કળશ ૭

વિશ્રામ ૬૩

પૂર્વછાયો

ભક્તિતનુજ ભેંસજાળથી, સર્વે સખા લઈ નિજ સાથ;

વિચર્યા વાગડ ગામમાં, મુનિમંડળ સહ મુનિનાથ. ૧

ચોપાઈ

ગયા ત્યાંથી મોરશિયે ગામ, ત્યાંથી ધંધુકે ધર્મના ધામ;

વાવ્ય માતા ભવાનીની જ્યાંય, રાતવાસો રહ્યા હરિ ત્યાંય. ૨

નથુરામ ને દલપતરામ, ભટ ઘેલો ને લાલજી નામ;

ચાર વિપ્ર ને કંસારો વાલો, જેને વાલો બહુ ધર્મલાલો. ૩

કૃષ્ણરાવજી દક્ષણી જેહ, સૌએ સેવ્યા હરિ ધરી સ્નેહ;

ધંધુકેથી ચાલ્યા ધર્મનંદ, ગયા રોઝકે આનંદકંદ. ૪

ગામના જને સાંભળી વાત, આવે છે શ્રીહરિ સાક્ષાત;

કાકોભાઈ હરિ સામા આવ્યા, સાથે માણસ સોએક લાવ્યા. ૫

વાજે ઢોલ નગારાં નિશાન, કરે હરિજન કીર્તનગાન;

સૂરો ખાચર થૈ અસવાર, ચાલ્યા આગળ ગામ મોઝાર. ૬

ક્ષત્રિ એક પુજોગોળ1 જેહ, હરિ સામા જતા હતા તેહ;

સૂરાભક્તને શ્રીહરિ જાણી, નમ્યા જે જે પ્રભુ કહી વાણી. ૭

સૂરોભક્ત બોલ્યા તેની સાથે, તમારો પડ્યો ઘેંશમાં હાથ;

લાડવા જલેબી સ્વાદ જેહ, તે તો છે જાઓ પાછળ તેહ. ૮

કહે પુજો શુકન સારાં ફળશે, મળી ઘેંશ તો લાડવા મળશે;

મળે દાસ પ્રભુજીના જ્યારે, પ્રભુદર્શન પામિયે ત્યારે. ૯

એવું ઉચ્ચારિ આગળ ગયા, પ્રભુને નમી પાવન થયા;

પુર માંહિ પધાર્યા મુરારી, નિરખી હરખ્યાં નરનારી. ૧૦

માનાભાઈના દરબારમાંય, ઓરડો છે ઉગમણો જ્યાંય;

કર્યો ત્યાં જઈ કૃષ્ણે ઉતારો, બેઠા ઢોલિયે ધર્મદુલારો. ૧૧

માનાભાઈની પરમાર્થ માતા, મહાભક્ત તે વિશ્વવિખ્યાતા;

તેણે થાળ કરાવ્યો તૈયાર, જમ્યા મેડી ઉપર તે મુરાર. ૧૨

બહુ તે ગામમાં સતસંગી, હતા તે સહુ આવ્યા ઉમંગી;

સભા થૈ ઘનશ્યામની પાસ, કર જોડી બોલ્યા સહુ દાસ. ૧૩

મહારાજ અમારે જ ઘેર, કરો પગલાં તમે રુડી પેર;

ઘણા દિવસની ઇચ્છા અમારી, આજ પૂર્ણ કરો કૃપા ધારી. ૧૪

પછી સંત સખા લઈ સાથ, પધરામણીયે ગયા નાથ;

કાકાભાઈ તણે દરબાર, પોતે પ્રથમ પધાર્યા મુરાર. ૧૫

ઉત્તરાભિમુખે ઓરડામાં, પધરાવ્યા પ્રભુ તે સમામાં;

કર્યું પૂજન સોળ પ્રકારે, લાવી ભેટ ધરી ભારે ભારે. ૧૬

આરતી પ્રભુજીની ઉતારી, સ્તુતિ બે કર જોડી ઉચ્ચારી;

જય જય ધર શક્તિ અનેક, સૌના ઈશ્વર છો આપ એક. ૧૭

શાર્દૂલવિક્રીડિત

સૌના ઈશ્વર એક છો દ્વિભુજ છો ત્રાતા2 ત્રિકાળે તમે,

ચારે વેદ સુકીર્તિ ગાય સુર તો પાંચે3 તમોને નમે;

ષટ્ શાસ્ત્રો મુનિ સાત આઠ વસુઓ ભક્તિ નવે આદરે,

લીધા જન્મ દશે તમે જ જંગમાં વંદૂં સદા હે હરે. ૧૮

આ આદિત્ય તમે રચ્યો શશિ રચ્યો માંગલ્યદાતા4 હરિ,

બોલે બુદ્ધ જનો તમે જ ગુરુ છો શુક્રાદિ ધાતૂ કરી;

પંગુ પ્રાણિ શનૈશ્ચરા5 તમ વડે શૈલો6 ઉલંઘે સહી,

રાહૂ કેતુ જુદા કર્યા જગતમાં તે આપ આવ્યા અહીં. ૧૯

ધર્મસ્થાપન કાજ આજ વિચર્યા રાજાધિરાજા તમે,

પામ્યા દર્શનદાન દિવ્ય મૂરતી દૃષ્ટીથિ દીઠી અમે;

આ મૂર્તિ જ અખંડ આવિ ઉરમાં વાસો કરીને વસો,

વાણી મિષ્ટ વદી વિનોદ કરિને નિત્યે હસાવો હસો. ૨૦

ચોપાઈ

સ્તુતિ ઉચ્ચારીને એવી રીત, માગી પ્રભુપદ નિશ્ચળ પ્રીત;

વળી માગીયું એવું વચન, અંતકાળે દેજો દરશન. ૨૧

માગ્યું તેવું દઈ વરદાન, પછી ચાલીયા શ્રીભગવાન;

કાંધા વાળાને ઘેર પધાર્યા, અતિ આનંદ એને વધાર્યા. ૨૨

તેણે પૂજા કરી તેહ ઠામ, ઘડી વાર બેઠા ઘનશ્યામ;

પછી ત્યાંથી પ્રભુ શુભ પેર, વિચર્યા મશ્રુ વાળાને ઘેર. ૨૩

દુદા વાળાને ઘેર સિધાવ્યા, પાતાભાઈને ત્યાં પછી આવ્યા;

જામબા તેની નારીનું નામ, તેણે પ્રેમથી કીધા પ્રણામ. ૨૪

દવે કરશન દ્વિજ ગગો નામ, મહાભક્ત જોશી મયારામ;

તેને ઘેર જઈ રુડી પેર, પધાર્યા ગજા ગઢવીને ઘેર. ૨૫

તેણે પણ પૂજિયા પ્રભુ પ્રીતે, શુભ ષોડશ ઉપચાર રીતે;

આરતી અતિ હેતે ઉતારી, સ્તુતિ બે કર જોડી ઉચ્ચારી. ૨૬

દોહરો

જય વૃષનંદ મુકુંદ હરિ, જય આનંદસુકંદ;

છંદ વૃંદ વંદન કરે, સુખકર સહજાનંદ. ૨૭

ત્રિભંગી છંદ

જય જય સુખકારી નરતનુધારી દૃઢ બ્રહ્મચારી દૈત્યારી,7

જય જય મદનારી8 જય ક્રોધારી મદમોહારી લોભારી;

જય વૃષવૃષનારીરક્ષણકારી9 ભક્તોદ્ધારી ભયહારી,

પ્રભુ આજ અમારી ઉપર અપારી કરુણાધારી મુદકારી.10 ૨૮

ચોપાઈ

સ્તુતિ એમ કરીને ઉચ્ચાર, માગ્યો પ્રભુપદ પ્રેમ અપાર;

તેને દૈ વરદાન સિધાવ્યા, માનાભાઈને દરબાર આવ્યા. ૨૯

બીજે દિવસ ચાલ્યા ઘનશ્યામ, ગયા ગિરધર પછિમ ગામ;

રહે ત્યાં તો જાદવજી ત્રવાડી, ભજે શ્રીહરિને તે દહાડી. ૩૦

જ્ઞાતિ ઔદિચ ને વેદ સામ, ઉતર્યા હરિ તેહને ધામ;

દ્વિજે સેવા સજી ઘણી સારી, ઇષ્ટ એક જ આપના ધારી. ૩૧

કસળી તેની માશીનું નામ, તેણે થાળ કર્યો તેહ ઠામ;

જમ્યા ભાવ જોઈ મુનિનાથ, જમ્યા સંત ને સૌ સખા સાથ. ૩૨

પુત્ર જાદવજી તણો જેહ, વર્ષ એકની ઉંમરે તેહ;

મહાશંકર તેહનું નામ, તેને લાવી કરાવ્યો પ્રણામ. ૩૩

તેને નિયમ ધરાવિયા નાથે, હેતે હાથ મૂક્યો વળી માથે;

શ્રીજી બોલીયા સ્નેહ સંયુક્ત, આ તો અવતર્યો છે એક મુક્ત. ૩૪

નથી સંસારમાં રહેનારો, થાશે નૈષ્ઠિક વ્રત ધરનારો;

એવું સાંભળીને એહ જાગ્ય, માત તાતે ગણ્યાં ધન્ય ભાગ્ય. ૩૫

કથા સાંભળી વાઘજીભાઈ, ભૂમાનંદને પૂછે છે ચાઈ;

સ્વામિ પૂછું છું પામી પ્રસંગ, કહા એહ કથા તણું અંગ. ૩૬

કેમ નૈષ્ઠિકપદ મળ્યું એને, કેણે દીક્ષા દીધી કહો તેને;

તમે જાણો છો તે સર્વ વાત, કહો થાઉં સુણી રળિયાત. ૩૭

ભૂમાનંદ કહે સુણો ભાઈ, કહું સંક્ષેપમાં સુખદાઈ;

મહાશંકર તે મોટા થયા, ગોપાળાનંદની પાસે રહ્યા. ૩૮

ઘન જોગે ઉગે બીજ જેમ, પ્રગટ્યાં જ્ઞાન વૈરાગ્ય તેમ;

મુક્યા સ્વામિએ ગઢપુરવાસે, ચૈતન્યાનંદ સ્વામિની પાસે. ૩૯

ભણ્યા કૌમુદી કાવ્ય સુજાણ, ભણ્યા ભાગવતાદિ પુરાણ;

જ્ઞાનવાન તે સદગુણી સારા, મુકુંદાનંદને લાગ્યા પ્યારા. ૪૦

રઘુવીરજીની પાસે આવી, દીક્ષા વર્ણિની તેણે અપાવી;

વીત્યાં સંવત શતક અઢાર, સાલ છનુની તે પર સાર. ૪૧

ત્યારે દીક્ષા દિધી સુખકંદ, નામ ધાર્યું શ્રીઅનંતાનંદ;

મહારાજ વિહારિજીલાલે, ગ્રંથ કરવા ધાર્યું જેહ કાળે. ૪૨

અનંતાનંદનો અભિપ્રાય, પુછી લીધો તે પ્રારંભમાંય;

વાઘજીભાઈ જે તમે વાત, પુછી તે મેં કહી સાક્ષાત. ૪૩

કથા કૃષ્ણની ચાલતી જેહ, હવે સાંભળો હું કહું તે;

અભેસિંહને વર્ણિ કહે છે, ગામ પછિમમાં પ્રભુ જે છે. ૪૪

ત્યાંથી સંચર્યા નિજજન સાથ, કમિયાળે ગયા કૃપાનાથ;

રહ્યા જાખડે જૈ હરિ રાત, પછી પરવર્યા ઉઠી પ્રભાત. ૪૫

નદી સાભ્રમતી ઉતરીને, દેવા ગામ બપોરા કરીને;

ચાંગા ગામમાં જૈ રહ્યા રાત, તહાં બારોટ ભક્ત વિખ્યાત. ૪૬

નથુ બારોટ લક્ષમણ નામ, તેણે સ્નેહે સેવ્યા ઘનશ્યામ;

પોઢી ઉઠીને પ્રાતસ કાળે, વિચર્યા શ્રીહરિ વરતાલે. ૪૭

ઉતર્યા જઈ વાસણવાસ, હતો તે સમે વૈશાખ માસ;

ફળ્યા એ સમે આંબા અનેક, એક એકથી ઉત્તમ એક. ૪૮

આપઆપના આંબા વેડાવે,11 હરિભક્ત ગાડાં ભરી લાવે;

રસપોળીની12 આપે રસોઈ, એક એકથી ઉત્તમ જોઈ. ૪૯

જમે સંત ધરી હરિધ્યાન, તેને તો રસનું નથી ભાન;

રસરોટલી શાક ને પાણી, જમે ભેળું કરી ભક્ષ13 જાણી. ૫૦

ગ્રાસે ગ્રાસે નારાયણ નામ, સંત તો ઉચ્ચરે એહ ઠામ;

હરિજન જોઈને એમ જાણે, મને કીધો કૃતાર્થ આ ટાણે. ૫૧

સખા નિઃસ્વાદિ છે હરિ કેરા, જ્ઞાન વૈરાગ્યવંત ઘણેરા;

પણ હરિજનની રુચિ જાણે, માટે જમતાં તે રસને વખાણે. ૫૨

સભા શ્રીજીની પાસે ભરાય, જ્ઞાનવારતા ત્યાં નિત્ય થાય;

સુણી સંસારથી તુટે સ્નેહ, નાશવંત જાણે દેહ ગેહ. ૫૩

સંતનો ધર્મ સારો જણાય, જોઈ બહુ જન સત્સંગી થાય;

એમ સત્સંગ વાધ્યો અપાર, ભજે પ્રગટ પ્રભુ નરનાર. ૫૪

પુષ્પિતાગ્રાવૃત્ત

ભુવિતળ સતસંગ સંત દ્વારે, દિન દિન જેહ થતો દિસે વધારે;

પણ હરિવરનો બધો પ્રતાપ, સરવથિ એક સમર્થ એ જ આપ. ૫૫

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિઆમ્રરસોત્સવાર્થે વૃત્તાલયઆગમનનામ ત્રિષષ્ટિતમો વિશ્રામઃ ॥૬૩॥

 

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે