કળશ ૭

વિશ્રામ ૫૩

પૂર્વછાયો

જાણ થયું ધર્મપુર વિષે, આવ્યા શ્રીહરિ સહજાનંદ;

ઘર ઘર પ્રતિ તેથી ઘણો, વધ્યો જનમનમાં આનંદ. ૧

ચોપાઈ

ભક્ત કુશળકુંવરબાઈ જેહ, આવ્યાં મેનામાં બેસીને તેહ;

વળિ તેહનો સુજ્ઞ1 પ્રધાન, આવ્યો સન્મુખ આપવા માન. ૨

રાણીપૌત્ર વિજયદેવ નામ, સામા આવ્યા સજી ધુમધામ;

સારા હાથી ઘોડા શણગારી, સજી શોભે એવી અસવારી. ૩

સાથે સારા સારા સરદાર, રથ પાલખીનો નહિ પાર;

શોભે બેરખ આરબ કેરી, છોડે બંદુકો તે તો ઘણેરી. ૪

સાથે શોભે છે ડંકો નિશાન, છડિદાર બોલે ગુણવાન;

તેજ કુંવર તણું ઝળમળે, તેના શિર પર ચમર ઢળે. ૫

એવી છત્ર તણી છબિ છાજે, વાજાં વિવિધ પ્રકારનાં વાજે;

કોઈ બખતરિયા ને પાખરિયા,2 શસ્ત્ર વિવિધ પ્રકારનાં ધરિયાં. ૬

ગામથી ગાઉ એક સિધાવ્યા, ત્યાં તો સન્મુખ શ્રીહરિ આવ્યા;

ઉતર્યા વાહનેથી કુમાર, દંડવત નમિયા તેહ ઠાર. ૭

બાઈ શ્રીહરિને પગે લાગ્યાં, ઉર હરખી આશીર્વાદ માંગ્યા;

ભલે આવ્યા તમે ભગવાન, દયાથી દીધું દર્શનદાન. ૮

એવા સ્નેહના શબ્દ ઉચ્ચારી, છબી અંતરે લીધી ઉતારી;

હાથી ઉપર હરિને બેસાર્યા, સંતને ગજ રથ પર ધાર્યા. ૯

છત્ર શ્રીહરિને શિર છાજે, હેમકળશ તે ઉપર બિરાજે;

બેય બાજુયે ચમર થાય, તેની શોભા વરણવી ન જાય. ૧૦

ખમા ખમા કહે છડિદાર, કરે કીર્તન સંત ઉચ્ચાર;

એમ પુરમાં પધાર્યા મુરારી, નિરખી હરખ્યાં નરનારી. ૧૧

પૌષી દશમ વદી રવિવાર, ધર્મપુર ગયા ધર્મકુમાર;

એ તો દિવસ નવાઈનો એવો, જુગોજુગ સમરે જન તેવો. ૧૨

જન દર્શન કરવાને ધાય, ભીડ મારગમાં બહુ થાય;

જન સૌ ઉચરે તતખેવ, જય સ્વામિનારાયણ દેવ. ૧૩

શાર્દૂલવિક્રીડિત (અથ ઉલ્લેખાલંકાર)

ભક્તે શ્રીભગવાન જોગિ જતિએ સ્ત્રીએ રતીના પતિ,

દૈત્યે કાળ દયાળ દૈવિ પુરુષે શુરે સ્વસેનાપતિ;

શૈવે રુદ્રસ્વરૂપ જૈનમતિએ માન્યા મહાવીર છે,

ધાર્યા ધર્મતનૂજને નિરખિને તુર્કે3 પિરાન્પીર4 છે. ૧૪

ચોપાઈ

રસ અદ્‌ભુત હાસ્ય શૃંગાર, ભયાનક કરુણા વીર સાર;

રૌદ્ર શાંત બિભત્સ સ્વરૂપ, ભાળ્યા એવિ રીતે જગ ભૂપ. ૧૫

આવી દરબારમાં અસવારી, હવેલી ત્યાં પૂરવ મુખે સારી;

આપ્યો શ્રીજીને તેમાં ઉતારો, હતો સામાન તે વિષે સારો. ૧૬

ગાદિ તકિયા ને પ્રૌઢ પલંગ, રંગદાર રુડા નવરંગ;

કાચ તખતા ને ઝુમર હાંડી,5 સિંહાસન ત્યાં રાખ્યાં હતાં માંડી. ૧૭

સંત વર્ણી ને પાર્ષદ દાસ, થયો તે સ્થળ સૌનો સમાસ;6

ખાન પાન મેવા મિષ્ટાન, વસ્તુ સર્વ હતી તેહ સ્થાન. ૧૮

કહ્યું જે જોઈએ તેહ લેજો, હોય કાંઈ કમી તો કહેજો;

મુકુંદાનંદ વર્ણીએ થાળ, કર્યો તે જમ્યા જનપ્રતિપાળ. ૧૯

જમ્યા સંત તથા જમ્યા પાળા, જમ્યા હરિજન વરતાલવાળા;

નિરખ્યા બાઇએ હરિરાય, તેથી આનંદ ઉર ન સમાય. ૨૦

કર્યું વંદન વારમવાર, આવ્યાં પ્રેમનાં આંસુ અપાર;

મળે રાંકને તો રિદ્ધિ જેમ, ભૂલે ભાન ભૂલ્યાં ભાન તેમ. ૨૧

જ્યારે ભાન પામી નૃપનારી, સ્તુતિ ગદગદ કંઠે ઉચ્ચારી;

વારે વારે નમાવિયું શીશ, દયાસાગરે દીધી આશીષ. ૨૨

પાણિ7 જોડી કહ્યું પ્રભુ પાસ, વસો આ પુરમાં ખટ8 માસ;

સાધુ સત્સંગિયોને તેડાવો, આંહિ સારો સમૈયો કરાવો. ૨૩

સુણી બોલિયા જનસુખદાઈ, તમે સાંભળો સદ્‌ગુણી બાઈ;

કાઠીયાવાડના જન આવે, ભારે ભારે ઘોડાં સંગે લાવે. ૨૪

વાટે લાગે ભરુચનું દાણ,9 પડે અડચણ એહ પ્રમાણ;

વળી આવે બિજાં બાઈ ભાઈ, વાટે ચોર લુંટે દુખદાઈ. ૨૫

બોલ્યાં બાઈ સુણો પ્રભુ તમે, દાણ માફ કરાવશું અમે;

ચોકી મૂકશું રસ્તે સમસ્તે, કોઈ લુંટી શકે નહિ રસ્તે. ૨૬

મૂકશું અસવાર ને પાળા, શૂરવીર ભલા શસ્ત્ર વાળા;

એમ આગ્રહ કીધો અતીશે, ત્યારે તેડાવ્યાં જન જગદીશે. ૨૭

કહ્યું આતમાનંદને તત્ર, તમે દુર્ગપુરે લખો પત્ર;

ત્યાંથી આવે થોડાં બાઈ ભાઈ, રહ્યાં જે મુજ વિણ અકળાઈ. ૨૮

પછી પત્ર લખી મોકલાવ્યો, બાઈને મન મુદ ઉપજાવ્યો;

ઘણો ભાવ છે બાઈને મન, આપે નિત્ય નવાં તે ભોજન. ૨૯

સંત દર્શનનો લાભ સાંધી, જમે કાચું પાકું અન્ન રાંધી;

તેથી માંદા પડ્યા સંત ત્યારે, જાણી વાત તે બાઈએ જ્યારે. ૩૦

કરવાને રસોઈ તૈયાર, રાખ્યા વિપ્ર રસોઇયા ચાર;

તોય બાઈ રહી તેહ પાસે, કાચી પાકી રસોઈ તપાસ. ૩૧

થાય શ્રીહરિને કાજે થાળ, બાઈ તેનીયે રાખે સંભાળ;

જ્યારે ભોજન સંત આદરે, બાઈ દૂરથી દર્શન કરે. ૩૨

બાઈ કથન કહાવે તે એવું, સંતે અન્નમાં નીર ન લેવું;

આ તો એવો છે દેશ અમારો, અપચો તેથી તરત થનારો. ૩૩

આપી શ્રીજીએ આગન્યા ત્યાંય, જળ લેવું નહીં અન્નમાંય;

પીરસે સંતને ભગવંત, છબિ જોઈ રાજી થાય સંત. ૩૪

એવું જોઈ બોલ્યા મહારાજ, સંત રાજી દીસે સહુ આજ;

ઉંડો અર્થ એ વાક્યનો જેહ, જુદી જુદી રીતે જાણ્યો તેહ. ૩૫

બાઈને મન એમ ઉતર્યું, ખટ માસ રહેવાનું ઠર્યું;

તેથી રાજી થયા સહુ સંત, એમ ભાખે છે શ્રીભગવંત. ૩૬

પણ સંત તો સમજીયા એવું, ઠર્યું અન્નમાં પાણી ન લેવું;

એથી રાજી થયા સંત આજે, એમ મર્મ કર્યો મહારાજે. ૩૭

સ્વાદવશ સહુ સાધુને જાણ્યા, એવું જાણી સાધુ શરમાણા;

સંતે લાજી નીચું જોયું જ્યારે, પ્રભુ તરત પધાર્યા ઉતારે. ૩૮

જઈ પોઢી રહ્યા પરમેશ, ઉઠ્યા છે ઘડી દિવસ રહ્યે શેષ;

પછી બેઠા સભા સજી સારી, બેઠા સંત પાળા બ્રહ્મચારી. ૩૯

બેઠા સત્સંગી સૌ થઈ સ્વસ્થ, બેઠા ગામના આવી ગૃહસ્થ;

ધર્મ જ્ઞાન સંબંધી ત્યાં વાત, કહીં શ્રીહરિએ સાક્ષાત. ૪૦

પછી લજ્જા વિષે વૃષલાલે, કહી વાત ભલી તેહ કાળે;

લજ્જાથી પણ ધર્મ રહે છે, લજ્જા ધર્મની પાળ કહે છે. ૪૧

ઉપજાતિ (લજ્જા વિષે)

લજ્જા ભલી ધર્મની પાળ જાણો, લજ્જા સદાચાર ગઢ પ્રમાણો;

જો લાજ જેના મનથી ન તૂટે, તો ધર્મ તેનો નહિ છેક છૂટે. ૪૨

હાથી પગે સાંકળ બંધ જેમ, છે ચિત્તનું બંધન લાજ તેમ;

જો બંધ તૂટે વહી ક્યાં જાય, ભાલા તણા માર વિશેષ ખાય. ૪૩

કુસંગિને જો મન લાજ હોય, ડરે કુચાલે10 દિલ માંહિ તોય;

જેણે તજી લોક તણી જ લાજ, કહો પછી શું ન કરે કુકાજ. ૪૪

લાજે કરીને જન શીલ પાળે, લાજે કરી દુર્ગુણ દૂર ટાળે;

જો લાજવાળા તણિ લાજ જાય, તો મૃત્યુનો તે કરશે ઉપાય. ૪૫

લાજે લડીને રણમાં મરે છે, લાજે જ લોભી ધન વાવરે છે;

લાજે લિધેલું ધન પાછું આલે, લાજે જનોનો વ્યવહાર ચાલે. ૪૬

લાજે વદેલું11 નિજ વેણ પાળે, લાજે પિતાનું ઋણ પુત્ર વાળે;

લાજે કરે છે જન કામ સારાં, નારી નરો નિર્લજ તે નઠારાં. ૪૭

શરીરની નાડિ સમાન લાજ, જાણો તમે સૌ જનનો સમાજ;

તે હોય ત્યાં સુધી થશે ઉપાય, તે તૂટિ તો આશ નહીં રખાય. ૪૮

ભલે સજ્યા સદ્‌ગુણ જો અનેક, લજ્જા વિના નીચ ગણાય છેક;

સર્વાંગથી હોય શરીર સારું, નાસા12 વિના તેહ દિસે નઠારું. ૪૯

ચોપાઈ

જુઓ સંતોમાં કેવી છે લાજ, એનો દાખલો દીઠો મેં આજ;

સંત જમવા બેઠા હતા જ્યારે, અમે મર્મ કર્યો કાંઈ ત્યારે. ૫૦

સૌએ નીચું જોયું શરમાઈ, એ જ છે ધર્મની દૃઢતાઈ;

એવી રીતે સભા નિત્ય થાય, કથા વારતા નિત્ય કરાય. ૫૧

હરિ સંતને અર્થે તે બાઈ, બહુ મોકલે મેવા મિઠાઈ;

સાંઠા શેલડીયોના મગાવી, ઘણાં મોકલે ગાડાં ભરાવી. ૫૨

રસ શેલડીનો ઘડા ભરી, ક્યારે મોકલે બહુ પ્રેમ કરી;

નવા ગોળનાં ઉત્તમ ભીલાં, ક્યારે મોકલે રુડા રસિલાં. ૫૩

પરગામથી મેવો મગાવે, સંતને અરથે મોકલાવે;

દૂધ દહીં ઘૃત આપે અઘાત,13 ખાંડ સાકરની તો શી વાત. ૫૪

જાણે વાવરું જે સંત સારુ, ખરું એટલું છે ધન મારું;

આવો અવસર ક્યારે ફરિ આવે, એમ જાણિ જમાડે છે ભાવે. ૫૫

ધન્ય કુશળકુંવરબાઈ રાણી, જેની શાસ્ત્રમાં વાત લખાણી;

રાણિયો બહુ થૈ અને થાશે, ગુણ આના હમેશ ગવાશે. પદ

જ્યાં સુધી શશી સૂર્ય આ ઠામ, રહેશે એનું અવિચળ નામ;

એના વંશમાં જન્મશે જેહ, ભાગ્યશાળી ગણાશે જ તેહ. ૫૭

ધન્ય માતપિતા પણ તેનાં, ધન્ય ધન્ય સાસરિયાં જેનાં;

કર્યો બે કુળ કેરો ઉદ્ધાર, ધન્ય ધન્ય એનો અવતાર. ૫૮

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિજન અવતાર જ્યાં ધરે છે, સ્થિતિ કરિ જે સ્થળ માંહિ તે ઠરે છે;

અવનિ અધિક ધન્ય તે ગણાય, કુળ પણ તેહ પવિત્ર બેય થાય. ૫૯

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિધર્મપુર વિચરણનામ ત્રિપંચાશત્તમો વિશ્રામઃ ॥૫૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે