કળશ ૭

વિશ્રામ ૬૪

પૂર્વછાયો

વર્ણિ કહે નૃપ સાંભળો, લીલા આમ્રરસોત્સવ નામ;

વાલે કરી વરતાલના, આસપાસ તણાં જ્યાં ગામ. ૧

તે સંભળાવું સ્નેહથી, જેહ સાંભળતાં સુખ થાય;

ભાવ કેવો હરિભક્તનો, તે તો જેથી જથાર્થ જણાય. ૨

ચોપાઈ

પ્રભુ અક્ષરધામવિહારી, તેણે ભૂતળ નર તનુ ધારી;

વાસી અક્ષરના મુક્ત જેહ, થયા સંતસ્વરૂપે તો તેહ. ૩

જેણે જાણ્યો તેનો મહિમાય, તેના હૈયામાં હરખ ન માય;

જાણે ધન્ય આ અવસર આવ્યો, આજ તૈયે અલૌકિક લાવો. ૪

એવા સંત અને પ્રભુ એવા, સજીએ તેની સ્નેહથી સેવા;

તન મન ધનથી જો સેવાય, સર્વ તો તે સાર્થક થાય. ૫

ઘેર તેડાવીને રડી રીતે, પૂજીએ ને જમાડીને પ્રીતે;

એવો ભાવ ભલો ઉર લાવે, અવિનાશીને તેડવા આવે. ૬

રહેનાર જે સંજાયે ગામ, જેનું દાસ ગરીબ છે નામ;

આવ્યા તેડવા કાજ હરિને, કરિ વિનતિ પ્રણામ કરીને. ૭

દયાસિંધુ દયા દિલ ધારો, મારે ગામ પ્રભુજી પધારો;

બોર શબરી તણાં જમ્યા જેમ, જમ્યા ભાજી વિદુરની તેમ. ૮

સુદામાના તો જમ્યા તાંદુલ, તુચ્છ તે ગણ્યા આપે અમૂલ્ય;

આમ્રફલ જમો એમ અમારાં, રાખ્યાં છે તમ અર્થે તે સારાં. ૯

આશા પુરો અહો અવિનાશ, આજ આવો અમારે આવાસ;

સખામંડળ ને સહુ સંત, સાથે લાવજો શ્રીભગવંત. ૧૦

સુણી વિનતિ દયા દિલ ધારી, ચાલ્યા સંજાયે શ્રીગિરધારી;

સખામંડળને લીધું સાથે, મુનિમંડળ પણ મુનિનાથે. ૧૧

દાદો ખાચર ખાચર જીવો, મોકો ખાચર પણ કુળદીવો;

વસ્તો ખાચર સોમલો સુરો, ભક્ત હમીર પણ પ્રેમી પુરો. ૧૨

ઝીણો પુજો કાકો માનોભાઈ, ખોડોભાઈ ભજે સુખદાઈ;

બિજા વરતાલના સતસંગી, એહ આદિ હરિ તણા અંગી. ૧૩

સાથે લૈને પ્રભુ શુભ પેર, ગયા દાસ ગરીબને ઘેર;

હતો લીંબડો ફળિયામાંય, બાંધ્યો હરિજને હિંડોળો ત્યાંય. ૧૪

તેમાં બેસાડી હરિને ઝુલાવ્યા, જન ઉત્સવ કરવાને આવ્યા;

દાસ ગરીબે તે અવસર જોઈ, રસપોળીની દીધી રસોઈ. ૧૫

સંતને પ્રભુ પીરસે જેમ, સખાજનને કરે રાજી તેમ;

જમે સૌ સખા કરતા વિનોદ, પેખી હરિજન પામે પ્રમોદ. ૧૬

સંજાયામાં લીલા કરી શ્યામે, તે તો વિખ્યાત થૈ બહુ ઠામે;

ગુણવંત વળોટવું ગામ, પગી થોભણ ભક્ત તે ઠામ. ૧૭

અવિનાશીને તેડવા આવ્યા, તેથી ત્યાં સહુ સાથે સિધાવ્યા;

વડ મોટો છે પાદરમાંય, ઝૂલ્યા હિંડોળે શ્રીહરિ ત્યાંય. ૧૮

જમ્યા સૌ રસપોળી રસાળ, પછી આવ્યા પાછા વરતાલ;

આખડોલે પટેલ નિવાસ, તેનું નામ તો ગોવિંદદાસ. ૧૯

પ્રભુને તે તેડી ગયા ત્યાંય, હતો લીંબડો ફળિયામાંય;

હરિને ત્યાં હિંડોળે ઝુલાવ્યા, રસપોળી જમાડી રીઝાવ્યા. ૨૦

વાલો ત્યાંથી આવ્યા વરતાલ, ધર્મરક્ષક ધર્મનો લાલ;

ચાંગા ગામે ગોવિંદ પટેલ, નથુ બારોટ ભક્ત થયેલ. ૨૧

નથુજી દવે પરમ પવિત્ર, રામેશ્વર અને ઈશ્વરપુત્ર;

આવ્યા તે બેય તેડવા કાજ, ગયા તેથી તહાં મહારાજ. ૨૨

હતી પાટ પટેલને ઘેર, ગાદિતકીયો ધર્યો રુડી પેર;

સભા ત્યાં બેસીને સજી શ્યામે, જ્ઞાનવાત કરી તેહ ઠામે. ૨૩

રસપોળી જમીને રસાળ, વાલો આવ્યા ફરી વરતાલ;

કેરીયાવી થકી ગલાભાઈ, આવી તેડી ગયા સુખદાઈ. ૨૪

પ્રભુ ત્યાં પણ તેવી જ રીતે, જમી આવ્યા સમાજ સહીતે;

ગામ મહૂડીયું પરું જ્યાંય, ભક્ત જાલમજી પગી ત્યાંય. ૨૫

તેણે આવી કરી ઘણી તાણ, તેથી ત્યાં ગયા શ્યામ સુજાણ;

જ્યાં જ્યાં જાય તે નટવર નાથ, સખા ને સંત તો હોય સાથ. ૨૬

હતો લીંબડો આંગણામાંય, હરિ ઝૂલ્યા હીંડોળામાં ત્યાંય;

રસપોળી જમ્યા હરિરાય, જમ્યા સંત ને સર્વ સખાય. ૨૭

પ્રભુ પોઢી રહ્યા થોડી વાર, જ્યારે જાગીયા જગદાધાર;

ટોપલા આઠમાં કેરી સારી, ભરી ભેટ પ્રભુ પાસે ધારી. ૨૮

કેરી બે હરિએ જમી લીધી, બીજી સૌ સંતને વેંચી દીધી;

પગી ઉત્તમ ને પગી નાના, પગી બેય ભલા ભક્ત ત્યાંના. ૨૯

પ્રભુને પ્રણમી રુડી પેર, તેઓ તેડી ગયા નિજ ઘેર;

આમલો હતો આંગણામાંય, ઝુલાવ્યા હરિ હિંડોળે ત્યાંય. ૩૦

સંધ્યા સમય થયો પછી જ્યારે, કરી આરતી ધુન્ય ત્યારે;

રીઝાવા હરિને રુચિ લાવી, પરાની બાઇયોને બોલાવી. ૩૧

પછી માતાના ગરબા1 મગાવ્યા, તેમાં દીવા ભલા પ્રગટાવ્યા;

મઢ2 માતાના બે હતા જેહ, બાઈ બેએ માથે લીધા તેહ. ૩૨

બીજી હાથમાં ગરબા ઉછાળે, ગાય ગર્બિયો રાગ રૂપાળે;

હરિ રીઝાવા તે કર્યું કાજ, જોઈ રાજી થયા મહારાજ. ૩૩

આપી પ્રસાદી પતાસાં તણી, કૃપાનાથે કૃપા કરી ઘણી;

કરી ભક્તોની પૂરણ આશ, વરતાલ આવ્યા અવિનાશ. ૩૪

પૂર્વછાયો

તખો પગી બામણોલીના, આવ્યા કૃષ્ણને તેડવા કાજ;

સ્નેહ વિલોકીને સંચર્યા, પ્રભુ સાથે લઈને સમાજ. ૩૫

પ્રભુ સ્વતંત્ર સમર્થ છે, દોર્યા કોઈના નવ દોરાય;

પ્રેમી જનોના પ્રેમના, એક તંતુએ બાંધ્યા જાય. ૩૬

બ્રહ્મા સમાન સમર્થ કે, હોય કંગાલ કીટ સમાન;

ભાળે ભલો ભાવ જેહનો, થાય વશ્ય તેને ભગવાન. ૩૭

જાતિ કુજાતિ જુવે નહીં, નહિ વિમૂઢ કે વિદ્વાન;

રૂપ કુરૂપ જુવે નહીં, સદા ભાવને વશ ભગવાન. ૩૮

વેદ ભણેલો વિપ્ર જો, હરિપદ વિમુખ તે હોય;

એથી ઉત્તમ હરિભક્ત છે, હોય શ્વપચ જાતિ તોય. ૩૯

ગીધ ને ગજ ગણિકા જુઓ, થયા શ્રીહરિને ભજી સિદ્ધ;

પ્રભુ વિમુખ એવી પદવીને, નથી પામ્યા કોઈ પ્રસિદ્ધ. ૪૦

ગોકુળની ગોવાલણી, છેક છાસ તણી વેચનાર;

શ્રુતિ3 ગણાણી વેદની, પુરો પામી પ્રભુપદ પ્યાર. ૪૧

તેમ જ કાઠી ગરાશિયા, દ્વિજ પગી ને પાટીદાર;

પ્રભુ ભજીને આ સમે, થયા ઉત્તમ ભક્ત અપાર. ૪૨

ચોપાઈ

તખાભક્તનો નેહ નિહાળી, બામણોલી ગયા વનમાળી;

બાંધ્યો રાયણે હિંડોળો સારો, ઝૂલ્યા તે વિષે ધર્મદુલારો. ૪૩

રસપોળી જમ્યા રુડી રીતે, પછી પોઢ્યા થોડી વાર પ્રીતે;

પ્રભુ પોઢી ઉઠ્યા પછી જ્યારે, તખાભક્તે કહ્યું વળી ત્યારે. ૪૪

ગાડાં આઠ આણી હતી કેરી, વધી છે હજી તેમાં ઘણેરી;

વેં’ચી આપો સમાજને સ્વામી, મારી ઇચ્છા પુરો બહુનામી. ૪૫

પછી શ્રીહરિએ સાક્ષાત, આપી સૌને કેરી સાત સાત;

વાલો ત્યાંથી આવ્યા વરતાલ, પુરુષોત્તમ જનપ્રતિપાળ. ૪૬

પુષ્પિતાગ્રાવૃત્ત

નિજજન મનને પ્રમોદદાતા, સરવ પ્રકાર સમર્થ સર્વજ્ઞાતા;

નર તનુ ધરિ દાસ શ્રેય સારુ, શુભ કરજો પ્રભુ તે સદા અમારું. ૪૭

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિવૃત્તાલયસમીપગ્રામાંતરે આમ્રરસોત્સવકરણનામ ચતુઃષષ્ટિતમો વિશ્રામઃ ॥૬૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે