કળશ ૭

વિશ્રામ ૬૬

પૂર્વછાયો

ભૂપ કહે બ્રહ્મચારીને, કહો કૃષ્ણચરિત્ર કથાય;

સાંભળવા ઇચ્છું સદા, મન તૃપ્ત ન સુણતાં થાય. ૧

ચોપાઈ

બ્રહ્મચારી કહે સુણો ભૂપ, કહું કૃષ્ણચરિત્ર અનૂપ;

એક અવસરે શ્રીમહારાજે, અન્નકૂટના ઉત્સવ કાજે. ૨

ગઢપુરમાં રહી મન ધાર્યું, વરતાલ જવાને વિચાર્યું;

સંતમંડળને લઈ સંગે, મનમોહન ચાલ્યા ઉમંગે. ૩

ગયા સારંગપુર ઘનશ્યામ, ત્યાંથી દર્શન દઈ બહુ ગામ;

આવ્યા વરતાલમાં વૃષનંદ, પામ્યા સત્સંગી સર્વ આનંદ. ૪

નારાયણગરના મઠમાંય, જૈને ઉતર્યા જીવન ત્યાંય;

સાંભળી હરિના સમાચાર, આવ્યા દર્શને સંઘ અપાર. ૫

ધનતેરસનો દિન આવ્યો, ત્યારે ઉત્સવ સારો કરાવ્યો;

આવી કૃષ્ણચતુર્દશી જ્યારે, પૂજ્યા પવનના પુત્રને ત્યારે. ૬

આવી બીજે દિવસ તો દીવાળી, દીપમાળા રચાવી રુપાળી;

મહારાજ તે વચ્ચે બિરાજ્યા, છબિલો તે સમે બહુ છાજ્યા. ૭

ફરી રાસમંડળ તણી રીતે, ગાઈ ગર્બિયો સંતોએ પ્રીતે;

અન્નકૂટ કર્યો દિન બીજે, તેનું વર્ણન કેમ કરીજે. ૮

પકવાન્ન અનેક પ્રકાર, ગણતાં નવ પામિયે પાર;

શાક પાક અથાણાં અનેક, ભર્યાં પાત્ર કરીને વિવેક. ૯

વાજે ભુંગળ તાલ મૃદંગ, જનમન ન સમાય ઉમંગ;

બેઠા જમવાને જગદાધાર, નિરખી હરખે નરનાર. ૧૦

પછી સંતોને શ્યામે જમાડ્યા, એમ સંતોષ સૌને પમાડ્યા;

ધન્ય નારાયણગિરિ બાવો, જેણે લીધો અલૌકિક લાવો. ૧૧

ધન્ય ધન્ય તેનો મઠ એહ, થયો તીર્થભૂમિ સમ તેહ;

જહાં પ્રગટ પ્રભુજી બિરાજ્યા, કોટિ બ્રહ્માંડ રાજાધિરાજા. ૧૨

તહાં આવી પ્રબોધિની જ્યારે, થયો સારો સમૈયો તે વારે;

અહો ભૂપતિ એવાં ચરિત્ર, કેમ વિસરે પરમ પવિત્ર. ૧૩

પછી જનને કહે પરમેશ, હવે સૌ જન જાઓ સ્વદેશ;

નિજ દેશ ગયાં નરનારી, ગયા ગઢપુર શ્રીગિરધારી. ૧૪

આવી મહાશુદી પંચમી જ્યારે, સમૈયો કર્યો ત્યાં વળી ત્યારે;

ફુલદોલનો ઉત્સવ જેહ, ધાર્યો વરતાલ કરવાનો તેહ. ૧૫

વાલે તે કહી સંતને વાત, સુણી સંત થયા રળીયાત;

મોટા સદગુરુઓ સહુ મળી, નિષ્કુળાનંદને કહે વળી. ૧૬

તમે જાઓ પ્રથમ વરતાલ, રાખો તૈયાર રંગ ગુલાલ;

હોજ છે રંગ ભરવાના જેહ, તમે તાજા કરાવજો તેહ. ૧૭

હીંડોળો કરજો નવો એવો, ઘણાં વર્ષ સુધી ટકે તેવો;

સુણી શ્રીહરિની રજા લૈને, ગયા વરતાલ તે રાજી થૈને. ૧૮

બીજાં મંડળ મોકલ્યાં ફરવા, દૈવી જીવને ઉપદેશ કરવા;

કહ્યું તે સહુને વૃષલાલે, ઉત્સવે આવજો વરતાલે. ૧૯

શુદી ફાગણની બીજ આવી, કંકોતરિઓ શ્રીકૃષ્ણે લખાવી;

પુષ્પદોલ ઉપર વરતાલ, લઈ આવજો બાળ ગોપાળ. ૨૦

એવા પત્ર લખી ઠામોઠામ, મોકલ્યા હરિભક્તને ધામ;

પછી લૈ સંગે સર્વ સમાજ, ચાલ્યા ગઢપુરથી મહારાજ. ૨૧

કારિયાણિયે જૈ રહ્યા રાત, ગયા કુંડળ પ્રગટે પ્રભાત;

બરવાળે ગયા બહૂનામી, ત્યાંથી ગાંફે ગયા સંતસ્વામી. ૨૨

મનુભા નામે ત્યાં મહીપાળ, સારા સત્સંગિ બુદ્ધિ વિશાળ;

સામા આવ્યા સજી અસવારી, પ્રણમ્યા પ્રભુને પ્રેમ ધારી. ૨૩

દીધો દરબાર માંહી ઉતારો, સજી સેવા ધરી ભાવ સારો;

સુણી શ્રીજી પધાર્યાની વાત, આવ્યા પરગામથી જનવ્રાત. ૨૪

સાંઝ ટાણે સભા સ્થળમાંય, રાયે સારી સભા ભરી ત્યાંય;

સ્નેહે શ્રીજીને ત્યાં પધરાવ્યા, સેંકડો જન દર્શને આવ્યાં. ૨૫

ભૂપે પૂજા પ્રભુ કેરી કરી, વસ્ત્ર ભૂષણની ભેટ ધરી;

આરતી અતિ હેતે ઉતારી, સ્તુતિ બે કર જોડી ઉચ્ચારી. ૨૬

શાર્દૂલવિક્રીડિત

હે શ્રીજી સુખધામ શ્યામ સહજાનંદાખ્ય સર્વેશ્વરા,

મત્સ્યાદી અવતાર ભાર હરવા તે તો તમોયે ધર્યા;

સૌના કારણરૂપ ભૂપ સૌના ત્રાતા વિધાતા તમે,

પ્રેમે નિત્ય પ્રણામ શ્યામ કરિયે સ્વાભીષ્ટ1 જાણી અમે. ૨૭

રત્નાવલી અલંકાર

જે શ્રીજી રઘુવીર થૈ જળનિધી બાંધી લિધી ત્યાં જઈ,

સીતા જે ભગવત્પ્રસાદ થકિ તો નિર્બંધ નિશ્ચે થઈ;

તે તો વિશ્વવિહારિલાલ અમને આવી મળ્યા છો તમે,

પામ્યા પૂર્ણ કૃતાર્થતા તવ ઘનશ્યામ પ્રસાદે અમે. ૨૮

ચોપાઈ

સ્તુતિ એહ પ્રકારે ઉચ્ચારી, દિલે રીઝિયા દેવ મુરારી;

રાયે સંતનું પૂજન કીધું, અકેકું વસ્ત્ર સર્વને દીધું. ૨૯

વસ્તો રાવળ ને ગગો વ્યાસ, એહ આદિક કૃષ્ણના દાસ;

સૌએ શ્યામને પૂજિયા પ્રીતે, ધરી ભેટ ભલી શુભ રીતે. ૩૦

દીધાં દર્શન સૌને દયાળે, ત્યાંથી કૃષ્ણ ગયા કમિયાળે;

ત્યાંથી બોરુ ગયા બહુનામી, અખિલેશ્વર અંતરજામી. ૩૧

આરે ગોલાણાને ઉતરીને, રહ્યા ગોરાડ ગામ ઠરીને;

કાંધાજીનો તહાં દરબાર, ઉતર્યા તહાં વિશ્વઆધાર. ૩૨

ગામ ગુડેલવાસી જીભાઈ, આવ્યા દર્શન કરવા ચહાઈ;

તેને સાથે લઈ ઘનશ્યામ, બિજે દિન ગયા બૂધેજ ગામ. ૩૩

જતાં ત્યાં થકી મોરજ ગામ, ધરાધાર2 આવી એક ઠામ;

તહાં ભૂમિ ભયંકર ભાસે, નરની જોતાં હીંમત નાસે. ૩૪

ભયાનક રસવર્ણન

થયો ત્યાં તો અદર્શ3 હોકારો, ભલા સુભટને4 ભય કરનારો;

ભડક્યા અશ્વ ને અસવાર, ત્રાસ ઉપજ્યો એને અપાર. ૩૫

અશ્વ આડે પંથે દોડી ગયા, અસવારના રોક્યા ન રહ્યા;

કોઈ અસવાર તો પડી જાય, કંપે થર થર તેહની કાય. ૩૬

કોઈની પડે પાઘડી હેઠી, જાણે રણ માંહિ બગલી છે બેઠી;

કોઈ નાસે થઈ પગપાળા, રહ્યા સ્થિર કોઈ હીમતવાળા. ૩૭

દીસે કોઈનાં હથિયાર પડતાં, ખાસડાં દીસે કોઈનાં રખડતાં;

કોઈને શરીરે વળ્યો સ્વેદ,5 ખૂબ અંતરે ઉપજ્યો ખેદ. ૩૮

ભૂલ્યા કોઈ તો દેહનું ભાન, કહે કોઈ તો હે ભગવાન;

વાલા વારે ચડો એહ વારે, અમે સૌ છૈયે શરણે તમારે. ૩૯

શ્રીજી પાસે ગયા સહુ જ્યારે, દીધી ધીરજ સર્વને ત્યારે;

મળી સૌએ ત્યાં શ્રીજીને કહ્યું, કૃપાનાથ કહો આ શું થયું. ૪૦

કોપ્યો રુદ્ર કે પ્રલયનો કાળ, શબ્દ શેનો થયો વિકરાળ;

સુણી બોલિયા ધર્મદુલારો, કહું સત્ય સુણી મન ધારો. ૪૧

ગયે કોઈ સમે એહ ઠામ, થયો છે શ્રેષ્ઠ રણસંગ્રામ;

વાસનાયે રહિત શૂર જેહ, શત્રુ સન્મુખ રહિ મુવા તેહ. ૪૨

તેણે સ્વર્ગમાં જઈ કર્યો વાસ, પણ કાયર જે પામ્યા ત્રાસ;

પાછે મોઢે આ ઠામ મરાયા, વળી વાસનાથી જે બંધાયા. ૪૩

ભૂતયોનિને પામિયા ભાઈ, કર્યા શબ્દ તેણે અકળાઈ;

એવું સાંભળીને સખા સાથ, હરીને કહે જોડીને હાથ. ૪૪

આપનાં થયાં દર્શન એને, આપો સદગતિ તે માટે તેને;

પ્રભુએ પછી નીર મગાવ્યું, પોતે પીને બિજું છંટકાવ્યું. ૪૫

સર્વે ભૂત અદર્શ રહીને, બોલ્યા જય જયકાર કહીને;

પ્રભુ અમને તો પાવન કીધાં, હતાં દુષ્કૃત તે બાળી દીધાં. ૪૬

હવે ભક્તિ તમારી કરાવો, પછી સદગતિ અમને અપાવો;

બોલ્યા શ્રીહરિ ધારી સનેહ, ધરો સત્સંગમાં જઈ દેહ. ૪૭

મારી ભક્તિ કરી તેહ ઠામ, અંતે પામશો અક્ષરધામ;

શ્યામ દૈ વરદાન સિધાવ્યા, ગામ મોરજ ગુણનિધી આવ્યા. ૪૮

ગઢવી તહાં ગોકળદાસ, ઉતર્યા પ્રભુ એને આવાસ;

બિજે વાસરે6 સહિત સમાજ, આવ્યા માણજ શ્રીમહારાજ. ૪૯

વડ છે ગામથી પૂર્વમાંય, બપોરા કર્યા શ્રીજીએ ત્યાંય;

ધોરીભાઈ ને ગોવિંદદાસ, ઘોડાં માટે દીધું તેણે ઘાસ. ૫૦

જમવાની કરી ઘણી તાણ, પણ નવ રહ્યા શ્યામ સુજાણ;

ત્યારે રોટલા લાવી તૈયાર, આપ્યા તે તો જમ્યા અસવાર. ૫૧

દળના લાડુ7 માટલી ભરી, લાવી શ્રીહરિ આગળ ધરી;

જમ્યા તેમાંથી પ્રૌઢ પ્રતાપી, શેષ તેને પ્રસાદી તે આપી. ૫૨

નાર ગામના બે કાળીદાસ, વાલાભાઈ આવ્યા પ્રભુ પાસ;

ભલા બારોટ ભગવાન નામ, ભાઈજીભાઈ આવ્યા તે ઠામ. ૫૩

કરી પ્રેમે પ્રભુને પ્રણામ, કહ્યું નાથ ચાલી નાર ગામ;

પ્રેમ જોઈ પ્રભુ ત્યાં પધાર્યા, અતિ આનંદ સૌને વધાર્યા. ૫૪

સર ગામથી ઉત્તરમાં છે, સામે કાંઠે સારો વડ ત્યાં છે;

ઉતર્યા તહાં જૈ અવિનાશ, આવ્યા દર્શન કરવાને દાસ. ૫૫

જમી ત્યાં જ રહ્યા હરિ રાત, પછી પરવર્યા ઉઠી પ્રભાત;

ગામ પંડોળી થૈ પીપળાવ, રહ્યા આવી મનોહર માવ. ૫૬

વાલો ત્યાંથી આવ્યા વરતાલ, થયા નિરખીને ભક્ત નિહાલ;

પગી જોબનની મેડીમાંય, ઉતર્યા ત્રિભુવનપતિ ત્યાંય. ૫૭

પુષ્પિતાગ્રાવૃત્ત

વૃતપુર પ્રિય માનિને વિશેષ, ફરિ ફરિ આવિ ઉદાર અક્ષરેશ;

કરિ કરિ શુભ ઉત્સવો અપાર, અધિક કર્યું નિજ ધામ શ્રેષ્ઠ સાર. ૫૮

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિવત્તાલયે પુષ્પદોલોત્સવાર્થાગમનનામ ષટ્ષષ્ટિતમો વિશ્રામઃ ॥૬૬॥

 

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે