કળશ ૭

વિશ્રામ ૭૦

પૂર્વછાયો

અક્ષરપતિ ઉમરેઠથી, ચાલ્યા કાઠી ને સંત સહિત;

રતનપુર ડાગજીપરે, પછી ભાળજ ગયા નિર્મીત. ૧

ચોપાઈ

જોયું રાહતલાવ જે ગામ, ત્યાંથી સામરખે ગયા શ્યામ;

જઈ વખતા પગીને નિવાસ, ઉતર્યા તેની પુરવા આશ. ૨

ગામ આણંદના હરિજન, આવ્યા ત્યાં કરવા દરશન;

પંડ્યા દિનકર ને લક્ષ્મીદત્ત, જેનો સ્નેહ પ્રભુપદ સત્ય. ૩

હરિશંકર ને છે જેભાઈ, અજુભાઈ આવ્યા વળી ધાઈ;

પ્રભુપદને કરીને પ્રણામ, કહ્યું વિનતિ કરીને તે ઠામ. ૪

પ્રભુ ગામ અમારે પધારો, કરો વાસ પવિત્ર અમારો;

સુણી બોલિયા શ્રીપરમેશ, ત્યાં તો દ્વેષી જનો છે વિશેષ. ૫

ઈન્દ્રવજ્રા

આણંદ ચાલો અમને કહો છો, આનંદ થાવા ઉરમાં ચહો છો;

આણંદમાં છે જન દ્વેષિ કેવા, આ નંદનાં1 વૃંદ ગમે ન એવા. ૬

ચોપાઈ

અતિ કરશે ઉપદ્રવ એહ, એમાં લેશ ન જાણો સંદેહ;

માટે આંહીંથી દર્શન કરો, પાછા ઘેર તમે પરવરો. ૭

સુણતાં થયા દ્વિજ દીલગીર, સૌનાં નેત્રમાં આવિયાં નીર;

વારે વારે કહ્યું જોડી હાથ, આવો આણંદમાં કૃપાનાથ. ૮

ભક્તને વશ છે ભગવાન, દીધું ત્યાં જવાનું વાક્યદાન;

જોવો સર્વેનો ધીરજ ધર્મ, એવો ઊંડો હતો વળી મર્મ. ૯

એક કામમાં તો ઘણાં કામ, કરતા હતા શ્રીઘનશ્યામ;

થઈ ભોજનની ત્યાં તૈયારી, જમ્યા સૌ મનમાં મુદ ધારી. ૧૦

ગામથી પૂર્વ પાદરમાંય, ગયા સારો વિસામો છે ત્યાંય;

સભા ત્યાં ભરી સુંદર શ્યામે, કહ્યું સૌ જનને તેહ ઠામે. ૧૧

સુણો સંત તથા સહુ પાળા, સુણો કાઠી સહુ શસ્ત્રવાળા;

સુણો દાદા ખાચર શૂરવીર, ભગુજી પારષદ રણધીર. ૧૨

ભલા ક્ષત્રી સુણો પુજાભાઈ, ઝીણાભાઈ તથા કાકાભાઈ;

મુમજી જમાદાર ચુવાણ, પગી જોબન આદિ સુજાણ. ૧૩

તમે છો તો સુભટ સહુ કેવા, જોતાં ભીમ ને અર્જુન જેવા;

અપમાન સહો નહિ લેશ, પણ માનો છો મુજ ઉપદેશ. ૧૪

માટે આજ કહું છું હું તમને, નિરમાનપણું ગમે અમને;

કોઈ વાંક વગર અપમાન, કરે તોય તે ધરશો ન કાન. ૧૫

કહે સંતને શ્રીભગવંત, તમે સૌ રહેજો ક્ષમાવંત;

આવ્યા અક્ષરધામથી જ્યારે, આપણે કર્યું છે દૃઢ ત્યારે. ૧૬

ક્ષમાં ખડગ વડે એહ વાર, હરવો છે ભૂમી તણો ભાર;

માટે જો દુઃખ આપે અજાણ, તોય ઇચ્છજો એનું કલ્યાણ. ૧૭

ક્ષમા રાખશો અંતરે ધારી, થશે ત્યાં સુધી જીત તમારી;

લડશો અભિમાનથી જ્યારે, હાર્ય પામશો નિશ્ચય ત્યારે. ૧૮

એવી વાત ઘણી ઘણી કરી, પછી ઉતારે જૈ પોઢ્યા હરી;

પરભાતે ઉઠી પરવરિયા, રસ્તે આણંદ કેરે સંચરિયા. ૧૯

પથમાં આવ્યું સાદાનું પરું, તેને પણ મુક્યું પાછળ ખરું;

વાટે આવિયું વનમાં તળાવ, તહાં ઉતર્યા નટવર નાવ. ૨૦

નિરખી તહાં નિર્મળ નીર, કર્યું સ્નાનાદિ શ્યામશરીર;

મુકુંદાનંદ વર્ણિએ આવી, ધર્યો પેંડા તણો ડબો લાવી. ૨૧

વળી એ રીતે કીધો ઉચ્ચાર, મહારાજ કરો ફળાહાર;

કોણ જાણે પછીથી શું થશે, રાંધ્યું વિપ્રનું કોણ જમશે? ૨૨

મુક્તાનંદને કહે બહુનામી, આ છે વર્ણિ શું અંતરજામી?

એહ બોલે છે એમ જ થાશે, કોઈનો ભાગ કોઈક ખાશે. ૨૩

ઘોડાં પણ હહણીને રહ્યાં છે, જાણે યુદ્ધ તૈયાર થયાં છે;

સુણી કાઠી બોલ્યા ભિન્ન ભિન્ન, એ તો અચળ છે યુદ્ધનું ચિહ્ન. ૨૪

આજ કાંઈ ઉપદ્રવ થાય, એવાં ચિહ્ન આ અમને જણાય;

પછી ત્યાંથી સહુ તે સિધાવ્યા, ગામ આણંદ આગળ આવ્યા. ૨૫

ચારે વિપ્રે આગળથી સિધાવી, રસોઈ કરવાને મંડાવી;

સારા સારા ઉતારા ઠરાવ્યા, પછી સામૈયું લૈ સામા આવ્યા. ૨૬

પેઠા પુરમાં હરિ કેવી રીતે, તેની વિગત કહું ધારો ચિત્તે;

ચાલ્યા હરિજન પ્રથમ અનંત, પછી સંચર્યા વર્ણિ ને સંત. ૨૭

પછી શસ્ત્રધારી અસવાર, કાઠી રજપુત આદિ અપાર;

તેની વચ્ચે મહાપ્રભુ રાજે, છબિલો ઘોડી ઉપર છાજે. ૨૮

કીરતનથી ગાજી રહ્યું ગામ, જોવા લોક મળ્યા ઠામોઠામ;

મતપંથી ગુરુ હતા જેહ, દીલમાં અતિ દાઝિયા તેહ. ૨૯

રામકૃષ્ણ તથા હરિભાઈ, બેની પંડ્યાની સાખ્ય ગણાઈ;

હતાં વલ્લભિમંદિર2 ઘેર, લોક પુજે તેને બહુ પેર. ૩૦

જાણ્યું સૌ શિષ્ય આપણા જાશે, પેટ આપણું કેમ ભરાશે;

જય સ્વામિનારાયણ કેરી, સુણિ ઉર લાગી લાય ઘણેરી. ૩૧

પાપીયે લોકને ઉશકેર્યા, પ્રભુને દુઃખ દેવાને પ્રેર્યા;

ભરચૌટામાં આવિયા જ્યારે, પુરના જન ઉપડ્યા ત્યારે. ૩૨

કોઈ ધૂળ કે ઇંટાળા નાંખે, ભૂંડી ગાળો કોઈ મુખે ભાખે;

મારો મારો મુખેથી ઉચ્ચારે, કોઈ વચમાં પડીને ન વારે. ૩૩

સંત જે સનકાદિક જેવા, પૂજે ઇંદ્ર બ્રહ્માદિક એવા;

તેના ઉપર તો પડી ધૂળ, લેશ ક્રોધનું ઉપજ્યું ન મૂળ. ૩૪

સાંખી ગાળો ને સાંખ્યા ટુંકારા, જડભરત થકી શોભે સારા;

એની ધીરજ જોવાને કાજે, એવો જોગ મળ્યો મહારાજે. ૩૫

ઉપજાતિવૃત્ત (કેણી તથા રેણી વિષે)

સહેલી છે સૌ કથવી કહેણી, અને મહાદુષ્કર છે રહેણી;

ખરી પરીક્ષા ન થઈ નિદાન, અસંત ને સંત દિસે સમાન. ૩૬

વૈરાગ્ય ને જ્ઞાન તણી કથાય, સાધુ થઈને ઉચરે સદાય;

જ્યારે ઘણો આપતકાળ આવે, સાધુપણું તેહ સમે તજાવે. ૩૭

શસ્ત્રો ધરીને શૂરવીર થૈને, બોલે બડા બોલ બજાર જૈને;

સંગ્રામ મધ્યે શિર જ્યાં કપાય, સાચા શૂરા તેહ સમે જણાય. ૩૮

નારી નિહાળી ચળ થાય ચિત્ત, કે લોભ લાગે વળિ દેખી વિત્ત;

કે માનભંગે ઉર ક્રોધ આવે, કદાપિ તે સંત નહીં કહાવે. ૩૯

સાધૂ તણે વેષ રહેલ શોભી, જો કામિ કે ક્રોધિ જણાય લોભી;

તેને પુજ્યાથી નહિ પુણ્ય થાય, જાણો ગુરુ તે નરકે જ જાય. ૪૦

જો સંતનો નાટકિ વેષ લાવે, ખરેખરો વેષ ભલે ભજાવે;

તેનાથી કામાદિ નહીં જિતાય, એવા ગુરુથી નહિ મુક્તિ થાય. ૪૧

વને જઈને કરવો નિવાસ, કે તીર્થ માટે કરવો પ્રવાસ;

કૌપીન કંથા ધરવી સહેલ, સાધુ થવું તે નથી બાળખેલ. ૪૨

જે સંત ઝાઝું અપમાન સાંખ્યું, સ્ત્રીદ્રવ્યમાં ચિત્ત કદી ન રાખ્યું;

અરે મને ક્યાં જન સાધુ એવા, પ્રત્યક્ષ એ તો પરમેશ જેવા. ૪૩

ચોપાઈ

સાધુએ સહ્યું અતિ અપમાન, ભાળી રાજી થયા ભગવાન;

હરિજન ઉપરે ધૂળ નાખી, રુદે તેઓએ પણ ક્ષમાં રાખી. ૪૪

કાઠી ક્ષત્રી હતા અસવાર, જેને હાથે હતાં હથિયાર;

તેના ઉપર ધૂળ નખાણી, હરિ આજ્ઞા થકી ક્ષમા આણી. ૪૫

પ્રભુજી જેહ પ્રાણથી પ્યારા, પ્રેમીભક્તના નેણના તારા;

વધાવે જેને સોનાને ફૂલે, વસ્ત્ર તેનાં ભરાયાં છે ધૂળે. ૪૬

જેને કોટિ બ્રહ્માંડના ભૂપ, ધરે ચંદન પુષ્પ ને ધૂપ;

જેની શક્તિ અનંત અપાર, કહેતાં શેષ પામે ન પાર. ૪૭

કાળ માયા જેનાથી ડરે છે, જમ જેહની આજ્ઞા ધરે છે;

થયું તેનું અતિ અપમાન, તોય તે તો રહ્યા ક્ષમાવાન. ૪૮

ધૂળ ઇંટાળા ઉછળે છાણ, છાંટે કાદવ કોઈ અજાણ;

રસ બીભત્સમય છબી ભાસે, જોઈ જનમન ગ્લાની પ્રકાશે. ૪૯

ભગુજીને ચડ્યો ઉર ક્રોધ, તાણી તરવાર કરવા વિરોધ;

પગી જોબને ચાપ ચડાવ્યું, એને અંગે શૂરાતન આવ્યું. ૫૦

દાદા ખાચરે બરછી ઉગામી, બોલ્યા શ્રીસહજાનંદસ્વામી;

કરશે શસ્ત્રનો ઘાવ જેહ, ગુરુદ્રોહી વચનદ્રોહી તેહ. ૫૧

વળી બોલિયા વિશ્વઆધાર, ચાલો પાછા સહ પુર બહાર;

ક્ષત્રિયોને લાગ્યું દુખદેણ, કેમ લોપાય વાલાનું વણ. ૫૨

ભગુજીએ ત્યારે શાપ દિધો, જેણે આવો ઉપદ્રવ કિધો;

તેના ઉશ્કેરનારનો વંશ, પુત્રીનો પણ નહિ રહે અંશ. ૫૩

પાછા પાદરમાં સહુ ગયા, પુરજનને આવી નહિ દયા;

વાડી ગોસાઇની એક જ્યાં છે, વડવૃક્ષ સુશોભિત ત્યાં છે. ૫૪

ઉભા ત્યાં જઈને ભગવાન, કુવામાંથી કર્યું જળપાન;

બાકરોલ ગયા બહુનામી, અક્ષરાધીશ અંતરજામી. ૫૫

લાવ્યા કેરિયો કરશનદાસ, લાવી મુકી પ્રભુજીની પાસ;

શ્યામે તે સહુને વેં’ચી દીધી, પછી વરતાલની વાટ લીધી. ૫૬

જ્ઞાનબાગમાં આમલા પાસ, સજી બેઠા સભા અવિનાશ;

કહે શ્રીહરી આપણે ફાવ્યા, કેવા જીતીને ત્યાં થકી આવ્યા. ૫૭

બોલ્યા બ્રહ્મમુની મુખે વાણી, જીત્યા તે શું કહ્યું વખાણી;

મારા શિરમાં ભરાયો ગુલાલ, જશે તે પ્રમદાડે કે કાલ. ૫૮

ભલા ગોમય3 ચંદને ચર્ચ્યા, ઇંટાળા પુષ્પથી વળી અર્ચ્યા;4

હળદી કાજુ કેશર રંગે, બાકી છે તે ચડાવશું અંગે. ૫૯

ગોમતીનો કાદવ કોઈ લાવે, તેનાં તિલક તો કરવામાં આવે;

પણ કાદવ આણંદ કેરી, ક્યારે ચરચાત અંગે ઘણેરો. ૬૦

ફુટ્યું તુંબડું ને ફુટ્યું પત્ર, એ તો મળશે વળી ક્યાઈ અત્ર;

અમે ગોરવમાં5 ક્યારે જાત, આવી ગાળો ઘણી ક્યારે ખાત. ૬૧

જમે ગોરવ સાંખે6 ઉપાધી, જમ્યા વગર આ તો ગાળો ખાધી;

આજ તો ઓરિયા7 બધા વિત્યા, આજ ઇડરીયો ગઢ જીત્યા. ૬૨

હાસ્યરસ એમ વાતમાં લાવ્યા, સ્વામિએ જન સૌને હસાવ્યા;

સુણી બોલ્યા હરી કરી પ્રીત, ક્ષમા થૈ એ જ આપણી જીત. ૬૩

લડ્યા હોત તો વેર બંધાત, ફરી આપણે ત્યાં ન જવાત;

ત્યાંના જન મનમાં પસતાશે, સતસંગી સારા તેમાં થાશે. ૬૪

સુખે આવી બેઠા છૈયે અહીં, લડ્યા હોત તો બેસાત નહીં;

જવું પડત કચેરીમાં ક્યાંઈ, પસતાત પુરા મન માંઈ. ૬૫

બોલ્યા ત્યાં મુમજી મારવાડી, આજ લાજ અમારી ઘટાડી;

શૂરા અમને નહીં કોઈ ભાખે, રાજા ચાકરીમાં નહીં રાખે. ૬૬

સુણી બોલ્યા શ્રીજીમહારાજ, તમારી તો ઘટી નથી લાજ;

તમે માની જે આજ્ઞા અમારી, તેથી શોભા વધી છે તમારી. ૬૭

પછી નાથ પધાર્યા ઉતારે, કર્યો વણિએ થાળ તે વારે;

ભલી રીતે જમ્યા ભગવંત, જમ્યા પાર્ષદ ને જમ્યા સંત. ૬૮

પુષ્પિતાગ્રાવૃત્ત

ધરિ નિજ ઉરમાં ક્ષમા અપાર, જનકૃત કષ્ટ સહ્યાં અનેક વાર;

અવગુણ પણ એ રીતે અમારા, નવ ધરશો ઉર ધર્મના દુલારા. ૬૯

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

આણંદાખ્યપુરે જનકૃતઉપદ્રવનિરૂપણનામ સપ્તતિતમો વિશ્રામઃ ॥૭૦॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે