વિશ્રામ ૬૮
પૂર્વછાયો
વર્ણિ કહે વસુધાપતિ, સુણો કૃષ્ણનાં ચારુ ચરિત્ર;
જે સુણતાં સુખ ઉપજે, અને કરિયે કર્ણ પવિત્ર. ૧
ચોપાઈ
વળી એક સમે અવિનાશ, કરી ગઢપુર માંહિ નિવાસ;
સમૈયો હરિનવમીનો કીધો, પછી વરતાલનો પંથ લીધો. ૨
ધર્યો ધર્મસ્થાપન અવતાર, માટે સ્થિર ન ઠરે એક ઠાર;
જાણે જ્યાં જ્યાં મુમુક્ષુનાં ગામ, જાય ફરવાને શ્રીઘનશ્યામ. ૩
સાથે રાખીને સંતસમાજ, ચાલ્યા ગઢપુરથી મહારાજ;
દેતા દર્શન જઈ ગામગામ, ગયા જેતલપુર ઘનશ્યામ. ૪
પાદશાહી મહોલ છે જ્યાંય, ઉતર્યા પ્રભુ જૈ તેહમાંય;
વાંસજીભાઈએ કરી સેવા, જાણી શ્રીજીને દેવાધિદેવા. ૫
ગંગામાએ કર્યો શુભ થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ;
ભીમ એકાદશી મન ભાવી, વળતે દિવસે એ તો આવી. ૬
મહિમા જન જાણે છે જેનો, કર્યો ઉત્તમ ઉત્સવ એનો;
વડ સરથી ઉત્તરમાં બિરાજે, બાંધ્યો હીંડોળો ત્યાં હરિ કાજે. ૭
હરિને અતિ હેતે ઝુલાવ્યા, જન દર્શન કરવાને આવ્યાં;
થોડા દિવસ જેતલપુર ઠરી, મેમદાવાદમાં ગયા હરી. ૮
ભટ બેચર ને અંબારામ, ભલા ભક્ત જે દુલભરામ;
એહ આદિક હરિજન મળી, સેવા શ્રીહરિની સજી ભલી. ૯
પધાર્યા પ્રભુ ત્યાંથી ડભાણ, ત્યાંથી વરતાલ શ્યામ સુજાણ;
વાલો વાસણ સુતાર ઘેર, ઉતર્યા આવીને રુડી પેર. ૧૦
મળી સૌ વરતાલના વાસી, સ્નેહે સેવિયા શ્રીઅવિનાશી;
પાંચ દિવસ કરી વિશ્રામ, ગયા સુણાવ્ય શ્રીઘનશ્યામ. ૧૧
ગયા પાળજ શ્રીપરમેશ, ભક્તકારણ ભક્તજનેશ;
ઉતર્યા વિપ્ર જેભાઈ ઘેર, વખાણી તેની ભક્તિની પેર. ૧૨
કહ્યું આ દ્વિજે સતસંગ માટે, ઘણાં કષ્ટ વેઠ્યાં વાટઘાટે;
કહે વિપ્ર અહો મહારાજ, તમ કાજે તજ્યાં કૈંકે રાજ. ૧૩
કોણ માત્ર મારાં દેહ ગેહ, નાખું તમ પર વારીને તેહ;
પ્રભુ ત્યાં રહી દિવસ એકાદ, પછી ત્યાંથી ગયા પેટલાદ. ૧૪
વસે શેઠ તહાં વ્રજલાલ, ઉતર્યા તેને ઘેર કૃપાળ;
થાળ ત્યાં મુકુંદાનંદે કર્યો, ધર્મનંદન આગળ ધર્યો. ૧૫
રસોઈ બિજા વિપ્ર બોલાવી, સંત પાર્ષદ કાજે કરાવી;
પંગતી સંતની થઈ જ્યારે, પીરશું પ્રભુએ જઈ ત્યારે. ૧૬
પછી સાંજે સભા સજી સારી, કરી જ્ઞાનની વાત વિચારી;
શેઠે પૂજા કરી રૂડી રીતે, પટ ભૂષણ અર્પિયાં પ્રીતે. ૧૭
પ્રેમે સંતનું પૂજન કીધું, વસ્ત્ર સર્વને અકેકું દીધું;
બિજે દિન દીનબંધુ સિધાવ્યા, પીપળોઈ ગામે પ્રભુ આવ્યા. ૧૮
ઉતર્યા ભાઇબાને નિવાસ, પામ્યા સુખ દર્શન કરી દાસ;
ગયા ખંભાત નટવર નાવ, નારેસર નામનું છે તળાવ. ૧૯
રહ્યા ત્યાં પ્રભુજી પોર વાર, આવ્યાં દર્શને ત્યાં નરનાર;
ભક્તે તાણ કરી ભલી ભાત, પણ નાથ રહ્યા નહિ રાત. ૨૦
ભાતું સુખડીનું ભેટ કીધું, શ્યામે સૌ સંતને વેંચી દીધું;
પછી ત્યાંથી પ્રભુ પરવરીયા, આરે મેંતલીને તે ઉતરિયા. ૨૧
ગામ પીપળીયે પ્રભુ ગયા, રાત્ય ત્યાં દરબારમાં રહ્યાં;
દાદાભાઈએ દિલ ધરી હેત, સેવ્યા શ્રીજીને સંત સમેત. ૨૨
ધોલેરે ગયા ધર્મકુમાર, ત્યાંથી ગઢપુરધામ મોઝાર;
કોટી જીવનું કલ્યાણ કરી, આવા થોડા દિવસ માંહિ ફરી. ૨૩
કર્યો ચાતુરમાસ નિવાસ, પૂરી ગઢપુરવાસીની આશ;
જન્મઅષ્ટમી ને ઝીલણીનો, કર્યો ઉત્સવ એકાદશીનો. ૨૪
દશરા આશ્વિની1 પૂર્ણિમાય, કર્યા ઉત્સવ તે પણ ત્યાંય;
અન્નકુટ ઉપર ભગવાને, ધાર્યું દૃઢ વરતાલે જવાને. ૨૫
સાથે રાખીને સંતસમાજ, ચાલ્યા ગઢપુરથી મહારાજ;
ગામોગામ થતા સીંજીવાડે, આવ્યા શ્રીહરિ થોડે દહાડે. ૨૬
આવ્યા વરતાલ શ્રીમહારાજ, દાસને દેવા દર્શન કાજ;
ધનતેરશ ચૌદશ કાળી, શોભી ઉત્સવે સરસ દિવાળી. ૨૭
અન્નકુટનો ઉત્સવ કીધો, દાસને બહુ આનંદ દીધો;
કાર્તિકી ત્યાં એકાદશી આવી, સમૈયો કરી સારી શોભાવી. ૨૮
વીતી પૂનમ કાર્તિકી જ્યારે, ગયા સંઘ તે સ્વસ્થાન ત્યારે;
સંચર્યા વરતાલથી સ્વામી, ગયા બુધેજમાં બહુનામી. ૨૯
રહી રાત પધાર્યા ગોરાડ, માન્યો ભક્તોએ ત્યાં પૂરો પાડ;
પ્રભુ આવવાના જાણી તહીં, સંચી2 રાખ્યું હતું દૂધ દહીં. ૩૦
શ્રીજીએ સંતને તૃપ્ત કીધા, જોઈ જનના મનોરથ સિદ્ધા;
સૌને રાજી કરી રંગરેલ, ગયા ગુણનિધિ ગામ ગુડેલ. ૩૧
મેડી ઉપર જીભાઈને ઘેર, ઉતર્યા પ્રભુજી શુભ પેર;
નિજ હાથે કર્યો પ્રભુ પાક, જમ્યા બાટી ને વંતાક શાક. ૩૨
જીભાઈને પ્રસાદી તે આપી, રીઝ્યા શ્રીપ્રભુ પૂર્ણ પ્રતાપી;
બીજે દિન ગઢડે ગયા નાથ, હરખ્યો સતસંગીનો સાથ. ૩૩
થોડા દિવસ રહ્યા ગઢપુરમાં, વરતાલ જવા ઇચ્છા ઉરમાં;
ફરતાં ફરતાં બહુ ગામ, ગયા ગુડેલ સુંદરશ્યામ. ૩૪
મુક્તાનંદ અને નિત્યાનંદ, ફરતાં હતાં તેહનાં વૃંદ;
શ્રીજી આવ્યાની સાંભળી વાત, આવ્યા દર્શને સૌ મુનિવ્રાત. ૩૫
પછી તે સહુને લઈ સાથ, વરતાલ આવ્યા મુનિનાથ;
વેદાંતાચાર્ય જે કહેવાય, આવેલા અમદાવાદમાંય. ૩૬
શ્રીજીએ એવું સાંભળ્યું જ્યારે, મળવાને ઇચ્છા થઈ ત્યારે;
તેડવા મોકલ્યા સાધુ ત્યાંય, તેડી લાવ્યા તે વરતાલમાંય. ૩૭
દીધું શ્રીજીએ આદરમાન, આપ્યું ઉતરવા શુભ સ્થાન;
નારાયણગરના મઠ માંહી, દીધાં સાકરનાં સીધાં ત્યાંહી. ૩૮
આજ મંદિર છે જે ઠેકાણે, તેથી પશ્ચિમમાં સહુ જાણે;
ગંગાજળિયો કુવો કહેવાય, બીજે દિવસે સભા ભરી ત્યાંય. ૩૯
વેદાંતચાર્યને ત્યાં તેડાવ્યા, સારી રીતે સભામાં તે આવ્યા;
મહાવાક્ય વેદાંતનાં બાર, તે વિષે પ્રશ્ન પુછ્યાં તે વાર. ૪૦
શ્રીજીના પ્રશ્નનું સમાધાન, વેદાંતાચાર્યે ન થયું નિદાન;
પ્રભુના કહ્યાથી નિત્યાનંદે, આપ્યો ઉત્તર સર્વ આનંદે. ૪૧
વેદાંતાચાર્ય તો પગે લાગ્યો, એના મનનો બધો મદ ભાગ્યો;
શ્રીજીએ તેનું કરી સનમાન, બસેં રૂપૈયાનું દીધું દાન. ૪૨
રુડી રીતે વિદાય તે કર્યો, પીપળાદમાં તે જઈ ઠર્યો;
નિંદા શ્રીજી તણી કરી તત્ર, લખ્યો કોઈએ શ્રીજીને પત્ર. ૪૩
પત્ર આવ્યો હરિ કેરે હાથ, સંત પ્રત્યે બોલ્યા સંતનાથ;
મુક્તાનંદ અને નિત્યાનંદ, મુનિવર મહાનુભાવાનંદ. ૪૪
એહ આદિ ભણેલા છો જેહ, વિચરી વેદાંતી કને તેહ;
સંત સંચર્યા શોધવા એને, નડીયાદ જઈ મળ્યા તેને. ૪૫
નિત્યાનંદે કહ્યું તેને એમ, કરો છો નિંદા શ્રીજીની કેમ;
પ્રશ્ન પૂછિયાં શ્રીજીએ જેહ, તમે ઉત્તર નવ થયો તેહ. ૪૬
તોય સારું કર્યું સનમાન, તેની નિંદા કરો છો નિદાન;
હજી હોય હીમત મનમાંય, ચાલો આવિયે જ્યાં કહો ત્યાંય. ૪૭
કાશી સુધીયે આવિયે અમે, આપો પ્રશ્નના ઉત્તર તમે;
સુણી નરમ પડ્યો તેહ ઠામ, પછી બોલ્યો કરીને પ્રણામ. ૪૮
કરો આજ ક્ષમા એક વાર, ફરી એવો કરું ન ઉચ્ચાર;
કહ્યું સંતે આવી પ્રભુ પાસ, સુણી બોલિયા શ્રીઅવિનાશ. ૪૯
નથી આપણને દુઃખ એનું, ભલે તે જાણે કર્મ તેનું;
કહી એમ તે વાત વિસારી, એવો કોણ બિજો ક્ષમાધારી. ૫૦
પુષ્પિતાગ્રાવૃત્ત
અવગુણ જનના ન ચિત્ત આણે, શિશુ સમ સર્વ મનુષ્યને પ્રમાણે;
વિપરિત મતિવંત વૈર રાખે, પણ પ્રભુ તેનું ભલું થવાનું ભાખે. ૫૧
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિણા વૃત્તાલયે વેદાંતાચાર્યપરાજયકરણનામ અષ્ટષષ્ટિતમો વિશ્રામઃ ॥૬૮॥