કળશ ૭

વિશ્રામ ૬૧

પૂર્વછાયો

સંતે કહ્યું ઘનશ્યામને, અતિ પ્રેમે કરિને પ્રણામ;

ખાંતે હવે ખેલ રંગનો, કરો આવીને કરુણાધામ. ૧

સુણી પ્રભુજી સજ્જ થયા, ધોળાં વસ્ત્ર ધર્યાં નિજ અંગ;

વજ્ર કછોટો વાળિયો, રુડી રીતે રમવા રંગ. ૨

સંત હરિજન સજ્જ થયા, હતા માવ તણા જે મિત્ર;

હરિ આજ્ઞાથી હાથમાં, પીચકારિયો લીધી પવિત્ર. ૩

હોજ હતા જ્યાં રંગના, પ્રભુ આવિયા તેહની પાસ;

હોજની રચના જોઈને, કહે સંતને શ્રી અવિનાશ. ૪

રચના રચવા કુંડની, આવી કેમ સુજી કહો વાત;

સંત કહે પ્રભુ સાંભળો, તેનું કારણ કહુ ભલિ ભાત. ૫

રથોદ્ધતા: હોજપ્રબંધ પહેલો

હોજ એ જ સજતા જહાં અમે, રીત ભાત હિત તો તહાં તમે;

વાર વાર ઉરમાં રહી રહી, વાંક ઘોંક ચુક ટોકતા કહી. ૬

રથોદ્ધતા: હોજપ્રબંધ બીજો

દેવ દેવ તવ સેવ નાથકી, જ્ઞાનદાન જન લે નવું નકી;

એમ શ્યામ તમથી મળી મતી, અંગ અંગ ઉગતી ગઈ ગતી. ૭

होजप्रबंध पहेलो होजप्रबंध बीजो

Image

ચોપાઈ

સુણી રાજી થયા મહારાજ, કહ્યું ધન્ય છો સંતસમાજ;

પછી ખેલવા તેહ ઠેકાણે, ભાગ બેય કર્યા તેહ ટાણે. ૮

સંતકુંડ પાસે રહ્યા સંત, હરિકુંડ પાસે ભગવંત;

સખા શ્યામના શ્યામને સંગે, રહીને રમવા માંડ્યું રંગે. ૯

છોળ્યો રંગની ઉછળે એવી, મહામેઘની ધારાઓ જેવી;

અન્યોઅન્ય ઉડાડે ગુલાલ, દીસે અવની ને આકાશ લાલ. ૧૦

તહાં ભુંગળ ડફ1 ઢોલ ભેરી, શરણાઈ ને ત્રાંસાં નફેરી;

વાજાં વિવિધ પ્રકારનાં વાજે, આખું બ્રહ્માંડ એહથી ગાજે. ૧૧

કોઈ ગાય છે સંત વસંત,2 ઉર આનંદ વાધ્યો અનંત;

થાયે અદ્‌ભુત ખેલ અપાર, બોલે જન સહુ જયજયકાર. ૧૨

રમ્યા એવી રીતે ઘણી વાર, પછી બોલિયા પ્રાણઆધાર;

હવે બે બે તણી થાઓ જોડ, કરો ખેલ ધરી મનકોડ. ૧૩

એવું વેણ સુણી હરિ કેરું, ભલા બે બે થયા પટભેરુ;3

ઇચ્છારામ ને રામપ્રતાપ, રમે સામસામા બેય આપ. ૧૪

રમવાની સ્વદેશની રીતે, લાગ્યા તે રમવા પુરી પ્રીતે;

મુક્તાનંદ ને આનંદાનંદ, રમે સામસામા તે સ્વછંદ. ૧૫

નિત્યાનંદ સાથે બ્રહ્માનંદ, ગોપાલાનંદ ને શુકાનંદ;

સચ્ચિદાનંદ ને શતાનંદ, ચૈતન્યાનંદ નરસિંહાનંદ. ૧૬

માનુભાવા ને ભગવદાનંદ, વાસુદેવા ને અખંડાનંદ;

વૈષ્ણવાનંદ વૈકુંઠ નામ, માધવાનંદ વર્ણિ જેરામ. ૧૭

ભલા પાળા રતનજી ભગૂજી, પામ્યા મોટાઈ જે પ્રભુ પૂજી;

સોમલો અને ખાચર સૂરો, એક એકથી તે ન અધૂરો. ૧૮

દાદા ખાચર ને ઝીણોભાઈ, જુક્તે જુક્તિ તે જોડ જણાઈ;

બીજી કાઠીની જોડ ઘણેરી, બની જોડ ગરાશિયા કેરી. ૧૯

રાયધણજી સાથે પુજાભાઈ, ગુણવંત તે જોડ ગણાઈ;

દવે પ્રાગજી ભટ મયારામ, બેની જોડ ઠરી તેહ ઠામ. ૨૦

પગી જોબન ને પગી તખો, દીસે તે એક એક સરખો;

નારાયણગરની જોડ ભાસી, બાવો પ્રભાતગર રણુવાસી. ૨૧

વરતાલના રણછોડદાસ, કાશીદાસ બોચાસણ વાસ;

જોડ કુબેરદાસની જેહ, ભક્તિદાસ વેમાડીના તેહ. ૨૨

નડીયાદના મોહનલાલ, દવે દાદા વસોના તે કાળ;

ઉમરેઠના નિર્ભયરામ, તેની જોડે રુડા રૂપરામ. ૨૩

વસોના તુલસીભાઈ સંગે, મુમધા અજુભાઈ ઉમંગે;

સંજીવાડે વસે બાપુભાઈ, વસો ગામ વસે વાલાભાઈ. ૨૪

સંજીવાડાના બારોટ સારા, જગરૂપ પ્રભુ ભજનારા;

તે સાથે વલાસણના નિવાસી, રાયજી પ્રભુપદના ઉપાસી. ૨૫

વેમાડી તણા તુળજારામ, કાશીરામ રહે દોરા ગામ;

અશલાલીના વાસી સદાઈ, વેણીભાઈ તથા હરિભાઈ. ૨૬

વળી ગોપાળજી કાલીદાસ, રહ્યા એમ અન્યોઅન્ય પાસ;

અજુભાઈ ને જેસંગભાઈ, વસે ગામ તે વેલાલમાંઈ. ૨૭

વટપુરના હરિજન જોડે, થયા સુરતના જન કોડે;

અમદાવાદના જને એમ, બાંધી જોડ જેને ફાવે જેમ. ૨૮

પછી રંગનો ખેલ મચાવ્યો, જોતાં શ્રીહરિને મન ભાવ્યો;

દ્વન્દ્વ યુદ્ધનો દેખાવ જેવો, ખેલ એ અવસર થયો એવો. ૨૯

વરુણાસ્ત્રની ધારાઓ છૂટે, ઉડે એ રીતે રંગ અખૂટે;

અગ્નિ અસ્ત્ર તણી રક્ત ઝાળ, રક્ત એવો જ ઉડે ગુલાલ. ૩૦

પીચકારીએ રંગની ધાર, મારે આંખ ને કાન મોઝાર;

ઝોળી ફેંકે ગુલાલ ભરીને, સામાસામું તે જોર કરીને. ૩૧

જીત્યા જીત્યા અમે એમ ભાખે, પણ ઉરમાં અદા4 નવ રાખે;

અન્યોઅન્ય હઠાવાને ઇચ્છે, પણ મિત્ર પરસ્પર પ્રીછે. ૩૨

કોઈ તો તહાં રંગ સજે છે, કોઈ હર્ખિ હરિને ભજે છે;

રમે છે ઘણા બંધુ સહીત, અદા રહિત પૂરિ ધરી પ્રીત. ૩૩

ઉપજાતિ: ગતાગત

તહીં સહૂ બન્ધુ બહૂ સહીત, તજી અદા મુખ્ય મુદા અજીત;

છે જે સમે રંગ રમે સજે છે, છે જે ભરી હર્ષ હરી ભજે છે. ૩૪

ચોપાઈ

ત્યાં તો રંગનો ચાલ્યો પ્રવાહ, જાણે ગંગા વહે છે અથાહ;

ભલી તેમાં સરસ્વતી ભાસે, રંગે તે થકી રક્ત પ્રકાશે. ૩૫

પીચકારી પડેલી અનેક, જોતાં મત્સ્ય જણાય પ્રત્યેક;

પડી પાઘડીયો તેહ માંય, જોતાં કાચબા જેવી જણાય. ૩૬

લાંબા ફેંટા તણાય છે જેહ, દીસે સર્પ સમાન તો તેહ;

પગમાંથી પડેલાં પગરખાં, દીસે તે જળજંતુ સરખાં. ૩૭

જન જે લપસી પડી જાય, તે તો મગર સમાન મનાય;

વાજાં એ અવસર જેહ વાજે, જાણે નીર નદી તણાં ગાજે. ૩૮

હંસરૂપ પરમહંસ સહુ, પડ્યાં પુષ્પ કમળ સમ બહુ;

શરણાઈ ને ભૂંગળ શોર, જાણે બોલે છે દાદુર મોર. ૩૯

છાંટો એહ પ્રવાહનો લાગે, તેનાં પાપ પુરાતન ભાગે;

જન જોવાને ઉભા હજારો, જાણે સંઘ તીરથ કરનારો. ૪૦

રંગખેલ કરે ખેલનારા, જુવે નાથ ઉભા રહી ન્યારા. ૪૧

શૂરવીરપણું ધરી ચિત્તે, વીર રસમાં રમ્યા એવી રીતે;

ખેલનારે હરિને હસાવા, માંડી હાસ્યની રમત રચાવા. ૪૨

કુંભ રંગ ભરેલો ઉડાડે, પટભેરુને પકડીને પાડે;

એક એકની ચોટલી ઝાલે, કર કંઠમાં જોરથી ઘાલે. ૪૩

કોઈ મુખમાં ભરે છે ગુલાલ, રંગે કોઈ રાતા કરે ગાલ;

સૂરે સોમની પકડી શિખાય, સોમલો શિખા પકડવા જાય. ૪૪

તેને ટાલ્ય હતી શિરમાંઈ, તેથી હાથમાં આવે ન કાંઈ;

એવું કૌતુક નજરે નિહાળી, હસે સૌ જન શ્રીવનમાળી. ૪૫

મયારામને પ્રાગજી દવે, તેની વાત કહું સુણો હવે;

પ્રાગજી દવે થાકી રહે છે, રાખો રાખોજી બાવા કહે છે. ૪૬

મયારામની તૂટી જનોઈ, મુંગા મુંગા ઉભા નીચું જોઈ;

પગલું ન ભરે એહ પળે, કરે થૂ થૂ ને થુંક ન ગળે. ૪૭

માગે સમશા5 કરીને જનોઈ, ત્યારે કાઠિયો મશકરા કોઈ;

આપવા અન્ય વસ્તુઓ લાવે, હરિને એવી રીતે હસાવે. ૪૮

પુષ્ટ કાયાથી લડથડે કોઈ, ત્યારે ખૂબ હસે હરિ જોઈ;

કોઈ હારીને નાશી નિકળે, હાસ્યરસની તો ત્યાં હદ વળે. ૪૯

પડ્યા ઉપર જોર જો થાય, કરે શ્રીહરિ તેની સહાય;

કહે થાઓ સામા સહુ તમે, થશું ભાંગ્યાના6 ભેરુ તો અમે. ૫૦

તેની સાથે મળે ભગવંત, પછી થાય સામા સહુ સંત;

એવો અદ્‌ભુત ખેલ મચાવે, દેવ જોવા આકાશમાં આવે. ૫૧

ઘણું જોર કરી ઘનશ્યામ, હઠાવે સંતને તેહ ઠામ;

સંત કોઈ સમે ચડી આવે, પ્રભુને પણ પાછા હઠાવે. ૫૨

મધુકૈટભ7 મૂર લંકેશ, તેથી લડતાં હઠ્યા નહીં લેશ;

હઠે તે પ્રભુ દાસની પાસ, દેવા આનંદ કરવા વિલાસ. ૫૩

ખૂબ ખેલ કરી ગિરધારી, ચાલ્યા નાવા સજી અસવારી;

જૈને સૌ હરિજનને ઉતારે, દીધાં દર્શન ધર્મદુલારે. ૫૪

નાખે હરિજન રંગ ગુલાલ, વાલા ઊપર ઉપજે વહાલ;

જૈને ધનાતળાવડી માંય, સ્નાન સ્વજન સહિત કર્યું ત્યાંય. ૫૫

થયો તે જળનો રંગ રાતો, અળતાનો8 સમુદ્ર જણાતો;

હરિ નાહીને નિસર્યાં બહાર, ભારે વસ્ત્ર ધર્યાં તેહ વાર. ૫૬

અસવારી સજી ચાલ્યા નાથ, શોભે સંત ને હરિજન સાથ;

ગાજતે વાજતે ગિરધારી, આવ્યા ઉતારે ભવભયહારી. ૫૭

બદરી સમીપે તેહ કાળ, ગંગામાએ કર્યો હતો થાળ;

વસોવાસી જે જમનાબાઈ, હતાં તે પણ તેમાં સહાઈ. ૫૮

બીજી પણ મેમદાવાદ કેરી, ઉમરેઠની બાઇયો ઘણેરી;

કરી સૌએ મળિને રસોઈ, જન સર્વ વખાણે તે જોઈ. ૫૯

મુકુંદાનંદે બાજોઠ ઢાળ્યો, રુડો રત્નજડિત રૂપાળો;

પ્રભુ આવ્યા પીતાંબર ધારી, બેઠા બાજોઠ પર સુખકારી. ૬૦

લાવી થાળ કનક કેરો ધર્યો, બહુ ભાતના ભોજને ભર્યો;

કરે ભોજન ભાવે મુરારી, બ્રહ્મચારી ઉભા ધરી ઝારી. ૬૧

પીવે જળ પ્રભુ કનક કટોરે, ચીતવી જનનાં મન ચોરે;

જ્યારે ઉઠ્યા જમી ભગવાન, દીધી દાસે રુડી બીડી પાન. ૬૨

સખા સંત ને પાર્ષદ કેરી, થઈ પંક્તિયો જમવા ઘણેરી;

પીરસે પ્રભુજી પકવાન, દેવા સર્વને બહુ સુખદાન. ૬૩

સૌને તૃપ્ત કરી સુખકાર, પછી પોઢી રહ્યા થોડી વાર;

પાછલે પોર આમલા પાસ, સભા જૈને સજી અવિનાશ. ૬૪

ભક્તિ જ્ઞાન ને વૈરાગ્ય કેરી, કરી ધર્મની વાત ઘણેરી;

પ્રશ્ન પૂછિયાં જે હરિજને, આપ્યા ઉત્તર જગજીવને. ૬૫

પછી બોલિયા શ્રીપરમેશ, કાલ સૌ જન જાજો સ્વદેશ;

લીલા જે જે જોઈ તમે આંહીં, સદા સંભારજો મન માંહી. ૬૬

વાસના પંચ વિષયની જેહ, તોડજો તમે સૌ જન તેહ;

રાખશો જો વચનવિશ્વાસ, સદા વાસ થશે મુજ પાસ. ૬૭

પછી કહી જય સચ્ચિદાનંદ, ગયા પોઢવાને જગવંદ;

પ્રભુનું એહ ચારુ ચરિત્ર, પાપી પણ થાય સુણતાં પવિત્ર. ૬૮

પુષ્પિતાગ્રાવૃત્ત

જગતવિદિત રંગખેલ જેહ, કૃત વરતાલ વિષે પ્રભુજી તેહ;

સ્મરણ મનન જો કરે સદાય, પ્રભુ પર પ્રેમ પ્રદીપ્ત પૂર્ણ થાય. ૬૯

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિવૃત્તાલયે રંગમહોત્સવકરણનામ એકષષ્ટિતમો વિશ્રામઃ ॥૬૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે