કળશ ૭

વિશ્રામ ૬૯

પૂર્વછાયો

વેદાંતી આચારજ ગયો, અને વાલો હતા વરતાલ;

મંડળ ફરવા મોકલી, ચાલ્યા ગઢપુરે ગોપાળ. ૧

ચોપાઈ

નિજ સાથે થોડા લઈ સંત, ગયા બૂધેજમાં બળવંત;

કરતા વાટ માંહી મુકામ, પહોંચ્યા ગઢપુર ઘનશ્યામ. ૨

વળી એક સમય તણી વાત, કહું તે સાંભળો તમે ભ્રાત;

વસી ગઢપુરમાં ભગવંત, કર્યો ઉત્સવ સરસ વસંત. ૩

ફૂલદોલ ને રામજયંતી, કરી તે પણ ત્યાં જ સોહંતી;1

આવ્યા ત્યાં કરવા દરશન, અમદાવાદના હરિજન. ૪

નથુ ભટ્ટ ને સિંહ કુબેર, પ્રભુપદને નમ્યા રુડી પેર;

દીનનાથે પૂછ્યા દેશકાળ, કહો કેવો છે ત્યાં પ્રજાપાળ. ૫

અમે આવ્યા હતા તહાં જ્યારે, કહ્યું રાજ્યાધિકારીએ ત્યારે;

જ્યાં સુધી કરીયે રાજ અમે, અહિંયાં આવશો નહિ તમે. ૬

હવે ત્યાં પ્રજાને હોય જેવું, સુખ કે દુઃખ તે કહો તેવું;

સુણિ બોલિયા ભક્ત સુજાણ, પ્રીતે સાંભળો જીવનપ્રાણ. ૭

હરિગીત છંદ: અંગ્રેજી રાજ્યપ્રશંસા

હરિની દયાથી દેશમાં શુભ રાજ્ય અંગ્રેજી થયું,2

સુખશાંતિ થૈ સર્વ સ્થળે જન સર્વનું સંકટ ગયું;

જે દુષ્ટ લોકો દ્વેષથી જન સાધુને સંતાપતા,

નિજધર્મનું અભિમાન ધરિ પરધર્મિને દુઃખ આપતા. ૮

નરપતિ પ્રજાને પીડતા નિર્દોષિને પણ દંડતા,

લૈ લાંચ દેતા આંચ3 પાપી પાપપંથે મંડતા;

જે કારભારી રાજના તે રાજ્યના જ હતા ધણી,

પુરની પ્રજાને લૂંટતા કરતા બિજી પીડા ઘણી. ૯

નહિ કાયદો કે નિયમ કાંઈ ન્યાય બોલે રાય તે,

અધિકારિયો ઉનમત્ત એના જે કરે તે થાય તે;

બહુ ચોર જનનું જોર ને સહુ શાહને સંકટ હતું,

વળી લૂંટનાર વિશેષ જન પરદેશ તો કોઈક જતું. ૧૦

ધોળે દિવસ પણ ધાડ પડતી રાય રક્ષણ ક્યાં હતું,

દેતા નૃપતિને દામ ધાર્યું કામ તો તેનું થતું;

જે પુત્ર તુલ્ય પ્રજા કહી છે ભૂપ તે નહિ જાણતા,

કરતા કુદૃષ્ટિ તે ઉપર પ્રભુનો ન ડર દિલ આણતા. ૧૧

તે દુઃખ ગયાં ને દેશમાં શુભ રામરાજ્ય ગણાય છે,

સૌ વાઘ બકરી એક આરે પાણી પી હરખાય છે;

જુલમી અધર્મિ જેહ છે નથી રાજ્ય ગમતું તેહને,

આ રાજ્યનો ઉપકાર માને ધર્મ વાલો જેહને. ૧૨

વૈભવ ભલો નિજ ભોગવે વણદોષ નૃપ દંડે નહીં,

આ રાજ્ય જેવું રાજ્ય તો નથી આ સમે જાણ્યું કહીં;

હરિજન સુખે હરિને ભજે છે વિઘ્ન કોઈ ન કરી શકે,

પરમેશ પાસે માગિયે અંગ્રેજી રાજ્ય અચળ ટકે. ૧૩

ચોપાઈ

અમદાવાદમાં જેહ આજ, કરે છે રુડું રાજનું કાજ;

તેનું દુલ્લાપ સાહેબ નામ, સારો તે પણ સદ્‌ગુણધામ. ૧૪

સુણી રાજ્ય પ્રશંસા તે સારી, રુદે રાજી થયા અસુરારી;

મુક્તાનંદને મંડળ સાથે, અમદાવાદ મોકલ્યા નાથે. ૧૫

જૈને સાહેબને કેવરાવ્યું, ભલે રાજ તમારું આ આવ્યું;

રજા હોય તો આ પુર માંહી, આવે સ્વામિનારાયણ આંહીં. ૧૬

આંહીં દ્વેષી અમારા છે ભારે, માટે રક્ષણ કરવું તમારે;

બોલ્યા સાહેબ તે શુદ્ધ ભાવે, ભલે સ્વામિનારાયણ આવે. ૧૭

રાખશું બંદોબસ્ત તો અમે, તેની ચિંતા ન રાખશો તમે;

સંત હરિજન સૌ મળી તત્ર, પછી શ્રીહરિને લખ્યો પત્ર. ૧૮

તેમાં પૂરી જણાવીને પ્રેમ, શુદ્ધ અક્ષરથી લખ્યું એમ;

કૃપાનાથ પધારજો તમે, છૈયે દર્શન આતુર અમે. ૧૯

ઘણાં વરસ થયાં ઘનશ્યામ, નથી આપ પધાર્યા આ ઠામ;

નથી આંહીં ઉપદ્રવ લેશ, મળવાને ઇચ્છે છે નરેશ. ૨૦

તર્ત આવજો ત્રિભુવનનાથ, અહીં વાટ જુવે સહુ સાથ;

પત્ર તે નથુ ભટ્ટને દૈને, કહ્યું બહુ કહેજો તહાં જૈને. ૨૧

તેડી લાવજો નાથને તમે, પૂરો પાડ તો માનશું અમે;

પત્ર લૈ નથુ ભટ્ટ તે સિધાવ્યા, ગઢપુરમાં પ્રભુ પાસે આવ્યા. ૨૨

પત્ર વાંચીને પુરુષોત્તમ, ચાલ્યા પાર્ષદો લૈને પ્રીતમ;

ગયા શ્રીહરિ શ્રીપુરમાંય, હરખ્યા સહુ હરિજન ત્યાંય. ૨૩

મુક્તાનંદ સહિત સામા આવ્યા, વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા;

સરકારની પલટણ આવી, વાજાં પડઘમ4 આદિક લાવી. ૨૪

પ્રભુને પુરમાં પધરાવ્યા, ભાળી સૌ જનને મન ભાવ્યા;

આવ્યા માણેકચોકમાં જ્યારે, મળ્યા સાહેબ ત્યાં આવી ત્યારે. ૨૫

આખા શેહેરમાં દર્શન દૈને, ઉતર્યા નવાવાસમાં જઈને;

મુકુંદાનંદે ત્યાં કર્યો થાળ, જમ્યા જુક્તિથી દીનદયાળ. ૨૬

સભા નિત્ય ત્યાં સારી ભરાય, જ્ઞાન વાત કરે હરિરાય;

જેથી સંસારથી છુટે પ્રીત, ચોંટે શ્રીજીના ચરણમાં ચિત્ત. ૨૭

સુણતાં થાય રોમાંચ અંગે, સાંભળે સઉ અધિક ઉમંગે;

પછી ભક્તોએ ત્યાં ભલી વિધિ, સ્તુતિ શ્રીઘનશ્યામની કીધી. ૨૮

શિખરિણી

બહુનામી સ્વામી અજ5 અચળધામી હરિ તમે,

અહો અંતર્જામી કહિ ગરુડગામી સુર નમે;

ડરે દુષ્ટો વામી વળી જન હરામી પણ ડરે,

અકામી છો સ્વામી કશિ વિધિનિ ખામી નવ ઠરે. ૨૯

મુરારી કામારી અખિલઅસુરારી અમર છો,

અઘારી કંસારી સ્વજનહૃદયાબ્જે6 ભ્રમર છો;

કૃપાકારી સારી મનુજતનુધારી ગુરુ થયા.

નરો નારી ભારી ભવજળથી તારી કરી દયા. ૩૦

તમારા જે દ્વેષી સ્વલ્પ સુખ તે તો નવ લહે,

વિદેશી કે દેશી પણ નૃપપદે તે નવ રહે;

તમારા સંકલ્પ જગત ઉપજે ને લય થશે,

બિચારા ખદ્યોતે રવિકિરણ હાની નહિ હશે. ૩૧

તમારું ધાર્યું તે અજ હર થકી તો નવ ફરે,

બિચારો પ્રાણી તો તમ ઉપર તે શું બળ કરે;

નવ વર્ષે વાલા પુનરપિ પધાર્યા પુર વિષે,

અમો એથી આજે અધિક હરખાયા ઉર વિષે. ૩૨

પ્રભુ પાંસઠ્યામાં અપુનિત7 હતો આ પુરપતિ,

તમોને તેણે તો અઘટિત કહ્યા અક્ષર અતિ;

પુરા તેના પાપે રથ સહિત રાજ્યાસન ગયું,

તવેચ્છાથી રાજ્ય પ્રબળ નૃપનું સ્થાપન થયું. ૩૩

હવે તો તે સ્વામી અચળ થઈ આંહીં સ્થિતિ કરો;

અમારી ચિંતાઓ હરિવર દયાળુ થઈ હરો;

સુખો લે છે જેવાં ગઢપુરનિવાસી જન સહી,

અમોને દ્યો એવાં સુખ અધિક આંહીં સ્થિર રહી. ૩૪

અહીં તીર્થસ્થાન પ્રભુજી સઉથી શ્રેષ્ઠ જ કરો,

તમારી ગાદીની સ્થિતિ અચળ તે આ સ્થળ ધરો;

કરો જો એવું તો સરવ જન સંતોષ ધરિયે,

અમો વારે વારે વિનતિ અતિશે એવિ કરિયે. ૩૫

રહો છો જે રીતે સતત બદરીકાશ્રમ વિષે,

રહો એવી રીતે સતત પુર મધ્યે દિનનિશે;

રહે તીર્થો આવી સરવ વળી આ સાભ્રમતિમાં,

અહીં સ્નાને દાને મનુજ વિચરે મોક્ષ ગતિમાં. ૩૬

ચોપાઈ

સુણી બોલિયા શ્રીગિરધારી, થશે ઇચ્છાઓ પૂર્ણ તમારી;

સૌથી પહેલું શિખરબંધ ધામ, કરાવીશ જરૂર આ ઠામ. ૩૭

મુરતીમાં સદા હું રહિશ, આપો તે અંગિકાર કરીશ;

એમ કહીને કર્યા સૌને રાજી, તેથી પ્રીતિ થઈ સૌની તાજી. ૩૮

રહી શ્રીપુરમાં ઘનશ્યામ, ઘણી લીલા કરી તેહ ઠામ;

એક દિન લાલદાસને ઘેર, પ્રભુ થાળ જમ્યા શુભ પેર. ૩૯

કર્યો રજનીમાં પણ ત્યાં નિવાસ, દીલે રાજી થયા લાલદાસ;

ચોકસી હીરાચંદને ધામ, જમ્યા જૈ બિજે દિન ઘનશ્યામ. ૪૦

પંચભાયાની પોળ મોઝાર, શેઠ મોહનલાલ ઉદાર;

તેને ત્યાં હતું વિવાનું કાજ, તેડ્યા મંડપમાં મહારાજ. ૪૧

એક મંચ ઉપર પધરાવ્યા, પ્રભુ પૂજી પોશાગ ધરાવ્યા;

કરી સેવા તેની અંગીકાર, રીઝ્યા અક્ષરબ્રહ્મઆધાર. ૪૨

મહાભક્ત દામોદરદાસ, એક દિન જમ્યા એને આવાસ;

સતસંગીને સંતુષ્ટ કરી, ચાલ્યા વાજતે ગાજતે હરી. ૪૩

દરવાજે કાલુપુર જૈને, વળી શશપર8 સોંસરા થૈને;

જઈ ઉગમણે દરવાજે, હરિજનને કહ્યું મહારાજે. ૪૪

વળો પાછા શ્રીપુરના નિવાસી, રહો રાજી થશો ન ઉદાસી;

પાછા વાળ્યા બોલી એવા બોલ, ગયા ગિરધર ગામ નિકોલ. ૪૫

જમીને ગયા ત્યાંથી વેલાળે, ઉતર્યા તે તળાવની પાળે;

મુખ્ય સત્સંગી જેસંગભાઈ, એહ આદિક આવિયા ધાઈ. ૪૬

કર્યુ શ્રીજીનું બહુ સનમાન, સભા સારી સજી તેહ સ્થાન;

ભાઈ જેસંગે તો તેહ કાળ, કૃષ્ણ કાજે કરાવીયો થાળ. ૪૭

ત્યાં તો વાળું કર્યું વૃષલાલે, મુખવાસ લીધો જનપાળે;

ખીચડી પાળા કાજે કરાવી, કાઠી પાળાને તે પીરસાવી. ૪૮

તેમાં સાધુ જમ્યા કોય કોય, ઘણા જેહ ક્ષુધાતુર હોય;

જાણી શ્રીહરિએ વાત જ્યારે, સભા માંહિ ઉભા કર્યા ત્યારે. ૪૯

કહ્યું કેમ જમ્યા બીજી વાર, નહિ સાધુનો એહ આચાર;

જાણવામાં આવ્યું એહ કાળ, કોઈ માંદા હતા કોઈ બાળ. ૫૦

બહુનામીએ સહુને બેસાર્યા, પછી શિક્ષાના શબ્દ ઉચાર્યા;

જમે સાધુ તો એક જ વાર, ન કરે બીજી વાર આહાર. ૫૧

સોળ વર્ષમાં હોય અધુરાં, કાં તો એશી થયાં હોય પૂરાં;

કાં તો માંદા થયા હોય જ્યારે, ખાય ખીચડી તે બીજી વારે. ૫૨

તે વિના જે બીજી વાર ખાશે, સંત તે ગુરુદ્રોહી ગણાશે;

એવી વાત કરી મહારાજે, સુણી તે સહુ સંતસમાજે. ૫૩

કહ્યું જેસંગભાઈને ત્યારે, કાલે જાવું છે કણભે અમારે;

ત્યારે બોલીયા જેસંગભાઈ, એ શું બોલ્યા તમે સુખદાઈ. ૫૪

ઘણે દિવસે પધાર્યા છો નાથ, વાટ જોતો હતો સર્વ સાથ;

ભાત ભાતની દેવા રસોઈ, ક્યારે વારો પુછે સહુ કોઈ. ૫૫

કોઈને ઘેર જો ન જમાશે, અતિ અંતર એનું દુઃખાશે;

સુણી શ્યામ બોલ્યા એવી પેર, કાલ થાળ કરો સૌને ઘેર. ૫૬

કાલે ભોજન સૌ ઘેર કરશું, પછી પરમ દિને પરવરશું;

કહે ભક્ત લગાર જમાય, તેથી સૌને ન સંતોષ થાય. ૫૭

વાલો બોલ્યા કરીને વિવેક, જમશું અમે લાડુ અકેક;

પછી બીજે દિવસ એ જ પેર, પ્રભુ જમવા ગયા ઘેર ઘેર. ૫૮

સાથે જેસંગભાઈ એ જાય, જમતા નિરખી હરખાય;

સૌએ સંકેત એવો કરેલ, લાડુ મોટા કરીને ધરેલ. ૫૯

એક ઘેર બોલ્યા હરિરાય, મોટા લાડુ આ કેમ જમાય;

બોલ્યા જેસંગ જોડીને હાથ, જાડા લોક અહો અમે નાથ. ૬૦

જુઓ બોલી અમારી એ જાડી, જાડું ભોજન જમીયે દહાડી;

જાડી પાઘડી ધોતીયું જાડું, તેમ જાડા અમારા એ લાડુ. ૬૧

એવાં સાંભળી મર્મનાં વેણ, મંદ મંદ હશા સુખદેણ;

જાણી જે જે જને એહ વાત, એ તો અચરજ પામ્યા અઘાત. ૬૨

પણ એ નથી અચરજ જેવું, એમ અંતરમાં જાણી લેવું;

જેનું પેટ બ્રહ્માંડનું પાત્ર, લાડુ એટલા તે કોણ માત્ર. ૬૩

કર્યું અદ્‌ભુત એવું ચરિત્ર, પ્રાણી સાંભળી થાય પવિત્ર;

સ્નેહે સત્સંગી સર્વ સંભારે, મોટા મુનિજન ધ્યાનમાં ધારે. ૬૪

એક દિન હરિજન એક આવ્યો, ગાડું કેરિયોનું ભરી લાવ્યો;

અવિનાશીને અર્પણ કીધી, નાથે સૌ સંતને વેં’ચી દીધી. ૬૫

પછી ગામ ભુવાલડી થૈને, ઉતર્યા કણભા ગામ જૈને;

રહ્યા સરોવર પાળે ગોપાળ, ભક્ત નાથજીયે કર્યો થાળ. ૬૬

પ્રભુ ત્યાં થકી મેમદાવાદ, રહ્યા જૈ તહાં દિવસ એકાદ;

ભટ બેચર ને અંબારામ, આવ્યા દુલ્લભરામ તે ઠામ. ૬૭

સૌએ સેવા સજી શુભ રીતે, નિરખ્યા પ્રભુ પૂરણ પ્રીતે;

ગયા ગિરધર ખાત્રજ ગામ, ફલજી પરમારને ધામ. ૬૮

બીજા ભક્ત બાજી પરમાર, બેયને પ્રભુ ઉપર પ્યાર;

આમલો એક જોઈ એ ઠામે, સભા ત્યાં સજી સુંદરશ્યામે. ૬૯

શીવનો ઓટલો જોઈ સારો, સાંજે ત્યાં બેઠા ધર્મદુલારો;

ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય કેરી, કરી વારતા વાલે ઘણેરી. ૭૦

એક દિવસ વસીને સિધાવ્યા, વાંઠવાળિયે વાલમ આવ્યા;

પેખી પીંપર સરોવર પાળ, બેઠા ત્યાં જઈ દીનદયાળ. ૭૧

ત્યાંના પટેલ ઉત્તમદાસ, એક વિપ્ર વાલમ તેની પાસ;

બાવો ગુલાબગિર સાથે આવ્યા, ત્રણ ટોપલા કેરીયો લાવ્યા. ૭૨

ત્રણે ચિત્તમાં કીધો વિચાર, ભેટ કરશું કેરી જેહ વાર;

બબે સૌ સંતને વેંચી આપે, કેરી ખૂટે ન તેને પ્રતાપે. ૭૩

નિશ્ચે તો જાણશું ભગવાન, નહિ તો મહાપુરુષ સમાન;

પછી જૈ કેરીયો ભેટ કીધી, વાલે સૌને બબે વેંચી દીધી. ૭૪

પણ ખૂટી નહીં કરી જ્યારે, ત્રણેને થયો નિશ્ચય ત્યારે;

પામ્યા આશ્ચર્ય અંતરમાંય, નમ્યાં પ્રેમે પ્રભુજીને પાય. ૭૫

થયાં રોમાંચ તેનાં શરીર, આવ્યાં નેત્રમાં પ્રેમનાં નીર;

વ્રત ધારી થયા સતસંગી, પામ્યા ભક્તિ અનન્ય અભંગી. ૭૬

પછી વડથલ જૈ મહારાજા, વડ હેઠ પલંગે બિરાજ્યા;

રઘુનાથ અને કાળીદાસ, મંછારામ આવ્યા પ્રભુ પાસ. ૭૭

આમ્રફળ લાવીને ભેટ કીધાં, શ્યામે સંતને તે વેં’ચી દીધાં;

ગામમાં વિચર્યા ગિરધારી, હરિભક્તે સેવા સજી સારી. ૭૮

રહ્યા પાંચ દિવસ પરમેશ, ડડુસર ગયા દીનજનેશ;

ઉતર્યા ગલુભાઈને ઘેર, તેણે સેવા સજી શુભ પેર. ૭૯

ગયા ત્યાં થકી ચૂણેલ ગામ, તહાં ગામથી પશ્ચીમ ઠામ;

કુવો એક ને એક તળાવ, બેની વચ્ચે મેદાન દેખાવ. ૮૦

તહાં ઉતર્યા શ્રીઅવિનાશી, આવ્યા હરિજન ગામના વાસી;

મુખ્ય ભક્ત શુક્લ દયારામ, તેણે આવીને કીધો પ્રણામ. ૮૧

ઉમરેઠના જે નંદુભાઈ, તેની ભાણેજ ત્યાં માનબાઈ;

આવી દર્શન કરવા કાજ, નયણે નિરખ્યા મહારાજ. ૮૨

ઘોડાં શ્રીહરિ સાથેનાં જેહ, તરશાં દીઠાં તે સમે તેહ;

ઘડો દોરડું લૈ બાઈ આવી, પાયું પાણી કુવામાંથી લાવી. ૮૩

સૌએ તાણ રસોઈની કરી, જવા ઉતાવળા થયા હરી;

ત્યારે રોટલા લાવી તૈયાર, કાઠીયોને જમાડ્યા તે વાર. ૮૪

કર્યો માનબાએ ઝટ થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ;

ગયા હેરંજ ગામ દયાળ, બીરાજ્યા સરોવર તણી પાળ. ૮૫

એક તો ધર્મદાસ પટેલ, મહાભક્ત અનન્ય થયેલ;

બીજા બાવો રઘુવીરદાસ, આવ્યા તે પણ શ્રીપ્રભુ પાસ. ૮૬

બીજા પણ હરિભક્તે ત્યાં આવી, ભલી સેવા સજી મનભાવી;

ત્યાંથી સંચરિયા સુખરાશી, ઉમરેઠ ગયા અવિનાશી. ૮૭

સામા સૌ સતસંગીયો આવ્યા, વાજતે ગાજતે પધરાવ્યા;

ભલા ભક્ત ઠાકર નંદરામ, ઉતર્યા પ્રભુ તેહને ધામ. ૮૮

રસરોટલી ત્યાં રસવંત, ભગવંત જમ્યા જમ્યા સંત;

દવે દ્વિજ નરભેરામ નામ, બીજે દિન જમ્યા તેહને ધામ. ૮૯

ત્રીજે દિન જમી સંચર્યા શ્યામ, પુરથી ગયા પશ્ચિમ ઠામ;

એક મૂકીને બીજે વિસામે, લીધો વિશ્રામ સુંદરશ્યામે. ૯૦

વળાવા આવેલા જન ત્યાંય, સૌને પાછા વાળ્યા પુરમાંય;

પ્રભુમાં બહુ તેહનો પ્રેમ, જતાં પગલું ભરી શકે કેમ. ૯૧

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિજન ઉમરેઠના હરિને, અતિ રતિથી નિરખે ફરી ફરીને;

મુનિજન પણ જોઇને વખાણે, જનતન છે પણ મુક્ત શ્રેષ્ઠ જાણે. ૯૨

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિશ્રીનગરાચ્ચારુતરપ્રાંતવિચરણનામૈકોનસપ્તતિતમો વિશ્રામઃ ॥૬૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે