વિશ્રામ ૬૨
પૂર્વછાયો
સમૈયો કરી કુલદોલનો, હરખિત થઈ હરિજન;
વિચરીને વરતાલથી, ગયા પોતપોતાને ભુવન. ૧
તખો પગી બામણોલીના, તેણે કરી પ્રભુને પ્રણામ;
કહ્યું બહુ વિનતી કરી, પ્રભુ આવો અમારે ગામ. ૨
જાઓ તમે અમે આવશું, એમ કહીને મોકલ્યા ઘેર;
સંત સહિત પછી શ્રીહરિ, ચાલ્યા બામણોલી શુભ પેર. ૩
વિચરતાં તે વાટમાં, એક નેળ1 આવી તે ઠાર;
ફેર પડે રસ્તા તણો, જો વિચરે તેહ મોઝાર. ૪
વાવેલું ખેતર ત્યાં હતું, વાડ્ય થોર તણી હતી ત્યાંય;
એક હરિજને ત્યાં જવા, છીંડું પાડિયું તે વાડમાંય. ૫
બાઈ હતી રખવાળ ત્યાં, તેણે દીધી તરત તેને ગાળ;
શ્રીહરિએ તે સાંભળી, બોલ્યા જન પ્રત્યે જનપાળ. ૬
વાડ્ય તોડી તે કારણે, મળ્યો પાઘડીનો શિરપાવ;
ચાલો હવે આ નેળમાં, એમ બોલ્યા મનોહર માવ. ૭
ચાલ્યા પછી સૌ નેળમાં, જતાં બોલિયા નટવર નાથ;
એક શિખામણ ઉચ્ચરું, સ્નેહે સાંભળો સૌ જન સાથ. ૮
ઉપજાતિ (છીંડું પાડીને ન જવા વિષે)
છિંડું કરીને કદિયે ન જાવું, ખરેખરા જો મુજ ભક્ત થાવું;
આ માનજો વેણ સહૂ અમારું, ઇચ્છો ભલું જો ઉરમાં તમારું. ૯
વંડી કુદીને પણ કોઈ વાટે, જવું નહિ તર્ત જવા જ માટે;
તેના ધણીની મરજાદ તોડી, તે પાપ કેરી નહિ વાત થોડી. ૧૦
તાળું પરાયું જન જે ઉઘાડે, કે વાડ્ય તોડી તહિ છીંડું પાડે;
તે તો કહું તસ્કર કેરું કામ, કદી હરિભક્ત કરે ન આમ. ૧૧
જે કોઈ જગ્યા ધણિયાતિ હોય, જણાય તેની મરજી ન તોય;
તહાં કદાપિ ન કરે નિવાસ, ખરેખરા જે મુજ થાય દાસ. ૧૨
ચોપાઈ
શ્યામે એવી શીખામણ દીધી, સુણી સૌ જને ઉર ધરી લીધી;
બામણોલીયે જૈ બહુનામી, રહ્યા રાયણ તરુતળ સ્વામી. ૧૩
તખો પગી ત્યાં લાવ્યા પલંગ, ઉરમાં ધરી અધિક ઉમંગ;
બેઠા તે પર પ્રાણજીવન, આવ્યા દર્શને બહુ હરિજન. ૧૪
પંથે પાછળથી એક આવ્યો, ભલી ચોળાફળી ભેટ લાવ્યો;
મુકી આગળ લાવીને જ્યારે, કૃપાનાથે કહ્યું તેને ત્યારે. ૧૫
અહો ભક્ત ભલે તમે આવ્યા, કહો ક્યાંથી ચોળાફળી લાવ્યા;
કર જોડી કહે ભક્ત ત્યાંય, દીઠું ખેતર મારગ માંય. ૧૬
જોઈ તેમાં ચોળાફળી સારી, લાવ્યો તમ અરથે મન ધારી;
સુણિ બોલિયા સુંદર શ્યામ, કર્યું તસ્કરનું તમે કામ. ૧૭
ઉપજાતિ (ધર્માર્થે ચોરી ન કરવા વિષે)
ચોરી કરે જે જન ધર્મ અર્થ, તેની થશે ભક્તિ કરેલી વ્યર્થ;
ચોરી કર્યાથી અતિ પાપ લાગે, આજ્ઞા પ્રભૂની જન એહ ભાંગે. ૧૮
ચોરી કરીને પ્રભુ કાજ આપે, પાપી પડે તે વિશેષ પાપે;
તીર્થે બીજા સ્થાનનું પાપ જાય, તીર્થે કર્યું પાપ ન નાશ થાય. ૧૯
સ્વધર્મ પોતે પ્રભુના પિતા છે, પ્રભૂનિ ધર્મે જ પ્રસન્નતા છે;
તે ધર્મનું ખંડન જો કરાય, તેને પ્રભૂ કેમ પ્રસન્ન થાય. ૨૦
ચોરી લઈ મૂર્તિ મુકુંદ કેરી, પૂજે પછી પ્રીતિ ધરી ઘણેરી;
એવાય છે મૂર્ખ મનુષ્ય કોઈ, પ્રભૂ થશે કેમ પ્રસન્ન જોઈ. ૨૧
આધીન બ્રહ્માંડ અનેક જેને, કશી નથી ખામિ કદાપિ તેને;
આજ્ઞા ઉલંઘી પ્રભુ કેરિ આપ, પાપી કરે છે પ્રભુ અર્થ પાપ. ૨૨
ચિત્તે ધરી સૌ સુણિ એહ શિક્ષા, જે પામિયા હો મુજપંથ દીક્ષા;
જે મેં કહ્યું તે વિચારી જોઈ, ધર્માર્થ ચોરી કરશો ન કોઈ. ૨૩
ચોપાઈ
વાલો બોલિયા એવાં વચન, ગમ્યાં સૌ હરિજનને મન;
હતો ચોળાફળી લાવનાર, કહે તેહને ધર્મકુમાર. ૨૪
ભાઈ જ્યાંથી ચોળાફળી લાવ્યો, તમે ત્યાં જઈને મુકી આવો;
પછી તેણે ચોળાફળી લીધી, જઈ તેના ધણીને જ દીધી. ૨૫
પછી સંત હરિજને મળી, બાંધ્યો હિંડોળો રાયણે વળી;
પ્રભુને તે વિષે પધરાવ્યા, કરી ઉત્સવ ખૂબ ઝુલાવ્યા. ૨૬
હતો ત્યાં શુભ રંગ તૈયાર, રંગખેલ કર્યો તેહ ઠાર;
જન જોવાને આવ્યા હજારો, સમૈયો થયો ત્યાં પણ સારો. ૨૭
તહાં કૂપ છે પૂરવમાંય, નાયા સંત સહિત હરિ ત્યાંય;
થઈ ત્યાં તો રસોઈ રસાળી, જમ્યા સંત સહિત વનમાળી. ૨૮
ત્યાંના ભક્તોએ બહુ ધરી ભાવ, પ્રભૂ પૂજી લીધો ભલો લાવ;
અતિ આનંદ સૌને વધાર્યા, વાલો વરતાલે સાંજે પધાર્યા. ૨૯
ત્રણ દ્વિજસુતને ઉપવીત, આપ્યાં તેની કહું સુણો રીત;
જોશી ડભાણના દયારામ, માણસાના તો અનોપરામ. ૩૦
વડથલના જાદવજી નામ, તેહ ત્રણે બાળકને તે ઠામ;
ઉપવીત વગરના જ જોઈ, ધાર્યું જીવને દેવા જનોઈ. ૩૧
મુહૂરત જુગતે જોવરાવ્યું, તે તો થોડા દિવસમાં આવ્યું;
બામણોલિયાના ફળિયામાં, રચ્યો મંડપ તેહ સમામાં. ૩૨
ઘર ગંગામાને રહેવાનું, હતું ત્યાં રસોઈ કરવાનું;
ત્રણ દ્વિજને જનોઈ ત્યાં દીધી, વિધિ વેદોક્ત તે સર્વ કીધી. ૩૩
મંત્ર ગાયત્રિનો ઉપદેશ, પ્રીતે પોતે દીધો પરમેશ;
બડવા ત્રણેને ત્યાં દોડાવ્યા,2 જ્ઞાનબાગ સુધી એ તો આવ્યા. ૩૪
વાજતે ગાજતે ત્યાંથી લાવ્યા, લાવી મંડપમાં પધરાવ્યા;
અવિનાશીયે એ સ્થળે આવી, ત્રણ પાઘડીયો ત્યાં મગાવી. ૩૫
પગી જુસજીયે દીધી લાવી, બડવા ત્રણેને તે બંધાવી;
નાત નાતના બ્રાહ્મણ જેહ, જગદીશે જમીડિયા તેહ. ૩૬
દીધાં દક્ષિણાદાન અપાર, જન સૌ કહે જયજયકાર;
એમ વાલે વસી વરતાલ, ઘણી લીલા કરી તેહ કાળ. ૩૭
મુનિ સાથે ચાલ્યા પછી માવ, ગયા ગિરધર ગામ મેળાવ;
ત્યાંથી શ્યામ સોજીતરે થૈને, રહ્યા રાત સંજીવાડે જૈને. ૩૮
ફરતા ફરતા બહુ ગામ, ગયા ગઢપુર શ્રીઘનશ્યામ;
હરિનવમીનો ઉત્સવ જેહ, ભલો ત્યાં રહીને કર્યો તેહ. ૩૯
એવા માંહી બની એક વાત, સુણો તેહ અભેસિંહ ભ્રાત;
કારિયાણીના ખાચર માંચો, જેનો સ્નેહ પ્રભુપદે સાચો. ૪૦
તજી સંસાર સાધુ થયેલા, અચિંત્યાનંદ નામે રહેલા;
હતા તે સમે બામણગામ, તેણે દેહ તજ્યો તેહ ઠામ. ૪૧
વસ્તા ખાચરે સાંભળી વાત, ત્યારે ખર્ચ કર્યું ભલી ભાત;
તેડવા તેહ ટાણે હરિને, વસ્તો ખાચર ઇચ્છા ધરીને. ૪૨
ગઢપુરમાં ગયા પ્રભુ પાસ, કર્યાં વિનતિનાં વચન પ્રકાશ;
કહ્યું આ અવસર મહારાજ, ચાલો લૈ સાથે સર્વ સમાજ. ૪૩
માંચા ખાચરનું ખર્ચ જેહ, તમો આવ્યાથી સુધરશે તેહ;
તમે સાચા સગા છો અમારે, તમથી નથી કોઈ વધારે. ૪૪
માટે આવવું પડશે જરૂર, સુણી અરજ ધરી હરિ ઉર;
દાદા ખાચરને લઈ સાથ, ચાલ્યા સંત સહિત મુનિનાથ. ૪૫
કૃપાસિંધુ ગયા કારિયાણી, ભાવ ભક્તોનો તે ભલો જાણી;
તેણે સાટાની દીધી રસોઈ, જમ્યા શ્રીજી તથા સહુ કોઈ. ૪૬
જમ્યા અન્ન મહાપ્રભુ જેનું, ધન્ય ઉત્તર કારજ એનું;
જેના ઉરમાં બ્રહ્માંડ અનેક, થાય સર્વ તૃપત જમે એક. ૪૭
થોડા દિવસ કરી તહાં વાસ, પછી ગઢડે ગયા અવિનાશ;
પુરવાસીને દર્શન દીધું, દૈવી જીવનું કલ્યાણ કીધું. ૪૮
સાથે લૈ નિજ સર્વ સમાજ, ગયા બોટાદ રાજાધિરાજ;
ભગાદોશીએ બહુ સેવા કીધી, મોતિયાની રસોઈ ત્યાં દીધી. ૪૯
પછી ત્યાંથી ચાલ્યા મુદ પામી, ગયા નાગડકે બહુનામી;
સૂરા ખાચરે ત્યાં કરી સેવા, ભલો લાભ અલૌકિક લેવા. ૫૦
રાજો દાન ને ઝાલો પ્રમાણ, અલૈયો મુળ ઓઢો સુજાણ;
અતિ ઉત્તમ હરિજન એહ, સૌએ પૂજ્યા હરિ ધરી સ્નેહ. ૫૧
આવ્યો પત્ર ત્યાં પ્રેમ ભરેલો, ગુજરાતી જનોએ લખેલો;
એમાં એક લખ્યો હતો અર્થ, અહો શ્રીધર્મપુત્ર સમર્થ. ૫૨
આંબા પાક્યા છે ખૂબ અમારા, સરવોપરિ સ્વાદિષ્ટ સારા;
માટે લૈને સખાનો સમાજ, આવો આ અવસર મહારાજ. ૫૩
સાથે લાવજો સંતસમાજ, થાય એ થકી ઉત્તમ કાજ;
અમે લૈયે અલૌકિક લાવ, આવી પૂરો મનોરથ માવ. ૫૪
વિનતિ અતિ એવી લખેલી, પરિપૂરણ પ્રેમ ભરેલી;
વાલે વાંચી દયા દીલ લાવી, કહ્યું સર્વે સખાને બોલાવી. ૫૫
ચરોતરના હરિજન જેહ, કરે છે અતિ આગ્રહ એહ;
માટે વરતાલ ચાલો વિચરીયે, ઇચ્છા એહની પૂરણ કરીયે. ૫૬
પછી કાઠી અસ્વાર તેડાવ્યા, કેટલાએક ગામથી આવ્યા;
સાથે સૌને લઈ તેહ કાળ, ભગવાન ગયા ભેંસજાળ. ૫૭
કાયાભાઈને દરબારમાંય, ઉતર્યા ત્રિભુવનપતિ ત્યાંય;
ત્યાંના હરિજનનાં કહું નામ, એક તો ગગોભાઈ તે ઠામ. ૫૮
સજોભાઈ સુભક્ત સુજાણ, બાજીબા તેની પત્નિ પ્રમાણ;
કર્ણિબા જેઠીભાઈની નારી, ઝુણાભાઈની ચાંદાબા સારી. ૫૯
ભાઈજીભાઈ આદિક ભક્ત, અતિશે પ્રભુપદમાં આસક્ત;
સૌએ સેવા સજી શુભ રીત, પ્રભુ રીઝ્યા પૂરી જોઈ પ્રીત. ૬૦
પુષ્પિતાગ્રાવૃત્ત
નિજજન મનનો નિહાળિ નેહ, પરમકૃપાળુ થયા પ્રસન્ન જેહ;
અમ પર પણ નિત્ય એ જ રીતે, પરમકૃપાળુ થજો પ્રસન્ન પ્રીતે. ૬૧
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિદુર્ગપુરાત્ ભેંસજાળગ્રામવિચરણનામ દ્વિષષ્ટિતમો વિશ્રામઃ ॥૬૨॥