કળશ ૭

વિશ્રામ ૫૬

પૂર્વછાયો

માગી રજા મહારાણીની, પછે વાલે જવા વરતાલ;

બાઈ ઉદાસી બહુ થયાં, પણ માન્યું નહીં વૃષલાલ. ૧

ચોપાઈ

ત્યારે બાઇએ વાત વિચારી, દિન એક રુડો નિરધારી;

પધરામણી કરવાને કાજ, કચેરીમાં તેડ્યા મહારાજ. ૨

બેઠા કુંવર વિજયદેવ ત્યાંય, બેઠા ભાયાત તે સ્થળમાંય;

બેઠા નાના મોટા કારભારી, બેઠા શ્રીમંત શેઠ વેપારી. ૩

એક ખંડમાં ચક નખાવી, બેઠાં કુશળકુંવરબાઈ આવી;

લઈ સંત ને સત્સંગી સાથ, નેહે ત્યાં તો પધારિયા નાથ. ૪

બોલ્યા ઉંચે સ્વરે ચોપદાર,1 ઉઠી સૌએ કર્યા નમસ્કાર;

કુંવરે બહુ હેતે બોલાવ્યા, શુભ સિંહાસને પધરાવ્યા. ૫

અતિ પ્રેમથી પૂજન કીધું, પદ ધોઈ પાદોદક પીધું;

કરી કેસર અરચા ભાલ, કર્યો કંકુનો ચાંદલો લાલ. ૬

જરિયાની ભલો સુરવાળ, પહેરાવ્યો પ્રભુને તે કાળ;

ફુમતાંવાળી રેશમી નાડી, અતિશે તે તો શોભે અગાડી. ૭

કીનખાબી જામો લીલે રંગે, પહેરાવ્યો પ્રભુજીને અંગે;

રુડો રેટો જે બુરાનપુરનો, રચેલો જાણે સ્વર્ગના સુરનો. ૮

મહારાજને માથે બંધાવ્યો, દુપટ્ટો ભારે કમરે કસાવ્યો;

શોભિતું લીલા રંગનું શેલું, પ્રભુના તે ખભા પર મેલ્યું. ૯

ધરી નંગજડિત કંઠમાળ, જાણે નક્ષત્રમાળ વિશાળ;

શોભે શ્રીહરિનું મુખ કેવું, તારામંડળમાં શશી જેવું. ૧૦

હૈયે હેમની ઉતરી ધારી, બાજુબંધ બાંધ્યા સુખકારી;

વાઘમોરાં કડાં કાંડે ધરિયાં, નિરખી જનનાં નેણ ઠરિયાં. ૧૧

ધર્યાં વેઢ ને વિંટી આંગળીયે, જડ્યાં નંગ તે તો કેમ કળિયે;

પુષ્પતોરા ને પુષ્પના હાર, પહેરાવ્યા કરી બહુ પ્યાર. ૧૨

સોના રૂપાની મોહોરના થાળ, ભરીને ભેટ મુક્યા વિશાળ;

ધૂપ દીપ ને નૈવેદ્ય ધરી, પછી કર્પૂરે આરતી કરી. ૧૩

મંત્રી સરદાર શેઠ વેપારી, સૌએ પૂજા કરી ભેટ ધારી;

પૂજ્યા સંતને કુંવરે સપ્રીત, વસ્ત્ર ઓઢાડિયાં રુડી રીત. ૧૪

આપ્યા પાર્ષદને સુપોશાગ, લક્ષ્મીરામને શેલું ને પાગ;

માતાએ કહી મુકેલું જેમ, કુંવરે આપ્યું સર્વને એમ. ૧૫

બેઠાં કુશળકુંવરબાઈ દૂર, પણ નિરખી છબિ ધરે ઊર;

પૂજા માનસી મન માંહિ ધારી, કરીને સ્તુતિ કેવી ઉચ્ચારી. ૧૬

તોટક છંદ

નમુ કૃષ્ણ હરિં કરુણાકરણં, જનનાં જનનં મરણં હરણં;

નમું વર્ણિ સ્વરૂપધરં વરદં, નિજ સેવકને પદ અક્ષરદં. ૧૭

વરદેવ સુવંદિતપાદ વિભો, પદભક્તિ અનન્ય સુદેહિ2 પ્રભો;

નમુ દાસહિતં નરદેહધરં, ભવપાશકરાલ3 વિનાશકરં. ૧૮

નમુ શેષ ગણેશ મહેશ પતિં, નમુ શ્રીવૃષનંદ અગમ્યગતિ;

નમુ શ્રીહરિ સુંદરશ્યામતનં, નિજઆશ્રિતચાતકસ્વાતિઘનં. ૧૯

નમુ શ્યામતમાલસમં વરણં, નમુ માધવ સાધુમનોહરણં;

નમુ નિર્મળ કોમળ કંજપદં, જિતકામ સદા ગતમોહમદં. ૨૦

અસુરારિ અઘારિ અધર્મઅરિં, નમુ હાટકસંધૃતહારહરિં;4

નમુ મંજુલ કોમળ હાસ્યમુખં, નમુ સંતજનાર્પિતસર્વસુખં. ૨૧

શ્રુતિમાર્ગ પ્રવર્તનકારિ સદા, નમુ નાથ નિરંજન દેવ મુદા;

નમુ ધર્મપુરે નિજઅઘ્રિધરં,5 નિજદાસમનોરથ પૂર્ણકરં. ૨૨

નમું કોટિક વિશ્વધરં રુચિરં, સુખદાયક બોધકરં સુચિરં;

મુનિમાનસહંસવિશાલસરં,6 નમુ નૈષ્ઠિકતાવ્રત નિત્ય ધરં. ૨૩

અરપો મુજને વરદાન અહો, તવ આ છબિ અંતર માંહિ રહો;

ક્ષણમાત્ર કદી ન જશો વિસરી, વરદાયક વિશ્વવિહારિ હરી. ૨૪

ચોપાઈ

સ્તુતિ તો એવી રીતે ઉચ્ચારી, વળી બોલ્યાં વિશેષ વિચારી;

મહારાજ આ રાજ્ય અમારું, તે તો જાણજો સર્વ તમારું. ૨૫

ભરેલો છે જે ધનનો ભંડાર, નથી એમાં અમારું લગાર;

આપ ઇચ્છા પ્રમાણે વાવરો, મોટા મોટા જગન આંહિ કરો. ૨૬

શેર અન્ન તણાં સાથી અમે, પ્રભુ રાજ્યના માલિક તમે;

સુણી બોલિયા શ્રીમહારાજ, અમને ગમતું નથી રાજ. ૨૭

નથી બંધાવું એક જ ઠામ, કરવાં છે હજી ઘણાં કામ;

કરી દેશ વિદેશ પ્રવેશ, કરવો જનને ઉપદેશ. ૨૮

કચ્છ સોરઠ ને ગુજરાત, વધ્યો છે વામપંથ વિખ્યાત;

તેનું ખંડન કરવું છે મારે, ધર્મ સ્થાપવા શ્રુતિ અનુસારે. ૨૯

એ જ માટે લીધો અવતાર, હરું અધરમ ભૂમિનો ભાર;

મોટાં પૂર્વનાં મુક્ત છો તમે, તમ અર્થે આવ્યા અંહિ અમે. ૩૦

મારા રૂપનો નિશ્ચે કરાવ્યો, પુર પાવન કરવા હું આવ્યો;

હવે આંહિ નથી અન્ય કામ, થયું પૂરણ કામ તમામ. ૩૧

આખી પૃથ્વીનું જો મળે રાજ, નથી મારે તેનું કાંઈ કાજ;

ધનને ગણું ધૂળ સમાન, ગણું સનમાનને અપમાન. ૩૨

દેખું છું સરખાં નરનારી, હોય વૃદ્ધ જુવાન કુમારી;

દેખું રૂપ કુરૂપ સમાન, નથી ભાસતો ભેદ નિદાન. ૩૩

જેમ કીડીયોની હોય હાર, દીસે સર્વનો સરખો આકાર;

તેમાં કોણ પુરુષ અને નારી, કોણ કદ્રૂપ ને કોણ સારી. ૩૪

એમાં ભેદ કશો ન ભણાય, જોતાં સર્વ તે સરખી જણાય;

તેમ માણસ જાતિ આ સ્થાન, મને ભાસે છે સર્વે સમાન. ૩૫

એવી વાત બહુવિધિ કરી, સુણી સર્વને અંતરે ઠરી;

હતી થાળમાં મોહોરો જેહ, રાજકિંકરને7 વેં’ચી તેહ. ૩૬

ઘણા વિપ્રોને દક્ષિણા દીધી, પુરમાં થઈ વાત પ્રસિદ્ધી;

એક ટેલિયો બ્રાહ્મણ આવ્યો, ટેલનો તેણે શબ્દ સુણાવ્યો. ૩૭

બોલ્યો ગદગદ જોડીને હાથ, મારી અરજ સુણો કૃપાનાથ;

ટેલ નાખતાં દિન બહુ ગયા, નથી આવતી કોઈને દયા. ૩૮

મોટી કન્યા થઈ છે કુંવારી, નથી પરણાવવા શક્તિ મારી;

વળી પુત્રને દેવી જનોઈ, પણ ધન નથી ધીરતું કોઈ. ૩૯

હવે શું મુખ લૈ જાઊં ઘેર, કરૂં પ્રાણ તજ્યા તણી પેર;

દીનાનાથ દયા જો દેખાડો, મારું સંકટ શ્યામ મટાડો. ૪૦

સુણી બોલિયા શ્રીહરિ ત્યારે, કેટલું ધન જોઈએ તમારે;

તારે ટેલિએ કીધો ઉચ્ચાર, જોઈયે ધન એક હજાર. ૪૧

તેને શ્રીહરિએ તેહ ટાણે, આપ્યા રુપૈયા એ જ પ્રમાણે;

પછી બાઈશ્રી બોલ્યાં વચન, કરો અંતઃપુરને પાવન. ૪૨

તહાં દર્શન સર્વને આપો, કોટિ જન્મનાં પાતક કાપો;

શસ્ત્રાગાર તથા જે ભંડાર, દયા દૃષ્ટિ કરો સર્વ ઠાર. ૪૩

સુણી અરજ ધરી હરિ ઉરમાં, પધાર્યા પછી અંતઃપુરમાં;

તહાં દર્શન સર્વને દીધાં, કૃપાદૃષ્ટિથી પાવન કીધાં. ૪૪

દરબારમાં સર્વ ઠેકાણે, પગલાં કર્યાં એ જ પ્રમાણે;

જોઈ શસ્ત્રશાળા જોયા કોશ,8 કર્યા દૃષ્ટિ વડે નિર્દોષ. ૪૫

અતિ આનંદ સૌને વધાર્યા, પછી કૃષ્ણ ઉતારે પધાર્યા;

પછી થોડા દિવસ ગયા જ્યારે, જવાને થયા તૈયાર ત્યારે. ૪૬

બાઇએ તો બહુ કરી તાણ, રહો શ્રીહરિ શ્યામ સુજાણ;

વિના દર્શન દિન કેમ જાશે, મારું અંતર અતિ અકળાશે. ૪૭

એવું સાંભળી શ્રીહરિ આપ, છાપી આપી સ્વ ચરણની છાપ;

કહ્યું લ્યો નિત્ય દર્શન કરજો, મનમાં દૃઢ ધીરજ ધરજો. ૪૮

વળી બાઈ બોલ્યાં બહુ વહાલે, મારી સુધ લેજો અંતકાળે;

ક્યાંઈ વાસના ન રહે લગાર, આપો એ વર જગ કરતાર. ૪૯

તથા અસ્તુ કહ્યું હરિ જ્યારે, વળી બાઈ બોલ્યાં ફરી ત્યારે;

જીવુબાઈ આદિક છે જેહ, થોડા દિવસ રહે આંહિ તેહ. ૫૦

એવી આજ્ઞા કરો અવિનાશી, સુણી એવું બોલ્યા સુખરાશી;

પ્રવાસે થયા દિવસ વિશેષ, જવા દ્યો તેમને નિજ દેશ. ૫૧

સગાં સ્નેહી જોતાં હશે વાટ, કરતાં હશે અધિક ઉચાટ;9

જીવુબાઈને કહે મહારાજ, તમે લૈને તમારો સમાજ. ૫૨

લક્ષ્મીરામ ચારણ ભોજોભાઈ, સાથે બેયને લઈ જાઓ બાઈ;

જળપંથે10 સુરતથી વિચરજો, જઈ ભાવનગરમાં ઉતરજો. ૫૩

જજો દુર્ગપુરે થોડા દિનમાં, દૃઢ ધીરજ ધારજો મનમાં;

કહી એ રીતે કીધાં વિદાય, ગયો સુરત તે સમુદાય. ૫૪

જવા શ્રીજીએ કીધી તૈયારી, આવ્યા કુંવર સજી અસવારી;

આવ્યા મેતા મુસદી11 પ્રધાન, આવ્યા આરબ ડંકો નિશાન. ૫૫

બેઠા અંબાડિમાં અવિનાશ, લઈ ચમર કુંવર બેઠા પાસ;

વાજે વાજિંત્ર વિવિધ પ્રકાર, સાથે શોભે ઘણા અસવાર. ૫૬

રથમાં બેઠા મોટેરા સંત, ચાલે હરિજન પાળા અનંત;

કોઈ ઝાંઝ મૃદંગ બજાવે, કોઈ તાળી પાડી ગુણ ગાવે. ૫૭

જેવી રીતે પ્રથમ પધરાવ્યા, તેવી શોભાએ શ્યામ વળાવ્યા;

ગાઉ એક સુધી ગયા જ્યારે, બેઠા વાલમ વેલ્યમાં ત્યારે. ૫૮

પ્રભુએ સહુને પાછા વાળ્યા, ભલા ભાવિક સર્વને ભાળ્યા;

કરી પ્રભુપદ પ્રેમે પ્રણામ, સહુ ઉભા રહ્યા એહ ઠામ. ૫૯

ઘણે દૂર ગયા હરિ જ્યારે, પુરવાસી પાછા વળ્યા ત્યારે;

રહ્યા ઝાડીમાં જૈ હરિ રાત, ચાલ્યા ત્યાંથી ઉઠીને પ્રભાત. ૬૦

પુષ્પિતાગ્રાવૃત્ત

કુશળકુંવરબાઇ કાજ નાથ, ધરમપુરે જઈને સુસંત સાથ;

અગણિત જનને કૃતાર્થ કીધાં, દરશન દાન દઈ ઉધારિ લીધાં. ૬૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિધર્મપુરાત્ વિચરણનામ ષટ્પંચાશત્તમો વિશ્રામઃ ॥૫૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે