વિશ્રામ ૫૫
પૂર્વછાયો
મુક્તાનંદ મુનિ ઉચર્યા, એક સમે કુંવરની પાસ;
શ્રીજી ચડે અસવારિએ, એવાં દર્શનની મને આશ. ૧
ચોપાઈ
સ્વારી સારી સજાવીતી તમે, ન કર્યાં દર્શન પણ અમે;
ફરીથી જો કરો એ જ રીતે, પ્રભુ નિરખિએ પ્રેમ સહિતે. ૨
પછી કુંવરે સજી અસવારી, આવી શ્રીજીને અરજ ઉચારી;
બેસો અંબાડીમાં મહારાજ, ફરિએ વળિ પુર માંહિ આજ. ૩
નોતા હાજર તે દિન જેહ, ઇચ્છે દર્શન કરવાને તેહ;
એવું સાંભળી દીનદયાળ, ધર્યો મુગટ ધર્યો સુરવાળ. ૪
જામો જરિયાનનો ધર્યો નાથે, કડાં વેઢ વીંટી ધરી હાથે;
ધર્યાં શોભિતા શુભ શણગાર, થયા હસ્તી ઉપર અસવાર. ૫
બેઠા કુંવર ચમર લઈ પાસ, બેય બાજુ ઉભા રહ્યા દાસ;
એકે છત્ર ને એકે રુમાલ, કર માંહિ ધર્યાં તેહ કાળ. ૬
જેવી પ્રથમ સજી હતી સ્વારી, શોભે એ થકી પણ અતિ સારી;
શેરી શેરીએ શેહેરમાં ફરિયા, પાછા આવી ઉતારે ઉતરિયા. ૭
કર્યાં દર્શન લોક અનંતે, કર્યાં દર્શન હરિજન સંતે;
કર્યાં દર્શન ગઢપુરવાસી, છબિ હૈયામાં ધારી હુલાસી. ૮
સભા સાંઝે સજી ઘનશ્યામે, આવ્યા રાજકુંવર એહ ઠામે;
લાવ્યા નિજના ગવૈયાને સંગે, તેઓ ગાવાને લાગ્યા ઉમંગે. ૯
ધ્રુવપદનું કર્યું એક ગાન, ઉરમાં ધરીને અભિમાન;
દેવાનંદ હતા ગાન અભ્યાસી, એને એમ કહ્યું અવિનાશી. ૧૦
કરી એક આલાપ પસારી,1 અમે જોઈએ બુદ્ધિ તમારી;
સુણી તેણે સરોદો મંગાવ્યો, તતબીરથી2 તાર ચડાવ્યો. ૧૧
એક આલાપી રાગણી સારી, નૃપના ગવૈયા રહ્યા હારી;
માયા તોસેં લગી કેસે છૂટે, જેસે હીરો ફોર્યો નવ ફુટે. ૧૨
એહ પદ અતિ ઉત્તમ ગાયું, શોભ્યું શારદાથી તે સવાયું;
ગવૈયા કહે સાંભળો તમે, નભી શકિએ નભાવો તો અમે. ૧૩
દેવાનંદનું સાંભળી ગાન, ગવૈયાએ મુક્યું અભિમાન;
ગાને રાજી થયા ગિરધારી, નિજ તનથી ડગલી ઉતારી. ૧૪
હતી તે કિનખાબની ભારે, કરી સુરતના કરનારે;
મુખે બોલિયા શ્રીમહારાજ, આપું આ દેવાનંદને આજ. ૧૫
પણ ત્યાગીએ તે ન રખાય, કોઈ ચોર જનો ચોરી જાય;
પછી ફેરવી તેહને શીશ, ગવૈયાને કરી બનશીશ. ૧૬
પછી સભા વિસર્જન થઈ, જમ્યા શ્રીકૃષ્ણ ઉતારે જઈ;
રોટલો બાજરીનો ને દહીં, સ્નેહે શ્યામ આરોગિયા સહી. ૧૭
પછી પોઢ્યા પવિત્ર પલંગે, સારી શાલજોટો ઓઢિ અંગે;
વળી એક દિવસ તણી વાત, કહું તે તમે સાંભળો ભ્રાત. ૧૮
બાઈ કુશળકુંવરનો ભાઈ, રહેતો હતો તે પુરમાંઈ;
તેણે પધરામણી શુભ પેર, કરી નાથ તેડ્યા નિજ ઘેર. ૧૯
કરી પૂજા ષોડશ ઉપચારે, વસ્ત્ર પેરાવિયાં ભારે ભારે;
માથે સુંદર મુગટ ધરાવ્યો, રુપૈયા ભરી થાળ મગાવ્યો. ૨૦
પ્રભુ આગળ તે ભેટ ધરી, ધૂપ દીપ ને આરતી કરી;
પૂજી સંતને વસ્ત્ર ઓઢાડ્યાં, પ્રભુને નમી પાપ મટાડ્યાં. ૨૧
વળી એક સમે મહારાજ, નદીએ ગયા મજ્જન કાજ;
નાહ્યા ત્યાં હતી ટાઢ અત્યંત, તાપ્યા તાપે હરિ સહુ સંત. ૨૨
કરી દૃષ્ટિ સામા તટ પાર, દીઠી અદ્ભુત ઝાડી તે ઠાર;
સંતને વસવા યોગ્ય વન, આ છે એમ બોલ્યા ભગવન. ૨૩
કંદ મૂળ ને ફળનો આહાર, મળે આ વન માંહિ અપાર;
કહે સંત મળ્યા અવિનાશ, હવે કોણ વસે વનવાસ. ૨૪
એવી રીતે વિનોદ કરીને, ગયા ઉતારે નાથ ફરીને;
વાંસદાના રાજા ગુણધામ, રાયસિંહજી જેહનું નામ. ૨૫
સુણ્યો તેણે શ્રીજીનો પ્રતાપ, આવ્યા તેડવાને નૃપ આપ;
કહ્યું કુશળકુંવરબાઈ પાસ, મારે ગામ આવે અવિનાશ. ૨૬
એવી અરજ પ્રભુને ઉચ્ચારો, તો હું માનીશ પાડ તમારો;
પછી બાઇએ વિનતિ ઉચ્ચારી, જાઓ વાંસદે દેવ મુરારી. ૨૭
રાજા આવ્યા છે તેડવા કાજ, એના પૂરો મનોરથ આજ;
નૃપને કહ્યું નાથે તે સમે, જાઓ ત્યાં તમે આવશું અમે. ૨૮
રાયસિંહજી વાંસદે ગયા, બિજે દિન હરિ તૈયાર થયા;
સાથે લૈ સહુ સંત સમાજ, વાંસદે ગયા શ્રીમહારાજ. ૨૯
ત્યારે ભૂપ તથા કારભારી, સામા આવ્યા સજી અસવારી;
સનમાનથી શહેરમાં લાવ્યા, દરબાર વિષે પધરાવ્યા. ૩૦
પ્રભુજીને બેસાર્યા પલંગે, કર્યું અર્ચન અધિક ઉમંગે;
અલંકાર અનૂપ ધરાવ્યા, સોના રૂપાને પુષ્પે વધાવ્યા. ૩૧
કર્યો વર્ણી મુકુંદે ત્યાં થાળ, જમ્યા જીવન જન પ્રતિપાળ;
કરાવ્યા રાયે પાક રસાળા, જમ્યા સંત તથા જમ્યા પાળા. ૩૨
બીજે દિવસે સભા સજી સારી, તેમાં અદભુત વાતો ઉચ્ચારી;
જણાવ્યું પુરુષોત્તમપણું, સૌને અચરજ ઉપજ્યું ઘણું. ૩૩
થોડા દિવસ વસી તહાં વાસ, જવા માગી રજા અવિનાશ;
ભૂપને કહે શ્રીભગવાન, કાંઈ માગો તમે વરદાન. ૩૪
સુણી બોલિયા રાય સુજાણ, પ્રભુ કરજો અમારું કલ્યાણ;
પદની છાપ પૂજવા કાજ, પાડી આપો મને મહારાજ. ૩૫
એ જ માગું છું હું વરદાન, અન્ય ઇચ્છા નથી ભગવાન;
કહે કૃષ્ણ વચન સુણો મારું, નકી થાશે કલ્યાણ તમારું. ૩૬
એમ કહી નિજ ચરણની છાપ, પાડી આપી પ્રભુજીએ આપ;
રુદે રાજી થયા તેથી રાય, તેના હૈયામાં હરખ ન માય. ૩૭
એમ આનંદ સૌને વધાર્યા, ધર્મપુર ધર્મપુત્ર પધાર્યા;
માઘી પંચમીનો દિન આવ્યો, તેનો ઉત્સવ ત્યાં જ ઠરાવ્યો. ૩૮
બાઈ કુશળકુંવરે વિચારી, તેડાવ્યાં સગાં સ્નેહી સંભારી;
મહારાજનાં દર્શન કરવા, વળી ભવજળ પાર ઉતરવા. ૩૯
બહુ આવ્યાં તહાં નરનારી, સમૈયાની શોભા થઈ સારી;
ભાત ભાતનો રંગ રચાવ્યો, મણ ઝાઝા ગુલાલ મગાવ્યો. ૪૦
કર્યો પંચમીને દિને ખેલ, થઈ રંગની રેલમછેલ;
પછી સારી સજી અસવારી, નદીએ ગયા નાવા મુરારી. ૪૧
જમ્યા આવીને જીવન થાળ, જમ્યા સંત રસોઈ રસાળ;
ધર્મપુરમાં રહી ધર્મજાત,3 એવી લીલા કરી ભલી ભાત. ૪૨
પુષ્પિતાગ્રાવૃત્ત
કૃત સુખકર સચ્ચરિત્ર ભારે, ધરમપુરે રહિ ધર્મના કુમારે;
નિજ જન હિતકારિ નાથ એહ, અમ પર નિત્ય થજો પ્રસન્ન તેહ. ૪૩
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિધર્મપુર વસંતોત્સવવર્ણનનામ પંચપંચાશત્તમો વિશ્રામઃ ॥૫૫॥