વિશ્રામ ૬૫
પૂર્વછાયો
વર્ણિ કહે અભેસિંહને, સુણો આમ્રરસોત્સવ સાર;
વિસ્તારથી જો વરણવું, નવ આવે ઉચ્ચરતાં પાર. ૧
ચોપાઈ
પછી ભક્ત ડભાણના આવ્યા, શ્રીજી તેથી ડભાણ સિધાવ્યા;
જમ્યા ત્યાં રસપોળી જીવન, આવ્યા તેડવા પૈજના જન. ૨
પ્રભુ પૈજ1 પધાર્યા સુપેર, ત્યાંના ભક્ત ઉપર ધરી મહેર;
બચાભાઈની ખડકી છે નામ, ઉતર્યા તહાં જૈ ઘનશ્યામ. ૩
કાનદાસ ને ભગવાનદાસ, ઝવેરીદાસ આવિયા પાસ;
એક વિપ્ર ત્રવાડી જીભાઈ, આવ્યા દર્શન કારણ ધાઈ. ૪
બીજા વિપ્ર વડોદરા જેહ, આવ્યા મોરારજી પણ તેહ;
તેઓ બે જણે કીધી રસોઈ, જમ્યા નાથ ભલો ભાવ જોઈ. ૫
જમ્યા ત્યાં રસ જગજીવન, વળી ભક્ત ઘણાને ભુવન;
પધરામણીયે જનપાળ, જઈ જૈને જમ્યા તહાં થાળ. ૬
એમ આનંદ સૌને વધાર્યા, પછીથી વરતાલ પધાર્યા;
જીંડવાપરાના નાથાભાઈ, ખીજીદાસ ને કરશનભાઈ. ૭
તે તો તેડવા આવ્યા હરિને, ગયા તેડી તે વિનતિ કરીને;
નાથાભાઈના ફળિયા મોઝાર, બાંધ્યો લીંબડે હીંડોળો સાર. ૮
અતિ હેતે હિંડોળે ઝૂલાવ્યા, રસપોળી જમાડી રીઝાવ્યા;
કરી જ્ઞાનની વાત કૃપાળ, પાછા આવ્યા વળી વરતાલ. ૯
નરસંડે ઉત્તમગર બાવા, તે તો નાથને તેડવા આવ્યા;
રામગર શિષ્યને લાવ્યા સંગે, દર્શનાતુર દેખીને અંગે. ૧૦
સાથે મકનદાસ પટેલ, વાલાભાઈ સહીત આવેલ;
દાદાભાઈ ને કુબેરદાસ, એહ આદિ બીજા હરિદાસ. ૧૧
કરી વિનતિ કરીને પ્રણામ, પ્રભુ તેડી ગયા નિજ ગામ;
તહાં સારી સજી અસવારી, ઘેર ઘેર પધાર્યા મુરારી. ૧૨
કોઈને ઘેર ભોજન કીધું, કોઈને ઘેરથી કાંઈ લીધું;
વડવૃક્ષે તળાવને તીર, ઝુલાવ્યા હીંડોળે નરવીર. ૧૩
એમ સૌને દઈ દરશન, આવ્યા વરતાલ પ્રાણજીવન;
ગલાભાઈ ને રાયજીભાઈ, દાસ નરહર બેચરભાઈ. ૧૪
એ તો ચારે એકાંતિક દાસ, જેનો ઉતરસંડે નિવાસ;
આવ્યા તેડવા તે રુડી રીતે, પધાર્યા પ્રભુ ત્યાં પણ પ્રીતે. ૧૫
નરહરદાસની ખડકીયે, તહાં કીધો ઉતારી શ્રીજીયે;
એક પાટ ઉપર પધરાવી, શેલું આપીને પાઘ બંધાવી. ૧૬
પ્રેમે પૂજી સ્તવન શુભ કીધું, રસરોટલી ભોજન દીધું;
તેની ભક્તિ વિશેષ વખાણી, વરતાલ આવ્યા પદ્મપાણિ. ૧૭
કંજરી ગામના ખોજીદાસ, દાસ ઈશ્વર રણછોડદાસ;
રામજી નામે હવાલદાર,2 આવ્યા વરતાલ એ જણ ચાર. ૧૮
કૃષ્ણને વિનતિ ઘણી કરી, તેથી ત્યાં પણ સંચર્યા હરિ;
ચોરા આગળ પાટ ઢળાવી, પધરાવ્યા પ્રભૂ તહાં લાવી. ૧૯
ઘર ઘર પધરામણી કીધી, રસોઈ રસપોળીની દીધી;
વરતાલ આવ્યા પછી વાલો, ધર્મરક્ષક ધર્મનો લાલો. ૨૦
જોળના રામદાસ પટેલ, આવી તેડી ગયા અલબેલ;
નિજ ક્ષેત્રમાં રાયણ સારી, તહાં ઝુલાવ્યા દેવ મુરારી. ૨૧
જાંબુડો તહાં કૂપની પાસ, જમ્યા થાળ તહાં અવિનાશ;
રસ રોટલીયો રસદાર, જમ્યા સંત ને સૌ અસવાર. ૨૨
પછી ગામમાં પોતાને ઘેર, પ્રભુને પધરાવ્યા સુપેર;
સ્નેહે સેવા સજી રાખ્યા રાત, પછી પ્રગટિયું જ્યારે પ્રભાત. ૨૩
ચોરા પાસે શિવાલય જ્યાંય, બાંધ્યો હીંડોળો આંબલે ત્યાંય;
ઝુલાવ્યા હરિને ધરી હેત, કર્યો ઉત્સવ સંત સમેત. ૨૪
ભલા ભક્ત ગોપાળજીભાઈ, જેના પુત્ર નામે ભલાભાઈ;
તેણે અવસર ઉત્તમ જોઈ, રસપોળીની દીધી રસોઈ. ૨૫
ઘેર તેડી પૂજ્યા પ્રભુ પ્રીતે, કરી આરતી ઉત્તમ રીતે;
પિતા પુત્ર નમ્યા પ્રભુ પાય, તેના હૈયામાં હરખ ન માય. ૨૬
એમ આનંદ સૌનો વધારી, આવ્યા વરતાલ વિશ્વવિહારી;
વલાસણના વાસી રઘાભાઈ, તથા બારોટ રાયજીભાઈ. ૨૭
આવ્યા તેડવા કાજ હરીને, ગયા તેડી ત્યાં વિનતિ કરીને;
મોટો આમલો પાદર માંય, ઝુલાવ્યા હરિ હીંડોળે ત્યાંય. ૨૮
પછી પધરામણી ઘેર કીધી, રસોઈ રસપોળીની દીધી;
પછી સંત સખા લઈ સાથ, વરતાલ આવ્યા વિશ્વનાથ. ૨૯
ગામ ઘુંટેલીના સતસંગી, આવ્યા તેડવા કાજ ઉમંગી;
તહાં પણ પ્રભુજી જઈ આવ્યા, એ જ રીતે પૂજ્યા પધરાવ્યા. ૩૦
જઈ આવ્યા બીજે પણ ગામ, મને સાંભર્યાં તે કહ્યાં નામ;
રસઉત્સવ એ રીતે કીધો, જને લાવ અલૌકિક લીધો. ૩૧
કાઠી આદિ સખા હતા જેહ, થાક્યા સર્વ જમી રસ તેહ;
સખા સૌ બોલ્યા શ્રીહરિ પાસ, આવ્યો ઉતરવા જેઠ માસ. ૩૨
વરસાદ વધારે જો થાશે, ભાલ ભરાશે કેમ જવાશે;
ગઢપુરના હરિજન જેહ, વાટ જોતા હશે હવે તેહ. ૩૩
કેરિયો જમી સર્વે ધરાયા, ચાલો ગઢપુર હે હરિરાયા;
ચરોતરના હરિભક્ત કેરો, નિરખ્યો અમે નેહ ઘણેરો. ૩૪
એ તો પ્રેમ તણાં સતપાત્ર, અમે એની આગળ તે શા માત્ર;
પ્રભુ પૂજીને માળિયે એમ, આપો એ જનના જેવો પ્રેમ. ૩૫
જેમ ઉદ્ધવનો ગર્વ હરવા, મુક્યા ગોપિને ઉપદેશ કરવા;
એમ હરવાને ગર્વ અમારો, લાવી દેખાડ્યો સત્સંગ સારો. ૩૬
સુણી વિનતિ સખાજન તણી, પ્રભુ પરવર્યા ગઢપુર ભણી;
ગાના ગામે તળાવની પાળે, કર્યો ઉતારો ધર્મને લાલે. ૩૭
આવ્યા સેવામાં રગનાથદાસ, પ્રભુએ કહ્યું તેહની પાસ;
રોટલા કરી તૈયાર લાવો, ઇચ્છા હોય તેને ખવરાવો. ૩૮
પછી રોટલા જૈને કરાવ્યા, અવિનાશીની આગળે લાવ્યા;
જોતાં ઉજળો રોટલો લાગ્યો, અલૈયે ખાચરે એક માગ્યો. ૩૯
લૈને ચાવવા માંડ્યો તે જ્યારે, ચાવતાં તે કઠણ પડ્યો ત્યારે;
પુછી રગનાથદાસને વાત, શેનો છે એહ રોટલો ભ્રાત. ૪૦
બોલ્યા રગનાથદાસ લજાઈ, રોટલો છે ચીણાનો3 તે ભાઈ;
બાજરી તો અહીં થતી નથી, ઘણા ખેડુ વાવી મુઆ મથી. ૪૧
કાંઈ દૈવનો કોપ જણાય, આંહીં ચીણો જ એકલો થાય;
એવી શ્રીજીએ સાંભળી વાણી, દયાસાગરે દિલ દયા આણી. ૪૨
કૃષ્ણે રગનાથદાસને કહ્યું, બાજરી હવે વાવજો સહુ;
દૈવનો કોપ તે મટી જાશે, સદા બાજરી સુંદર થાશે. ૪૩
સુણો ભૂપ કહે બ્રહ્મચારી, તેથી થાય છે બાજરી સારી;
પ્રભુની કૃપાથી શું ન થાય, ખારી ભૂમિમાં બાગ રચાય. ૪૪
ગાના ગામથી સંચર્યા સ્વામી, ગયા બોચાસણે બહુનામી;
સંતમંડળ મોકલ્યાં ફરવા, ગામોગામમાં ઉપદેશ કરવા. ૪૫
નિત્યાનંદ આદિક ભણનાર, પ્રભુ પાસે રહ્યા તેહ વાર;
શ્રીહરિ પછી ત્યાંથી સિધાવ્યા, ગામ વડદલાની પાસે આવ્યા. ૪૬
ગામથી દિશા દક્ષિણમાંય, હતી આમલો સરતટે ત્યાંય;
વાલો ઉભા રહ્યા ઘડી વાર, પછી પરવર્યા પ્રાણઆધાર. ૪૭
એ જ આમલાને સ્થળ આજ, વડ પીપર છે સુણ રાજ;
પ્રભુ પરવર્યા બુધેજ પંથે, તે તો છે લખવા જેવું ગ્રંથે. ૪૮
વાદળી નભમાં ચડી છોટી, થોડી વારમાં થૈ પડી મોટી;
નભમંડળ આખું છવાયું, રવિમંડળ છેક છુપાયું. ૪૯
હરિગીતછંદ
છવરાયું મંડળ છેક રવિનું મેઘ મંડ્યો ગાજવા,
શું ઇંદ્રની અસ્વારિનાં વાજિંત્ર લાગ્યાં વાજવા;
ચમકે સુચપળા4 ચહુ દિશે શું શસ્ત્ર ચમકે શૂરનાં,
બોલે છડીદારો ભલા કે શોર શુદ્ધ મયૂરના. ૫૦
ધનુ5 મેઘનાં મોટાં દિસે શું શૂર કરનાં કામઠાં,
થઈ મુશળધાર વરસતી શું બાણ છૂટે સામટાં;
સુજે ન કર આકાર ત્યાં અંધકાર તો એવો થયો,
જળમય જગત દેખાય ને ન જણાય રસ્તો ક્યાં રહ્યો. ૫૧
લાગે ઝપાટા પવનના સૌ ઝાડ લાગ્યાં ઝૂમવા,
જાણે સુભટ6 રણરંગમાં ઘણિ રીત લાગ્યા ઘૂમવા;
ગડુડાટ7 ગાજે ગગન ઘન8 ઘડુડાટ ધરણી પર પડે,
હડુડાટ નીરપ્રવાહનો સડુડાટ શબ્દ પવન વડે. ૫૨
જળધોધ ધરણી ધમધમે મન કમકમે કાયર તણાં,
અક્ષમ ખમે નહિ જોઈને ચિત ચમચમે તેનાં ઘણાં;
હય ચાલતાં બહુ હણહણે ખૂબ ખણખણે પાખર9 ખરી,
પગમાં ઝાંઝર ઝમઝમે ઘણી ઘમઘમે છે ઘૂઘરી. ૫૩
ચોપાઈ
પહોંચ્યા પ્રભુ બુધેજ ગામે, ઉતર્યા ખોડાભાઈને ધામે;
ઉકો ખાચર પાછળ રહ્યા, તે તો તે સમે ગભરાઈ ગયા. ૫૪
કેવી ધીરજ છે દૃઢ એની, પ્રભુએ પરીક્ષા લેવા તેની;
રાખી પાછળ તેહને સ્વામી, જુવે છે સર્વ અંતરજામી. ૫૫
પગ લપસે અને પડી જાય, કાયા કાદવથી લપટાય;
જળ માંહિ ન મારગ દિસે, અકળાયા તે એથી અતિશે. ૫૬
બહુ ચિડાઈ ચિતમાં વિચારે, કેરી ખાવા રહ્યા ઘણું જ્યારે;
તેથી આવી પીડા માથે લીધી, બહુ ગાળો ત્યાં કેરીને દીધી. ૫૭
દીઠો દાસને એ રીતે ત્રાસ, વૃષ્ટિ બંધ કરી અવિનાશ;
વળી મેળવ્યો સંગાત ત્યાંય, તેની સાથે ગયા ગામમાંય. ૫૮
જઈ કીધા પ્રભુને પ્રણામ, હસી બોલિયા શ્રીઘનશ્યામ;
અમે ધીરજ જોઈ તમારી, આજ તો પરીક્ષા કરી સારી. ૫૯
કહે ભક્ત નહીં દુઃખ દેશો, કદી આવી પરીક્ષા ન લેશો;
પછી શ્રીહરિ કુંડળ થૈને, કર્યો વાસ દુરગપુર જૈને. ૬૦
લીલા આમ્રરસોત્સવ તણી, સંભળાવી મેં સંક્ષેપે ગણી;
સંભળાવે કે સાંભળે જેહ, પામે પૂરો પ્રભુપદ નેહ. ૬૧
પુષ્પિતાગ્રાવૃત્ત
નવ રસમય નાથ કેરિ લીલા, હૃદય ધરે હરિભક્ત જે રસીલા;
સુણિ સુણિ સતસંગિ રાજિ થાય, જન મતિ મૂઢ ન ચિત્તમાં ચહાય. ૬૨
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિવૃત્તાલયપ્રાંતે આમ્રરસોત્સવકરણનામ પંચષષ્ટિતમો વિશ્રામઃ ॥૬૫॥