કળશ ૭

વિશ્રામ ૫૯

પૂર્વછાયો

હે નૃપ આવી હુતાશની, તેહ વાસરની કહું વાત;

બની શોભા જ્ઞાનબાગમાં, ધામ અક્ષર સમ સાક્ષાત. ૧

છે આજ છત્રી જે સ્થળે, એથી અગ્નિ દિશા મોઝાર;

ઉત્તમ બે આંબા હતા, એક એક તણે અનુસાર. ૨

ચતુરાનને1 ચતુરાઈથી, જાણે રુડા રચેલા હોય;

અવની ઉપર ઉગિયા, પણ મુક્ત હતા બે સોય. ૩

મોભ મુક્યો તે ઉપરે, હેતે બાંધ્યો હિંડોળો ત્યાંય;

નિષ્કુળાનંદે નેહથી, તેની રચી હતી રચનાય. ૪

બાર હતાં તેને બારણાં, રુડાં કમાનદાર કરેલ;

ફુદડીયો સોના તણી, સારી શોભતી માંહિ મઢેલ. ૫

લીંબુ કરાવી કનકનાં, લટકાવિયાં ચારે પાસ;

કળશ ઝળકે તેમના, જેવા સૂરજ સોમ પ્રકાશ. ૬

વિમાન જે વિબુધો તણાં, જેની આગળ ઝાંખા જણાય;

કારિગરિ તેની નિરખતાં, વિશ્વકર્મા તે વિસ્મિત થાય. ૭

ચોપાઈ

જરિયાનનાં વસ્ત્ર જડેલો, ગાલીચો ગોઠવી પાથરેલો;

મોભ સાથે તે બાંધ્યો હિંડોળો, શોભે સુંદર ઉંચો પહોળો. ૮

ગામમાં જઈ નિષ્કુળાનંદ, કહે કૃષ્ણને હે જગવંદ;

જ્ઞાનબાગમાં આપ પધારો, સજ્યો છે અમે હિંડોળો સારો. ૯

તેમાં આવિને આપ બિરાજો, કરે દર્શન સર્વે સમાજો;

સુણી શ્રીહરિએ સજી સ્વારી, જ્ઞાનબાગે ચાલ્યા ગિરધારી. ૧૦

વાજાં વિવિધ પ્રકારનાં વાજે, છબિ ચામર છત્રની છાજે;

સંત હરિજન કીર્તન ગાય, સૌને આનંદ મનમાં ન માય. ૧૧

જ્ઞાનબાગમાં આંબલા પાસ, બેઠા ઓટે જઈ અવિનાશ;

ચિદાનંદે નોબત બજાવી, કરે દર્શન જન દોડી આવી. ૧૨

નિષ્કુળાનંદે વિનતી કરી, હિંડોળામાં બિરાજિયે હરી;

હરિ હિંડોળાની પાસે ગયા, રચના જોઈને રાજી થયા. ૧૩

હરિ હિંડોળા માંહિ બિરાજ્યા, ભેટ ધરવા આવ્યા જન ઝાઝા;

ભલા સુરતના જન આવ્યા, જરિયાની પોશાગ તે લાવ્યા. ૧૪

સારી જામો તથા સુરવાળ, પહેરાવ્યો પ્રભુને તે કાળ;

ધર્મપુરમાં ધર્યો હતો જેહ, માથે મુગટ ધરાવિયો તેહ. ૧૫

વટપુર2 અમદાવાદ કેરા, લાવ્યા હરિજન ઘાટ3 ઘણેરા;

કડાં વેઢ વીંટિ બાજુબંધ, બાંધી સારું શેલું ધર્યું કંધ.4 ૧૬

રુડો રેટો તે કેડે બંધાવ્યો, હાર મોતિની હૈયે ધરાવ્યો;

સોટી ગુંથેલી સોનાના તારે, આપી હાથમાં હરિને તે વારે. ૧૭

રુડી રુપાળી મોરલી જેહ, બિજે હાથે ધરી હરિ તેહ;

પ્રભુ એવું સ્વરૂપ પ્રકાશે, બારે બારણે સન્મુખ ભાસે. ૧૮

દોરી હીરની લૈ હાથમાંય, મુક્તાનંદે ઝુલાવિયા ત્યાંય;

મુનિજન લઈ તાલ મૃદંગ, ગાય કીર્તન આણી ઉમંગ. ૧૯

(‘માતા જસોદા ઝુલાવે પુત્ર પારણે’ એ રાગ)

   મુનિવર મુક્તાનંદ ઝુલાવે હરિને હેતથી,

ઝુલે ધર્મકુંવર પ્રભુ ધર્મધુરંધર ધીર;

વાલમ બેશ રુપાળો વેશ ધરી વરણાગિયો,

   શોભે નટનાગર સુખસાગર શ્યામશરીર;

   મુક્તાનંદ ઝુલાવે હરિને હેતથી... મુનિવર꠶ ૨૦

કોટિક સૂરજ સોમ5 સમાન દીસે દીપ્તી6 ભલી,

હરિજન નિરખી નિરખી હરખે હૈડામાંય;

   દીનદયાળ પ્રભૂનાં દરશન કરવાને કારણે,

   આવ્યા અજ હર આદિક સુરવર સરવે ત્યાંય... મુનિવર꠶ ૨૧

હેમજડિત હિંડોળે ફરતાં શોભે ફુમતાં,

મેરુશિખર સરીખું શિખર બિરાજે શીશ;

   હાલે હિંડોળો ત્યાં ઘમ ઘમ વાજે ઘૂઘરા,

   જુક્તી જોતાં રીઝે જગજીવન જગદીશ... મુનિવર꠶ ૨૨

કોટિ પ્રકાર કરેલી કારિગરે કારીગરી,

છબિ શુભ છાજે જોતાં લાજે દેવવિમાન;

   મનહર તે હિંડોળાસૂધાં હરિની મૂરતી,

   જ્ઞાની ધ્યાની મનમાં ધરે ધરીને ધ્યાન... મુનિવર꠶ ૨૩

વસુધા7 ધન્ય વખાણે વિબુધો સૌ વરતાલની,

ઉચરે ધન્ય અધિક એ આંબાનો અવતાર;

   જેની ડાળે દિવ્ય હિંડોળે હીંચ્યા શ્રીહરી,

   અક્ષરધામનિવાસી અખિલ જગતઆધાર... મુનિવર꠶ ૨૪

જેને મળવા જોગીજન જપ તપ વ્રત આદરે,

જેનું ધ્યાન ધરે ગંગાધર8 ગૌરી9 ગણેશ;

   જેની આજ્ઞા નવ ઉલંઘે સૂરજ ને શશી,

   જેના જશ ઉચ્ચારે શારદ નારદ શેષ... મુનિવર꠶ ૨૫

જેની આજ્ઞા આપ નિરંતર અંતરમાં ધરી,

મૂકે નહિ કદિયે મહાસાગર પણ મરજાદ;10

   જેનાં વચન પ્રમાણે વાય પવન પણ વિશ્વમાં,

   જેનાં વચન પ્રમાણે વરસે છે વરસાદ... મુનિવર꠶ ૨૬

એવા પરમેશ્વર પ્રગટ્યા છે પૃથ્વી ઉપરે,

દર્શન દૈ જનને સુખ દેવા દીનદયાળ;

   વિચર્યા સ્વેચ્છાથી વૃષનંદન શ્રીવરતાલમાં,

   લીલા વિવિધ કરે છે વિશ્વવિહારિલાલ... મુનિવર꠶ ૨૭

ચોપાઈ

હિંડોળામાં હરિ એમ ઝુલે, જોઈ હરિજનનાં મુખ કુલે;

વાસુદેવ ને અખંડાનંદ, કરે ચમર ધરીને આનંદ. ૨૮

તહાં કુબેરજી છડીદાર, સ્વર ઉંચે કરે છે ઉચ્ચાર;

દાસ દર્શને ઉલટ્યા અપાર, હાથમાં ધરી પુષ્પના હાર. ૨૯

હાર જે જે જનો અરપે છે, બારે દ્વારે હરિ હાર લે છે;

હાર સોટી વડે ગ્રહે હરી, આપે સંતોને તે ભેગા કરી. ૩૦

લીલા અદ્‌ભુત જોઈ તે વાર, બોલે જન સહુ જય જયકાર;

દેવ દુંદુભી ગાજે આકાશે, હર્ષ આખા બ્રહ્માંડમાં ભાસે. ૩૧

નભમાં છાયાં દેવવિમાન, કરે ગાંધર્વ હરિગુણગાન;

દેવઅંગના આકાશે રહી, કરે પુષ્પ તણી વૃષ્ટિ તહીં. ૩૨

સતસંગીનો ધારીને વેશ, આવ્યા શેષ મહેશ સુરેશ;

કરે પ્રભુપદને તે પ્રણામ, આપે આશીષ સાનમાં શ્યામ. ૩૩

મહાદેવને હરખ ન માય, કરી તાંડવ હરિગુણ ગાય;

કોઈ અમર ભમર થઈ ભમે, જાણે પામું પ્રસાદી હું ક્યમે.11 ૩૪

હરિલીલા જેણે જોઈ એહ, ધન્ય ધન્ય તેનો નરદેહ;

ઘણું તપ વ્રત ફળ ઉદે થાય, ત્યારે તે સમે જન્મ પમાય. ૩૫

એવાનો પરિવાર જે થાશે, જન તે પણ ધન્ય ગણાશે;

જે કુળમાં હરિભક્ત થાય, આખું કુળ તે પવિત્ર ગણાય. ૩૬

એમ વ્યાસ મુનીએ કહ્યું છે, એવું શાસ્ત્રમાં વચન રહ્યું છે;

સહુ શ્રીહરિમાં ગુલતાન, ભૂલ્યા ખાન ને પાનનું ભાન. ૩૭

એહ આનંદ શું કહું ગાઈ, ન ભૂતો ન ભવિષ્યતિ ભાઈ;

પછી સદ્‌ગુરુ પૂજવા આવ્યા, સારી પૂજન સામગ્રી લાવ્યા. ૩૮

નિત્યાનંદ અને મુક્તાનંદ, આનંદાનંદ સ્વામિ સ્વછંદ;

ચારુ ચંદન પુષ્પ ચડાવ્યાં, ધૂપ દીપ નૈવેદ્ય ધરાવ્યાં. ૩૯

આરતી બતી12 ચોસઠવાળી, નિત્યાનંદે ઉતારી સંભાળી;

સંત હરિજન સૌ ઉભા થઈ, ગાઈ ત્યાં આરતી તાળી દઈ. ૪૦

ઇચ્છારામ ને રામપ્રતાપ, અવલોકીને હરખ્યા અમાપ;

ગાઈ આરતી હરિજન જેહ, તમને સંભળાવું હું તેહ. ૪૧

રાગ: આરતીનો

જય અક્ષરધામી જય અક્ષરધામી,

   શ્રીસહજાનંદસ્વામી, છો અંતરજામી... જય દેવ જય દેવ. ટેક

જય જય શ્રીવૃષનંદન, કષ્ટનિકંદન છો,

   ચર્ચિત ભાલે ચંદન, સુરકૃતવંદન13 છો... જય દેવ꠶ ૪૨

ચિહ્ન કળશનું ચરણે, શુભ તિલ છે કરણે,

   સજ્જન રાખો શરણે, છો શ્યામળ વરણે... જય દેવ꠶ ૪૩

જય જય નાથ નિરંજન, જનરંજનકારી,

   ભયભંજન ખળગંજન14 ખંજન15 દૃગ ધારી... જય દેવ꠶ ૪૪

શ્રીધર તમે ગિરિધર, પ્રભુ પૃથવીધર છો,

   કૌસ્તુભ નામ મણીધર, શુદ્ધ મતીધર છો... જય દેવ꠶ ૪૫

છો કારણના કારણ, અધમોદ્ધારણ છો,

   દુર્મતિદોષ વિદારણ, વિઘ્નનિવારણ છો... જય દેવ꠶ ૪૬

જય જય શ્રી જગદીશ્વર, મુક્તમુનીશ્વર છો,

   ઈશ્વરના પણ ઈશ્વર, અખિલઅધીશ્વર છો... જય દેવ꠶ ૪૭

તમે પિતા ને માતા, ભગિની ને ભ્રાતા,

   દીનબંધુ સુખદાતા, જય જગના ત્રાતા... જય દેવ꠶ ૪૮

કોટિ ભુવનના કર્તા, ભગવત છો ભરતા,

   પ્રલય સમે સંહર્તા, ધર્મ વિષદ16 ધર્તા... જય દેવ꠶ ૪૯

જય વૃષવંશદિવાકર, ગુણરત્નાકર છો,

   કોટિ પ્રકાર કૃપાકર, સકળસુખાકર17 છો.. જય દેવ꠶ ૫૦

જય જય જય મુનિનાયક, ઉપમાલાયક છો,

   જે જન તવ ગુણગાયક, નિજસુખદાયક છો... જય દેવ꠶ ૫૧

કાળ તણા છો કાળક, નિજજનપાળક છો,

   વૃષભક્તિના બાળક, પાપપ્રજાલક છો... જય દેવ꠶ ૫૨

ઉચરે નારદ શારદ, પ્રભુ ભવપારદ18 છો,

   કોણ કળે તવ હારદ, બુદ્ધિવિશારદ છો... જય દેવ꠶ ૫૩

અખિલેશ્વર અવતારી, જય નરઆકારી,

   વંદે લાલવિહારી, છબિ મનમાં ધારી.. જય દેવ꠶ ૫૪

ઇન્દ્રવજ્રા

એવી રિતે આરતિ તો ઉતારી, નિર્ખી છબી અંતર માંહિ ધારી;

ઉચ્ચારી સૌએ સ્તુતિ શ્યામ કેરી, રીઝ્યા દિલે લાલ ભલા લહેરી. ૫૫

આંબા તણાં બે તરુ એહ જોઈ, તેને કહે છે કવિ સંત કોઈ;

વંદૂં તમોને જુગ જોડિ હાથ, પૂજ્યા તમે પૂર્ણ પ્રતાપિ નાથ. ૫૬

અથ વૃક્ષપ્રબંધ

રે આમ્ર તારી તરુતા19 નિહાળી, તારી પ્રભા ભૂતળ ભાગ્યશાળી;

ભાસે મને તે તુજને કહું છું, નેહી સદા કૃષ્ણપદાબ્જ20 તું છું. ૫૭

રે આમ્ર કેવું તપ કેવિ ભક્તી, કે તેં કરી કાંઈ પુરી પ્રયુક્તી;

રીઝ્યા હરી કેમ કરી તને તે, રીતિ કહો એહ અહી મને તે. ૫૮

वृक्षप्रबंध, दोलाप्रबंध

Image

 

વસંતતિલકા

હે ભૂપ એહ સમયે હરિ શોભતા તે,

દોલા21 વિષે નિરખવા જન લોભતા તે;

જેણે નિહાળી છબિ અંતરમાં ઉતારી,

તેને નહી જ કદિયે વિસરે વિસારી. ૫૯

દોલાપબંધ

દોળાનિ સારિ રચના સજતાં રચાવી,

વીચારતાં જ કહિયે શિરને નમાવી;

વીમાન ને રથ રુડા નથિ રે જણાતા,

દોળે નમાવિ શિર સૌ વિબુધો22 જતાતા. ૬૦

સંધ્યા સુધી હરિ ઝુલ્યા હરખી હિંડોળે,

નિર્ખ્યા અનેક મળિને નરનારિ ટોળે;

રાત્રી ગઈ પછિ તહાં ઘડિ પાંચ જ્યારે,

ત્યારે ગયા સુઅસવારિ સજી ઉતારે. ૬૧

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિવર હરખી હિંચ્યા હિંડોળે, અદભુત એહ લિલા કરી અતોળે;

ગુણ ગણિ જન જેહ એહ ગાય, પ્રગટ પ્રમાણ પ્રભુ પ્રસન્ન થાય. ૬૨

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીવૃત્તાલયે મહદ્દોલોત્સવ-નિરૂપણનામૈકોનષષ્ટિતમો વિશ્રામઃ ॥૫૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે