કળશ ૭

વિશ્રામ ૫૮

પૂર્વછાયો

બડો ઉત્સવ વરતાલમાં, ફુલદોલનો કરવા કાજ;

ગોવિંદજી ગઢપુર થકી, ચાલ્યા સાથે લઈને સમાજ. ૧

ચોપાઈ

સહુ હરિજનને લઈ સાથ, રહ્યા બોટાદમાં જઈ નાથ;

ભલા ખાચર ભક્ત હમીર, તેને ત્યાં ઉતર્યા નરવીર. ૨

ત્યાંથી પરવર્યા સુંદરશ્યામ, દેતા દર્શન જૈ ગામોગામ;

ઘણા કાઠી ગરાશિયા જેહ, ભાલદેશના રહેવાસી તેહ. ૩

સાથે લીધા શ્રીજીમહારાજે, મોટો ઉત્સવ નિરખવા કાજે;

વસોમાં આવિયા વનમાળી, ત્યાંના ભક્તો ખુશી થયા ભાળી. ૪

વાલાધ્રુ ને બીજા વાલા ભાઈ, દવે દાદા ને વાંસજી ભાઈ;

એહ આદિ મળી સતસંગી, સજી શ્યામની સેવા ઉમંગી. ૫

જમનાબાઈએ કર્યો થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ;

કાઠિ આદિક કાજે રસોઈ, બાઈ અવલે કરી સમો જોઈ. ૬

જમીને થયા વાલો વિદાયે, ચાંગે થૈ ગયા ગામ સંજાયે;

કૃષ્ણ આવે છે કોઈએ કહ્યું, સામા વરતાલથી ગયા સહુ. ૭

જ્ઞાનબાગમાં સંત સહીત, પધાર્યા પ્રભુજી ધરી પ્રીત;

પગી જોબન કુબેરદાસ, બેઠા રણછોડદાસજી પાસ. ૮

નારાયણગરજી તેહ ઠામ, આવી પ્રભુપદ કીધા પ્રણામ;

હતા જે જન શ્રીહરિ સંગે, મળ્યા સૌને તે અધિક ઉમંગે. ૯

હરિને કહ્યું જોડીને હાથ, ભલે આપ પધારિયા નાથ;

મોટા જન કાઠિયાવાડ માંય, તેના રોક્યા રહ્યા નહિ ત્યાંય. ૧૦

દેશદેશના જનને તેડાવ્યા, કૈક આવશે ને કૈક આવ્યા;

ભારે આંહિ સમૈયો ભરાશે, લીલા અદ્‌ભુત ગ્રંથે લખાશે. ૧૧

એ તો અમ પર બહુ દયા આણી, નિજ દાસના દાસ પ્રમાણી;

અહો ભાગ્યશાળી અમે જેવા, નથી અન્ય આ જગતમાં એવા. ૧૨

પછી બોલ્યા શ્રીજીમહારાજ, તમે સાંભળો ભક્તસમાજ;

આંબલો છે આ ઉત્તમ સારો, સંત સૌ આંહિ કરશે ઉતારો. ૧૩

જૈને વાસણ સૂતાર ઘેર, અમે ઉતરશું રુડી પેર;

અમ સાથે છે જે અસવારો, તમે આપજો તેને ઉતારો. ૧૪

નારાયણગર બોલિયા ત્યારે, મઠે ઉતરશે તે અમારે;

પછી ગામમાં શ્યામ પધાર્યા, નિજ સદને1 સુતારે ઉતાર્યા. ૧૫

કાઠિ આદિક મઠમાં ઉતરિયા, ભાસે જન સહુ આનંદ ભરિયા;

ગંગામાએ કર્યો જેહ થાળ, જમ્યા પ્રીતે પ્રણતજનપાળ. ૧૬

પછી પોઢ્યા પ્રભુ થોડી વાર, જાગી વદન પખાળ્યું તે વાર;

આવ્યા વરતાલના જન વાસી, તેણે દેખાડ્યા રંગના રાશી.2 ૧૭

પીચકારી આણેલી અપાર, તેનો દેખાડ્યો એક અંબાર;3

ગંજ દેખાડ્યા અબિર ગુલાલ, દેખી રીઝિયા દીનદયાળ. ૧૮

પછી ચોથો પ્રહર થયો જ્યારે, જ્ઞાનબાગે ગયા હરિ ત્યારે;

જગ્યા જોઈ કહે સુખકારી, રંગ રમવાની જગ્યા છે સારી. ૧૯

હરિએ નિરખ્યા હોજ બેય, અહો ભૂપ તે અદ્યાપિ છેય;

હોજ જોઈ કહે હરિરાય, વાહ સારી રચી છે શોભાય. ૨૦

હોડી આગળ હોડકું જેમ, કરી કુંડી અકેકી છે એમ;

રંગસામાન સર્વ મગાવો, લાવી આ સ્થળ માંહિ મુકાવો. ૨૧

દાસને એવી આજ્ઞા ઉચ્ચારી, શ્રીજી બેઠા સભા સજી સારી;

જ્ઞાનવારતા કીધી ઘણેરી, ધર્મ ભક્તિ ને વૈરાગ્ય કેરી. ૨૨

જમ્યા ઉતારે જૈ હરિ રાતે, તહાં પોઢીને ઉઠ્યા પ્રભાતે;

કરી નિત્યક્રિયા સજ્જ થઈ, જ્ઞાનબાગે સભા સજી જઈ. ૨૩

સુણો ભૂપ અભેસિંહ ભ્રાત, હવે ઉચરું અયોધ્યાની વાત;

ઘર મુકી ચાલ્યા ઘનશ્યામ, દુઃખી ત્યારથી લોક તમામ. ૨૪

ઇચ્છારામ ને રામપ્રતાપ, ધરે એ તો ઉદાસી અમાપ;

મુરતી મન માંહિ સંભારે, ક્ષણ વાર કદી ન વિસારે. ૨૫

તીર્થવાસી મળે કોઈ ઠાર, તેને પૂછે જઈ સમાચાર;

ક્યાંઈ દીઠો તમે મુજ વીર, તેનું છે ઘનશ્યામ શરીર. ૨૬

રુડું તેનું મનોહર રૂપ, પગે ષોડશ ચિહ્ન અનૂપ;

ચિહ્ન છાતિમાં શ્રીવત્સ શોભે, વેષ વર્ણિનો જનમન લોભે. ૨૭

ભાળ્યા હોય તો તે કહો ભાઈ, એમ પૂછે પ્રવાસીને ધાઈ;

એવા માંહિ માયાતીતાનંદ, સાધુ ત્યાં ગયા પ્રેર્યા ગોવિંદ. ૨૮

જાણી તીરથમાં ફરનાર, પ્રણમીને પુછ્યા સમાચાર;

કહો ક્યાં થકી આપ પધાર્યા, કહો કોણ ગુરૂ છે તમારા. ૨૯

સુણી સંત બોલ્યા તેહ ઠામ, જે છે ધર્મતનુજ ઘનશ્યામ;

ધર્યા ધર્મસ્થાપન અવતાર, એ છે અખિલ જગતઆધાર. ૩૦

ગુરુ એ ઇષ્ટદેવ અમારા, અમે એનું ભજન કરનારા;

એવું વેણ સાંભળતાં માત્ર, થયાં ભાઈનાં રોમાંચ ગાત્ર. ૩૧

પુછી વિસ્તારથી પછી વાત, થયા સાંભળીને રળિયાત;

કહ્યા સંબંધીને સમાચાર, સૌને ઉપજ્યો હરખ અપાર. ૩૨

મહારાજ તણા બેય વીર, થયા દર્શન કાજ અધીર;

અયોધ્યાપુરથી તતકાળ, લીધી વાટ જવા વરતાલ. ૩૩

સગા સ્નેહી લીધા બિજા સંગ, જેને કૃષ્ણ મળ્યાનો ઉમંગ;

કેટલાક વિત્યા દિન જ્યારે, પહોંચ્યા વરતાલ તે ત્યારે. ૩૪

કહ્યું કોઈએ જૈ સભા માંહી, અયોધ્યાવાસી આવે છે આંહીં;

સુણી રાજી થયા મહારાજ, થયા આતુર ભેટવા કાજ. ૩૫

માવે માણકી ઘોડી મંગાવી, કરી પાર્ષદ હાજર લાવી;

થયા અશ્વીએ હરિ અસવાર, સાથે સર્વે ચાલ્યાં નરનાર. ૩૬

જ્યાં છે ટાડણ નામે તલાવ, ગયા ત્યાં મનમોહન માવ;

આવ્યા ત્યાં તો અયોધ્યાના વાસી, ભેટ્યા ઉતરીને અવિનાશી. ૩૭

ઇચ્છારામ ને રામપ્રતાપ, જેનો પ્રભુપદ પ્રેમ અમાપ;

દંડવત કરી દૂરથી ધાઈ, ભુજા ભીડી ભેટ્યા બેઉ ભાઈ. ૩૮

ભેટ્યા જેમ ભરત ને રામ, ભેટ્યા ભાઈને શ્રીઘનશ્યામ;

ભુજા બ્રાતે ભરી તે ન મૂકે, આંખો માંહિથી આંસુ ન સૂકે. ૩૯

કહે ભાઈ તમે મુકી ગયા, દયાસિંઘુ તજી કેમ દયા;

પ્રેમ પીયૂષનું પાઇ પાન, વિષ પાયું પછી ભગવાન. ૪૦

એવાં પ્રેમનાં વેણ ઉચાર્યાં, દુઃખ વિરહનાં વાલે વિદાર્યાં;

સગાં સ્નેહી સંભારી તે વાર, શ્યામે સૌના પૂછ્યા સમાચાર. ૪૧

ભેટ્યા ભાઈને સૌ હરિભક્ત, વળી ભેટિયા સંત વિરક્ત;

વાલો અશ્વે થયા અસવાર, આવ્યાં ગામમાં સૌ નરનાર. ૪૨

હરિભક્તોએ ભાઈને સારો, આપ્યો ઉતરવાને ઉતારો;

મુકુંદાનંદને કહે માવો, ભાઈની તમે ખબર રખાવો. ૪૩

અજાણ્યા એહ છે જો આ કાળ, વળી છે અતિશે શરમાળ;

વસ્તુ માગતાં તે શરમાશે, માટે રહેજો તમે તેહ પાસે. ૪૪

પછી શ્યામ પોતાને ઉતારે, સ્વસ્થ થૈને બિરાજીયા જ્યારે;

વૈકુંઠાનંદ વર્ણિ તે વાર, જમવા કર્યા થાળ તૈયાર. ૪૫

રુડી રીતે રસોઈ રસાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ;

પછી પોઢી રહ્યા પરમેશ, થોડી વારે ઉઠ્યા સ્વજનેશ. ૪૬

આવી ફાગણી ચૌદશ જ્યારે, તહાં સંઘ આવ્યા ઘણા ત્યારે;

રુડી રાવટી4 તંબુ ને દેરા, ગામ ફરતા વસાયા ઘણેરા. ૪૭

ભારે રસ્તા વિષે ભીડ થાય, સીમમાં ન મનુષ્ય સમાય;

આવ્યા વેપારી કરવા વેપાર, બની બહુ ભલી બવળી5 બજાર. ૪૮

જ્ઞાનબાગમાં આમલા પાસે, સભા જૈને સજી અવિનાશે;

આમલા થકિ દક્ષિણે છેક, હતું બાવળનું ઝાડ એક. ૪૯

મુકી તે પર નોબત6 સારી, જ્યારે આવે સભામાં મુરારી;

ચિદાનંદસ્વામી તે બજાવે, તેથી જાણે સહુ શ્રીજી આવે. ૫૦

થયો નોબતનો નાદ જ્યારે, ઉલટ્યા જન દર્શને ત્યારે;

પ્રભુની પૂજા બહુ જન કરે, વસ્ત્ર ભૂષણ ધન ભેટ ધરે. ૫૧

હરિને ચડાવે કોઈ હાર, હારનો થયો ત્યાં તો અંબાર;

કોઈ આરતી હરિની ઉતારે, કોઈ આવીને સ્તવન ઉચ્ચારે. ૫૨

વાજે નરઘાં સરોદા સતાર, કરે કીર્તન સંત ઉચ્ચાર;

કોઈ પ્રશ્ન પૂછે તેહ ઠામ, આપે ઉત્તર શ્રીઘનશ્યામ. ૫૩

એક બાજુયે બેઠા ગૃહસ્થ, બેઠી વેગળે બાઇયો સમસ્ત;

હરિજનના જુદા જુદા દેશ, જુદી ભાષા અને જુદા વેશ. ૫૪

કોઈ શિર સુરતી પાગ ભાળી, કોઈને તો કચ્છી ચાંચવાળી;

રુડી કોઈ શિરે ગુજરાતી, કોઈ ગોહિલવાડી ગણાતી. ૫૫

કોઈને શિર મોળિયાં મોટાં, છોગાં કોઈને મોટાં કે છોટાં;

દક્ષિણી પાગ કોઈની દીસે, પારશિ પાગ કોઈને શીશે. ૫૬

પુરવી મારવાડી મેવાડી, કોઈ ઝીણી અને કોઈ જાડી;

કોઈ તો મોટા ચોરણાવાળા, કોઈ ધોતિયાવાળા નિહાળ્યા. ૫૭

એક એકનો વેષ વિરુદ્ધ, પોતપોતા તણો ગણે શુદ્ધ;

એમ જુદા જણાય અનેક, ઇષ્ટ સર્વ તણા શ્રીજી એક. ૫૮

અન્યોઅન્ય હરિભક્ત કેરો, સગાથી પણ સ્નેહ ઘણેરો;

કરે તિલક દેખીને પ્રણામ, લૈને સ્વામિનારાયણ નામ. ૨૯

મહિમા હરિજન તણો જાણે, ધ્રુવ પ્રહ્‌લાદ જેવા પ્રમાણે;

કોઈ રસ્તાની રજ લઈ હાથે, મહિમા જાણીને ધરે માથે. ૬૦

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિજન જન માંહિ હેત કેવું, પય7 જળ કેરું જણાય હેત જેવું;

જળજળ પય હેઠ જૈ જળે8 છે, પય ઉભરાય ઉતાપ ઓલવે છે. ૬૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

વૃત્તાલયપુષ્પદોલોત્સવે શ્રીહરિજનસંઘાગમનનામ અષ્ટપંચાશત્તમો વિશ્રામઃ ॥૫૮॥

 

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે