છે. ૨૮

હરિ હે હરિ હે હરિ કહે, દિન ને રાત્રિ ઉદાસ સૌ રહે;

પ્રભુને મળવાની આશથી, તન રાખે ન જિવે નિરાશથી. ૨૯

જન કોઈ અરણ્યકૂપમાં, ધરિને જાય જ એવી ઊપમા;

પ્રભુજી તમને કહે સહુ, વળતી વાત વિશેષ શી કહું. ૩૦

વિરહાગ્નિ દિલે વધ્યો અતી, સુખ કે શાંતિ કદી થતી નથી;

અતિ તે દુઃખ શી રિતે સહે, મરવાનું મનમાં સદા ચહે. ૩૧

પ્રભુ જે દિનથી દુરે ગયા, દુખિયાં છે લલિતા તથા જયા;

જળ અન્ન દિધાં અરે તજી, પણ છે પ્રાણ શરીરમાં હજી. ૩૨

નથિ લોહિ શરીરમાં રહ્યું, ત્વક3 અસ્થી તન પાંજરું થયું;

દિલમાં જરિ જો દયા ધરો, સુખદાતા ગઢપૂર સંચરો. ૩૩

ચોપાઈ

વાલે વચન એવાં સુણ્યાં જ્યારે, આંખ્યમાંથી વહ્યાં આંસુ ત્યારે;

કહ્યું બંધ રાખો એહ વાત, સુણી સહન થતી નથી ભ્રાત. ૩૪

મને વાલા છે ગઢપુરવાસી, પણ જોવાને પ્રેમ તપાશી;

આંહિ ગુપ્ત રહ્યો છું હું આવી, સ્થિતિ તેની તમે સંભળાવી. ૩૫

પ્રેમ તેઓના મનમાં છે જેવો, મારો પ્રેમ તેના પર તેવો;

તેઓ અર્થે મેં અવતાર ધર્યો, સદા વાસ મેં ત્યાં આવી કર્યો. ૩૬

કરે ભજન જે ભાવથી મારું, તેને હું કદિએ ન વિસારું;

પછી શ્રીજીએ પત્ર મગાવ્યો, લખાવી ગઢપુર મોકલાવ્યો. ૩૭

તેમાં સર્વ લખ્યા સમાચાર, વળી એમ લખાવ્યું તે વાર;

ધર્મપુર જવા ધાર્યું છે અમે, માટે તૈયાર થૈ રહો તમે. ૩૮

બિજો પત્ર મોકલિએ જ્યારે, ધર્મપુર તમે આવજો ત્યારે;

દુર્ગપુર મોકલ્યો એવો પત્ર, તેથી શાંતિ થઈ કાંઈ તત્ર. ૩૯

ત્યાં તો આવ્યા ડભાણના દાસ, કહ્યું ચાલો અમારે નિવાસ;

તેની જોઈ અતિ ઘણી તાણ, દીનબંધુ પધાર્યા ડભાણ. ૪૦

તેના પૂર્ણ મનોરથ કરી, વરતાલ આવ્યા વાલો ફરી;

થયા પોતે પ્રસિદ્ધ પરેશ, એવી વાત ચાલી દેશોદેશ. ૪૧

તેથી સત્સંગિયો તથા સંત, આવે દર્શન કરવા અનંત;

રામદાસની ઝુંપડી પાસ, સભા નિત્ય સજે અવિનાશ. ૪૨

સાધુ ઉતારામાં ન સમાય, આમલે તે ઉતરવાને જાય;

એવું દેખી બોલ્યા સુખદાઈ, રામદાસ સુણો તમે ભાઈ. ૪૩

મને વરતાલમાં બહુ ગમે, માટે આવું છું હું બહુ સમે;

થાય છે સભા આમલા પાસ, આંહિ તો પડે છે સંકડાશ. ૪૪

સાધુ ગામમાં પણ ઉતરે છે, બહુ અડચણ તેથી પડે છે;

માટે જગ્યા વિશાળ જો થાય, ઉપજે સુખ સૌને સદાય. ૪૫

એવી વાત સુણી રામદાસે, તેડ્યા સર્વ પટેલોને પાસે;

બાપુજી તથા રણછોડદાસ, ભાઇબા પ્રભુના ભલા દાસ. ૪૬

ધોરીભાઈ અને જીવાભાઈ, દલાભાઈ ને શામળભાઈ;

નરસી ને નરોત્તમદાસ, લાલદાસ ને ભાઈજીદાસ. ૪૭

જોરાભાઈ તથા ગલાભાઈ, પ્રભુદાસ તથા દલાભાઈ;

વસનદાસ ને રાયજીદાસ, શવદાસ નારાયણદાસ. ૪૮

પગી જોબન સુંદર પગી, એહ આદિક આવ્યા ઉમંગી;

દરિયા જેવા દિલના ઉદાર, રાજા કર્ણ જેવા તો દાતાર. ૪૯

કર્યા પ્રેમે પ્રભુને પ્રણામ, બેઠા સ્થિર થઈને તેહ ઠામ;

રામદાસે તે વાત સુણાવી, સુણી સર્વ જનોને તે ભાવી. ૫૦

વાણી બોલ્યા પટેલો વિચારી, આંહિ જગ્યા ઘણી છે અમારી;

અમે તન મન ધન સોંપ્યાં તમને, હવે પૂછવાનું શું છે અમને. ૫૧

જગ્યા જેટલી જોઈએ આજ, સુખે રાખો શ્રીજીમહારાજ;

ધન્ય ભાગ્ય અમારું ગણાશે, આંહિ ભજન પ્રભુજીનું થાશે. ૫૨

પુત્ર પૌત્ર આદિક જે અમારા, સતસંગી રહેશે તે સારા;

આખા કુળનો થાશે ઉદ્ધાર, અહો ભાગ્ય અમારાં અપાર. ૫૩

પછી જગ્યાનો લેખ કરીને, હેતે હાથમાં આપ્યો હરિને;

પ્રભુજી થયા તેથી પ્રસન્ન, કહ્યું ધન્ય તમે હરિજન. ૫૪

પછી વાલાએ ચિત્ત વિચારી, ધર્મપુર જવા કીધી તૈયારી;

રામદાસને કહે વૃષલાલ, અમે ચાલશું આંહિથી કાલ. ૫૫

ધર્મપુર જવા ધાર્યું છે અમે, રહેજો વરતાલમાં તમે;

મુક્તાનંદાદિ હોય જે ગામ, તેને તેડાવી લેજો આ ઠામ. ૫૬

સૌને મોકલજો ધર્મપુર, ત્યાં છે તેઓનું કામ જરૂર;

શ્યામે સાથે લીધા જેહ જન, કહું તેહનાં નામ પાવન. ૫૭

નાજો જોગિયો કરીમભાઈ, ભગુજી આદિ આવિયા ચાઈ;

પગી જોબન સુંદર તખો, જુસજી પણ તેહ સરખો. ૫૮

પગી બેચરને પગી ખોડો, ગલો પણ પગી ગુણમાં ન થોડો;

પગી ભક્ત ભવાન છે જેવા, બામણોલીના આસજી એવા. ૫૯

એહ આદિ પગી શૂરવીર, લીધા સંઘાથે શ્યામશરીર;

થોડા સંત તથા બ્રહ્મચારી, સાથે લૈ વિચર્યા સુખકારી. ૬૦

પુષ્પિતાગ્રાવૃત્ત

વૃતપુર થકિ ભક્તિધર્મલાલ, ધરમપુરી પ્રતિ ચાલિયા દયાળ;

અજર અમર એક ઇષ્ટ એહ, શુભ સરવેનું કરો સદૈવ તેહ. ૬૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિવૃત્તાલયપુરાત્-ધર્મપુરપ્રતિવિચરણનામ પંચાશત્તમો વિશ્રામઃ ॥૫૦॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે