કળશ ૭

વિશ્રામ ૫૪

પૂર્વછાયો

સુરતના સતસંગીને, મુખે કહ્યું હતું મહારાજ;

સુરતનો સંઘ આવિયો, તેથી દર્શન કરવા કાજ. ૧

ચોપાઈ

આનંદાનંદ સ્વામી જે આવ્યા, એ જ સુરતનો સંઘ લાવ્યા;

જામો જરિયાનનો સુરવાળ, સારો મુગટ જડાવ વિશાળ. ૨

કડાં વેઢ વીંટી મોતિમાળા, લાવ્યા શણગાર એવા રૂપાળા;

પ્રભુપદ કરી પ્રેમે પ્રણામ, ભલી ભેટ ધરી તેહ ઠામ. ૩

જન સૌ કહે એમ વચન, ધન્ય સુરતના હરિજન;

એનો ભાવ પ્રભૂ પર ભારી, એની સમજણને બલહારી. ૪

જ્યારે જાણ્યું આવ્યો સંઘ સારો, આપ્યો બાઈએ સારો ઉતારો;

ભલાં મોકલ્યાં ભોજન પાન, જાણ્યા સૌ સગાવાલા સમાન. ૫

એક દિવસ ત્રિજે પોરે ધારી, આવ્યા કુંવર સજી અસવારી;

સજી લાવ્યા સારા હય હાથી, સાથે સરદાર પોતાના સાથી. ૬

ઘણા પાળા તથા અસવાર, રથ પાલખી શોભે અપાર;

સાથે આરબ બેરખ છાજે, વાજાં વિવિધ પ્રકારનાં વાજે. ૭

કર્યો કૃષ્ણને કુંવરે પ્રણામ, કર જોડીને ઉચર્યા આમ;

હનુમાનનાં દર્શન કાજ, ચાલો સંત સહિત મહારાજ. ૮

બેસો હાથિયે હે ભગવંત, રથમાં બેસશે બીજા સંત;

કરવા દરશન આપ તણાં, પુરવાસીયો ઇચ્છે છે ઘણાં. ૯

માટે એવે મિષે મહારાજ, આપો દર્શન સર્વને આજ;

સુણી શ્યામ ઉભા થયા જ્યારે, આવ્યા સુરતના જન ત્યારે. ૧૦

કર જોડીને વાણી ઉચારી, વાલા સાંભળો વિનતી અમારી;

અમે પોશાગ આપ્યો ઉમંગે, પ્રભુ એ જ ધરો આજ અંગે. ૧૧

અતિ વિનતિ કરી સૌ સમાજે, ત્યારે માન્યું વચન મહારાજે;

જામો જરિયાનનો સુરવાળ, ધર્યો મસ્તકે મુગટ વિશાળ. ૧૨

કડાં વેઢ વિંટી ધરી હાથે, મોતિમાળા ધરી મુનિનાથે;

હાથી અંબાડિએ બેઠા હરિ, બેઠા કુંવર ચામર ધરી. ૧૩

છત્ર હેમકળશ શુભવાળું, ભગુજીએ તે ધાર્યું રૂપાળું;

નાજો જોગિયો દાસ હરિનો, રહ્યા રુમાલ ધારી જરીનો. ૧૪

બેય બાજુએ પાટિયાં બેય, જડ્યાં તે પર તે ઉભા છેય;

શોભે જય ને વિજય બેય જેવા, ભગુજી ને નાજો શોભે તેવા. ૧૫

મોટા સંત બેઠા રથમાંય, બીજા ચાલતા કીર્તન ગાય;

કોઈ અસવાર ને કોઈ પાળા, સતસંગી ચાલ્યા સંઘવાળા. ૧૬

ચાલ્યા પાર્ષદો બંદુક ધરી, અસ્ત્ર શસ્ત્ર ધર્યાં સજ્જ કરી;

જે જેકાર વદે છડીદાર, જોવાને ઉલટ્યાં નરનાર. ૧૭

જન દર્શન કરવાને ધાય, તે તો મારગમાં ન સમાય;

ઝરુખે ને અગાશીએ ચડ્યાં, કોઈ છાપરા ઉપર અડ્યાં. ૧૮

કોઈ ઓઝલમાં રહેનારી, નિરખે ચક1 નાખીને નારી;

કોઈ માવનાં મીઠડાં લે છે, કોઈ પુષ્પાદિકે વધાવે છે. ૧૯

અસવારી ધિમે ધિમે જાય, જન નિરખતાં તૃપ્ત ન થાય;

વળી આગળ આગળ દોડી, નિરખે ને નમે કર જોડી. ૨૦

ભાલાં ઝળકે ને ફરકે નિશાન, કરે બંદીજનો ગુણગાન;

આવી ચૌટા વચે અસવારી, નમે પ્રેમથી સર્વ વેપારી. ૨૧

અન્યોઅન્ય કરે છે ઉચ્ચાર, અહો આપણાં ભાગ્ય અપાર;

શાસ્ત્ર સાંભળતાં જે સ્વરૂપ, આજ પ્રત્યક્ષ નિરખ્યું અનૂપ. ૨૨

મોરમુગટ બિરાજે છે માથે, શુકજી જેવા સંત છે સાથે;

ગણે દર્શન દુર્લભ દેવ, તે તો આજ દીઠા તતખેવ. ૨૩

સુણો ભૂપ હું શું કહું ભાખી, સ્વારી ધારી2 રિઝી પુરી આખી;

આવ્યા ઇંદ્રાદિ દેવ અપાર, જુવે તે પણ વારમવાર. ૨૪

શાર્દૂલવિક્રીડિત (હસ્તિપ્રબંધ)

હાથીએ હરિ સ્વારિ સારિ કરિ છે રીઝી પુરી ધારિને,

ધારી ધારિ ફરી ફરી ઠરિ ઠરી હેરી3 હરી સ્વારિને;

શ્રીજી આગળ સ્વાર હાર્ય થઇ હર્ખે છે ઘણા હેતથી,

જોવા સૌ સુર ધાઈને ફરિથિ ફર્કે છે ઠઠ શ્વેતથી.4 ૨૫

हस्तिप्रबंध

Image

શાર્દૂલવિક્રીડિત (ભ્રાંતાપતિઅલંકાર)

ગાજે છે ઘન હે સખી નહિ સખી ત્રંબાળુનો5 નાદ છે,

બોલે છે બહુ મોર જો નહિ છડીદારો તણા સાદ છે;

જો આ વિજળિ મેઘચાપ6 ચળકે તે શસ્ત્ર નીશાન7 છે,

જો આ મેઘ ચડ્યો નહીં ગજશિરે શ્રીજી ભિનેવાન છે. ૨૬

ચોપાઈ

આખા પુરમાં ફરી અસવારી, નિરખી હરખ્યાં નરનારી;

હનુમાનના મંદિર પાસ, ઉતર્યા જઈને અવિનાશ. ૨૭

નિજ દાસને દેવાને માન, નમ્યા હનુમાનને ભગવાન;

નમ્યા કુંવર તથા સંત પાળા, નમ્યા હરિજન સૌ સંઘવાળા. ૨૮

પછી નીકળ્યા મંદિર બહાર, મોટું મેદાન છે તેહ ઠાર;

પ્રભુને કરવાને પ્રસન્ન, ધાર્યું રાજસુતે નિજ મન. ૨૯

કળા અશ્વ ખેલવવાની જાણે, એને અસ્વાર સર્વ વખાણે;

મહારાજને ખૂબ રિઝાવા, માગ્યો પોતાનો અશ્વ ખેલાવા. ૩૦

અશ્વ લૈ એક રાવત8 આવ્યો, ભાળી અશ્વ તે સર્વને ભાવ્યો;

જેવો ઉચ્ચૈઃશ્રવા ઇંદ્ર કેરો, ઘોડો તે થકી સરસ ઘણેરો. ૩૧

ઉપજાતિવૃત્ત (અશ્વપ્રબંધ)

જે અશ્વ અર્થે અતિ અન્ય ભૂપે, તપ કર્યાં ખ્યાત યતીશરૂપે;9

ઓપે રુપાળો અતિ અશ્વિનીશ,10 સુભાગિ પામે ઇહ11 લોકઈશ.12 ૩૨

अश्वप्रबंध

Image

ચોપાઈ

એહ અશ્વ ઉપર એહ વારે, કરી અસ્વારી રાજકુમારે;

પછી તેને દોડાવ્યો ખેલાવ્યો, અતિ અદ્‌ભુત ખેલ જણાવ્યો. ૩૩

છોડી બંદુક દોડતે ઘોડે, વળી દોડાવ્યા બે અશ્વ જોડે;

બેય ઉપર બે પગ મુક્યા, સાથે દોડાવતાં નવ ચૂક્યા. ૩૪

લઈ હાથમાં તીર કમાન, દોડતે ઘોડે પાડ્યું નિશાન;

મહારાજને મુજરો13 કીધો, વખાણીને આશીર્વાદ દીધો. ૩૫

ક્ષત્રિપુત્ર તમે ધન્ય ધન્ય, તમ જેવા જોયા નથી અન્ય;

રીઝ્યા કૃષ્ણ કહી વેણ એમ, રીઝે મોટા તપસ્વીને જેમ. ૩૬

હતા તેમ હાથી પર બેઠા, બીજા ચૌટામાં14 ફરવાને પેઠા;

દીધાં દર્શન બહુ કરી દયા, પછી આપને ઉતારે ગયા. ૩૭

થોડા દિવસ વિત્યા એમ જ્યારે, આવ્યાં સાધુનાં મંડળ ત્યારે;

મુક્તાનંદ અને નિત્યાનંદ, એહ આદિક સંતનાં વૃંદ. ૩૮

આવ્યાં દુર્ગપુરી થકી ધાઈ, મોટીબા મીણબા રામબાઈ;

ફૈબા આદિક બાઇયો આવ્યાં, વૈશ્ય રાજુબાને સાથે લાવ્યાં. ૩૯

ભટ્ટ બેચર લક્ષમીરામ, દવેજી હરજીવન નામ;

એહ આદિ આવ્યા સતસંગી, હરિદર્શન કરવા ઉમંગી. ૪૦

જીવુબાનું મોટીબા છે નામ, તેણે પ્રભુપદ કીધા પ્રણામ;

ઘણા દિવસ વિજોગમાં રહ્યાં, તેથી નેણ થકી નીર વહ્યાં. ૪૧

બોલ્યાં ગદગદ કંઠે વચન, આવું નવ ઘટે પ્રાણજીવન;

મત્સ્ય વારિ વિના ટળવળે, વારિને તો દયા નવ મળે. ૪૨

એવી નિર્દયતા ધરી નાથ, તમે છોડ્યો અમારી સંગાથ;

એવાં સાંભળી વિરહવચન, બોલ્યા મધુરવચન ભગવન. ૪૩

જોવા પ્રેમ તમારો જરૂર, થોડા દિવસ રહ્યો છું હું દૂર;

પણ ભજન કરે છે જે મારું, તેને હું પણ પળ ન વિસારું. ૪૪

જાણ્યો પ્રેમ તમારો અપાર, કહી ગઢપુરના સમાચાર;

સુણી બોલ્યા જયાબાઈ વાણી, સુણો શ્રીહરિ સારંગપાણિ. ૪૫

નૃપ અભયનો ઉત્તમ પુત્ર, તથા તેનું બધું ઘરસૂત્ર;

જીવો ખાચર કુટુંબ સમેત, અતિ છે સૌનું તમ પર હેત. ૪૬

તે છે તમ વિના સર્વે ઉદાસી, કહે ક્યારે આવે અવિનાશી;

કોઈ તો નથી અન્ન જ ખાતાં, રોઈ રોઈ કર્યાં નેણ રાતાં. ૪૭

કોઈ તો ભૂલ્યા દેહનું ભાન, કોઈ તો થયાં વિકળ સમાન;

કોઈ વિરહનાં બોલે વચન, કોઈ તજવાને ઇચ્છે છે તન. ૪૮

સ્વામિ છે સચ્ચિદાનંદ નામ, તે તો વન ભટકે ઠામ ઠામ;

ઝાડને પૂછતા તે ફરે છે, હરિ ક્યાં હરિ ક્યાં ઉચરે છે. ૪૯

રોઈ નેણનું ખૂટ્યું છે નીર, તેણે કાને વહે છે રુધીર;

મુખે લેતા નથી અન્ન પાણી, વદે હે હરિ હે હરિ વાણી. ૫૦

પશુ પક્ષીને પૂછે છે જઈ, કહો કૃષ્ણ ગયા અહિં થઈ;

નથી ઉત્તર દેતાં તે જ્યારે, અતિ થાય ઉદાસી છે ત્યારે. ૫૧

દે છે તાળું જો ઘરમાં ઘાલિ, રહે તાળું ને તે જાય ચાલી;

એને જો નહિ દ્યો દરશન, તજશે તે નકી નિજ તન. ૫૨

સુણી સંતની એવી અધીર, આવ્યાં નાથના નેણમાં નીર;

કહે શ્રીજી બહુ ન રોકાશું, થોડા દિનમાં દુરગપુર જાશું. ૫૩

સચ્ચિદાનંદનો જોઈ સ્નેહ, આપી દિવ્યગતી છતે દેહ;

શ્રીજી સાથે આવી જમે થાળ, જાય ગઢપુર વળી તતકાળ. ૫૪

જમવાનું કહે જન જ્યારે, આપે ઉત્તર તેહને ત્યારે;

શ્રીજી સાથે જમી આવ્યો હુંય, નથી ભૂખ્યો હવે જમું શુંય. ૫૫

કહી એમ કોઈક દહાડે, મુખમાં મિષ્ટ અન્ન દેખાડે;

ધર્મપુરમાં લીલા હરિ કરે, સચ્ચિદાનંદ તેહ ઉચ્ચરે. ૫૬

બ્રહ્મચારી કહે સુણો ભૂપ, એવાં કૃષ્ણચરિત્ર અનૂપ;

ધર્મપુરની કથા હવે કહું, સાવધાન થઈ સુણો સહુ. ૫૭

જયાબાઈ આવ્યાં એવું જાણી, ભેટ્યાં કુશળકુંવરબાઈ રાણી;

રાણીને કહે શ્રીમહારાજ, જયાબા છે મટાં ભક્તરાજ. ૫૮

જ્ઞાનવારતા સારી કરે છે, બાઇયોના તે સંશે હરે છે;

તમ અર્થે તેડાવ્યાં છે એને, આપો ઉતારો તમ પાસે તેને. ૫૯

રાત દિવસ સમાગમ રાખો, એના મુખથી જ્ઞાનામૃત ચાખો;

સુણી એવું સમાગમ આશે, આપ્યો ઉતારો પોતાની પાસે. ૬૦

આપી ઉત્તમ ખાન ને પાન, સારી રીતે કર્યું સનમાન;

મુક્તાનંદ આદિ સંત જેહ, રહ્યા શ્રીજીનિ સમીપે તેહ. ૬૧

જ્ઞાનવારતા નિશદિન થાય, જ્યાં ત્યાં હરિકીર્તન સંભળાય;

ધર્મપુર માંહિ એ સમે રાય, અતિ આનંદ ઉર ઉભરાય. ૬૨

જોતાં ભાસે ધરમપુર કેવું, નૈમિષારણ્ય પ્રત્યક્ષ તેવું;

એવાં ભજન સ્મરણ તહાં થાય, વિશાળા સમ જોતાં જણાય. ૬૩

કાં તો ધારિએ અક્ષરધામ, એવી શોભા બની એહ ઠામ;

કર્યો વર્ણિ મુકુંદે ત્યાં થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ. ૬૪

સંત અર્થે ફનસનું શાક, ઘૃત ઘાલેલું જેમાં અથાક;

ભલાં બીજાં ભોજન ભાત ભાત, રાંધનારા રાંધે દ્વિજ જાત. ૬૫

પીરસે પુરુષોત્તમ પ્રીતે, જમે સંત સરવ શુભ રીતે;

એમ આનંદ ઉત્સવ થાય, હરિભક્તને હરખ ન માય. ૬૬

પુષ્પિતાગ્રાવૃત્ત

ધરમતનુજ ધર્મશાસ્ત્ર ધારી, ધરમ વધારિ અધર્મને વિદારી;

ધરમ કરમ શુદ્ધ જે સુહાવ્યાં,15 ધરમપુરે રહિ ધાત્રિમાં16 ચલાવ્યાં. ૬૭

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

ધર્મપુરે દુર્ગપત્તનસંઘાગમનનામ ચતુઃપંચાશત્તમો વિશ્રામઃ ॥૫૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે