કળશ ૭

વિશ્રામ ૫૧

પૂર્વછાયો

સંત સખા પાર્ષદ લઈ, વરતાલથી વિચર્યા નાથ;

ધર્મતનુજ ધર્મપુર જવા, ચાલ્યા તેહ સુણો શુભ ગાથ. ૧

વિશ્વપતી બેઠા વેલ્યમાં, ગાના ગામ ગયા જગતાત;

ત્યાંથી બોચાસણ જઈ પ્રભુ, રહ્યા વિમાનિયે કુવે રાત. ૨

કુવો તે તો કાશીદાસનો, તેણે દીધી રસોઈ તે ઠામ;

ભાતું વળી સુખડી તણું, આપ્યું સર્વને મારગ કામ. ૩

પ્રભુજી ત્યાં થકી પરવર્યા, ગયા ચૂવા ને રુંદેલ ગામ;

દર્શન દઈ નિજદાસને, રહ્યા સીમમાં જૈ ઘનશ્યામ. ૪

પદ્મનાભાનંદ સ્વામિએ, તેહ ગામમાં કરીને પ્રવેશ;

આપ્યું ઉત્તમ દૂધ ગાયનું, પ્રેમે પાન કર્યું1 પરમેશ. ૫

શેષ પ્રસાદી દૂધની, આપી પાર્ષદને કરી પ્રીત;

ઝારોળ ગામ ગયા પ્રભુ, ત્યાંથી સિંહવે સંત સહીત. ૬

ત્યાંથી ગયા પ્રભુ ગાજણે, ત્યાંના રાયે કર્યું સનમાન;

ત્યાંથી મહી નદી ઉતર્યા, બેસી હોડી વિષે ભગવાન. ૭

રાખ્યા લાંબા પગ લટકતા, નદી નીરે ભીંજાયા તેહ;

ઉંડો મરમ એહ વાતનો, જન જાણે સમાધિસ્થ જેહ. ૮

હતો ઉદકનો2 ઉભરો, સરિતાનો શમ્યો તેહ વાર;

આતુરતા અંતર તણી, શમે જેમ ભેટ્યે ભરતાર. ૯

સામે તટે ભાઠામાં જઈ, લીધાં વંતાક સુંદર જોઈ;

ગાજણાના નરપતિ તણું, સીધું હતું તે કીધી રસોઈ. ૧૦

સંઘ સહિત શ્રીહરિ જમ્યા, આવ્યો એક ભીખારી બાળ;

અન્ન માગ્યું અતિ કરગરી, કહે ભક્તોને દીનદયાળ. ૧૧

અન્ન આપો ભાઈ એહને, સુણી કોઈ બોલ્યો જન એમ;

મત્સાહારી જેવો માનવી, અન્ન આપીયે એહને કેમ. ૧૨

પ્રભુએ બાળને પુછિયું, જળડોડી3 તું ખા કે ન ખાય;

તે સુણી બાળકે ના કહી, ત્યારે દાસને કહે હરિરાય. ૧૩

ઉપજાતિ (અન્નદાન વિષે)

સ્વધર્મિ કે જો પરધર્મિ ભાસે, તથાપિ ભૂખ્યો દુખિયો જણાશે;

તો દુઃખ તેનું દિલ ધારિ લેવું, સ્વશક્તિ તુલ્ય જળ અન્ન દેવું. ૧૪

પાપી દિસે કે જન પુણ્યશાળી, કસાઈ ચાંડાળ કુપાત્ર ભાળી;

જો તેહ ભૂખ્યો દુખિયો જણાય, તો અન્ન દીધા થકી પુણ્ય થાય. ૧૫

દેશી વિદેશી હરકોઈ નાતે, સ્વમિત્ર કે શત્રુ મનુષ્ય જાતે;

જો કોઈ ભૂખ્યો દુખિયો જણાય, તો અન્ન આપ્યે પ્રભુ રાજી થાય. ૧૬

કરે ઘણું કાંચન દાન કોઈ, દે મોતિ માણિક્ય ઉદાર હોઈ;

આપે ભરેલા ધનના નિધાન, નહીં નહીં અન્ન સમાન દાન. ૧૭

જો અન્ન આપે જન કીર્તિ પામે, જો અન્ન આપે બહુ પુણ્ય જામે;

જ્યારે જુવે છે જન અન્નદાતા, સૃષ્ટિ ગણે સાર્થક આ વિધાતા. ૧૮

ન કૃષ્ણના નામ સમાન નામ, ન ધામ જેવું ગઢપૂરધામ;

ન તીર્થ ઉન્મત્તનદી સમાન, નહીં નહીં અન્ન સમાન દાન. ૧૯

ભલે કરે કોટિક જજ્ઞ કોઈ, ભલે વળે તીર્થ સમસ્ત જોઈ;

ભલે ભણે સાર્થક સામગાન, છે શ્રેષ્ઠ એ સર્વથિ અન્નદાન. ૨૦

હરેક ભૂખ્યો જન કોઈ હોય, દેખાય દુઃખી તન માંહિ તોય;

જેને દિલે કાંઈ દયા ન આવે, તે જાતિ તો રાક્ષસની કહાવે. ૨૧

ચોપાઈ

એવાં વાલાનાં સુણી વચન, આપ્યું પાર્ષદે તેને અન્ન;

બિજે દિન વિચર્યા ગિરધારી, ગયા ગોવિંદ ગામ ચોકારી. ૨૨

કાનવા ગામ થઈ સાક્ષાત, ગવાસદ જઈને રહ્યા રાત;

ગયા સોખડે સુંદર શ્યામ, નદી ઢાઢર છે જેહ ઠામ. ૨૩

એક આંબાનો વૃક્ષ નિહાળી, ઉતર્યા તહાં શ્રીવનમાળી;

ભાળી ત્યાં વેરાગીની જમાત, તેને વસ્ત્ર દિધાં ભલી ભાત. ૨૪

પ્રાંતના લોકની બુદ્ધિ સારી, થવા શ્રીજીએ વાત વિચારી;

જાણ્યું મારી પ્રસાદીને ખાય, બુદ્ધિ તેહની પાવન થાય. ૨૫

નાજા જોગિયાને કહે નાથ, ભુખ્યો છે સહુ સંતનો સાથ;

સોખડા ગામ માંહિ સિધાવો, ત્યાંથી વેચાતી ખીચડી લાવો. ૨૬

નાજો ભક્ત સુણી શબ્દ એવા, ગયા ગામમાં ખીચડી લેવા;

દાળનો ગંજ દીઠો દુકાને, ભાવ પૂછ્યો તેનો વાણિયાને. ૨૭

હતી લેવાની જેટલી તેહ, મૂલ આપી અને લીધી એહ;

વળી એ જ રીતે ચોખા લઈ, મુક્યા શ્રીજીની આગળ જઈ. ૨૮

માવે મુઠી ભરી દાળ લીધી, નિજ કેરી પ્રસાદી તે કીધી;

નાજા ભક્તને પૂછે કૃપાળ, કહો કેટલી છે તહાં દાળ. ૨૯

નાજો ભક્ત બોલ્યા તેહ વાર, દાળ સો મણનો છે અંબાર;

કહે શ્રીજી નથી સારી દાળ, તેમાં પાછી નાખો તતકાળ. ૩૦

આથી સારી બિજી દાળ લાવો, તમે ગામમાં તરત સિધાવો;

નાજે ભક્તે જઈ કર્યું તેમ, તેનો મર્મ જાણે જન કેમ. ૩૧

સુણો ભૂપ અભેસિંહભાઈ, દાળ તે પ્રગણામાં વેચાઈ;

જે જે જન તણા પેટમાં ગઈ, બુદ્ધિ તેહની પાવન થઈ. ૩૨

વધ્યો તેથી ઘણો સતસંગ, કરે એવાં ચરિત્ર શ્રીરંગ;

ધરી આ અવસર અવતાર, કીધા જીવ અનેક ઉદ્ધાર. ૩૩

સોખડેથી બિજે દિન શ્યામ, ગયા ગુણનિધિ માતર ગામ;

બોલ્યા પાર્ષદ સાથ શ્રીરંગ, નથી આ પ્રાંતમાં સતસંગ. ૩૪

કરે લોક ઉપાધિ આ ઠામ, પુછે તો ન લેશો મુજ નામ;

ગયા માતરની પાસે જ્યાંય, મળ્યો એક ગરાશિયો ત્યાંય. ૩૫

તેણે પાર્ષદને પુછી વાત, કહો આ છે કેનો સંઘ ભ્રાત;

ત્યારે પાળે કહ્યું તેહ ઠામ, એ છે શેઠ ગોવિંદજી નામ. ૩૬

હતો સંઘ વિષે દ્વિજ કોઈ, તેને પૂછિયું પંડિત જોઈ;

કહો કોણ શ્રીમંત છે એહ, સુણ બોલિયો બ્રાહ્મણ તેહ. ૩૭

રથચક્રપ્રબંધ: અનુષ્ટુપ શ્લોક

તે સદા સુખ દે છે તે, તે છે દેવાધિદેવ તે;

તે વદે વાત માને તે, તેને માને સ્વદાસ તે. ૩૮

Image

ચોપાઈ

સુણી સમજ્યો ગરાશિયો ઉર, કોઈ મોટા પુરુષ છે જરૂર;

નમ્યો શ્રીહરિને પદે આવી, બેય કાકડી ભેટ ધરાવી. ૩૯

વળિ વિનયથી વચન ઉચાર્યું, સારું કરજો મહારાજ મારું;

તેથી રાજી થયા ભગવાન, દીધું મનવાંછિત વરદાન. ૪

ત્યાંથી સંચરિયા સંત સાથ, દોરા ગામે ગયા દીનનાથ;

જીજીભાઈ પટેલ તે ઠામ, વળી વિપ્ર રુડા કાશીરામ. ૪૧

તેણે રાખ્યા પ્રભુને ત્યાં રાત, ભલી આપી રસોઈ પ્રભાત;

જમીને ચાલિયા જગતાત, રહ્યા ટંકારિયે જઈ રાત. ૪૨

જોઈ પાદરમાં વડ સારો, કર્યો ત્યાં હરિકૃષ્ણે ઉતારો;

દોરા ગામના દ્વિજ કાશીરામ, લાવ્યા દુધપુરી તેહ ઠામ. ૪૩

જમ્યા તે પરમેશ્વર પ્રીતે, ચાલ્યા ત્યાંથી પછી રુડી રીતે;

ગામ હળદરના હરિજન, દીધું તેઓને જૈ દરશન. ૪૪

જાડેસર ગયા જગદાધાર, આવ્યાં દરશને બહુ નરનાર;

રેવાપાર4 જવા ધરિ ભાવ, કહ્યું નાવિકને લાવો નાવ. ૪૫

સુણી નાવિક નાવ ત્યાં લાવ્યા, ખભે તેડિ પ્રભુ પધરાવ્યા;

લઈ પાર્ષદ ને લઈ સંત, સામે પાર ગયા ભગવંત. ૪૬

નાવિકે ખભા ઉપર ધાર્યા, નાવમાંથી પ્રભુને ઉતાર્યા;

કૃપાનાથે કૃપા બહુ કીધી, પ્રસાદી તેને શેલાની દીધી. ૪૭

બોરભાઠામાં જૈ બળવંત, ઉતર્યા ભલે સ્થળ ભગવંત;

જાડેસરના આવ્યા હરિજન, કરવા પ્રભુનાં દરશન. ૪૮

ભક્ત આવ્યા ભરુચના વાસી, નિરખ્યા નજરે અવિનાશી;

આપી તેઓએ ત્યાં તો રસોઈ, આપ્યાં વંતાક સુંદર જોઈ. ૪૯

જમી ત્યાંથી ચાલ્યા સંત જોડે, ગિરધારી ગયા ગરખોડે;

સિંધવાઈનો ચોતરો સારો, જોઈ ત્યાં જઈ કીધો ઉતારો. ૫૦

ગામના લોક ઉચર્યા એમ, ચોરે5 માતાને ઉતર્યા કેમ?

સુણી ઉચર્યા શ્રીવનમાળી, દેવી છે અમારા ઘરવાળી. ૫૧

અમારે ઘેર ઉતર્યા અમે, જેમ નિજ ઘરમાં રહી તમે;

વાલે ઉચ્ચારી એવાં વચન, ખેંચ્યાં સર્વે મનુષ્યનાં મન. ૫૨

એમ પ્રગટ પ્રતાપ જણાવ્યો, દૈવીને સતસંગ કરાવ્યો;

લોકે ઘાસ આપ્યું પશુ કાજે, વાળુની ના કહી મહારાજે. ૫૩

સવારે ઉઠી સંચર્યા શ્યામ, અંકલેશ્વર આવિયું ગામ;

ભાતું ત્યાંથી લઈને વિચરિયા, જૈને ગામ ઉમરવાડે ઠરિયા. ૫૪

કર્યું સ્નાન તળાવમાં ત્યાંય, જમ્યા ભાતુંય તે સ્થળમાંય;

પાનોલી ને આથૂરણ ગામે, દીધાં દાસને દર્શન શ્યામે. ૫૫

નદી કીમ કૃપાળુ ઉતરિયા, કીમચોકિયે જૈ રાત ઠરીયા;

પછી કારેલી સાયણ ગામ, ગામ ગોપા ને ભરથાણું નામ. ૫૬

ત્યાંના દાસોને દર્શન દૈને, રાત્ય કાહોરમાં રહ્યા જૈને;

ભાનુ ઉગ્યે જઈ ભગવાન, કર્યું તાપી સરિતામાં સ્નાન. ૫૭

ઉપજાતિ

અપાપિ કે પાપિ જનો તથાપિ, તાપી વિષે સ્નાન કરે સદાપિ;

પાપી જનો જે અઘ જાય આપી, સ્પર્શે પ્રભૂ તાપી થઈ અપાપી. ૫૮

પુષ્પિતાગ્રાવૃત્ત

ધરમપુર જતાં ધરાધરેશ, કરિ બહુ દેશ વિદેશમાં પ્રવેશ;

હરિજન નિજના કર્યા હજારું, અઘહર એહ કરો અમારું સારું. ૫૯

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિધર્મપુરમાર્ગે તાપીનદીપ્રત્યાગમનનામૈકપંચાશત્તમો વિશ્રામઃ ॥૫૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે