કળશ ૭

વિશ્રામ ૫૭

પૂર્વછાયો

ધર્મતનુજ ધર્મપુર થકી, રહ્યા ઝાડી વિષે જઈ રાત;

સંઘ સહિત પછી ત્યાં થકી, ઉઠિ પરવરિયા પરભાત. ૧

ચોપાઈ

ચીખલીમાં રહ્યા રાત વાસો, આવ્યા દર્શન કરવાને દાસો;

ત્યાંથી ચાલતાં મારગડામાં, રાત વાસો રહ્યા વગડામાં. ૨

ત્યાંથી કૃષ્ણ પધાર્યા કતાર, આવ્યાં સુરતી ત્યાં નરનાર;

તેણે સેવા સજી સમો જોઈ, બિજે દિન પણ દીધી રસોઈ. ૩

જમી ચાલિયા જગદાધાર, પહોંચ્યા પ્રભુ તાપીને પાર;

વરિયાવે વસ્યા રાત વાસ, ઉઠી પરીયે ગયા અવિનાશ. ૪

કૃષ્ણ ત્યાંથી કારેલિયે ગયા, કીમ ચોકીયે જૈ રાત રહ્યા;

ત્યાંથી ગમન કરી ગામોગામ, દેતા દાસોને દર્શનદાન. ૫

આવ્યા જીતાલીયે અલબેલ, તહાં ભૂધરદાસ પટેલ;

તેણે રાખ્યા ને દીધી રસોઈ, બિજે દિન બોલ્યો પટેલ કોઈ. ૬

મારે ઘેર જમી જજો હરી, પણ કૃષ્ણે ઉતાવળ કરી;

ત્યારે તેણે સીધું સારું દીધું, ગાડીતે1 ગાડામાં ભરી લીધું. ૭

પ્રભુ ઉતર્યા નર્મદા પાર, ઝાડેસર ગયા જગત આધાર;

પૂરણાનંદ વિપ્ર બોલાવી, તેની પાસે રસોઈ કરાવી. ૮

જમી રાજી થયા જનપાળ, પૂરણાનંદને દીધી શાલ;

પછી ત્યાં થકી શ્યામ સિધાવી, રહ્યા રાત ટંકારિયે આવી. ૯

નદી ઢાઢર ઉતરી નાથ, રહ્યા વણછરે સૌ જન સાથ;

વિપ્ર જીવણ ને આશારામ, તેણે સેવા સજી તેહ ઠામ. ૧૦

આવ્યા ભોજની સીમમાં જ્યાંય, પાકું કોઠું જમ્યા પ્રભુ ત્યાંય;

રણું ગામે તળાવને તીર, દીઠી દેવીની જગ્યા રુચીર.2 ૧૧

તહાં રાત રહ્યા અવિનાશ, આવ્યા તે ગામના નિજ દાસ;

દેસૈભાઈ ને ભગવાનદાસ, ભવાનીદાસ ને કાશીદાસ. ૧૨

પ્રભુદાસ અને પુજાભાઈ, તુળજાભાઈ આવિયા ધાઈ;

આલમગર ને પ્રભાતગર, દીધું સૌએ તે માન આદર. ૧૩

સેવા સૌની કરી અંગિકાર, પ્રાતે3 પરવર્યા પ્રાણ આધાર;

ડભાસે થઈ એકલબારે, ગયા ત્યાંના મળ્યા ભૂપ ત્યારે. ૧૪

તેણે જમવાની બહુ કરી તાણ, પણ જમવા રહ્યા ન સુજાણ;

નદી ઉતરવા માગ્યું નાવ, ભૂપે આપ્યું ભલો ધરી ભાવ. ૧૫

ભાઠામાં ઉતર્યા ભગવાન, આપ્યું રાયે ત્યાં સીધું સામાન;

અતિ આગ્રહ એહનો જોઈ, જમ્યા શ્રીજી ને સંત રસોઈ. ૧૬

ગયા ત્યાં થકી બામણગામ, ફળી બારોટનું જેહ ઠામ;

તહાં સંતોને ઉતરવાની, ઓરડી હતી આ સંપ્રદાની. ૧૭

ઉતર્યા તહાં જૈ અવિનાશ, પામ્યા દર્શન સૌ હરિદાસ;

ચાલ્યા રાત રહી તેહ ઠામ, આવ્યા શેલડિયે ઘનશ્યામ. ૧૮

ભક્ત મોકમસિંહજી જેહ, પ્રભુને પ્રણમ્યા આવી તેહ;

ખોડાભાઈ તથા હઠીભાઈ, સેવ્યા સૌએ મળી સુખદાઈ. ૧૯

પછી ત્યાંથી ગયા અલબેલ, ખેડાહા ભાદરણ ને રુંદેલ;

બોચાસણ જઈને રહ્યા રાત, ગયા વેરા દેદૈડે પ્રભાત. ૨૦

ગાના ગામની સીમમાં કૂપ, તહાં પૂરી જમ્યા જગભૂપ;

થયો જે સમે મધ્યાહ્ન કાલ, વૃષપુત્ર આવ્યા વરતાલ. ૨૧

પગી જોબનની મેડી જ્યાંય, માવો ઉતરિયા તેહમાંય;

પગીયોને બોલાવીને પાસ, આપે ઉચ્ચરિયા અવિનાશ. ૨૨

રસ્તે સારી સજી તમે સેવા, માટે ઇચ્છું છું વરદાન દેવા;

અતિ રાજી થયો છું હું ઉર, જીભે માગો તે આપું જરૂર. ૨૩

પગી બોલ્યા કરીને પ્રણામ, મળ્યા છો પ્રભુ પૂરણકામ;

મુરતી તમારી ભગવાન, સદા છે કલ્પવૃક્ષ સમાન. ૨૪

ઇચ્છા પૂરો છો અંતરજામી, નથી કોઈ વાતે રહી ખામી;

વરદાન દેવા દિલ ધરો, તો આ હોરી ઉત્સવ આંહિ કરો. ૨૫

માગિએ છૈએ એ વરદાન, ભલા થૈને આપો ભગવાન;

કૃષ્ણે આપિયો કર માંહિ કોલ, કરશું આંહિ આ ફુલદોલ. ૨૬

પગી રાજી થયા તે અપાર, કર્યું વંદન વારમવાર;

ત્યાં તો સૂરતથી તેહ કાળ, જયાબાઈ આવ્યાં વરતાલ. ૨૭

આવી પ્રભુપદ કીધો પ્રણામ, ત્યારે બોલિયા સુંદરશ્યામ;

તમે વાણે બેસી ન સિધાવ્યાં, મહાવિકટ પંથે કેમ આવ્યાં. ૨૮

જયાબાઈ બોલ્યાં તેહ કાળ, જાણ્યું રહેશો તમે વરતાલ;

દુર્ગપુરમાં તેડી જવા કાજ, અમે આવ્યાં અહીં મહારાજ. ૨૯

ઇચ્છા છે સહુને અતિ ઉરમાં, ફુલદોલ કરો ગઢપુરમાં;

સુણી બોલિયા શ્રીભગવાન, અમે આપ્યું આંહિ વરદાન. ૩૦

ફુલદોલનો ઉત્સવ એહ, કરવો વરતાલમાં તેહ;

જો તે મારું વચન વ્યર્થ થાય, વિશ્વમાં મુજ વિશ્વાસ જાય. ૩૧

ઉપજાતિ (વચન પાળવા વિષે)

સલીલ4 દેવા ઘન5 શ્યામ ગાજે, તે વ્યર્થ જાતાં નહિ લેશ લાજે;

જો હું વદીને કરું વ્યર્થ આમ, નિંદાય નિશ્ચે ઘનશ્યામ નામ. ૩૨

જે કોઈ વાણી વદિને ન પાળે, પોતાનિ તે તો કિરતી પ્રજાળે;

મનુષ્ય તે તો હલકું ગણાય, વિશ્વાસ તેનો જગમાંથિ જાય. ૩૩

માટે યશસ્વી જન હોય જેહ, વિચારિને વેણ વદે જ તેહ;

કરે કુબુદ્ધી બકવા અપાર, પાળે નહીં વેણ પછી લગાર. ૩૪

જો વામ ભાગે ખર શબ્દ થાય, ભલો દિલાસો6 જનને જણાય;

જેનો દિલાસો કદિ વ્યર્થ જાય, તે તો ભૂંડો ગર્દભથી ગણાય. ૩૫

ફરે નહીં પશ્ચિમમાંથી સૂર, ફરે ન જોગીની સ્થિતિ જરૂર;

ફરે ન દેવો વરદાન દે તે, ફરે નહીં સજ્જન જે કહે તે. ૩૬

જો હોય રાજા કદિ રંક હોય, પ્રતાપી પૂરો પણ હોય તોય;

જો બોલિને બોલ જુઠો કરે છે, લબાડ તે વિશ્વ વિષે ઠરે છે. ૩૭

વાણી ન પાળે વ્યવહાર જાય, વાણી ન પાળ્યા થકિ પાપ થાય;

વિશ્વાસઘાતી જન દુષ્ટ જે છે, જુઠા દિલાસા દઇને ઠગે છે. ૩૮

જે સત્યવાદી જન સત્ય બોલે, અસત્ય વાચા વદને ન ખોલે;

રિઝે સદા શ્રીહરિ સત્યતાથી, ખિજે ખરા જૂઠ જિભે કહ્યાથી. ૩૯

ચોપાઈ

માટે આપ્યું વચન અમે જેહ, પાળવું પડશે નકિ તેહ;

ફુલદોલનો ઉત્સવ બાઈ, કરશું અમે વરતાલમાંઈ. ૪૦

જીવુબાઈ બોલ્યાં જોડિ હાથ, સુણો કોટિ બ્રહ્માંડના નાથ;

તમે ગઢપુરથી દૂર થયા, તેને દિવસ ઘણા વહિ ગયા. ૪૧

તેથી જે જન ત્યાંનાં નિવાસી, અતિ અંતરમાં છે ઉદાસી;

વાલા આપનો વિજોગ જેહ, અતિ રોગ અસાધ્ય છે એહ. ૪૨

નથી કોઈ સુખેથિ રહેતા, અન્ન જળ કોઈ તો નથી લેતા;

વધી આતુરતા છે અથાગ, તનનો કરશે કોઈ ત્યાગ. ૪૩

માટે ગઢપુર આપ પધારો, વ્યથા વિરહની છે તે વિદારો;

વસી બે દિન પાછા વિચરજો, ફુલદોલ આંહિ આવી કરજો. ૪૪

સુણી શ્રીહરિને ગમી વાત, કહી હા રુદે થૈ રળિયાત;

પછી ગઢડે જવા ગિરધારી, છડી સ્વારીયે7 કીધી તૈયારી. ૪૫

પગી તખો તથા છે જોબન, બીજા પાટીદાર હરિજન;

સૌને બોલાવીને ઘનશ્યામ, કહે સાંભળો ભક્ત તમામ. ૪૬

મારા વિરહથી ગઢપુરવાસી, દિલમાં છે અત્યંત ઉદાસી;

માટે દુર્ગપુરે હું જઈશ, થોડા દિવસમાં પાછો આવીશ. ૪૭

પુષ્પદોલનો ઉત્સવ ભારે, આવી કરવો છે અહિ અમારે;

દેશદેશના સંઘ ભરાશે, ગામમાં સીમમાં ભીડ થાશે. ૪૮

સૌને ઉતારા દેવા વિચારી, જગ્યા સાફ કરાવજો સારી;

મોટો આંબલો છે શુભ જ્યાંય, સંત ઉતરશે સહુ ત્યાંય. ૪૯

નારાયણબાગ બાગ વિશાળા, શોધી કરજો તે સાફ રુપાળા;

તહાં ઉતરશે હરિજન, થાય તેનાં આનંદિત મન. ૫૦

કેસુડાં કસુંબો8 ને પતંગ,9 વળી કેસર કરવાને રંગ;

ગજેગંજ અબીર ગુલાલ, મોટા પુરથી મગાવજો માલ. ૫૧

જ્ઞાનબાગમાં બે હોજ કરવા, ભલા તે અવસર રંગ ભરવા;

ખૂબ કરવો છે રંગનો ખેલ, જેવો આજ સુધી ન થયેલ. ૫૨

એવી શ્રીજીએ વાત સુણાવી, કંકોતરીયો પછીથી લખાવી;

દેશે કાનમ વાકળ નામ, દેશ દંઢાવમાં ગામોગામ. ૫૩

ઘણે ઠામ લખી કંકોતરી, પછી પરવર્યા ગઢપુર હરિ;

ચાલ્યા વરતાલથી અવિનાશ, કર્યો જૈને વસોયે નિવાસ. ૫૪

રામસર નામનું છે તડાગ,10 ભાળ્યો ત્યાં થકી ઈશાન ભાગ;

ઉભા તંબુ કરી તેહ ઠામ, કર્યો ક્યારડા માંહિ મુકામ. ૫૫

દવે દાદા આવ્યા તેહ ઠાર, આવ્યા તુલસીભાઈ પાટીદાર;

આવ્યા જેસંગ વાંસજીભાઈ, આવ્યા ધ્રુવાલા ને બાલાભાઈ. ૫૬

કરી સંઘ તણી બરદાસ, આપ્યાં અન્ન ચંદી અને ઘાસ;

શ્રીજી સંચર્યા ત્યાંથી સવારે, પશેગામ તણે ગયા આરે. ૫૭

જઈ સાભ્રમતી નદી પાર, બોલ્યા તે સ્થળ પ્રાણઆધાર;

આંહિ ભાઠામાં11 વંતાક સારાં, થાય છે અન્ય દેશથી ન્યારાં. ૫૮

એમ કહીને ચાલ્યા વૃષજાત, ખોડાભાઈએ સાંભળી વાત;

તે તો ઝીંઝરના રહેનાર, હરિભક્ત તે પરમ ઉદાર. ૫૯

બીજા તો રહે બોટાદપુર, દાદા ખાચરના જે શ્વશુર;12

નામે માતરો ધાધલ હતા, અટક્યા જણ બેય તે જતા. ૬૦

કહ્યું વાડીવાળા પાસે જઈ, આપો વંતાક કીંમત લઈ;

લાવ્યો જૈને તે વંતાક બેય, પણ દેખાડ્યું એક જ છેય. ૬૧

મૂલ આઠ આના તેના માગ્યા, ત્યારે બે જણ બોલવા લાગ્યા;

પ્રભુ અરથે લૈયે છૈયે અમે, પ્રભુ માથે રાખી બોલો તમે. ૬૨

બીજું વંતાક તે સુણી દીધું, આઠ આના બેનું મૂલ લીધું;

વટામણ ગયા વિશ્વઆધાર, ગયા બે જણ પણ તેહ ઠાર. ૬૩

પ્રભુને ભેટ વંતાક કર્યાં, લીલાં મરચાં લાવી વળી ધર્યાં;

શાક કરવા બેઠા ધર્મલાલો, નાખ્યો સુંદર તેમાં મસાલો. ૬૪

બહુનામીયે બાટીયો કરી, બેઠા જમવા અધર્મના અરી;

ખોડાભાઈના પ્રેમનું શાક, લાગ્યું તે થકી મિષ્ટ અથાક. ૬૫

શાકને વારે વારે વખાણે, નથી આવું જમ્યા કોઈ ટાણે;

તારે માતરે વેણ સુણાવ્યાં, આઠ આનાનાં વંતાક આવ્યાં. ૬૬

ખોડાભાઈનો પ્રેમ અથાક, તેથી લાગે છે મીઠાં વંતાક;

પ્રસાદી પ્રભુએ સૌને દીધી, જવા તૈયારી તે પછી કીધી. ૬૭

ત્યાંથી કૃષ્ણ ગયા કમિયાળે, કારિયાણી ગયા તેહ કાળે;

ત્યાંથી ગોવિંદ ગઢપુર ગયા, કરી દર્શન જન રાજી થયા. ૬૮

પ્રભુ પ્રગટનાં દર્શન પામી, સૌના વિરહની વેદના વામી;

અતિ આનંદમાં દિન જાય, શેષનાગે ન વર્ણન થાય. ૬૯

મહારાજે ધરી મન મરજી, તેડ્યા ઠક્કર લાધો ને હરજી;

પ્રભુ પાસે તે બે જણ આવ્યા, માવે કાગળ લખવા મગાવ્યા. ૭૦

પછી બોલિયા જીવન પ્રાણ, તમે સાંભળો ભક્ત સુજાણ;

ફુલદોલનો ઉત્સવ ભારે, કરવો વરતાલ અમારે. ૭૧

માટે કંકોતરી ઠામઠામ, લખીને મોકલો ગામોગામ;

દાદે ખાચરે બહુ કરી તાણ, કરો ઉત્સવ આંહિ સુજાણ. ૭૨

વરતાલે દીધું વરદાન, ભાખી વાત તે શ્રીભગવાન;

બેઠા લખવા પછી જણ બેય, બુદ્ધિવાળા બે ઠક્કર તેય. ૭૩

દેશ સોરઠ હાલાર કચ્છ, ઝાલાવાડ ને વાળાક સ્વચ્છ;

કાઠિયાવાડમાં ગામોગામ, લખી કંકોતરી સહુ ઠામ. ૭૪

લઈ મોકલ્યા કાશદ13 ઘણા, લખવામાં રાખી નહિ મણા;

એહ અવસરમાં એહ ઠાર, ધર્મપુરથી આવ્યા સમાચાર. ૭૫

વાલાવિરહનાં વાગિયાં બાણ, તજ્યા કુશળકુંવરબાઇએ પ્રાણ;

જ્યારે એનો થયો અંતકાળ, તમે તેડવા આવ્યા દયાળ. ૭૬

વળી આપ તણાં દરશન, પામ્યા કોઇ કોઈ પરિજન;14

બાઈ એ મોટા મુક્ત સમાન, તજી કાયા ધરી તવ ધ્યાન. ૭૭

એવા સાંભળીને સમાચાર, પામ્યાં ખેદ ઘણાં નરનાર;

દશ વર્ષ રહ્યાં હોત આંહીં, સતસંગ વધત દેશ માંહી. ૭૮

ઘણા લોક તો ઉચ્ચરે એમ, પણ કૃષ્ણઇચ્છા મટે કેમ;

હરિઇચ્છા થકી થાય જેહ, સુખદાયક સમજવું તેહ. ૭૯

પુષ્પિતાગ્રાવૃત્ત

કુશળકુંવરબાઇને કૃતાર્થ, જગતવિદીત15 કર્યાં ભલાં જથાર્થ;

અગણિત જન એ રિતે ઉદ્ધારે, વૃષસુત તેહ વસો દિલે અમારે. ૮૦

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિધર્મપુરાદ્‌વૃત્તાલય દુર્ગપુરાગમનનામ સપ્તપંચાશત્તમો વિશ્રામઃ ॥૫૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે