કળશ ૭

વિશ્રામ ૫૨

પૂર્વછાયો

સુરતના સતસંગિને, નિજ દૈને દર્શન દાન;

ઉધને જઈને ઊતર્યા, ભવમંદિરમાં ભગવાન. ૧

ચોપાઈ

અનોપમ નામનો બ્રહ્મચારી, હતો ત્યાં શિવપૂજનકારી;

તેણે શ્રીહરિનું સનમાન, શુભ રીતે કર્યું તે સ્થાન. ૨

ભાઇજી નામે બ્રાહ્મણ એક, વઘી વાણી ધરીને વિવેક;

મારે ઘેર રસોઈ હું આજ, કરાવું તે જમો મહારાજ. ૩

કૃપાનાથે તેને ક્યું ત્યારે, વર્તમાન તમે ધર્યાં ક્યારે;

કહે વિપ્ર સુણો પ્રભુ પ્યારા, નથી નિયમ તમારા મેં ધાર્યા. ૪

શિષ્ય સુરતમાં છે તમારા, તેમાં મિત્ર ઘણાક છે મારા;

તેથી તેના સમાગમ થકી, પ્રભુ જાણું છું તમને હું નકી. ૫

પધારીને પછી તેને ઘેર, પ્રભુ થાળ જમ્યા રુડી પેર;

સંતમંડળ સહિત ઉમંગી, આવ્યા સુરતના સતસંગી. ૬

ચડાવ્યા હરિને પુષ્પહાર, ધરી અંતરે પ્રેમ અપાર;

બરફી તણી માટલી ભરી, ભક્ત પ્રત્યેકે ભેટ તે કરી. ૭

હતું બોરડીનું ઝાડ જ્યાંય, બાંધ્યો હરિજને હિંડોળો ત્યાંય;

પ્રભુને તે વિષે પધરાવ્યા, ઝાઝો પ્રેમ ધરીને ઝુલાવ્યા. ૮

સંત હરિજન કીર્તન ગાય, તેની શોભા વરણવી ન જાય;

સતસંગી મળી સહુ સાથ, કરી હેતે સુતી જોડી હાથ. ૯

ઉપજાતિ

અહો અહો ભાગ્ય પ્રભૂ અમારાં, પામ્યા અમે દર્શન જે તમારાં;

જો સાધનો કોટિ જુગે કરાય, તમારું તો દર્શન કાંઈ થાય. ૧૦

ઉત્તરાર્ધગતાગતભેદ

મુનીન્દ્ર મોટા મળિને અનેક, તે પામવાને તમને જ એક;

યદા સજે યજ્ઞ યજે સદાય, યથાર્થતા કૃત્ય કૃતાર્થ થાય. ૧૧

અમે નથી સાધન કાંઈ કીધાં, દયા કરી દર્શન તોય દીધાં;

એ તો ઘણો પાડ પ્રભૂ તમારો, નહીં કદાપી વિસરે વિસાર્યો. ૧૨

ચોપાઈ

ઉચ્ચરી એમ કીધા પ્રણામ, રીઝી બોલિયા સુંદરશ્યામ;

ધન્ય છો સતસંગી સમાજ, મારા ભક્ત અનન્ય છો આજ. ૧૩

હવે અસ્ત થવા આવ્યો સૂર, અને ઘર છે તમારાં દૂર;

માટે સૌ નિજ ઘેર સિધાવો, ભાવ રાખજો આવો ને આવો. ૧૪

અતિ આગ્રહ નાથનો જોઈ, સતસંગી ઉઠ્યા સહુ કોઈ;

પણ ઘર ભણી પગ ન ભરાય, પ્રભુમાં મનવૃત્તિ તણાય. ૧૫

આઘા પાછા બેઠા ક્યાંઈ જઈ, ધુન્ય આરતિની વેળા થઈ;

કીધી સંતોએ આરતિ ધુન્ય, એકે એકે આવ્યા હરિજન. ૧૬

મહારાજે જાણ્યું મનમાંઈ, કોઈને ન કહ્યું પણ કાંઈ;

માટલી બરફીની મગાવી, પ્રસાદિ સર્વને વહેંચાવી. ૧૭

આતમાનંદ સ્વામિને હાથે, વહેંચાવી પ્રસાદી તે નાથ;

જગ્યાના બ્રહ્મચારીને ઘણી, પ્રસાદી આપી બરફી તણી. ૧૮

પછી ચાલવાનું બોલ્યા નાથ, હરિભક્તે કહ્યું જોડી હાથ;

આપવી છે રસોઈ અમારે, જમી ચાલવું કાલ તમારે. ૧૯

બોલ્યા શ્યામ સુણી એવી વાત, અમે ચાલશું પાછલી રાત;

રહેશે સંતમંડળ નકી, જમી આવશે પાછળ થકી. ૨૦

સમૈયો ધર્મપુર થશે સારો, લઈ આવજો સંઘ તમારો;

સંત પ્રત્યે બોલ્યા મહારાજ, જમી ચાલજો સંતસમાજ. ૨૧

અમે આગળ જૈને રોકાશું, આપણે સહુ ત્યાં ભેળા થાશું;

ભૂમિ આ છે ભયંકર પુરી, નવ ચાલશો વેળા અસુરી. ૨૨

વસે હિંસક વનચર વનમાં, તે તો આવી પીડા કરે તનમાં;

ભક્તિ યોગ્ય અમૂલ્ય છે દેહ, માટે સાચવી રાખવો તેહ. ૨૩

જાણી જોઈ મૃત્યુમુખે જાય, તે તો આત્મહત્યારી ગણાય;

વેરાગીરૂપે અસુર ફરે છે, સંતને તે તો પીડા કરે છે. ૨૪

સંપી ચાલજો સહુ મળી સંગે, એકલા રહેશો નહીં અંગે;

બે બે સંતની જોડ બંધાય, અન્યોઅન્યની ખબર રખાય. ૨૫

કોઈ માંદો પડે એક જ્યારે, બીજો ચાકરી તે કરે ત્યારે;

રસ્તે એક પાછળ રહી જાય, તેનિ થાય બિજાને ચિંતાય. ૨૬

જોડ હોય ન બીજાની જેને, ઝાઝામાં કોણ સંભાળે તેને;

માટે આ વાત અંતરે ધરજો, મારી આજ્ઞા સદા અનુસરજો. ૨૭

સંત બેય જુવાને જુવાન, જોડ કરવી નહીં કોઈ સ્થાન;

વૃદ્ધ સાથે જુવાન જોડાય, ત્યારે તેનો ધરમ સચવાય. ૨૮

મનની રીત છે વિપરીત, બરાબરિયા સાથે કરે પ્રીત;

મનનું ગમતું તજી દેવું, રાખે સદ્‌ગુરુ તેમ રહેવું. ૨૯

એવી એવી શિખામણ સારી, ઘનશ્યામે ઘણીક ઉચ્ચારી;

સુણી સંતોએ દિલ ધરી લીધી, કરી મનમાં મનન દૃઢ કીધી. ૩૦

વાલે શયન કર્યું થોડી વાર, થયા પાછલી રાતે તૈયાર;

સખા પાર્ષદને લઈ સાથ, ઉન ગામ ગયા મુનિનાથ. ૩૧

ગયા ભેંસાન થઈને સચીન, ત્યાં તો દોઢ પ્રહર ચડ્યો દિન;

પોસરા ગામની વાવ્યે જઈ, જમ્યા ભાતું તહાં સ્થિર થઈ. ૩૨

ઉધનેથી જમી ચાલ્યા સંત, તેહ વચ્ચે ભેટ્યા ભગવંત;

શ્રીજી સંત સહિત સંચરિયા, નદી મીઢોળ પાર ઉતરીયા. ૩૩

અસુંદરનો આવ્યો વડ જ્યાંય, રાત વાસો રહ્યા હરિ ત્યાંય;

મુકુંદાનંદે ત્યાં કર્યો થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ. ૩૪

રાત અરધી ગયા પછી ત્યાંય, બોલી શીયાળ પૂરવમાંય;

બોલી ચીબરી પશ્ચિમ ભણી, શ્યામે સાંભળી વાણી તે તણી. ૩૫

પગિ જોબન ને તખો નામ, પૂછે તેહને સુંદરશ્યામ;

વનેચર સ્વર સાંભળી ભ્રાત, તમે જાણો છો શુકનની વાત. ૩૬

પગી બોલ્યા સુણો મહારાજ, એક ગ્રંથ છે વસંતરાજ;

પશુ પક્ષી તણા સ્વર થકી, તેમાં શુકન કહેલાં છે નકી. ૩૭

સારો સંસ્કૃત છે ગ્રંથ એહ, અમે તો ન ભણ્યા કાંઈ તેહ;

પણ તેહ તણો જેહ સાર, અમે જાણીયે છૈયે લગાર. ૩૮

સુણીને કહે કૃષ્ણ કૃપાળ, બોલી ચીબરી બોલી શિયાળ;

કહો કેવાં શુકન તેહ છેય, ત્યારે બોલિયા તે પગી બેય. ૩૯

પૂર્વ ઈશાન વચ્ચે સદાય, લોહિ કેરો પ્રવાહ ગણાય;

તહાં બોલિ શિયાળ આ ટાણે, દેખશું લોહી કોઈ ઠેકાણે. ૪૦

પછિ પશ્ચિમે ચીબરી બોલી, તેનો ભેદ કહું હવે ખોલી;

વિપ્રનું ઘર પશ્ચિમ માંય, પરુણો આજ ક્ષત્રિ ગણાય. ૪૧

માટે માણસને નહિ મારે, ભેદ શુકનનો એવો ઉચ્ચારે;

એમ શુકન જાણે તે બતાવે, પણ મળતું કોઈ સમે આવે. ૪૨

સર્વ જાણે છે અંતરજામી, પણ મનુષ્યલીલા કરે સ્વામી;

એમ કરતાં થઈ કાઈ વાર, એક વાઘ આવ્યો તેહ ઠાર. ૪૩

તેણે બળદ ઉપર પંઝો માર્યો, કર્યો શ્રીહરિએ ત્યાં હોંકારો;

વાઘ ત્રાસ પામી ગયો નાશી, પગી પ્રત્યે બોલ્યા અવિનાશી. ૪૪

તમે શુકન કહ્યાં હતાં જેવાં, આજ તો દીશી આવીયાં એવાં;

ઘણું બળદને લોહી નિકળિયું, કહ્યું એવું શુકન આજ ફળિયું. ૪૫

શ્રીજી ત્યાંથી સવારે સિધાવ્યા, આમરી ગામ છે તહાં આવ્યા;

નદી પૂર્ણાને ઉતરી પાર, કરી નિત્યક્રિયા તેહ ઠાર. ૪૬

નવસારિયે નાથ સિધાવ્યા, કાછિયાવાડિયે ત્યાંથી આવ્યા;

કાલીયાવાડી કોલવા ગામ, જોયા જૈ હનુમાન તે ઠામ. ૪૭

ગામ દાંભરવેડસા જ્યાંય, ત્રિભુવનપતિ સંચર્યા ત્યાંય;

ગયા ચીખલીયે રુડી પેર, ઉતર્યા નિછાભાઈને ઘેર. ૪૮

કાવેરી નદિમાં કર્યું સ્નાન, આવ્યા ઉતારે શ્રીભગવાન;

ભલા હરિજન ત્યાં હઠિભાઈ, આવ્યા દર્શન કરવાને ધાઈ. ૪૯

બેયે સેવા સજી ઘણી સારી, રીઝ્યા તે પર વિશ્વવિહારી;

વાણા1 માંહિ વિદાય તે થયા, ધર્મપુત્ર ધરમપુર ગયા. ૫૦

પુષ્પિતાગ્રાવૃત્ત

ધરમવરમ2 ધર્મનો દુલારો, ધરમપ્રવર્તક ધર્મ પાળનારો;

ધરમધુર ધરી ધરા પ્રદેશ, ધરમપુરે વિચર્યા અહો ધરેશ. ૫૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિધર્મપુર પ્રાપ્તનામ દ્વિપંચાશત્તમો વિશ્રામઃ ॥૫૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે