કળશ ૭

વિશ્રામ ૬

પૂર્વછાયો

વાસના જે જન રાખશે, તેને તેવો મળે અવતાર;

એમ મહાપ્રભુ ઉચર્યા, સતશાસ્ત્ર તણો એહ સાર. ૧

ચોપાઈ

જ્યારે તજશે આ ઝાંપડી દેહ, સતસંગમાં જન્મશે તેહ;

ભલી ભક્તિ અમારી તે કરશે, અંતે અક્ષરધામ વિચરશે. ૨

એવી શ્રીજીનિ સાંભળી વાણી, સૌયે અંતરમાં લીધું જાણી;

સર્વ સંત ને સર્વ ગૃહસ્થ, સમજ્યા એમ સાર સમસ્ત. ૩

એકે ઇન્દ્રિય વશ્ય ન થાવું, હોય જો હરિધામમાં જાવું;

હોય વસ્તુ રજોગુણવાળી, ભમાવું નહિ તેહને ભાળી. ૪

ગાન તાન કે શબ્દ વિચિત્ર, જેમાં હોય ન કૃષ્ણ ચરિત્ર;

સુણવા નહિ ધારીને કાન, ધરવું મનમાં હરિ ધ્યાન. ૫

એવી ટેક અંતર માંહી ધારી, ધન્ય ધન્ય તે તો નરનારી;

હોય જ્યાં હરિનો અવતાર, હોય ત્યાં જ એવાં નરનાર. ૬

એવાં હોય નહીં અન્ય ઠામ, તપાસો ત્રણ્ય લોક તમામ;

હોય બાળક હોય જુવાન, હોય નારી કે નર ધર્મવાન. ૭

પાંચ ઇન્દ્રિયને જીતે આપે, તે તો પ્રગટ પ્રભુને પ્રતાપે;

હવે ઝાંપડીની કહું વાત, જ્યારે અંતસમો આવ્યો ભ્રાત. ૮

ત્યારે શ્રીહરિ તેડવા આવ્યા, ઘણા લોકે દીઠા મન ભાવ્યા;

હતી સારંગપુર રહેનારી, નામ જાણે છે બહુ નરનારી. ૯

સભામાં વાલે વાત ઉચ્ચારી, પછી જમવા પધાર્યા મુરારી;

બ્રહ્મચારીએ પીરશો થાળ, જમ્યા જુક્તિથી દીનદયાળ. ૧૦

પછી સંતની પંગતી થઈ, પીરસે પ્રભુ પકવાન લઈ;

વારે વારે પંગત માંહિ ફરે, દેવો આવીને દર્શન કરે. ૧૧

જનને મન પ્રેમ ન માય, એ તો આસું થઈ ઉભરાય;

પ્રેમ રોમાંચરૂપે જણાય, તેનું માપતાં માપ ન થાય. ૧૨

પછી પોઢી રહ્યા પ્રભુ રાતે, સ્નાનાદિ કર્યું ઉઠી પ્રભાતે;

ગુજરાતના જે હરિજન, ચાલ્યા ઘેર કરી દરશન. ૧૩

તેઓ સૌને વળાવાને કાજ, સખા સોતા ગયા મહારાજ;

જીવો ખાચર સોમલો જેહ, ત્રીજા રાઠોડ ધાધલ તેહ. ૧૪

તથા સદ્‌ગુરુઓ લઈ સાથ, ગયા સીમ સુધી મુનિનાથ;

અસુરે કરી આસુરી માયા, ગુપ્તરૂપે પ્રભુ પર ધાયા. ૧૫

આવ્યા જૂથ મળી સમો જોઈ, તેને દેખે નહીં જન કોઈ;

તપ યજ્ઞ તમોગુણી કરી, આસુરી શક્તિ પામેલા ખરી. ૧૬

તેથી ધારે તેવું રૂપ ધરે, આપ ઇચ્છા થકી અવતરે;

બ્રહ્મા વિષ્ણુ કે શંકર સંગે, કરે યુદ્ધ અધિક ઉમંગે. ૧૭

કૃષ્ણ માર્યા અસુર ઘણા એવા, થયા તૈયાર તે વેર લેવા;

શ્રીજીએ ઘોડો ખૂબ ખેલાવ્યો, તેથી અંત અસુર તણો આવ્યો. ૧૮

હયના1 પગ હેઠે છુંદાયા, પ્રભુદૃષ્ટિથી કૈક દઝાયા;

અશ્વને મુખે શ્વાસ ન માય, ફીણ મોઢેથી બહુ વહી જાય. ૧૯

વળ્યો શ્રીજીને પણ પરસેવો, વરશો હોય વરસાદ એવો;

હરિભક્તો ને સંતો નિહાળે, રાખો રાખો કહે તેહ કાળે. ૨૦

અશ્વ રાખ્યો ઉભો પછી જ્યારે, જીવા ખાચરે પુછીયું ત્યારે;

અશ્વ ખૂબ ખેલાવીયો એમ, આજ કીધી નવાઈ આ કેમ. ૨૧

ત્યારે બોલ્યા પ્રભુ દાસ પાસ, ઘણા દૈત્ય તણો કર્યો નાશ;

આવ્યા અદરશ રૂપ ધરીને, મુજ ઉપર કોપ કરીને. ૨૨

કૈક અશ્વ પગે છૂંદી વાળ્યા, કૈકને મુજ દૃષ્ટિથી બાળ્યા;

એમ કીધો ઘણાનો વિનાશ, કૈક નાશી ગયા પામી ત્રાસ. ૨૩

ઘોડો ખેલાવિયો ખૂબ જેહ, એક તો તેનું કારણ એહ;

બીજું કારણ સાંભળો ભાઈ, અશ્વમાં હતી ઉન્મત્તતાઈ. ૨૪

ખૂબ ખેલાવ્યો પામી પ્રસંગ, એથી નર્મ થયાં એનાં અંગ;

પશુ કે જન ઉન્મત્ત થાય, પરિશ્રમથી નરમ થઈ જાય. ૨૫

ઉપજાતિ (ઉન્મત્તપણું ટાળવા વિષે)

ઉન્મત્ત જો ઇન્દ્રિયઅશ્વ થાય, તો નર્મ તેને તપથી કરાય;

ઝાઝા કરે દંડવત પ્રણામ, જપે કરી આસન એક ઠામ. ૨૬

કાં તો કરે મંદિર કેરી ભક્તિ, જણાય જેવી તન માંહિ શક્તિ;

તે કારણે મંદિર મેં કર્યાં છે, તે માંહિ તત્ત્વો તપનાં ધર્યાં છે. ૨૭

ઉન્મત્ત જો ઇન્દ્રિયઅશ્વ થાશે, કુમારગે તેહ જરુર જાશે;

નાખે ધણીને જઈ ખાડ માંઈ, માટે કરો ચેતિ ઉપાય કાંઈ. ૨૮

પછીથી પસ્તાય તજી ઉપાય, તે મૂર્ખ મોટો જનમાં મનાય;

માટે તમે સૌ ચિત્ત ચેતિ લેજો, તે અશ્વ ઉન્મત્ત થવા ન દેજો. ૨૯

ઘોડો અડે2 પાન સડે જરૂર, સ્વતંત્ર સેનાપતિ થાય શૂર;

વિદ્યા ભણેલી વિસરી જ જાય, જો તેહ ચારે નહિ ફેરવાય. ૩૦

આળસ્ય પેસે કદિ અંગમાંય, વધી વધિને વધતું જ જાય;

માળા પૂજા પાઠ વિષે લગાર, આળસ્ય આવે વધશે અપાર. ૩૧

સત્સંગનો રંગ સદા તપાસો, વિના તપાસે વળતી ઠગાશો;

સુશસ્ત્રને કાટ ચડે જ જેમ, બધું તપાશા વિણ થાય તેમ. ૩૨

આ અશ્વને બાંધિ બહુ રખાયો, દીધા મસાલા નહિ ફેરવાયો;

તેથી થયો આ ઉનમત્ત એવો, મનસ્વી કેરું મન થાય તેવો. ૩૩

ચોપાઈ

ઘોડો આ અમે ખેલાવ્યો બહુ, ત્રીજું કારણ તેહનું કહું;

કરી આજ નવાઈ નિદાન, ધરશો તે છબિ તણું ધ્યાન. ૩૪

વળી સાંભરશે વારે વારે, થશે અંતરે શાંતિ તમારે;

છબી સંભારતાં થશે સુખ, નહીં દીસે વિજોગનું દુઃખ. ૩૫

એવું સાંભળી ઉર છબી ધારી, ગુજરાતી ગયાં નર નારી;

ગયા શ્રીહરિ સારંગપુરમાં, વધ્યો આનંદ વસ્તીના ઉરમાં. ૩૬

જીવા ખાચરનો દરબાર, પામ્યો એ સમે મહિમા અપાર;

રહ્યા પ્રત્યક્ષ જ્યાં ભગવાન, શોભે અક્ષરધામ સમાન. ૩૭

ચારે વેદ ત્યાં પ્રત્યક્ષ આવે, મહારાજ તણા ગુણ ગાવે;

આવે અક્ષરધામના મુક્ત, મહાકાળ પુરુષ સંજુક્ત. ૩૮

દિવ્ય દૃષ્ટિવાળા તેને દેખે, પણ ચર્મચક્ષુ નવ પેખે;

કોઈ તો થઈ વિસ્મિત ડોલે, કોઈ મુક્ત તો ત્યાં એમ બોલે. ૩૯

આવો અવસર આ લોક માંહી, ન હતો અને આવશે નહીં;

આવ્યા અક્ષરધામના વાસી, પુરુષોત્તમ પૂર્ણપ્રકાશી. ૪૦

અતિ ધન્ય છે આ દરબાર, ધન્ય આ પુરનાં નરનાર;

કરે શ્રીહરિનાં દરશન, ન મળે કિધે કોટી જગન. ૪૧

મહામુક્ત એવાં વેણ બોલે, શિવ બ્રહ્માદિ સાંભળી ડોલે;

પછી સારંગપુર થકી શ્યામ, ગયા ગઢપુર પૂરણકામ. ૪૨

હરિનૌમી તણો દિન આવ્યો, કૃષ્ણ ઉત્સવ સરસ કરાવ્યો;

ભક્તજનને ભલાં સુખ આપી, ચાલ્યા ત્યાં થકી પ્રૌઢ પ્રતાપી. ૪૩

ગામ બોટાદ જૈ બહુનામી, ગયા નાગડકે અશ્વગામી;3

સુરા ખાચરનો દરબાર, ભાવે ઉતર્યા ભક્તિકુમાર. ૪૪

ઠરીને બહુ દિન તેહ ઠામે, ઘણી લીલા કરી ઘનશ્યામે;

કરી જ્ઞાનની વાત વિશેષ, દિધો સૌ જનને ઉપદેશ. ૪૫

નાવા ભૂતિ તળાવમાં જાતા, હરિજન નિરખી હરખાતા;

સાથે કીર્તન સંત ઉચ્ચારે, નાઈ આવતા એમ ઉતારે. ૪૬

ત્યાં તો આવ્યા નિત્યાનંદ સ્વામી, સારું સંસ્કૃતનું જ્ઞાન પામી;

એક શ્લોક કરીને ઉચ્ચાર, કર્યું વંદન વારમવાર. ૪૭

રથચક્રપ્રબંધ: શ્લોક

તં સુકાયભૃતં કાન્તં તં કાન્તં સર્વતોગતમ્;

તં ગતોદ્વેગદેવં તં તં વન્દે ભક્તિકાસુતમ્. ૪૮

रथचक्रप्रबंध

Image

ચોપાઈ

સુણી રીઝ્યા ગરીબનિવાજ, કહ્યું ધન્ય તમે મુનિરાજ;

હવે એ શ્લોકનો કહું અર્થ, સ્નેહે સાંભળો ભૂપ સમર્થ. ૪૯

રુડી કાયા મનોહર ધારી, સ્વામી સર્વ સ્થળે ગતિકારી;

ગત4 ઉદ્વેગ દેવ છે જેહ, વંદું ભક્તિ તણા સુત તેહ. ૫૦

પછી શ્રીહરિએ સ્નેહ લાવી, કથા તે મુનિ પાસ કરાવી;

ભાગવત તણો પંચમ સ્કંધ, વાંચ્યો પ્રીતિથી તેહ પ્રબંધ. ૫૧

જડભરતનું આખ્યાન આવ્યું, તે તો સારિ રિતે સંભળાવ્યું;

સુણિ બોલિયા સુંદરશ્યામ, જડભરતની પેઠે જો આમ. ૫૨

પ્રીતિ કોઈ વિષે રહિ જાય, તેનો જન્મ જરૂર ત્યાં થાય;

માટે પ્રીતિ ન રાખવી ક્યાંઈ, પ્રીતિ રાખવી પ્રભુપદ માંઈ. ૫૩

ઉપદેશ એવો બહુ કર્તા, વળી સંશય સર્વનો હર્તા;

તહાં પાદરમાં નદી જ્યાં છે, તેમાં ઉંડો ધરો એક ત્યાં છે. ૫૪

નાવા ત્યાં જતા જગકરતાર, કોઇ દિવસ ત્યાં વાવ્ય મોઝાર;

એક માસ કર્યો તહાં વાસ, કરી લીલા અનેક પ્રકાશ. ૫૫

એવા માંહિ ડભાણ મોઝાર, રામદાસ પધાર્યા જે વાર;

હરિભક્ત ડભાણના મળી, કરિ વિનતિ ચરણમાં ઢળી. ૫૬

કર્યો જજ્ઞ જેતલપુર જેવો, આંહિ પણ જો કરે હરિ એવો;

અમે આનંદ પામિયે ઘણો, પાડ માનિયે મુનિ તમ તણો. ૫૭

સુણી એવું ભાઈ રામદાસે, સાધુ બે મોકલ્યા પ્રભુ પાસે;

લખી કાગળમાં બધી વાત, ચાલ્યા સંત લઈ સાક્ષાત. ૫૮

હતા નાગડકા માંહિ નાથ, પત્ર આપ્યો તહાં હરિ હાથ;

પત્ર વાંચીને વાલે વિચાર્યું, ગુજરાત જવા નિરધાર્યું. ૫૯

જાણ્યું જેતલપુર જજ્ઞ કરિયે, પીડા પાણીની નહિ પડે જરિયે;

ત્યાં તો સર્વ પ્રકારે છે સોઈ, સંઘ ઉતરે સૌ જગ્યા જોઈ. ૬૦

સંતમંડળ સૌ લઈ સાથ, ચાલ્યા નાગડકા થકી નાથ;

ભેંસજાળ ગયા ભગવાન, ત્યાંથી ચાસકે કરુણાનિધાન. ૬૧

ત્યાંથી કરમડ કૃષ્ણ સિધાવ્યા, બાઈ ફુલજીબા મન ભાવ્યા;

તેણે સેવા સજી શુભ રીતે, પ્રભુ નિર્ખિયા પૂરણ પ્રીતે. ૬૨

ગામોગામમાં વાટે વિચરતા, ગયા જેતલપુર જગકર્તા;

કરી વાસ ત્યાં દિવસ એકાદ, ગયા ખોખરા મેમદાવાદ. ૬૩

ઉતર્યા નથુ ભટ્ટને ઘેર, તેણે પૂજ્યા પ્રભુ રુડી પેર;

હરિકૃષ્ણનાં દર્શન કાજ, આવ્યો ત્યાં સઉ સંતસમાજ. ૬૪

દેશ દેશ તણા હરિજન, આવ્યા ત્યાં કરવા દરશન;

નિત્ય આનંદ ઉત્સવ થાય, કથા વંચાય કીર્તન ગાય. ૬૫

ક્યારે ભૂત ભવિષ્યની વાત, સંભળાવે શ્રીહરિ સાક્ષાત;

કોઈ યજ્ઞની વાત કરે છે, ત્યારે શ્રીહરિ એમ કહે છે. ૬૬

જ્ઞાનવારતા જ્યાં બહુ થાય, મહાયજ્ઞ તો તે કહેવાય;

નિત્ય કાંકરિયે નાવા જાય, પોર વાર5 પ્રભુ ત્યાં રોકાય. ૬૭

પછી ગામમાં પોતે પધારે, હરિભક્તનો હરખ વધારે;

એવા માંહિ એકાદશી આવી, પેંડા શીવકુંવરબાઈ લાવી. ૬૮

તેના પુણ્ય તણો નહિ પાર, હરિ સંતે કર્યો ફળાહાર;

પારણું નથુ ભટ્ટે કરાવ્યું, એને પણ ફળ અક્ષય આવ્યું. ૬૯

પુષ્પિતાગ્રાવૃત્ત

જળનિધિતનુજાદિ6 શક્તિ જેહ, રસમય થાળ કરે અનેક તેહ;

પણ જઈ ધરવા મળે ન વારો, જઈ જન ઘેર જમે પ્રભુજિ પ્યારો. ૭૦

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિસારંગપુરે હુતાશન્યુત્સવનામ ષષ્ઠો વિશ્રામઃ ॥૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે