કળશ ૭

વિશ્રામ ૭

પૂર્વછાયો

ખોખરા મેમદાવાદમાં રહ્યા હતા શ્રીજીમહારાજ;

ગામમાં ઝોળી માગવા, જતા સંત તે જનહિત કાજ. ૧

ચોપાઈ

એક દિન સંત માગવા ગયા, ભેખધારી બાવા ભેળા થયા;

આણ્યું સાધુ ઉપર્ય એણે વેર, ઝાઝું આંખમાં રાખિને ઝેર. ૨

કહ્યું પાખંડ કેમ ચલાવો, અમારા શિષ્યને ભોળવાવો;

આજ આવ્યા છો હાથ અમારે, કરો સ્મરણ જે કરવું તમારે. ૩

પકડ્યા એમ કહિ તજિ દયા, ગોમતીપરમાં લઈ ગયા;

મુનિયોને તહાં બહુ માર્યા, અપશબ્દ અનેક ઉચ્ચાર્યા. ૪

હતો વૃદ્ધ વેરાગી છે ત્યાંય, તેને આવી દયા દિલમાંય;

તેણે સંતોને ત્યાંથી છોડાવ્યા, સંત શ્રીજીની આગળ આવ્યા. ૫

વાત વેરાગિયોની ઉચ્ચારી, થયા દિલગીર દેવ મુરારી;

મુખથી કહે સંતોને માવો, સર્વે સૂરત શહેર સિધાવો. ૬

તહાં છે અંગરેજનું રાજ, સુખ પામશો સંતસમાજ;

હતો વિક્રમ સંવત જ્યારે, અષ્ટાદશ શત છપન ત્યારે. ૭

અમે પગલું જ્યાં લોજમાં દીધું, ત્યારે સૂરત સરકારે લીધું;

રક્ષા સંતની કરવાને કાજ, એને ઇશ્વરે આપ્યું છે રાજ. ૮

કહે સંત ત્યાં જાશું જરૂર, પણ સૂરત છે બહુ દૂર;

ક્યારે આપનાં દર્શન થાશે, કેમ વિયોગથી રહેવાશે. ૯

એવું સાંભળી શ્યામ સુજાણે, એક લાલજી આપ્યા તે ટાણે;

કહ્યું આ મૂરતી વિષે અમને, ધારશો તો જણાઈશ તમને. ૧૦

મુખ્ય ભક્ત છે ત્યાં ઇચ્છાબાઈ, બીજા છે અરદેશરભાઈ;

ત્રીજા છે શેઠ તો ભાઇચંદ, લક્ષ્મીચંદ છે સદ્‌ગુણવૃંદ. ૧૧

તેઓને પુછી કરજો વિચાર, સ્થાપજો લાલજી તેહ ઠાર;

મહીમા એનો વધશે વિશેષ, થાશે પ્રખ્યાત દેશ વિદેશ. ૧૨

એમ કહી તહાં મોકલ્યા સંત, ખોખરામાં રહ્યા ભગવંત;

બાવો એક લોલંગર હતો, અખાડો તેનો ત્યાં હતો છતો. ૧૩

વેરાગી રહે હથિયારબંધ, હતા તે અભિમાનમાં અંધ;

પ્રભુ ઉપર તે ધસી આવ્યા, પાળા ક્ષત્રિય સામા સિધાવ્યા. ૧૪

અતિ યુદ્ધ થયું એહ ઠાર, બિજા ગ્રંથોમાં છે તે વિસ્તાર;

બિજો દિવસ થયો પછી જ્યારે, સંઘ આવ્યો ડભાણનો ત્યારે. ૧૫

કરી વંદન નિરખિયા નાથ, પછી વિનંતિ કરી જોડી હાથ;

દીનબંધુ ડભાણ પધારો, તહાં યજ્ઞ કરો અતિ સારો. ૧૬

અમે તેડવા આવિયા આજ, માટે ચાલો તહાં મહારાજ;

સુણી બોલિયા શ્યામ વચન, કર્યો જેતલપુરમાં જગન. ૧૭

તેથી વેરાગિયો બળ્યા દાઝે, કરે છે હરકત તેહ કાજે;

ઉપદ્રવ ઉઠ્યો છે ગામોગામ, ભેખ ભેળા થયા ઠામ ઠામ. ૧૮

નથિ ફરિયાદ સુણતા રાય, નથિ શ્રીમંતો કરતા સહાય;

એવો છે આજ આપતકાળ, માટે જજ્ઞ નહીં થાય હાલ. ૧૯

કહું આપતકાળના ધર્મ, સુણી મનમાં વિચારજો મર્મ;

કહિ એમ બિજાઓને કાજ, ઉચ્ચર્યા મુખે શ્રીમહારાજ. ૨૦

ઉપજાતિ (આપત્કાળ વિષે)

મનુષ્યને આપતકાળ આવે, ત્યારે કશું કામ કર્યે ન ફાવે;

જે કામ જાણી સવળું કરે છે, તથાપિ તે તો અવળું ઠરે છે. ૨૧

સુશિષ્ય કે સેવક મિત્ર નારી, સદૈવ દિસે અતિ સ્નેહકારી;

તથાપિ તે આપતકાળ માંય, ખોટા ખરાની વિગતી જણાય. ૨૨

જુવાન જે સેવક હોય સારો, આપત્તિમાં તે નિપજે નઠારો;

કહે ધણી કોશ1 જવાનું કામ, તો માગશે વાહન તેહ ઠામ. ૨૩

જે મિત્ર ચાલી મળવા જ આવે, તે મિત્ર આપત્તિ સમે રિસાવે;

જો આપિયે વાહન બેસવાને, તથાપિ આવે નહિ કાંઈ બાને. ૨૪

જો ભાઈ પુત્રી ભગિની કહાવે, તે આપણું દ્રવ્ય લઈ સિધાવે;

સારે સમે જો મન હોય શુદ્ધ, તે થાય આપત્તિ સમે વિરુદ્ધ. ૨૫

આપત્તિ કાળે વિશ્વાસ જાય, સ્નેહિ સગામાં પણ ઝેર થાય;

મહાસતિ જે દમયંતિ રાણી, નળે તજી તે નિજ શત્રુ જાણી. ૨૬

જે સત્યવાદી ધરમી કહાવે, તેને જહાં આપતકાળ આવે;

મિથ્યા કલંકો શિર લોક મૂકે, ચડાવતાં ચોરિ નહિ જ ચૂકે. ૨૭

પોતા તણું જેહ ગણાય અંગ, આપત્તિમાં જાય જ શત્રુ સંગ;

જો ઝાડનો છેદનકાળ આવે, હાથો મળે કાષ્ઠ કુહાડિ ફાવે. ૨૮

જે પુત્રમાં પ્રાણ થકી વિશેષ, માતા પિતા હેત ધરે હમેશ;

તે આપદે શત્રુ સમાન થાય, બિજા તણી શી કહિયે કથાય. ૨૯

આપત્તિ આવે અતિ જેહ ઠામ, જવું વિદેશે તજિ તેહ ગામ;

દાવાગ્નિ જ્યારે વનમાંહિ થાય, ત્યારે પશુઓ પણ નાશી જાય. ૩૦

જો કોઈને કાંઈ કદાપિ દૈયે, તે આપણી તો વગ2 જાણિ લૈયે;

તથાપિ આપ્યું સહુ વ્યર્થ જાય, આપત્તિમાં તે ન કરે સહાય. ૩૧

શાર્દૂલવિક્રીડિત

આપી કૌસ્તુભ સાથ પુત્રી નિધિએ વૈકુંઠના નાથને,

સોંપ્યો શંકરને શશી વળી સુધા સર્વે સુરો સાથને;

સોંપ્યો હસ્તિ સુરેન્દ્રને3 હય4 દિધો જે સૂર્યને જોઈયે,

પીધો સિંધુ અગસ્ત્ય તો બળ કશું કીધું નહીં કોઈયે. ૩૨

મારે તીર શિકારિ કોઈ મૃગને તે નાશિ સંતાય છે,

તો તેના જ રુધીરનાં અવનિમાં ચિહ્નો તહાં થાય છે;

તે આધાર વડે શિકારી મૃગને મારે જઈ જ્યાં રહ્યું,

જો જો આપતકાળમાં સ્વતનનું શોણીત શત્રૂ થયું. ૩૩

રાજા રંક મનુષ્ય દેવ સહુને આપત્તિ આવે સહી,

માટે ધીરજ ધર્મ ધારિ ધરવી નિશ્ચે મુંઝાવું નહીં;

મોટું કાર્ય કશુંય આપત સમે શાણા નહીં આદરે,

આશ્રો એક જ ઇષ્ટનો દૃઢ ધરી આપત્તિ ઓછી કરે. ૩૪

આપત્કાળ સમે પ્રભૂની નવધા ભક્તી ભલી કીજિયે,

કાં તો ગ્રંથ ચરિત્રના જ રચવા તે લક્ષમાં લીજિયે;

જેથી સંકટ સર્વ જાય વિસરી લીલા સદા સાંભરે,

તેથી કૃષ્ણ કૃપાનિધાન કરુણા આપત્તિ કાળે કરે. ૩૫

ચોપાઈ

વદીને એવાં શુદ્ધ વચન, સમઝાવ્યા ડભાણના જન;

પછી એમ બોલ્યા પરમેશ, અમે જાશું હવે કચ્છ દેશ. ૩૬

ત્યાંથી મોકલશું સંત જ્યારે, લેજો સામાન જજ્ઞનો ત્યારે;

એમ કહીને સિધાવિયા શ્યામ, ગયા શ્રીહરિ સાદરે ગામ. ૩૭

લાકરોડે ગયા ધર્મલાલ, નાહ્યા ત્યાંની નદીમાં દયાળ;

વસ્ત્ર ધોતો હતો ભાવસાર, તેણે ચિત્તમાં કિધો વિચાર. ૩૮

મને ધોતિયું ધોવાને આપે, તો હું જાણું પ્રભુ આપોઆપે;

જાણી અંતરજામિયે વાત, બોલ્યા શ્રીમુખથી સાક્ષાત. ૩૯

ભાઈ આ ધોતિયું ધોઈ આપો, સુણી તેને દિલે સ્નેહ વ્યાપો;

પ્રભુ જાણીને કીધા પ્રણામ, ધોતિયું ધોઈ આપ્યું તે ઠામ. ૪૦

સારો તે તો થયો સતસંગી, લાવ્યો બરફી ને પેંડા ઉમંગી;

નદિકાંઠે શિલા શુભ ભાળી, જમ્યા ત્યાં બેસીને વનમાળી. ૪૧

ત્યાંથી વાલો વિજાપુર ગયા, પ્રાગજી ભક્તને ઘેર રહ્યા;

ત્યાંથી મેઉ ગયા મહારાજ, પછી કાલરિયે ભક્ત કાજ. ૪૨

મેઘાભક્તને દર્શન દીધું, રહી રાત્ય ત્યાં ભોજન કીધું;

ગયા ગોતરકે ગિરધારી, ત્યાંથી સાંતલપુર સુખકારી. ૪૩

આડેસર ગયા શ્રી અવિનાશ, ભીમાસર રહ્યા ક્ષત્રિને વાસ;

ગયા સાપર થૈને આધોઈ, જન રાજી થયા મુખ જોઈ. ૪૪

દેતા એ રીતે દર્શનદાન, ભુજનગર ગયા ભગવાન;

થોડા દિવસ કરી ત્યાં નિવાસ, ફર્યા ગામડામાં આસપાસ. ૪૫

દૈવી જીવને દૈ ઉપદેશ, સતસંગ વધાર્યો વિશેષ;

પોતે પ્રૌઢ પ્રતાપ જણાવ્યો, નિજરૂપનો નિશ્ચે કરાવ્યો. ૪૬

ગિરધારી ગયા તેરે ગામ, ત્યાંથી સરલીયે સુંદરશ્યામ;

નાહ્યા વિરડામાં રુડી પેર, રહ્યા માનજી ઠાકોર ઘેર. ૪૭

ગયા રંગપરે રંગરેલ, થયા રાજી ત્યાં રવજી પટેલ;

જમતા હરિ ને સંત ત્યાંય, જતા નાવા ગંગા નદીમાંય. ૪૮

પાછા ત્યાંથી આવ્યા પ્રભુ તેરે, રહ્યા નથુ સુતારને ઘેરે;

માવજી નોંઘા નાગજી નામ, તે સુતારે સેવ્યા ઘનશ્યામ. ૪૯

પ્રાગજી ભટને ત્યાં તેડાવી, કથા શ્રીહરિકૃષ્ણે કરાવી;

મુક્તાનંદ અને બ્રહ્માનંદ, કહે બેયને વૃષકુળચંદ. ૫૦

સંત બેય ડભાણ સિધાવો, જૈને જજ્ઞનો જોગ કરાવો;

જજ્ઞ સામાન જોઇયે જેહ, તમે રાખો મગાવીને તેહ. ૫૧

ત્યાંના રગનાથદાસ પટેલ, સતસંગી છે સારા થયેલ;

તમે તેને કરી આગેવાન, કરો સંગ્રહ સર્વ સામાન. ૫૨

ઉમરેઠે ઠાકર રુપરામ, દવે નામ છે નિરભય રામ;

નડિયાદના જન કહું નામ, ગંગારામ ને મોહનરામ. ૫૩

મેમદાવાદમાં જેનું ધામ, અંબારામ ને દુર્લભરામ;

વરતાલમાં જેનો નિવાસ, પાટીદાર છે રણછોડદાસ. ૫૪

કાશીદાસ બોચાસણ માંઈ, કરજીસણમાં નાનાભાઈ;

રધવાણજના હરિભક્ત, અતિ છે મુજ ચરણઆસક્ત. ૫૫

એહ આદિક તેડાવી લેજો, જેને જોગ્ય તેવું કામ દેજો;

લોલંગર બાવાને તો દિલથી, હજી રીસ તે ઉતરી નથી. ૫૬

રખે તે કરે કાંઈ તોફાન, તમે તેથી રહો સાવધાન;

કાઠી રજપુતના અસવાર, અમે લાવશું સાથે અપાર. ૫૭

ફરતાં ફરતાં તમ પાસે, અમે આવશું મૃગશિર5 માસે;

યજ્ઞ આરંભ ત્યારે કરાશે, પોષી પુનમે પૂરણ થાશે. ૫૮

કાઠિયાવાડ સોરઠમાંય, મોકલશું કંકોતરી ત્યાંય;

જન સૂરતનાને સંભારી, લખશું જ કંકોતરી સારી. ૫૯

ઝાલાવાડે તથા ગુજરાતે, કહેજો તમે મુખથી જ જાતે;

લખવું પડે જો વળી ક્યાંય, તમે મોકલજો લખી ત્યાંય. ૬૦

અમે પણ જે જે ગામ રહેશું, ત્યાંના ભક્તજનોને કહેશું;

એમ ઉચરી વૃષકુળરાય, બેય મંડળ કીધાં વિદાય. ૬૧

પછી સોરઠ આદિક દેશે, લખી કંકોતરી પરમેશે;

વેરાગીના જે મોટા અખાડા, લખી ત્યાં પણ પત્ર પો’ચાડ્યા. ૬૨

ગુજરાતે લોલંગર બાવો, તેના ઉપર પત્ર લખાવ્યો;

ખોખરા મેમદાવાદ માંય, અમે સેવા બની નથી ત્યાંય. ૬૩

આવશો જો ડભાણમાં તમે, સેવા સારી બજાવશું અમે;

એમ પત્ર લખી એહ સ્થાન, ભુજનગર ગયા ભગવાન. ૬૪

પુષ્પિતાગ્રાવૃત્ત

ભુજ રહિ ભગવાન ભક્તિનંદ, પુનિત ચરિત્ર કર્યાં ઘણાં મુકુંદ;

વરણન કરતાં ન પાર આવે, શિવસુત લેખક વ્યાસ જો લખાવે. ૬૫

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિકચ્છદેશ-વિચરણનામ સપ્તમો વિશ્રામઃ ॥૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે